'બ્લેક પેન્થર' સ્ટાર ચૈડવિક બોસમેનનું 43 વર્ષની વયે નિધન

29 August, 2020 11:23 AM IST  |  Los Angeles | Gujarati Mid-day Online Correspondent

'બ્લેક પેન્થર' સ્ટાર ચૈડવિક બોસમેનનું 43 વર્ષની વયે નિધન

ચૈડવિક બોસમેન

હૉલીવુડ સ્ટાર ચૈડવિક બોસમેન (Chadwick Boseman)નું શુક્રવારે નિધન થયું છે. માર્વલ સ્ટૂડિયોની ફિલ્મ 'બ્લેક પેન્થર'માં મુખ્ય ભૂમિકા ભજવનાર ચૈડવિક 43 વર્ષનો હતો અને છેલ્લા ચાર વર્ષથી કેન્સર સામે લડી રહ્યો હતો. ચૈડવિક બોસમેનને આંતરડાનું કેન્સર હતું. ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ, ચૈડવિકના પ્રતિનિધિએ એક્ટરના નિધનની પુષ્ટી કરી છે. ચૈડવિકનું નિધન લોસ એન્જલસમાં તેના ઘરે થયું હતું.

ચૈડવિક બોસમેનના નિધન અંગે પરિવાર દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, સાચા યોદ્ધા ચૈડવિકે તેના સંઘર્ષ દ્વારા તમાતા સુધી જે બધી ફિલ્મો લાવી તેને તમે ખૂબ જ પસંદ કરી છે. ચૈડવિકે છેલ્લા ચાર વર્ષમાં ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું અને આ બધું અનેક સર્જરી અને કીમોથેરાપી વચ્ચે થયું. પરિવારે એમ પણ કહ્યું હતું કે, બ્લેક પેન્થર મૂવીમાં કિંગ ટી'ચાલાનું પાત્ર ભજવવું તેમના માટે સન્માનની વાત છે.

ચૈડવિક બોસમેને '42' અને 'ગેટ ઓન અપ' જેવી ફિલ્મોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે. આ પછી, તેણે 2018માં માર્વેલ સિનેમેટિક યુનિવર્સની ફિલ્મ ‘Black Panther’ માં ટી-ચાલા/બ્લેક પેન્થરનું પાત્ર ભજવીને દર્શકોનું દિલ જીત્યું. બાદમાં તે 'એવેન્જર્સ-ઈનફિનિટી વૉર' અને 'એવેન્જર્સ-એન્ડ ગેમ' જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોમાં ફરી બ્લેક પેન્થરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. ચૈડવિકની છેલ્લી ફિલ્મ 'દા 5 બ્લડ્સ' આ વર્ષે રિલીઝ થઈ હતી.

entertainment news hollywood news avengers