18 February, 2024 09:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુહાની
આમિર ખાનની ૨૦૧૬માં આવેલી ‘દંગલ’માં જોવા મળેલી સુહાની ભટનાગરના અચાનક થયેલા નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોક પ્રસરી ગયો છે. આમિરે પણ તેના અવસાન બદલ દુઃખ વ્યક્ત કર્યું છે. ‘દંગલ’માં તેણે આમિરની દીકરી બબીતા ફોગાટનો બાળપણનો રોલ કર્યો હતો. ૧૯ વર્ષની સુહાની ઘણા સમયથી બીમાર હતી. ગઈ કાલે સવારે દિલ્હીની એમ્સમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ‘દંગલ’માં કામ કર્યા બાદ તેને અનેક ફિલ્મોની ઑફર આવી હતી, પરંતુ તેણે બ્રેક લેવાનું વિચાર્યું હતું. તે સ્ટડી પર ધ્યાન આપવા માગતી હતી. તેના નિધનથી લોકો પણ ચોંકી ગયા છે. એવું જાણવા મળ્યું છે કે તેને એક ઍક્સિડન્ટમાં પગમાં ફ્રૅક્ચર આવ્યું હતું અને એ દવાની સાઇડ ઇફેક્ટ થવાથી તેના શરીરમાં ફ્લુડ જમા થયું હતું. તે દિલ્હીની એમ્સમાં સારવાર લઈ રહી હતી. જોકે તેની તબિયતમાં સુધારો ન થતાં ગઈ કાલે તેણે દુનિયામાંથી વિદાય લઈ લીધી છે. તેના અવસાન પર દુઃખ વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને આમિર ખાન પ્રોડક્શન્સે લખ્યું છે, ‘સુહાનીના અચાનક નિધનથી અમે અતિશય દુખી છીએ. તેની મમ્મી પૂજાજી અને આખા પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તે ખૂબ જ ટૅલન્ટેડ અને ટીમ-પ્લેયર હતી. સુહાની, તારા વગર તો ‘દંગલ’ અધૂરું છે. સુહાની, અમારા દિલોમાં તું હંમેશાં સ્ટાર બનીને રહીશ. પ્રભુ તારા આત્માને શાંતિ આપે.’