05 April, 2026 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના
ફિલ્મ ‘ધુરંધર’ અને એની સીક્વલને જબરદસ્ત સફળતા મળી છે. આ ફિલ્મના પર્ફેક્ટ કાસ્ટિંગનાં બહુ વખાણ થયાં છે ત્યારે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ફિલ્મમાં ભારે લોકપ્રિયતા મેળવનાર રહમાન ડકૈતના પાત્ર માટે ત્રણ ઍક્ટર્સે ના પાડી દીધી હતી અને આખરે આ રોલ અક્ષય ખન્નાને મળ્યો. આ ફિલ્મના કાસ્ટિંગ વિશે વાત કરતાં મુકેશ છાબડાએ કહ્યું કે ‘ફિલ્મનું કાસ્ટિંગ સરળ નહોતું. મને લગભગ ૪ કલાક સુધી ફિલ્મની વાર્તા સંભળાવવામાં આવી અને મને સમયનો એહસાસ જ ન થયો. ફિલ્મના બન્ને ભાગોને ભેગા કરીને લગભગ ૪૦૦ કલાકારોનું કાસ્ટિંગ કરવાનું હતું. આ માટે અમે ૬ લોકોની ટીમ બનાવી અને દરેક રોલ માટે અલગ-અલગ શોધ શરૂ કરી. ડિરેક્ટર આદિત્ય ધરે મને કાસ્ટિંગ માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી અને આ કાસ્ટિંગ-પ્રક્રિયા લગભગ બે વર્ષ ચાલી હતી.’ કાસ્ટિંગ દરમિયાન ઘણા કલાકારોએ અલગ-અલગ ભૂમિકાઓ માટે ના પાડી દીધી હતી. મુકેશ છાબડાએ કહ્યું કે રણવીર સિંહને હમઝાના રોલ માટે શરૂઆતમાં જ ફાઇનલ કરી લેવામાં આવ્યો હતો અને તેણે તરત જ હા પાડી દીધી હતી. મુકેશ છાબડાએ એ પણ જણાવ્યું કે ‘રહમાન ડકૈતનું પાત્ર શરૂઆતમાં અક્ષય ખન્નાને ઑફર કરવામાં આવ્યું નહોતું. રહમાન ડકૈત બનવા માટે ત્રણ-ત્રણ ઍક્ટર્સે ના પાડી દીધી હતી જેમાં બે બૉલીવુડના હતા, જ્યારે એક સાઉથનો સુપરસ્ટાર હતો. એક ઍક્ટરે તો કહ્યું હતું, આ મલ્ટી-સ્ટારર ફિલ્મ તો રણવીર સિંહની ફિલ્મ છે એટલે તે એમાં કામ નથી કરવા માગતો. આખરે મારા મનમાં અક્ષય ખન્નાનો વિચાર આવ્યો. અક્ષયે તરત જ સ્ક્રિપ્ટ સાંભળી અને કહ્યું કે આ એક ઉત્તમ વાર્તા છે. માત્ર એક જ દિવસમાં તેમણે હા કહી દીધી અને આ રીતે રહમાન ડકૈતના પાત્ર માટે અક્ષયની પસંદગી નક્કી થઈ ગઈ. અક્ષય એવો કલાકાર છે જે દિલથી નિર્ણય લે છે અને અન્ય લોકોના પ્રભાવથી દૂર રહે છે.’
‘ધુરંધર’પ્રેમીઓ માટે હૉન્ગકૉન્ગના એક મલ્ટિપ્લેક્સે આ ખાસ મૅરથૉન શોનું આયોજન કર્યું છે. આ મૅરથૉનમાં પહેલો ભાગ ‘ધુરંધર’ અને ત્યાર બાદ એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ સળંગ બતાવવામાં આવશે. આ સંપૂર્ણ શો લગભગ ૯ કલાકનો હશે જેમાં દર્શકો માટે ત્રણ બ્રેક પણ રાખવામાં આવ્યા છે જેથી તેઓ આરામ અને નાસ્તો કરી શકે. આ ખાસ મૂવી મૅરથૉનનું આયોજન ૧૨ એપ્રિલે કરવામાં આવ્યું છે જે ઍક્શન ફિલ્મોના ચાહકો માટે અનોખો અનુભવ સાબિત થઈ શકે છે. ડિરેક્ટર આદિત્ય ધરની આ ફિલ્મોને લઈને સોશ્યલ મીડિયા પર પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હૉન્ગકૉન્ગના ડિસ્ટ્રિબ્યુટર્સે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘તમારી ડિમાન્ડ પર હવે આ ભવ્ય મૅરથૉન તૈયાર છે. હવે તમે ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ બન્ને ફિલ્મો સળંગ જોઈ શકશો.’