'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે...

06 January, 2021 01:28 PM IST  |  Mumbai | Shilpa Bhanushali

'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે...

પંકજ ત્રિપાઠી મોનલ ગજ્જર ફિલ્મ કાગઝમાં

મોનલ ગજ્જરની જર્ની અભિનય ક્ષેત્રે રસપ્રદ રહી છે, પહેલાં દક્ષિણની ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી તેણે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો ડંકો વગાડ્યો. તાજેતરમાં જ તેલુગુ બિગ બોસ 4ના હાઉસમાં પણ તે ભારે પૉપ્યુલારીટી મેળવી ચૂકી છે. ગુજરાતીઓ માટે ગર્વની વાત છે કે હવે મોનલે હિંદી ફિલ્મના પડદે પદાર્પણ કર્યું છે. પંકજ ત્રિપાઠી સાથે મોનલ જોવા મળશે સતિષ કૌશિક નિર્દેશિત ફિલ્મ 'કાગઝ'માં. આ ફિલ્મમાં તે પંકજ ત્રિપાઠીની પત્નીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે જેમાં એક વ્યક્તિ પોતે મૃત નથી પણ જીવીત છે તે સાબિત કરવાની લડત લડી રહ્યો છે.

મોનલ ગજ્જરે ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથે 7 જાન્યુઆરીના રોજ ઝી ફાઇવ પર રિલીઝ થનારી આ ફિલ્મ સાથે સંકળાવાનો અનુભવ વહેંચ્યો. મોનલે જણાવ્યું કે, "હું ફિલ્મના ડાયરેક્ટર અને જાણીતા એક્ટર સતિષ કૌશિકને ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ્ઝના ફંકશનમાં મળી. આ દરમિયાન મારે જે વાતચીત થઇ ત્યારે તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં મારી સાથે કામ કરશે. એક સમયે તેમણે મને પૂછ્યું કે મને મરાઠી આવડે છે કે કેમ અને મેં તેમને કહ્યું કે આવડતું નથી પણ શીખવા તૈયાર છું અને આમ મને એક મરાઠી ફિલ્મમાં કામ કરવા મળ્યું. આ પગલે મને તરત હિન્દી ફિલ્મમાં ડેબ્યૂ કરવાની તક મળી."
મોનલને જ્યારે પૂછ્યું કે આ ફિલ્મમાં તેનો રોલ જરાય ગ્લેમરસ નથી તો તેણે શા માટે આ રોલ સ્વીકાર્યો તો તેને જવાબમાં તેણે કહ્યું કે, "બૉલીવુડમાં ડેબ્યૂ કોઇ હાઇ પ્રોફાઇલ રોલ સાથે કે ગ્લેમરસ રોલ સાથે થવું જોઇએ એવું બધાં જ વિચારતા હોય છે, મારે અહીં એક મિડલ ક્લાસ સ્ત્રીનો રોલ કરવાનો હતો જે બહુ જ સાદી છે, એક ક્ષણ મને એ વિચાર કદાચ આવ્યો હોઇ શકે પણ મારે આ ફિલ્મ કરવી હતી અને મેં તરત હા પાડી દીધી."

જુઓ મોનલ ગજ્જર સાથેનો સ્પેશ્યલ ઇન્ટરવ્યુઃ જ્યારે ડિપ્રેશનને કારણે ભાંગી પડી હતી અભિનેત્રી

પંકજ ત્રિપાઠી જેવા દિગ્ગજ કલાકાર સાથે કામ કરવાનો અનુભવ તો શૅર કરવાનો જ હોય અને તેની વાત કરતા મોનલે કહ્યું કે, "તેઓ એક જેન્ટલમેન છે અને બહુ જ કૅરિંગ છે. અમે જ્યાં શૂટ કર્યું તે વિસ્તારના તે જાણકાર હોવાથી તે સતત તેના વિશે ઘણું બધું કહેતા. વળી એક એક્ટર તરીકે મને શીખવા મળ્યું કે માત્ર સંવાદ બોલી દેવાથી એક્ટિંગ નથી થઇ જતી, તેમાં લાગણીઓ કેવી રીતે ઉમેરવી તે પણ હું તેમને જોઇને શીખી શકી. સંવાદના શબ્દે શબ્દ પકડવા કરતાં ભાવને જાણીને કનેક્ટ થવામાં જ સાર છે. "
મોનલે જણાવ્યું કે સતિષ કૌશિકે તેને નાભિ ધ્વનિથી ડાયલૉગ ડિલીવરી શીખવી જેથી એક્ટિંગમાં પણ સહજતા આવે છે અને ઓવરએક્ટિંગ ન લાગે. આ પાત્ર ભજવવામાં તેને શું મુશ્કેલી પડી તેમ પૂછતાં મોનલે કહ્યું કે, "આ એક સરળ પાત્ર છે અને મારે અમુક પ્રકારની બોલચાલ છોડીને એ સાદગી લાવવાની હતી. આ પાત્રની નિર્દોષતા હું મારી મમ્મીને ઓબ્ઝર્વ કરીને લાવી છું. આ 70ના દાયકાની પૃષ્ઠભૂમિ પર બનેલી સ્ટોરી છે."

જ્યારે મોનલને પૂછવામાં આવ્યું કે આ પાત્ર ભજવવા માટે કોઇ મુશ્કેલી આવી હોય તે વિશે તેમણે જણાવ્યું કે આ પાત્ર ખૂબ જ સામાન્ય છે. સરળ છે અને એટલે જ અમુક વસ્તુઓ મારે છોડવી પડી. આ ફિલ્મ 1970ની દાયકાની સ્ટોરી છે ત્યારે તે પાત્રને અનુરૂપ પોતાને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. આ પાત્રમાં જે ઇનોસન્સ છે તે મેં મારી મમ્મીને જોઈ છે તેમાંથી શીખી છું."
આ ફિલ્મમાં તેનો ગમતો સીન કયો છે તે પૂછતાં તેણે કહ્યું કે તેનો ગમતો સીન ટ્રેલરમાં પણ દેખાય છે અને એમાં જે મેસેજ છે તેને કારણે જ તે સીન તેને બહુ ગમે છે. તેમાં એમ કહેવામાં આવ્યું છે કે જે પામવા માગો છો તેને માટે સખત મહેનત કરો, યુદ્ધનાં ધોરણે જાણે ચઢાઇ કરતા હો તેમ અને તમને સફળતા મળી જશે.

મોનલે ભૂતકાળમાં પણ પોતાની ડિપ્રેશન સાથેની બેટલ અંગે ખૂલીને વાત કરી છે. તેને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે,"ભૂતકાળને વાગોળવાની જરૂર નથી અને ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી, વર્તમાનને કેવી રીતે યાદગાર બનાવી શકાય તેની પર જ ફોકસ કરવું જોઇએ. ડિપ્રેશનમાં તમે માત્ર જાતનો વાંક કાઢ્યા કરો. મારા કપરાં દિવસોમાં મને મારી બહેન અને મમ્મીએ બહુ જ ટેકો આપ્યો અને મેં ડૉક્ટરની મદદ પણ લીધી હતી."

'કાગઝ' ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી ફાઇવ પર 7 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.

dhollywood news bollywood news pankaj tripathi satish kaushik entertainment news