02 September, 2023 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ્માન ખુરાના
આયુષમાન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ 2’ને બૉક્સ-ઑફિસ પર મળી રહેલી સફળતાને તેણે સ્પેશ્યલ જણાવી છે. આ ફિલ્મ પચીસ ઑગસ્ટે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાન્ડે, પરેશ રાવલ, અનુ કપૂર, વિજય રાઝ, સીમા પાહવા, રાજપાલ યાદવ અને અસરાની પણ લીડ રોલમાં છે. ફિલ્મને બૉક્સ-ઑફિસ પર મળતા પ્રતિસાદને લઈને આયુષમાન ખુરાનાએ કહ્યું કે ‘આ એક સારી બાબત છે. બૉક્સ-ઑફિસ સફળતાની જરૂર હોય છે. આ વિશેષ છે. સફળતાની સરખામણીએ કંઈ ન આવી શકે. ખાસ કરીને બૉક્સ-ઑફિસ સફળતા. છેલ્લાં થોડાં વર્ષોથી અમે એની રાહ જોઈ રહ્યા હતા. મને ખુશી છે કે પરિવર્તન આવ્યું છે અને લોકો થિયેટર તરફ વળ્યા છે. હું ખુશ છું કે ‘ડ્રીમ ગર્લ 2’ બદલાવનો ભાગ બની છે. ટૂંક સમયમાં અમે સેલિબ્રેશન કરવાના છીએ.’
દરરોજ ફિલ્મનો કેટલો બિઝનેસ થાય છે એના પર તે ધ્યાન નથી આપતો. એ વિશે આયુષમાને કહ્યું કે ‘નંબર્સમાં મને સમજ નથી પડતી. હું એક પ્યૉર આર્ટિસ્ટ છું. એથી હું મોટા ભાગે મારા કૅરૅક્ટર, સ્ક્રિપ્ટ્સ અને સ્ટોરીઝ પર ધ્યાન આપું છું. સાથે જ હું મ્યુઝિકમાં અને ક્યારેક એડિટિંગમાં પણ મારા ઇન્પુટ્સ આપું છું.’