નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે

24 June, 2020 04:56 PM IST  |  Mumbai | Pankaj Udhas

નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે

ગીતા દત્ત જેવી વ્યક્તિ પાસેથી આવા સરસ ઍન્કરેજમેન્ટના શબ્દો નીકળે એનાથી મોટી વાત બીજી કઈ હોય.

નામ ગુમ જાયેગા, ચેહરા યે બદલ જાયેગા
મેરી આવાઝ હી પહેચાન હૈ, ગર યાદ રહે  ગુલઝારે લખેલા આ શબ્દો એકદમ સાચા છે...

મુઝે તુમ સે કુછ ભી ન ચાહિએ, મુઝે મેરે હાલ પે છોડ દો...
મેરા દિલ અગર કોઈ દિલ નહીં, ઉસે મેરે સામને તોડ દો...
હાર્મોનિયમ લઈને મેં ગાવાનું શરૂ કર્યું અને ગીતાજીનાં એક્સપ્રેશન ચેન્જ થવાનાં શરૂ થયાં. પહેલો અંતરો પૂરો થયો ત્યાં તો તેમની આંખમાંથી આંસુની ધાર નીકળવાની શરૂ થઈ ગઈ. એ સમયે હું ફક્ત ૧૭ વર્ષનો. દુનિયા જોઈ હતી, હેરાનગતિ પણ સહન કરી હતી, પણ દિલ તૂટવાની કે પછી મન તૂટવાની તકલીફો કેવી હોય એની કોઈ ગતાગમ નહોતી, પણ ગીતાજી તો જમાનાનાં ખાધેલ અને અઢળક મોટી સફળતા પછી પણ તેમની પાસે કડવા અનુભવોનો બહુ મોટો ઢગલો હતો. ખબર નહીં, બને કે મારું ગીત સાંભળતાં-સાંભળતાં તેમના જીવનની કોઈ દુખદ વાત તેમના મન પર આવી ગઈ હોય કે પછી પીડા આપતી કોઈ વાત તેમને યાદ આવી ગઈ હોય અને તેઓ લાગણીવશ બની ગયાં હોય. તેમની આંખોમાંથી આંસુ બહાર આવી ગયાં. મેં ગીત પૂરું કર્યું એટલે આંસુ લૂછીને તેમણે બહુ પ્રેમથી મારી સામે જોયું.
‘બેટા, તું ગાવાનું છોડતો નહીં. બહુ સરસ ગાય છે તું.’
ગીતા દત્ત જેવી વ્યક્તિ પાસેથી આવા સરસ ઍન્કરેજમેન્ટના શબ્દો નીકળે એનાથી મોટી વાત બીજી કઈ હોય. નીકળતી વખતે મેં તેમના આશીર્વાદ લીધા અને તેઓ છેક તેમના ઘરના દરવાજા સુધી અમને મૂકવા આવ્યાં. અંદર પાછાં જતાં પહેલાં ફરીથી તેમણે તાકીદ કરીને કહ્યું કે ‘તું ગાવાનું છોડતો નહીં, ભગવાને તને અવાજ નહીં, સૂર આપ્યો છે અને ભગવાને આપેલી ભેટને જાણી લીધા પછી એને બહાર લાવવાનું કામ ન કરીએ તો એ ભગવાનનું અપમાન કર્યા સમાન ગણાય.’
ગીતાજી સાથેની એ મુલાકાત પહેલાં મને ગાવાનો શોખ હતો અને હું ગાતો પણ ખરો. લોકો વખાણ પણ કરતા અને એ વખાણને લીધે ગાવાના આ શોખને જાળવી પણ રાખ્યો હતો, પણ મનમાં એવું જરાય નહોતું કે હું ગાયક બનીશ. શોખને શોખ પૂરતો સીમિત રાખી મારે તો સાયન્સના ક્ષેત્રમાં આગળ વધવું હતું, પણ એ દિવસે, ગીતાજીના શબ્દો સાંભળીને પહેલી વખત મને મારા ગાયકી માટે ગંભીરતા આવી એવું કહું તો કંઈ ખોટું નહીં ગણાય. એ સાંજ મને જે પણ યાદ છે અને કહીશ કે મને જિંદગીભર યાદ રહેશે.
ગીતા દત્તના ઘરે તેમની સામે ગાવાનો મોકો મળ્યો. આ પ્રસંગ હું કોઈ દિવસ ભૂલી ન શકું. આ બધું કહેવા પાછળનો મતલબ એ છે કે અવાજ એક બહુ જ અદ્ભુત વસ્તુ છે. તમે એની સરખામણી કોઈની સાથે કરી ન શકો. હું કહીશ કે આપણે આપણા શરીરની જેકોઈ ખૂબીઓ છે એમાં સૌથી ઓછું મહત્ત્વ જો કોઈને આપતા હો તો એ અવાજ છે. અવાજને હું તો મેડિકલ મિરૅકલ તરીકે જ ઓળખાવીશ. મેં મારા વોકલ કોડ જોયા છે. નાકમાંથી એક નાનો એવો કૅમેરા નાખે એટલે એ કૅમેરા અંદર જઈને વોકલ કોડ પાસે પહોંચે, જે તમને સામે રાખવામાં આવેલા મૉનિટર પર દેખાય. આપણે એ જોઈએ ત્યારે નવાઈ લાગે કે ફક્ત અડધાં ઇંચ જેટલા બે મસલ, બે સ્નાયુ હોય જેમાંથી આવો અદ્ભુત અવાજ ઉત્પન્ન થતો હોય છે.
ગાવાની કે પછી ગાયકી અને સંગીતની દુનિયામાં અવાજની જો વાત કરીએ તો વૉઇસ-ક્વૉલિટી સૌથી મોટું અને સૌથી જરૂરી તત્ત્વ છે. આ સિવાય પણ એ સૌથી મહત્ત્વનું તત્ત્વ જ છે. તમારો અવાજ બધાથી નોખો છે, આપણે વ્યક્તિને જોયો પણ ન હોય તો પણ આપણને તેના અવાજ પરથી જ ખબર પડી જાય કે કોણ આવ્યું અને કોણે તમને બોલાવ્યા. સંગીતની દુનિયાની વાત કરું તો અવાજના અને ખાસ પ્રકારના અવાજની માલિકી ધરાવતા હોય એનાં કેટલાં બધાં ઉદાહરણ છે.
ગીતા દત્તની જ વાત લો. તેમનો અવાજ બધામાં નોખો તરી આવે. તેમના અવાજની ટિમ્બર, તેમના અવાજનું કૅરૅક્ટર એવું છે કે એકસાથે ૧૦૦ ફીમેલના અવાજ વચ્ચે પણ તેમનો અવાજ જુદો તરી આવે. ગીતા દત્તના અવાજ જેવો અવાજ ધરાવતો એક પણ અવાજ ઇન્ડસ્ટ્રીને નથી મળ્યો. મુકેશને જોઈ લો તમે. તેમણે પૂરી કારકિર્દીમાં ૧૦૦૦થી વધારે ગીતો નહીં ગાયાં હોય પણ એવું લાગે જાણે પચ્ચીસ-ત્રીસ હજાર ગીતો ગાયાં હશે. તેમનાં બધાં ગીતો એટલાં પૉપ્યુલર થયાં કે સતત તમને એ સંભળાયા જ કરે અને એ તમને મદહોશ કરવાનું કામ પણ કર્યા કરે. તેમનો અવાજ, એ અવાજમાં રહેલું કુદરતી દર્દ, એક સુકૂન, સ્વર્ગ જેવી શાંતિ, અવાજમાં રહેલા ખરજના સૂર અને તેમનો સુંદર અવાજ. એકેક ગીત યાદ કરો, તમે આફરીન પોકારી જશો. ‘મેરા નામ જોકર’નું ‘જાને કહાં ગયે વો દિન...’ હોય કે પછી ‘સંગમ’નું ‘દોસ્ત-દોસ્ત ના રહા...’ ગીત હોય.
એ ગીતો સાંભળતી વખતે એક અલગ જ વાતાવરણ ઉત્પન્ન થાય, જેમાં સૂરોનું સામ્રાજ્ય હોય. ખાલી એ અવાજનું રાજ હોય. આ જ વાત લાગુ પડે છે મોહમ્મદ રફીને. મોહમ્મદ રફીની ગાયકી મેં જાતે અનુભવી છે. શશી કપૂરની ‘આમને-સામને’ નામની એક ફિલ્મ જેમાં એક ગીત હતું, ‘નૈન મિલા કર ચૈન ચુરાના કિસ કા હૈ કામ...’
૧૪ વર્ષની મારી ઉંમર અને હું મારા મોટા ભાઈ મનહરભાઈ સાથે રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં ગયો હતો. એ સમયે કલ્યાણજી-આણંદજી એ સમયના જાણીતા ફિલ્મ સેન્ટર નામના સ્ટુડિયોમાં આ ગીતનું રેકૉર્ડિંગ કરતા હતા. માઇકથી ત્રણચાર ફુટ દૂર રહેવાનું. રેકૉર્ડિંગ ચાલુ હોય એ સમયે ચૂપ રહેવાનું, એક શબ્દ પણ બોલવાનો નહીં કે પછી ઉધરસ-છીંક નહીં ખાવાની. ચૂપચાપ એમ ને એમ જ અટેન્શનની મુદ્રામાં ઊભા રહીને બધું જોવાનું-સાંભળવાનું. રફીસાહેબ પોતાની અનોખી શૈલીમાં હાવભાવ સાથે બન્ને હાથ ઊંચા-નીચા કરીને આ ગીત ગાતા હતા એ મેં જોયું હતું. તેઓ ખૂબ સૉફટ ગાય, જાણે કે તેમના ગળામાં મખમલ હોય. જરાય ઉશ્કેરાટ નહીં, એકદમ શાંતિથી ગાતા હતા. ટેક ઓકે થયો એટલે મોટા સ્પીકર પર ગીત સાંભળ્યું. એકદમ પહાડી અવાજ. અંદર સાંભળ્યો હતો એના કરતાં સાવ નોખો તરી આવે એવો અવાજ. લતાજીના અવાજનો દાખલો લઈ લો તમે.
લતા મંગેશકરનું ગાવાનું, તેમનો અંદાજ, તેમના શબ્દોનું ઉચ્ચારણ, ગીત ગાતી વખતે તેમના હાથની મોમેન્ટ, તેમના ચહેરાનાં એક્સપ્રેશન, આ બધું સાહેબ કુદરતની દેન છે, કુદરતની બક્ષિસ છે. લતાજીએ ગાયેલી ‘રઝિયા સુલતાન’ની નઝ્‍મ તમે સાંભળો એક વાર...
‘એ દિલે નાદાં, એ દિલે નાદાં
આરઝુ ક્યા હૈ, જુસ્તજૂ ક્યા હૈ...
તમારાં રૂંવાડાં ઊભાં થઈ જશે. આજે પણ હું આ નઝ્‍મ સાંભળું ત્યારે મારા આખા શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ જાય છે. એવી તે કેવી શક્તિ હશે અવાજમાં કે ધ્યાન ન આપ્યું હોય તો પણ કે તમે ઑર્ડર ન આપ્યો હોય તો પણ તમારા મન, તમારા ચિત્ત પર પોતાનો કબજો જમાવી લે. અવાજ પર રહેલો કાબૂ, અવાજમાં કુદરતે મૂકેલી શક્તિને લીધે જ તો કિશોરકુમાર, મન્ના ડે, હેમંતકુમાર જેવા ગાયકો આજે પણ આપણી વચ્ચે હયાત છે.
તલત મેહમૂદનું ગીત સાંભળો તમે... ‘જલતે હૈં જિસકે લિએ, તેરી આંખોં કે દિયે...’
તમને પૂછ્યા વિના જ આ અવાજ તમારા મન પર કાબૂ મેળવી લેશે, મારી ગૅરન્ટી.
હું તો માનું છું કે કોઈ અલગ જ બક્ષિસ સાથે કુદરતે આ લોકોને મોકલ્યાં છે. હા, એ પણ એટલું જ સાચું છે કે અવાજની સાથોસાથ તાલીમ, સાધના, રિયાઝ પણ ખૂબ જરૂરી છે. એના વિના તમે જીવનમાં મહાન ન બની શકો એ પણ એટલું જ સાચું છે. શીખવું પડે, લિટરલી સાધના કરવી પડે. માન્યું કે શક્તિ છે તમારામાં, પણ તમારે એ શક્તિને ઓપ આપવો પડે. જો એ આપો તો જ તમારા ગાવામાં સંપૂર્ણતા આવી શકે. આ અવાજની જે વાત છે એ એક પહેચાન બની જાય. આ જ કારણ હશે કે મને ગુલઝારે લખેલું ગીત અત્યંત ગમે છે અને એ ગીતના શબ્દોમાં કહેવાયેલી વાત પણ એકદમ સાચી લાગે છે.
‘નામ ગુમ જાએગા,
ચેહરા યે બદલ જાએગા,
મેરી આવાઝ હી પહેચાન હૈ,
ગર યાદ રહે...’

pankaj udhas columnists