ફિલ્મ રિવ્યુ: ફની ‘ઍક્શન હીરો’

03 December, 2022 05:22 PM IST  |  Mumbai | Harsh Desai

બૉલીવુડની છેલ્લાં થોડાં વર્ષમાં જે સ્થિતિ છે એને ખૂબ જ સારી રીતે ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે : આયુષમાન જેટલો સારો હીરો છે એટલો જ ખતરનાક અને ફની જયદીપ અહલાવત છે

ઍક્શન હીરો ફિલ્મ

ઍન ઍક્શન હીરો 

કાસ્ટ : આયુષમાન ખુરાના, જયદીપ અહલાવત
ડિરેક્ટર : અનિરુદ્ધ અય્યર

સ્ટાર:3.5/5
    

આયુષમાન ખુરાના સોશ્યલ મેસેજવાળી ફિલ્મો કરવા માટે જાણીતો છે, પરંતુ તેણે થોડા સમય પહેલાં જ જાહેર કર્યું હતું કે તે હવે આ ઇમેજમાંથી બહાર આવવા માગે છે. આ ઇમેજમાંથી બહાર આવવા માટે તેણે ‘ઍન ઍક્શન હીરો’ ફિલ્મને પસંદ કરી હતી. આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મને અનિરુદ્ધ અય્યર દ્વારા ડિરેક્ટ અને આનંદ એલ. રાય દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

સ્ટોરી ટાઇમ
માનવ ખુરાના એક સ્ટાર હોય છે અને તે ઍક્શન ફિલ્મો કરવા માટે જાણીતો છે. આ પાત્ર આયુષમાન ખુરાનાએ ભજવ્યું છે. તેણે હાલમાં જ એક ગૅન્ગસ્ટરની બાયોપિકને રિજેક્ટ કરી હોય છે, કારણ કે તે અન્ડરવર્લ્ડથી દૂર રહેવા માગતો હોય છે. જોકે તે હરિયાણામાં તેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હોય છે ત્યારે તેનો એક 
અકસ્માત થાય છે અને એમાં વિકી સોલંકીનું મૃત્યુ થાય છે. વિકી જાટ 
નેતા ભૂરા સોલંકીનો નાનો ભાઈ 
હોય છે. આ ભૂરાનું પાત્ર જયદીપ અહલાવતે ભજવ્યું છે. વિકીનું મૃત્યુ થતાં માનવ તરત જ ઇન્ડિયા છોડીને લંડન ભાગી જાય છે. ભાઈનો બદલો લેવા ભૂરા પણ તેની પાછળ લંડન જાય છે. જોકે ત્યાં માનવ માટે એક નવી મુસીબત ઊભી હોય છે. તેને ખબર નથી પડતી હોતી કે તેની રિયલ લાઇફ છે કે રીલ લાઇફ.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
આ ફિલ્મની સ્ટોરી અનિરુદ્ધ અય્યર દ્વારા લખવામાં આવી છે અને એને ડિરેક્ટ પણ તેણે જ કરી છે. આ તેની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનો સ્ક્રીન પ્લે નીરજ યાદવ દ્વારા લખવામાં આવ્યો છે. અનિરુદ્ધની ફિલ્મ ઍક્શન છે, પરંતુ એટલી જ ફની પણ છે. તેનો હીરો જેટલો જોરદાર છે એટલો જ તેનો વિલન ખૂંખાર છે. જોકે એમ છતાં એ ફિલ્મ ખૂબ જ ફની છે, જે ખરેખર એક આર્ટ છે. આ ફિલ્મમાં ઍક્શનની સાથે વન-લાઇનર્સ પણ જોરદાર છે. તેમ જ અનિરુદ્ધે છેલ્લાં થોડાં વર્ષમાં બૉલીવુડમાં જે ચાલી રહ્યું છે એ દરેક બાબતને સાંકળી લીધી છે. તેણે બૉયકૉટ બૉલીવુડના ટ્રેન્ડ અને ન્યુઝ ચૅનલ પર એક ઍન્કર દ્વારા જે રીતે રિપોર્ટિંગ કરવામાં આવે છે એ દરેક પર ખૂબ જ જોરદાર કટાક્ષ કર્યો છે. આ કટાક્ષ ખરેખર ફની પણ છે અને આ રિયલ વાતને રીલમાં ખૂબ જ સારી રીતે ઉતારવામાં આવી છે. ઇન્ટરવલ પછી ફિલ્મની સ્ટોરી નબળી પડતી જોવા મળે છે, પરંતુ મલાઇકા અરોરા અને નોરા ફતેહીનું ગીત તેમ જ એક રિયલ ઍક્શન હીરોની એન્ટ્રીથી બધું ફરી બરાબર થઈ જાય છે. ફિલ્મના લૉજિકને લઈને ઘણા સવાલ થાય છે, પરંતુ જ્યારે હૉલીવુડની ‘નાઇટ ઍન્ડ ડે’ અને બૉલીવુડની ‘બૅન્ગ બૅન્ગ’ને પસંદ કરી હોય તો આ સવાલોથી દૂર રહેવું જ સારું.

પર્ફોર્મન્સ
આયુષમાનને આ અવતારમાં જોવો એક અલગ જ વાત છે. તેણે પહેલી વાર અલગ ફિલ્મ કરી છે અને એમાં તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. તેના જે વન-લાઇનર્સ છે એ ખરેખર એક ઍક્શન હીરો બોલી રહ્યો હોય એવું લાગે છે. તેમ જ રીલ લાઇફ છે કે રિયલ લાઇફ છે એને લઈને જે કન્ફ્યુઝન અને ફ્રર્સ્ટ્રેશન હોય છે એ તેના ચહેરા પર દેખાઈ આવે છે. જયદીપ અહલાવત કમાલનો ઍક્ટર છે. તે કંઈ ન બોલતો હોય તો પણ તેની હાજરીથી તે ખૂબ જ ખૂંખાર દેખાઈ આવે છે. તેમ જ તેના ડાયલૉગ એટલા ફની છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ હસવા માટે મજબૂર કરે છે. આ સાથે જ મલાઇકાનો જાદુ જોવો રહ્યો. આનંદ એલ. રાય અને ઓરિજિનલ ઍક્શન હીરોને હાલમાં ખૂબ જ સારા સંબંધ છે અને એથી જ તે આ ફિલ્મમાં પણ નાનકડા પાત્રમાં જોવા મળ્યો છે. તેણે તેની પોતાની ફિલ્મમાં એટલી અસર નથી છોડી જેટલી આ નાનકડા રોલમાં છોડી ગયો છે.

મ્યુઝિક
સની એમ. આર. દ્વારા ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર અપાયો છે. તેણે ૧૯૮૦-’૯૦ના દાયકાનું મ્યુઝિક અને અત્યારના મ્યુઝિકને ધ્યાનમાં રાખીને બૅકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે અને એમાં તે સફળ પણ રહ્યો છે. રીમેક સૉન્ગ એટલાં કામ નથી આવ્યાં, પરંતુ આ ફિલ્મમાં બે સૉન્ગ ઓરિજિનલ છે, સારાં છે.
આખરી સલામ
આયુષમાને પહેલી વાર અલગ કરવાની કોશિશ કરી છે અને એમાં તે સફળ રહ્યો છે. અમુક બાબતોને નજરઅંદાજ કરવામાં આવે તો આ એક સારી ઍક્શન કૉમેડી ફિલ્મ છે.

 ફાલતુ,   ઠીક-ઠીક, 
 ટાઇમ પાસ, 
 પૈસા વસૂલ, 
 બહુ જ ફાઇન

bollywood news ayushmann khurrana