યશ ચોપડાની 88મી બર્થ-ઍનિવર્સરીએ ફિલ્મોની લાઇન લગાવશે આદિત્ય ચોપડા

15 August, 2020 05:33 PM IST  |  Mumbai | Harsh Desai

યશ ચોપડાની 88મી બર્થ-ઍનિવર્સરીએ ફિલ્મોની લાઇન લગાવશે આદિત્ય ચોપડા

આદિત્ય ચોપડા

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં સૌની નજર આદિત્ય ચોપડા પર છે, કારણ કે તે બહુ જલદી ઘણી ફિલ્મોની જાહેરાત કરવા જઈ રહ્યો છે. યશ ચોપડાની 88મી બર્થ-ઍનિવર્સરીએ ‘વાયઆરએફ પ્રોજેક્ટ 50’ની જાહેરાત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ૫૦ એટલે કે યશ ચોપડાએ પ્રોડક્શન-હાઉસ શરૂ કર્યુંને ૫૦ વર્ષ થયાં છે અને એનું ગ્રૅન્ડ સેલિબ્રેશન દ્વારા સાતથી નવ ફિલ્મોની જાહેરાત કરવામાં આવશે. આ ફિલ્મોમાં અજય દેવગનની યશરાજ સાથેની પહેલી ફિલ્મ, શાહરુખ ખાનની સિદ્ધાર્થ આનંદ સાથેની ફિલ્મ તેમ જ વિકી કૌશલની કૉમેડી ફિલ્મ જેવી ફિલ્મો હોવાની ચર્ચા છે. જોકે આ ફિલ્મો કઈ છે એ તો ૨૭ સપ્ટેમ્બરે જ ખબર પડશે. આ વિશે ટ્રેડ સોર્સ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘યશ ચોપડાની 88મી બર્થ-ઍનિવર્સરીએ આદિત્ય ચોપડા તેના ‘વાયઆરએફ પ્રોજેક્ટ 50’ની જાહેરાત કરવા જઈ રહ્યું છે. આ દ્વારા તે આ કંપની શરૂ કરનાર તેના પિતાને ટ્રિબ્યુટ આપી રહ્યો છે. યશ ચોપડાએ ખૂબ જ સુંદર અને લોકોની પસંદીદા ફિલ્મો આપી છે. ૨૭ સપ્ટેમ્બરે આદિત્ય આ વિશે જાહેરાત કરશે.’

આ વિશે વધુ જણાવતાં ટ્રેડ સોર્સે કહ્યું હતું કે ‘૨૭ સપ્ટેમ્બરે આ સેલિબ્રેશનની બ્લુ પ્રિન્ટ જાહેર કરવામાં આવશે અને સેલિબ્રેશન એક વર્ષ સુધી ચાલશે. આ માટે ઘણી હાઈ પ્રોફાઇલ ઍક્ટિવિટીને વર્ષ દરમ્યાન પ્લાન કરવામાં આવી છે. આજ સુધી કોઈ પણ સ્ટુડિયો દ્વારા આ રીતની જાહેરાત કરવામાં નથી આવી. આથી દરેક વ્યક્તિ આ તારીખની રાહ જોઈ રહી છે. આ સ્ટુડિયો દ્વારા ઘણા સુપરસ્ટાર આપવામાં આવ્યા છે અને ઘણી અદ્ભુત ફિલ્મો પણ આપવામાં આવી છે. ઇન્ડિયન સિનેમામાં યશ ચોપડા અને તેમના પ્રોડક્શનનું ખૂબ જ યોગદાન રહ્યું છે અને એને ધ્યાનમાં રાખીને સેલિબ્રેશન પણ એટલું જ ગ્રૅન્ડ કરવામાં આવશે.’

entertainment news bollywood bollywood news bollywood gossips aditya chopra yash chopra harsh desai