‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’: નો કનેક્ટ...

19 September, 2020 01:03 PM IST  |  Mumbai | Harsh Desai

‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’: નો કનેક્ટ...

‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’

‘ડૉલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ હાલમાં જ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કોંકણા સેન શર્મા (ડૉલી), ભૂમિ પેડણેકર (કાજલ એટલે કે કિટ્ટી), અમોલ પરાશર (ડિલિવરી બૉય ઓસમાન), આમિર બશીર (ડૉલીનો પતિ અમિત), કુબ્રા સૈત, કરણ કુન્દ્રા (ડી. જે. જૉની) અને વિક્રાન્ત મૅસી (પ્રદીપ)એ કામ કર્યું છે. આ ફિલ્મને ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ની ડિરેક્ટર અલંક્રિતા શ્રીવાસ્તવ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

સ્ટોરી-ટાઇમ

આ ફિલ્મમાં મહિલાઓની ફ્રીડમ અને મહિલા સશક્તીકરણ વિશે વાત કરવામાં આવી છે. ફિલ્મની શરૂઆતના દૃશ્ય અને ડાયલૉગથી જ ફિલ્મની સ્ટોરી શું છે એ ખબર પડી જાય છે. ડૉલી અને કિટ્ટી તેમની લાઇફમાં સતત સ્ટ્રગલ કરતાં રહે છે.

મિડલ ક્લાસ હોવાથી તેમણે ગ્રેટર નોએડા જેવા શહેરમાં સર્વાઇવ કરવા માટે કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એની વાત છે. ડૉલી તેની શાદીશુદા લાઇફમાં સંતુષ્ટ ન હોવાથી પોતાનામાં કોઈ ખામી હોય એવું માને છે. જોકે ડિલિવર બૉય ઓસમાન સાથે પ્રેમમાં પડ્યા બાદ તેને પોતાનામાં કોઈ ખામી નથી એનો અહેસાસ થાય છે. કિટ્ટી તેની લાઇફને પાટા પર લાવવા માટે એક કૉલ સેન્ટરમાં કામ કરતી હોય છે જ્યાં લવ અને સેક્સ વિશે વાત કરવામાં આવે છે. બન્ને

બહેન એકમેકના પર સવાલો કરતી રહે છે, પરંતુ અંતે તેમને ખબર પડે છે કે તેમની સ્ટોરી એકસરખી જેવી જ છે અને તેમને લાઇફમાં એક જ વસ્તુ જોઈતી હોય છે.

પ્લસ પૉઇન્ટ

ફિલ્મમાં મહિલાઓને લગતા દરેક પૉઇન્ટ વિશે વાત કરવામાં આવી છે. મહિલાની ખુશી, તેમની ડિઝાયર, તેમની સ્વતંત્રતા અને તેમના સંબંધોને ખૂબ જ સારી રીતે વણી લેવામાં આવ્યાં છે. તેમ જ કેટલાંક દૃશ્યો રિયલ-લાઇફ પરથી પણ લેવામાં આવ્યાં છે. કોઈ સ્કિલ ન હોય એવી વ્યક્તિની જૉબ સિક્યૉર નથી હોતી અને તેમની લાઇફની સિક્યૉરિટી પણ નથી હોતી એને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે.

માઇન્સ પૉઇન્ટ

અલંક્રિતાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. જોકે એમાં ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ જેવી વાત નથી. ફિલ્મમાં દરેક પૉઇન્ટને સમાવી લેવામાં આવ્યા છે, પરંતુ એ દર્શક સાથે કનેક્ટ નથી થઈ શકતા. પાત્ર થોડુંઘણું કનેક્ટ થવા માંડે ત્યાં ફરી કંઈક નવું આવી જાય છે અને એ પ્લૉટ ત્યાં છોડવામાં આવ્યો હોય એવું લાગે છે. અમોલ પરાશર, વિક્રાન્ત મૅસી અને આમિર બશીર ખૂબ જ અદ્ભુત ઍક્ટર છે; પરંતુ તેમને વધુ કામ આપવામાં નથી આવ્યું. તેમના પાત્રને વેડફી નાખવામાં આવ્યાં છે. તેમ જ કુબ્રા અને કરણ કુન્દ્રાનાં પાત્ર ખૂબ જ વિચિત્ર અને જરૂર વગરનાં લાગે છે. ફિલ્મમાં કોઈ ખાસ સૉન્ગ પણ નથી. બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ કામચલાઉ છે. પ્લૉટ અને ઍક્ટર્સ અદ્ભુત હોવા છતાં દર્શકો સાથે કનેક્ટ ન થવી એ માટે ડિરેક્ટર જવાબદાર છે. કેટલાંક દૃશ્યોને સારી રીતે દેખાડવાની જરૂર હતી. ખાસ કરીને ડૉલીનો દીકરો કેમ પોતે છોકરી હોય એવું મહેસૂસ કરે છે.

આખરી સલામ

મહિલાઓની જરૂરિયાતોની સાથે વસ્તુસ્થિતિને સ્વીકાર કરવાનો આ ફિલ્મમાં મેસેજ આપવામાં આવ્યો છે. અલંક્રિતાએ ફિલ્મને ઉપરછલ્લી બનાવવાનું કેમ નક્કી કર્યું એ ખૂબ જ મોટો પ્રશ્ન છે.

entertainment news bollywood bollywood movie review harsh desai