08 August, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન શેરા સાથે અને શેરાનાં પિતા
બૉલિવૂડ ઍકટર સલમાન ખાન સાથે તેના પર્સનલ બોડીગાર્ડ શેરા પણ સતત ચર્ચામાં રહે છે. જોકે તાજેતરમાં શેરા વિશે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સલમાનના બોડીગાર્ડ શેરાના પિતા સુંદર સિંહ જોલીનું 7 ઑગસ્ટ, ગુરુવારે મુંબઈમાં અવસાન થયું છે. તેમના નિધનથી શેરા શોકમાં ડૂબી ગયો છે. સુંદર સિંહ જોલી અનેક સમયથી કૅન્સર સામે લડી રહ્યા હતા. તેમના અવસાન સમયે તેઓ 88 વર્ષના હતા.
શેરાએ તેના પિતાના અવસાન અંગે એક સત્તાવાર નિવેદન શૅર કર્યું અને લખ્યું, "મારા પિતા સુંદર સિંહ જોલી આજે સ્વર્ગસ્થ થયા છે. અંતિમ યાત્રા મારા નિવાસસ્થાન 1902, ધ પાર્ક લક્ઝરી રેસિડેન્સ, લોખંડવાલા બેક રોડ, ઓશિવારા, અંધેરી વેસ્ટ, મુંબઈથી સાંજે 4 વાગ્યે શરૂ થશે." આ સાથે સલમાન પણ દિવસના અંત સુધી શેરાના પરિવારની મુલાકાત લેવા અહીં આવે તેવી શક્યતા છે. થોડા મહિના પહેલા જ શેરાએ પિતાના જન્મદિવસ પર તેમના માટે એક હૃદયસ્પર્શી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી. "સૌથી મજબૂત માણસ, મારા ભગવાન, મારા પિતા, મારી પ્રેરણાને 88મા જન્મદિવસની શુભકામનાઓ! મારામાં રહેલી દરેક શક્તિ તમારા તરફથી આવે છે. હું તમને હંમેશા પ્રેમ કરું છું પિતા!," શેરાએ તેના પરિવારના ફોટા સાથે કૅપ્શન લખ્યું.
શેરા વિશે કેટલીક રસપ્રદ બાબતો
સલમાન ખાનના બૉડીગાર્ડ તરીકે પ્રખ્યાત થયેલા શેરાનું સાચું નામ ગુરમીત સિંહ જોલી છે, તે અનેક દાયકાઓથી સલમાન સાથે સંકળાયેલા છે અને તે અનેક વર્ષોથી સુપરસ્ટારનો પર્સનલ બોડીગાર્ડ છે, ત્યારે શેરાની કંપની, ટાઇગર સિક્યુરિટી, હૃતિક રોશન, કરીના કપૂર ખાન અને કૅટરિના કૈફ સહિત અનેક ટોચના બૉલિવૂડ સ્ટાર્સને પણ સિક્યુરિટી સર્વિસ પૂરી પાડે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ શેરા અને તેની કંપનીએ માઇક ટાયસન અને જસ્ટિન બીબર જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓને પણ સુરક્ષા પૂરી પાડી છે.
સલમાન સાથે કામ કરવા અંગે શેરા
ગયા વર્ષે એક ઇન્ટરવ્યુ દરમિયાન, શેરાએ સલમાનને સુરક્ષા પૂરી પાડતી વખતે તેના પડકારો પર ખુલાસો કર્યો હતો. "સલમાન ખાનને પોતાના જીવનો ખતરો છે, જે સ્ટાર્સને જીવનો ખતરો હોય છે તેમના માટે ભીડમાં જવું મુશ્કેલ હોય છે. જ્યારે તમે સુરક્ષામાં હોવ છો, ત્યારે યોગ્ય સમયે નિર્ણય લેવાનો હોય છે." શેરાએ કહ્યું હતું કે સલમાન સાથે સૌથી મોટો પડકાર તેની આસપાસની ભીડનું સંચાલન કરવાનો હતો. "અમે સલમાન ભાઈનું રક્ષણ કરીએ છીએ અને સ્થાનિક સુરક્ષા ભીડનું સંચાલન કરે છે," તેણે કહ્યું હતું. સલમાન ખાન જ્યારે પણ કોઈ જાહેર જગ્યાએ આવે છે ત્યારે શેરા તેની સુરક્ષા માટે તહેનાત હોય છે. તે દરેક જગ્યાએ સલમાન ખાન સાથે જ જોવા મળે છે, પછી તે શૂટિંગ હોય કે કૉ ઈવેન્ટ.