15 January, 2026 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રહમાન ડકૈત
રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ રિલીઝના ૪૦ દિવસ પછી પણ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત દેખાવ કરી રહી છે. આ ફિલ્મમાં દર્શકોને અક્ષય ખન્નાએ ભજવેલું રહમાન ડકૈતનું પાત્ર બહુ પસંદ પડ્યું છે. આ ફિલ્મનો બીજો ભાગ ‘ધુરંધર 2’ ૧૯ માર્ચે રિલીઝ થવાનો છે ત્યારે ફૅન્સના મનમાં પ્રશ્ન હતો કે આ બીજા ભાગમાં અક્ષય ખન્ના જોવા મળશે કે નહીં, કારણ કે પહેલા ભાગમાં જ તેના પાત્રનું મૃત્યુ થઈ જાય છે.
હવે રિપોર્ટ છે કે ફૅન્સની લાગણીને ધ્યાનમાં રાખીને ‘ધુરંધર 2’માં પણ અક્ષય ખન્નાને રહમાન ડકૈત તરીકે દેખાડવામાં આવશે. ‘ધુરંધર 2’ની વાર્તા રણવીર સિંહના પાત્ર હમઝા અલી મઝારી પર આધારિત રહેશે, પરંતુ વચ્ચે-વચ્ચે રહમાન ડકૈતની બૅકસ્ટોરી પણ બતાવવામાં આવશે. રિપોર્ટ મુજબ અક્ષય ખન્ના સીક્વલ માટે લગભગ એક અઠવાડિયું શૂટિંગ કરશે અને મેકર્સ તેના પાત્રને વધુ ઊંડાણથી રજૂ કરશે.