✕

નુશરત ભરૂચાને કરોડરજ્જુમાં ફ્રૅક્ચર: ઍરલિફ્ટ કરી બાલીથી મુંબઈ આવી અભિનેત્રી

03 October, 2026 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નુશરત ભરૂચા કામ અને વૅકેશન માટે બાલી ગઈ હતી ત્યારે આ અકસ્માત થયો હતો. તેને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેની તપાસ કરી અને કરોડરજ્જુની સર્જરીની સલાહ આપી હતી. તેની ટીમે તેના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર નિવેદન આપ્યું.

નુશરત ભરૂચા મુંબઈ ઍરલીફ્ટ થઈ

બૉલિવુડ અભિનેત્રી નુશરત ભરૂચા સાથે બાલીમાં એક અકસ્માતનો થયો હતો. અભિનેત્રીની કરોડરજ્જુમાં ફ્રૅક્ચર થયું હતું. આ ઘટના બાદ તેને બાલીની એક સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર અને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. ત્યારબાદ, શુક્રવાર, ૨ ઑક્ટોબરની રાત્રે તેને ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લાવવામાં આવી હતી. મુંબઈ લાવ્યા બાદ, નુશરતને વધુ સારવાર અને કરોડરજ્જુની સર્જરી માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર તેના મુંબઈ આવવાના ઘણા વીડિયો અને ફોટા પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં તે સ્ટ્રૅચર પર જોવા મળે છે અને તેની સાથે પરિવારના સભ્યો તથા મિત્રો છે.

બાલીમાં થયો અકસ્માત

નુશરત ભરૂચા કામ અને વૅકેશન માટે બાલી ગઈ હતી ત્યારે આ અકસ્માત થયો હતો. તેને તાત્કાલિક સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેની તપાસ કરી અને કરોડરજ્જુની સર્જરીની સલાહ આપી હતી. તેની ટીમે તેના સ્વાસ્થ્ય અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવાયું હતું કે વધુ તબીબી તપાસ બાદ કરોડરજ્જુની સર્જરી કરવામાં આવશે. ત્યારબાદ તેને મુંબઈ પાછી લાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

ટીમ દ્વારા સત્તાવાર નિવેદન

નુશરતની ટીમે જણાવ્યું હતું કે, "નુશરત ભરૂચા, જે કામ અને રજાઓ માટે બાલીમાં હતી, તે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતનો ભોગ બની હતી જેના પરિણામે તેને કરોડરજ્જુમાં ફ્રૅક્ચર થયું છે. તે હાલમાં બાલીની હૉસ્પિટલમાં દાખલ છે અને તબીબી દેખરેખ હેઠળ છે. ડૉક્ટરો દ્વારા વધુ તપાસ બાદ કરોડરજ્જુની સર્જરી કરવામાં આવશે." નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, "અમારી અત્યારે પ્રાથમિકતા તેનું સ્વાસ્થ્ય છે અને તેને જરૂરી તબીબી સારવાર મળે તે સુનિશ્ચિત કરવું છે. અમે હાલમાં નુશરતને ઍર ઍમ્બ્યુલન્સ દ્વારા બાલીથી મુંબઈ પાછી લાવવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ, જ્યાં તેની સર્જરી કરવામાં આવશે." ટીમે લોકોને નુશરતની પ્રાઈવસીનું સન્માન કરવાની પણ અપીલ કરી છે. તેના સ્વાસ્થ્ય અંગે વધુ અપડેટ્સની રાહ જોવાઈ રહી છે.

`છોરી ૨` પછી આ ફિલ્મમાં જોવા મળશે

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, નુશરત છેલ્લે સૌરભ ગોયલ અને સોહા અલી ખાન સાથે હૉરર ફિલ્મ `છોરી ૨`માં જોવા મળી હતી. હવે તે નીરજ પાંડે અને મનોજ બાજપેયીની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું શરૂઆતનું શીર્ષક `ઘૂસખોર પંડિત` હતું. વિવાદને કારણે આ ટાયટલ બદલી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નુશરત ગયા વર્ષે મહાકાલ મંદિરની મુલાકાતને કારણે પણ ચર્ચામાં રહી હતી; એક ધર્મગુરુએ તેની મુલાકાતની ટીકા કરતા કહ્યું હતું કે, "શરિયતની નજરમાં આ પાપ છે."

nushrat bharucha bali bollywood buzz bollywood news bollywood gossips bollywood