31 May, 2026 09:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂર હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જેમાં તે ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ ફિલ્મમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં કામ કરવાના અનુભવની મારા વ્યક્તિગત જીવન પર ઊંડી અસર પડી છે. આ પ્રોજેક્ટે જીવન પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ જ નથી બદલ્યો, મને દીકરી રાહા માટે વધુ સારા પિતા બનવામાં પણ મદદ કરી છે. મને શરૂઆતમાં શંકા હતી કે હું આટલા મહાન અને આદર્શ પાત્રને યોગ્ય ન્યાય આપી શકીશ કે કેમ, પણ સમય જતાં આ ભય કૃતજ્ઞતા અને ફિલ્મ પ્રત્યેના પ્રેમમાં બદલાઈ ગયો. મને સમજાયું કે આ મારી કારકિર્દી માટે જ નહીં, મારા સમગ્ર જીવન માટે મહત્ત્વપૂર્ણ સાબિત થનારું છે. આ ફિલ્મે ખરેખર મારું જીવન બદલી નાખ્યું.’ ‘રામાયણ’માં કામ કરવાથી અંગત જીવનમાં આવેલા ફેરફારો વિશે વાત કરતાં રણબીરે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં કામ કરવાથી મારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવ્યા. મારી ખરાબ આદતો બદલાઈ ગઈ, મારી મૂલ્યવ્યવસ્થા બદલાઈ ગઈ. જીવનને જોવાનો મારો દૃષ્ટિકોણ બદલાયો. મને લાગે છે કે મારા જીવનમાં આ બદલાવની ખરેખર જરૂર હતી. આના કારણે મને સારા પિતા બનવામાં મદદ મળી. મારી દીકરી રાહાએ મને વધુ સારો માણસ બનાવ્યો અને રામાયણે મને રાહા માટે વધુ સારો પિતા બનવા પ્રેરિત કર્યો. આમ, બધું એકબીજા સાથે જોડાયેલું હતું.’