રિતેશ દેશમુખે લીધી શિવનેરી કિલ્લાની મુલાકાત

20 February, 2026 05:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના અવસરે જાહેર કરવામાં આવી રિતેશ દેશમુખની આ ફિલ્મની રિલીઝ-ડેટ

રિતેશ દેશમુખે લીધી શિવનેરી કિલ્લાની મુલાકાત

રિતેશ દેશમુખે ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ જયંતીના અવસરે પુણે જિલ્લાના જુન્નર પાસે આવેલા શિવાજીના જન્મસ્થાન એવા શિવનેરી કિલ્લાની મુલાકાત લીધી હતી. રિતેશે અહીં છત્રપતિ શિવાજી મહારાજને જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પછી રિતેશે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ‘અનેક વર્ષો બાદ પણ શિવાજી મહારાજ લોકો માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે. આજનો દિવસ અત્યંત પવિત્ર અને સૌભાગ્યનો દિવસ છે. આ જ દિવસે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો હતો અને તેમની કીર્તિ તથા શૌર્ય વિશે સમગ્ર વિશ્વ જાણે છે. અનેક વર્ષો પછી પણ શિવાજી મહારાજ આપણને નવી ઊર્જા અને નવી પ્રેરણા આપે છે. સમાજની દરેક વ્યક્તિને આ પ્રેરણા મળે એવી મારી શુભેચ્છા છે.’

રાજા શિવાજી આવે છે મહારાષ્ટ્ર દિવસ પર

ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજની જયંતીના અવસરે રિતેશ દેશમુખને લીડ રોલમાં ચમકાવતી અને તેના દ્વારા જ દિગ્દર્શિત મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘રાજા શિવાજી’નું પહેલું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. આ ભવ્ય ફિલ્મ પહેલી મેએ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સ્વરાજ્યના સ્થાપક અને મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના જીવનપ્રસંગોને ભવ્ય સ્તરે રજૂ કરવામાં આવશે. રિતેશ દેશમુખ સોશ્યલ મીડિયામાં શૅર કરાયેલા આ પોસ્ટરમાં શિવાજી મહારાજના સ્વરૂપમાં પ્રભાવશાળી દેખાઈ રહ્યો છે.

‘રાજા શિવાજી’ મરાઠી અને હિન્દી એમ બન્ને ભાષામાં બની રહેલી ઍક્શન-ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ખુદ રિતેશ દેશમુખ કરી રહ્યો છે. ફિલ્મને વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિના ગૌરવ તરીકે રજૂ કરવાની યોજના છે. મેકર્સનો ઉદ્દેશ ભાષાની સીમાઓ તોડીને શિવાજી મહારાજની પ્રેરણાદાયક ગાથા વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવાનો છે.

riteish deshmukh shivaji maharaj bollywood buzz bollywood news bollywood gossips bollywood