25 January, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મના એન્ડમાં ૧૯૯૭માં રિલીઝ થયેલી બૉર્ડર 2ના સ્ટાર્સ અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી અને સુદેશ બેરીનો કૅમિયો જોવા મળ્યો
‘બૉર્ડર 2’ જોવા ગયેલા લોકોના મનમાં ૧૯૯૭માં આવેલી ‘બૉર્ડર’ની યાદ તાજી થઈ ગઈ છે. મૂળ ફિલ્મમાં સુનીલ શેટ્ટી અને અક્ષય ખન્ના પણ કાસ્ટનો ભાગ હતા. તેમણે ભજવેલા અનુક્રમે ભૈરવ સિંહ અને ધરમવીરનાં પાત્રોને દર્શકોએ ખૂબ પસંદ કર્યાં હતાં. ‘બૉર્ડર’ ફિલ્મના અંતમાં બન્ને પાત્રોને શહીદ થતાં બતાવવામાં આવ્યાં હતાં, એથી લોકો માનતા હતા કે ‘બૉર્ડર 2’માં તેમનો કોઈ રોલ નહીં હોય પણ ‘બૉર્ડર 2’માં આ કલાકારોનો કૅમિયો જોવા મળે છે.
‘બૉર્ડર 2’ના અંતમાં જ્યારે ભારત યુદ્ધ જીતી જાય છે ત્યારે અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી અને સુદેશ બેરીનો કૅમિયો બતાવવામાં આવે છે. દૃશ્યમાં જોવા મળે છે કે સની દેઓલનું પાત્ર ફતેહ સિંહ પ્રાર્થના કરી રહ્યું હોય છે. એ જ સમયે તે આકાશ તરફ જુએ છે અને તેને પોતાની અગાઉની લડાઈમાં શહીદ થયેલા સૈનિકો દેખાય છે. આ દૃશ્યમાં ‘બૉર્ડર’ ફિલ્મના જ સીન દ્વારા અક્ષય ખન્ના, સુનીલ શેટ્ટી અને સુદેશ બેરીને દર્શાવવામાં આવે છે.
‘બૉર્ડર 2’માં અક્ષય ખન્ના અને સુનીલ શેટ્ટીનો આ ટૂંકો રોલ એક ઇમોશનલ મોમેન્ટ સાબિત થાય છે. થોડા સેકન્ડ્સના આ સીનને જોતાં જ એવું લાગે છે કે આ ત્રણેય પણ ‘બૉર્ડર 2’માં જીતેલી લડાઈને સલામ કરી રહ્યા છે.