03 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાનકી બોડીવાલા (તસવીર: ઇન્સ્ટાગ્રામ)
ભારત સરકાર દ્વારા નેશનલ ફિલ્મ ઍવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. એક ઐતિહાસિક ક્ષણમાં સુપરહિટ ગુજરાતી ફિલ્મ ‘વશ’ છવાઈ ગઈ છે. ‘વશ’ જેની પાછળથી હિન્દી થ્રિલર ‘‘શૈતાન’’માં રિમેક કરવામાં આવી હતી, તેણે 1 ઑગસ્ટ 2025ના રોજ દિલ્હીમાં જાહેર કરાયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં બે મુખ્ય પુરસ્કારો મેળવ્યા છે. આ ફીચર ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલાને ‘બેસ્ટ સપોર્ટિંગ ઍકટ્રેસ’ (શ્રેષ્ટ સહાયક અભિનેત્રી)નો પુરસ્કાર જાહેર થયો છે. મલયાલમ અભિનેત્રી લીલામ્મા અને જાનકીને બેસ્ટ સપોર્ટિંગ ઍકટ્રેસ તરીકે ઍવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, કલાકારોમાં હિતુ કનોડિયા, નીલમ પાંચાલ, આર્યબ સંઘવી અને હિતેન કુમારનો પણ ફિલ્મમાં સમાવેશ થાય છે.
‘વશ’ને 2023 માં બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા
જાનકીએ મલયાલમ ફિલ્મ ‘ઉલ્લુઝુક્કુ’ની પીઢ અભિનેત્રી લીલામ્મા સાથે ‘બેસ્ટ સપોર્ટિંગ ઍકટ્રેસ’ (શ્રેષ્ટ સહાયક અભિનેત્રી)નો ઍવોર્ડ મળ્યો. તે આ શ્રેણીમાં જીત મેળવનાર ગુજરાતી સિનેમાની પહેલી અભિનેત્રી બની છે. ગુજરાતી ફિલ્મ ‘વશ’ 2024 માં હિન્દી હિટ ‘‘શૈતાન’’માં રિમેક કરાઇ હતી. વિકાસ બહલ દ્વારા દિગ્દર્શિત, આ રિમેકનું નેતૃત્વ અજય દેવગણ, આર માધવન અને જ્યોતિકાએ કર્યું હતું. જાનકી બોડીવાલાએ રિમેકમાં પોતાની ભૂમિકા ફરીથી ભજવી હતી, જ્યારે અન્નદ રાજે દીકરાની ભૂમિકા ભજવી હતી. ‘શૈતાન’ ફિલ્મ પણ નિર્માતા કૃષ્ણદેવ યાજ્ઞિકે લખેલી વાર્તા પર જ આધારિત હતી.
આ ફિલ્મ એક એવા પરિવારની વાર્તા દર્શાવે છે જેમાં તેમની દીકરીને એક અજાણી વ્યક્તિના કાળો જાદુ કરી વશમાં કરવામાં આવે છે. જાનકીએ ગુજરાતી ફિલ્મમાં પુત્રી આર્યાની ભૂમિકા ભજવી હતી અને હિન્દી સંસ્કરણમાં તેનું નામ જાહ્નવી હતું. ‘શૈતાન’ 8 માર્ચ, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિશ્વભરમાં 211 કરોડ રૂપિયાની કમાણી કર્યા પછી તે ભારતમાં બીજી સૌથી વધુ કમાણી કરનારી હૉરર ફિલ્મ બની હતી અને તેના સિક્વલ પર કામ ચાલી રહ્યું હોવાનું કહેવાય છે.
‘વશ’ના બીજા ભાગનું ટ્રેલર જાહેર
‘વશ’ની સિક્વલ, ‘વશ લેવલ 2’, 27 ઑગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતેન કુમાર અભિનયમાં છે. કૃષ્ણદેવ યાજ્ઞિક લેખક અને દિગ્દર્શક તરીકે પરત ફરવાના છે. આ વાર્તા 12 વર્ષ પછી બને છે અને આર્યાના પિતા અથર્વને તેમની પુત્રી જેવી જ દુર્દશામાં ફસાયેલી સ્કૂલની છોકરીઓના જૂથને શોધી કાઢ્યા પછી દખલ કરવી પડે છે, તે બતાવવામાં આવશે. જાનકીને `શૈતાન` માટે પણ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો આઇફા અવૉર્ડ મળ્યો હતો. તેની આ પહેલી હિન્દી ફિલ્મ હતી.