10 June, 2020 06:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અશોક ચોપરા
અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પિતા ડોક્ટર અશોક ચોપરાની આજે દસમી જૂને પુણ્યતિથિ છે. પિતાની પુણ્યતિથિ પર તેમને યાદ કરીને પ્રિયંકા ભાવુક થઈ ગઈ છે. પિતાને યાદ કરીને પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર તેમની જવાનીનો એક ફોટો પોસ્ટ કર્યો છે. અશોક ચોપરાને 2008માં કેન્સર થયું હતું અને 2013ની દસમી જૂને તેમનું નિધન થયું હતું.
પિતાના ફોટો સાથે પ્રિયંકાએ કૅપ્શનમાં લખ્યું છે કે, આપણે અનંતકાળ સુધી દિલથી જોડાયેલા છીએ. મિસ યુ ડેડ, દરરોજ.
2008માં કેન્સર થયા બાદ 2013માં મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અશોક ચોપરાએ અંતિમ શ્વાસ લીધા હતા. તે સમયે પ્રિયંકા ચોપરા, તેની માતા મધુ ચોપરા અને તેનો નાનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા અશોક ચોપરાની પાસે હાજર હતા. 1974માં તેઓ આર્મીમાં જોડાયા હતા અને 1997માં રિટાયર થયા હતા.
2018માં પ્રિયંકા ચોપરાના લગ્ન થયા ત્યારે તેને પિતાને બહુ યાદ કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, મને લગ્ન સમયે ડેડની ખૂબ જ યાદ આવતી હતી. મારી મમ્મી બધું એકલી કરી લેશે તેની ખાતરી હતી, તેમ છતાં ડેડની હાજરીને ઘણી યાદ કરી. કારણકે તે આ બધું કરવા ઇચ્છતા હતા અને હંમેશા કહેતા કે હું ક્યારે સૂટ સીવડાવું.