ગુજરાતની ચાર મહિલા ઓફિસરોની વાર્તા ચમકશે સિલ્વર સ્ક્રીન પર

04 March, 2021 03:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતની ચાર મહિલા ઓફિસરોની વાર્તા ચમકશે સિલ્વર સ્ક્રીન પર

સંતોક ઓડેદ્રા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા માલ આ ચાર મહિલા પોલીસ અધિકારીઓના જીવન પર બનશે ફિલ્મ

હિન્દી ફિલ્મોમાં દર્શાવાતી કોપ આધારિત વાર્તાઓમાં હંમેશા પુરુષોને જ મહત્વ આપવામાં આવે છે. મહિલા આધારિત ફિલ્મો બહુ ઓછી હોય છે. પરંતુ હવે સમય આવી ગયો છે મહિલા આધારિત ફિલ્મો દર્શાવવામાં આવે.

વર્ષ 2019માં ગુજરાતમાં આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ની ચાર મહિલાઓએ ટીમ બનાવીને રાજ્યના સૌથી ભયાનક ગુનેગારને પકડયો હતો. એટીએસ દ્વારા હાથ ધરવામાં આવેલું તે એક સૌથી ખતરનાક મિશન હતું. સંતોક ઓડેદ્રા, નીત્મિકા ગોહિલ, અરુણા ગામેતી અને શકુંતલા માલ આ ચાર મહિલા પોલીસ અધિકારીઓએ જીવના જોખમે સૌથી ખતરનાક ગુનેગારને પકડયો હતો. આ ચાર મહિલા પોલીસ ઓફિસરે કરેલા બહાદુરીના કાર્યને ફિલ્મમાં કંડારવામાં આવશે. ગુજરાતના આતંકવાદ વિરોધી ટુકડીના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ આ ચાર મહિલાઓને આ મિશનનો હવાલો સોંપ્યો હતો. આ મિશનમાં મહિલાઓની સહાયતા કરનાર અને માર્ગદર્શન આપનારા હતા ઈન્સ્પેક્ટર જીગ્નેશ અગ્રાવત.

સત્ય ઘટના પર આધારિત એક્શન-થ્રિલર ફિલ્મની વાર્તા લેખક સંજય ચૌહાણની છે અને દિગ્દર્શન કરશે આશિષ આર મોહન. ફિલ્મનું નિર્માણ વાકાઉ ફિલ્મ્સ (વિપુલ ડી. શાહ, અશ્વિન વરદે અને રાજેશ બહલ) દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના મુખ્ય પાત્ર માટે ચાર મહિલા અભિનેત્રીઓની શોધ ચાલી રહી છે. ફિલ્મનું શૂટિંગ ચાલુ વર્ષના મધ્યમાં થશે.

દિગ્દર્શક આશિષ આર મોહને કહ્યું કે, બહાદુર મહિલાઓનિ પ્રેરણાદાયી વાર્તાને મોટા પડદા પર રજુ કરવી એ મારા માટે ગર્વની વાત છે.

entertainment news bollywood bollywood news upcoming movie