Screw Dheela Teaser: ટાઈગર શ્રોફનો ધાંસુ એક્શન અવતાર જોઈ રુવાડાં ઉભા થઈ જશે

25 July, 2022 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટાઈગર શ્રોફની આ ફિલ્મમાં સાઉથની ફિલ્મો જેવી એક્શન અને ડ્રામા જોવા મળશે.

ટાઈગર શ્રોફ

ધર્મા પ્રોડક્શનની નવી ફિલ્મ `સ્ક્રુ ઢીલા` (Screw Dheela)ની સત્તાવાર જાહેરાત સોમવારે કરવામાં આવી છે. ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ `સ્ક્રુ ઢીલા`નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફરી એકવાર ટાઈગર શ્રોફ પોતાના જબરદસ્ત એક્શનથી લોકોને મનોરંજન પુરૂ પાડવા આવી રહ્યો છે. તાજેતરમાં આ ફિલ્મની જાહેરાત પહેલા કરણ જોહરે એક પોસ્ટમાં ચાહકોને કહ્યું હતું કે ઘણું બધુ ધમાકેદાર થવા જઈ રહ્યું છે. જેના બાદ ચાહકોમાં આતુરતા છવાઈ ગઈ હતી કે એવું તો વળી શું થવાનું હશે.

આખરે કરણ જોહરે સસ્પેન્સ પરથી પડદો ઉઠાવતા તેની નવી અને મોટી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું નામ છે `સ્ક્રૂ ઢીલા`. ટાઈગર શ્રોફ આ ફિલ્મનો લીડ સ્ટાર છે. કરણ જોહરે ટાઈગરનો એક આકર્ષક એક્શન વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોયા બાદ ચાહકોમાં ઉત્તેજનાનું સ્તર ખૂબ જ વધી ગયું છે. ટાઇગર આ પહેલા પણ આ પ્રકારનું એક્શન કરતો જોવા મળ્યો છે. પરંતુ આ વખતે કલાકારો એક્શનની સાથે થ્રિલર પણ રજૂ કરવાના છે.

શેર કરેલા વીડિયોની વાત કરીએ તો શરૂઆતમાં ટાઈગર તેના માસૂમ ચહેરા પર ચશ્મા પહેરેલો જોવા મળે છે. ટાઈગર શ્રોફને એક એવા છોકરાના રૂપમાં બતાવવામાં આવ્યો છે જે દુશ્મનો દ્વારા કેદ થઈ જાય છે. જે ટાઈગર શ્રોફને લાંબા સમય સુધી મારતો રહે છે. ત્યાર બાદ તેને એક યુવતીની ઝલક દેખાઈ છે, જે તેને પોતાને બચાવવા માટે કહે છે. પછી તો શું થાય છે ખરાખરીનો ખેલ. ટાઈગર જોશ જુસ્સા સાથે ઉભો થાય છે અને વારાફરતી બધાને ગુંડાઓને મેથીપાક ચખાડે છે. 

મળતી માહિતી મુજબ આ ફિલ્મમાં રશ્મિકા મંદાના જોવા મળી શકે છે. કરણ જોહર આ ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યો છે અને નિર્દેશક શશાંક ખેતાન તેનું નિર્દેશન કરશે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

bollywood news karan johar tiger shroff