16 October, 2021 05:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજીવ ખંડેલવાલ
રાજીવ ખંડેલવાલ (Rajeev Khandelwal ) એક પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા તેમ જ ગાયક અને હોસ્ટ છે. 16 ઓક્ટોબર 1975ના રોજ પિન્ક સિટી જયપુરમાં જન્મેલા રાજીવે અભિનય ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત નાના પડદાથી કરી હતી. ટીવી સિરિયલ `ક્યા હડસા ક્યા હકીકત` થી ડેબ્યૂ કરનારા રાજીવના 46માં જન્મદિવસ પર જણાવે છે કે કેવી રીતે તેણે એક વખત કાસ્ટિંગ કાઉચનો સામનો કર્યો હતો.
રાજીવ ખંડેલવાલ આર્મી ઓફિસરનો પુત્ર છે, તેના પિતા સેનામાં કર્નલ હતા. ત્રણ ભાઈઓમાં સૌથી નાના રાજીવનું સ્કૂલિંગ જયપુરમાં જ થયું હતું. રાજીવે હૈદરાબાદથી ગ્રેજ્યુએટ થયા બાદ એક મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઘણી જાહેરાતોમાં મોડેલ તરીકે સફળ રહેલા રાજીવે જ્યારે અભિનય કરવાનું વિચાર્યું ત્યારે તેને વિલનનું પાત્ર ભજવવા મળ્યું હતું. વર્ષ 2002માં તેમણે ટીવી શૉ ‘ક્યા હડસા ક્યા હકીકત’ (Kya Hadsa Kya Haqeeqat)માં મુખ્ય નેગેટિવ ભૂમિકા ભજવી હતી.
એકવાર ફિલ્મોમાં કામ શોધતી વખતે તેને એક વિચિત્ર સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રાજીવે કહ્યું હતું કે તે એક ફિલ્મના સંબંધમાં ડિરેક્ટરને મળવા ગયો હતો. બે મીટિંગ પછી જ તેને સમજાયું કે પરિસ્થિતિ થોડી વિચિત્ર છે, જ્યારે ડિરેક્ટરે મને તેના રૂમમાં જવાનું કહ્યું તો મેં ના પાડી હતી. મેં ડિરેક્ટરને કહ્યું કે મારી ગર્લફ્રેન્ડ રાહ જોઈ રહી છે જેથી તેને લાગે કે હું સીધો છું. તેણે મને ધમકી પણ આપી હતી.” MeTooની દરમિયાન વાત કરતી વખતે રાજીવે કહ્યું હતું કે “મારું શોષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ મેં હાર માની ન હતી. મેં કહ્યું કે મારો આત્મવિશ્વાસ ઘણો મોટો છે અને જો તમે મને કામ નહીં આપો તો હું નકામો નહીં રહીશ. હું મારી પોતાની શરતો પર કામ કરીશ અને મેં કર્યું છે.”
રાજીવે ફિલ્મ `આમિર`થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. વર્ષ 2008માં આ ફિલ્મ પછી પણ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તે નાના પડદા પર મળેલી સફળતા મેળવી શક્યો નહીં. રાજીવ હવે ઘણી વેબ સિરીઝમાં કામ કરી રહ્યો છે.