કમલ હાસને લીધા રાજ્યસભાના સંસદસભ્ય તરીકે શપથ, દીકરી શ્રુતિ ગદ્‌ગદ

28 July, 2025 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શપથગ્રહણના ફંક્શન પછી શ્રુતિએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાના અપ્પા માટે ઇમોશનલ નોંધ લખી

કમલ હાસને શુક્રવારે રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે શપથ લીધા

કમલ હાસને શુક્રવારે રાજ્યસભામાં સંસદસભ્ય તરીકે શપથ લીધા. તેમણે તામિલમાં આ શપથ લેવાનું પસંદ કર્યું હતું. તેઓ સત્તાધારી દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (ડીએમકે)ની આગેવાની હેઠળના ગઠબંધનના સમર્થનથી નામાંકિત થયા હતા. આ પક્ષે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ દરમ્યાન કમલ હાસને સ્થાપેલા રાજકીય પક્ષ મક્કલ નિધિ મય્યમ (એમએનએમ)ના સમર્થનના બદલામાં તેમને રાજ્યસભાની બેઠકનું વચન આપ્યું હતું. આ ફંક્શનમાં હાજરી આપવા માટે તેમની સાથે તેમની દીકરી શ્રુતિ હાસન પણ દિલ્હી ગઈ હતી અને આ ખાસ ક્ષણની સાક્ષી બની હતી. 
આ શપથગ્રહણના ફંક્શન પછી શ્રુતિએ તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાના અપ્પા માટે ઇમોશનલ નોંધ લખી અને જણાવ્યું કે તે તેના પિતા માટે ગર્વ અનુભવે છે. શ્રુતિએ પિતા સાથેની તસવીર શૅર કરતાં કહ્યું, ‘મારા પ્રિય અપ્પા, આજે તમે એક નવા સાહસી વિશ્વમાં પગલાં ભર્યાં એની શરૂઆત થાય છે. તમને રાજ્યસભામાં શપથ લેતા જોવા અને તમારા અનોખા અવાજની ગુંજ સભાગૃહમાં શક્તિ અને ગાંભીર્ય સાથે ગુંજતી સાંભળવી... આ અનુભવ મારા મનમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે. હંમેશાંની જેમ હું ઇચ્છું છું કે તમે ખુશ રહો અને તમે જે ઇચ્છો એ બધું હાંસલ કરો. હંમેશાં, હંમેશાં, હંમેશાં પ્રેમ.’

kamal haasan bollywood buzz bollywood news bollywood Lok Sabha