યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા

22 November, 2020 08:59 PM IST  |  Mumbai | Bhavya Gandhi

યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા

યે જો દેશ હૈ તેરા, સ્વદેશ હૈ તેરા

કોવિડની નવી મોસમ શરૂ થઈ ગઈ છે. આપણે ત્યાં કોવિડ પેશન્ટ્સ ઓછા થવા માંડ્યા હતા અને ઘટીને છેક ૩૦,૦૦૦ પર પહોંચી ગયા હતા, પણ છેલ્લા ચાર દિવસમાં એ વધીને ફરીથી આગળ વધવા માંડ્યા અને હવે ૪૫,૦૦૦નો આંકડો પણ ક્રૉસ કરી ગયો અને મેડિકલ-એક્સપર્ટ્સનું કહેવું છે કે આ આંકડો હજી વધવામાં છે. ફરી એક વખત કોવિડ-વેવ આવશે અને એ વેવમાં આપણે સૌકોઈ ખેંચાવાના છીએ. આ વેવ આવશે કોને લીધે અને કયા કારણસર એનો જરા એક વાર વિચાર કરજો. એક વાર એ પણ વિચારજો કે આ વેવ્સ ક્યાં આવે છે?
અમદાવાદમાં બેફામ કોવિડ પેશન્ટ્સ વધ્યા. રાજકોટ અને સુરતમાં પણ વધવા પર આવી ગયા છે તો દિલ્હીએ બધાની આગેવાની લીધી હોય એમ બેફામ કોવિડ-કેસ વધતા જાય છે. મુંબઈ પણ હાઈ અલર્ટ પર છે અને ચંડીગઢ, અમ્રિતસર, પટણા, અલાહાબાદ જેવાં શહેરો પણ એ લિસ્ટમાં છે. વિચારો, આ બધામાં ક્યાંય તમને નાના ગામનાં નામો સાંભળવા મળે છે? જુઓ તમે, ક્યાંય એક પણ વિલેજનું નામ તમને આ બધામાં મળ્યું ખરું? તમને ઇન્ટરનેટ પર ચેક કરી લેવાની પણ છૂટ છે અને મેડિકલ-એક્સપર્ટને કે ગવર્નમેન્ટ ઑફિસરને પૂછી લેવાની પણ છૂટ છે તમને.
નથી, નાનું ગામ આ લિસ્ટમાં ક્યાંય નથી. નાનું ગામ દેશ માટે જોખમી નથી એ વાત પરથી જ મને આ આર્ટિકલ લખવાનો વિચાર આવ્યો એવું કહું તો ચાલે. એક બીજું પણ કારણ છે આ આર્ટિકલ માટેનું.
હમણાં હું મારા ગામમાં ગયો હતો. લાસ્ટ વીકમાં કહ્યું એમ, અમદાવાદ શૂટિંગ પૂરું કર્યા પછી જે થોડો ટાઇમ હતો એમાં હું મારા ગામ ગયો. ફ્રેન્ડ્સ કહો જોઈએ, ગામમાં શું હોય? ચારે બાજુ ખેતર, જ્યાં જુઓ ત્યાં ખુલ્લી જમીન અને ચોખ્ખી હવા. ગામમાં રહેવાની ખૂબ મજા આવે અને મારી વાત કરું તો મને તો ગામમાં રહેવાનું અતિશય ગમે. એનું કારણ પણ છે. અમારા ગામમાં મારી ઉંમરના ઘણા છોકરા છે. કીર્તિ, પ્રહ્‍લાદ અને બીજા અનેક ફ્રેન્ડ્સ છે મારે ત્યાં. હું મુંબઈ પાછો આવી જાઉં તો પણ આ બધા ફ્રેન્ડ્સ મારી સાથે કૉન્ટૅક્ટમાં હોય છે. ગામમાં હું જ્યારે પણ જાઉં ત્યારે તેઓ બધા મારી સાથે રમવા અને રહેવા આવી જાય અને અમે બધા સાથે જ રહીએ. આ વખતે પણ મને એમ જ હતું કે હું ગામ રહેવા જઈશ એટલે અમે બધા ભેગા થઈશું અને બધા સાથે મળીને રહીશું, પણ થયું ઊલટું. મારા એ બધા ફ્રેન્ડ્સને બદલે મને તેમના પેરન્ટ્સ મળવા આવ્યા અને મારા જેટલા ફ્રેન્ડ્સ હતા એમાંથી માંડ બે-ચાર છોકરાઓ જ મારે ત્યાં આવ્યા. આવું થયું એટલે મેં ત્યાં આવ્યા હતા એ ફ્રેન્ડ્સને પૂછ્યું કે બાકીના ફ્રેન્ડ્સ ક્યાં ગયા?
મને એમ કે હમણાં કહેશે તેઓ બધા તો ખેતર ગયા છે, પણ જવાબ સાવ જુદો જ આવ્યો. મને કહેવામાં આવ્યું કે એ બધા તો શહેર ગયા છે.
સિટીમાં જવાનું કારણ પણ મેં પૂછી લીધું તો મને ખબર પડી કે એ બધાને ત્યાં જૉબ મળી ગઈ અને સૅલરી પણ સારી હતી એટલે હવે ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. મને ખરેખર નવાઈ લાગી હતી કે આવું શું કામ? પૂછ્યું તો જવાબ મળ્યો કે અહીં રહીને કરશે પણ શું એ લોકો? ખેતી કરે એના કરતાં તો સારા પગારવાળી નોકરી શું ખોટી? દેખીતી રીતે કોઈને પણ એવું લાગે કે એમાં કશું ખોટું નથી, ગ્રોથ માટે કોઈએ પણ આ કામ કરવું જોઈએ અને એ કરવામાં જ બુદ્ધિ છે. આવી બધી વાતો થતી રહી અને પછી રાતે અમે બધા છૂટા પડ્યા.
એ રાતે સૂવા માટે ટેરેસ પર ગયો હતો. ખુલ્લું આકાશ અને હું. ધીમે-ધીમે મારા મગજમાં આ વાતનું રિપીટ ટેલિકાસ્ટ શરૂ થઈ ગયું અને જેમ-જેમ એ વાત મને યાદ આવવા માંડી એમ-એમ મને થવા માંડ્યું કે આપણે ખરેખર ખોટી દિશા તરફ ભાગીએ છીએ, ખોટી દિશા તરફ અને ખોટી રીત તરફ પણ.
આપણે રહીએ છીએ ખેતીપ્રધાન દેશમાં. આપણા ખેડૂત અને તેનાં સંતાનો જ જો ખેતી કરવા રાજી નહીં થાય તો આ દેશમાં ફાર્મિંગ કરશે કોણ? મને એ પણ વિચાર આવ્યા કે ફાર્મિંગની વાત શું કામ આ જ લોકો વિચારે. માણસને ગ્રોથનો હક છે અને શહેરમાં જ સૌથી સારો ગ્રોથ થઈ શકે તો પછી એ રીતે જોઈએ તો સારું જ થયું કે એ ફ્રેન્ડ્સ સિટીમાં સેટલ થવા માટે ગયા, પણ આ વિચારની સાથે જ મને લાગ્યું કે આવું વિચારવાનો હક ત્યારે જ હોઈ શકે જો તમારી પાસે કરીઅરના ઑપ્શન્સ ન હોય. તમારી પાસે ખેતીની જમીન ન હોય કે પછી તમારા ખેતરમાં પાક ન થતો હોય. નવી જનરેશન નવી રીતે ખેતી પણ કરી જ શકે છે અને સારામાં સારી રીતે ખેતી કરી શકે છે. આજે ફાર્મિંગના ક્ષેત્રમાં પણ નિતનવી રીત આવી ગઈ છે તો નવાં સાધનો વસાવીને આ કામ બેસ્ટ રીતે કરી શકાય. અત્યારે ઑર્ગેનિક ફાર્મિંગનું પ્રમાણ ખૂબ વધ્યું છે તો એ રીતે પણ વધારે પાક લઈ શકાય અને સિટીને અટ્રૅક્ટ કરવાનું કામ પણ થઈ શકે. હું એમ નથી કહેતો કે ફૉરેનમાં થાય છે એ રીતે ફાર્મિંગ કરે કે પછી પેસ્ટિસાઇડ વાપરીને મૉડર્નાઇઝેશનના નામે ખેતી કરે. થોડી વધુ મહેનત અને ટેક્નૉલૉજીનો યુઝ કરીને આ કામ બેસ્ટ રીતે થઈ શકે છે. અરે, તમને કહ્યું એમ ઑર્ગેનિક ખેતીનું ખૂબ જ મહત્ત્વ છે હવે તો. ઑર્ગેનિક પ્રોડક્ટના ભાવ રૂટીન પ્રોડક્ટ કરતાં ઑલમોસ્ટ ડબલ કે ટ્રિપલ હોય છે. તમે તમારી વેબસાઇટ બનાવીને માલ ડાયરેક્ટ કન્ઝ્‍યુમરને વેચી શકો છો. હવે તો મોટી-મોટી કંપનીઓ ઑનલાઇન ડીલ કરે છે એટલે તમે ડાયરેક્ટ એ જ કંપનીને માલ વેચીને બેસ્ટ પેમેન્ટ પણ લઈ શકો છો.
તમને એમ પણ થશે કે આ તેમની કરીઅર છે, તેમની ચૉઇસ છે. તેમણે જે કરવું હોય એ કરે, તેમને જૉબની ઇચ્છા થાય તો જૉબ કરે અને તેમને ફાર્મિંગ કરવું હોય તો ફાર્મિંગ કરે. વાત સાચી છે કે તેમના મનની અને તેમની ઇચ્છાની વાત છે, પણ હવે ખાલી એટલું વિચારીએ કે મારો ફ્રેન્ડ પ્રહ્‍લાદ આજે જે કોઈ મોટા સિટીમાં સેટ થઈ ગયો છે, સરસ જૉબ કરતો થઈ ગયો છે અને તેને જોઈએ એવી લાઇફ મળી ગઈ છે. ફ્યુચરમાં તે મૅરેજ કરશે ત્યારે સ્વાભાવિક રીતે છોકરી ગામડે રહેવા તૈયાર નહીં થાય એટલે પ્રહ્‍લાદ સામે ચાલીને ઘરે આવીને કહેશે કે હું ખેતી તો કરવાની નથી અને મારે હવે શહેરમાં જ રહેવું છે. જે સમયે પ્રહ્‍લાદ આ વાત કરશે ત્યારે પહેલાં તો તેના પેરન્ટ્સ સિટીમાં આવવા તૈયાર નહીં થાય અને એવું બનશે એટલે પ્રહ્‍‍લાદ એકલો જ સિટીમાં સેટલ થશે અને અહીંથી આખું એક વિષચક્ર શરૂ થશે.
હવે મકાન કે ફ્લૅટ લેવાની વાત આવશે. એને માટે પ્રહ્‍‍લાદ સૌથી પહેલો વિચાર લોન લેવાનો કરવાને બદલે ખેતીની જમીન વેચવાનો કરશે અને એ જમીન વેચી પણ દેશે. ખેતી તો થતી નથી અને બાપુ ક્યાં સુધી ખેતી કરશે એટલે બિચારો બાપ પણ જમીન આપવા રાજી થઈ જશે અને એ જગ્યાએ કોઈ ફૅક્ટરી બનશે. જે જગ્યાએ ખેતી થતી હતી અને આખું વર્ષ પાક આવતા હતા ત્યાં આજે એક ફૅક્ટરી ઊભી છે અને એ ફૅક્ટરી આખા ગામને પ્રદૂષણ આપવાનું કામ કરે છે.
આવું કરવાને બદલે ગામડાને ડેવલપ કરવાનું કામ કરવાની જરૂર છે અને આજના સમયમાં તો ગામડાં પણ હવે બહુ સારી રીતે ડેવલપ થઈ રહ્યાં છે. સારું ઘર, સારું ફૂડ, સારું પાણી અને સારું વાતાવરણ ગામડામાં મળે જ છે. હવે તો ગામમાં ખેતી સારી થતી હોય છે એટલે કોલ્ડ સ્ટોરેજ પણ થવા માંડ્યા છે. આવી અવસ્થામાં સિટીનો મોહ શું કામ અને કયા કારણે? જો મારું ચાલે તો હું મુંબઈમાં રહેવાનું જરાય પસંદ ન કરું, જો મારું ચાલે તો હું ખરેખર આ પ્રકારના કોઈ એક નાનકડા ગામમાં જઈને રહું અને ખરું કહું તો મેં એવો પ્લાન પણ બનાવ્યો છે કે એક ઉંમર પછી હું મારા ગામ રહેવા જતો રહીશ. ગામડાંઓ તૂટતાં અટકાવવાની અને ગામને બચાવવાનું કામ કરવાની આપણને બધાને તાતી જરૂર છે અને એને માટે સરકાર જ સૌથી અસરકારક પગલાં લઈ શકે. સરકારે આ પગલાં લેવા માટે જે કોઈ યોજના જાહેર કરવા જેવી લાગે એ કરવી પડશે. નહીં તો એક તબક્કો એવો આવી જશે કે આ દેશ પાસે ગામડાં નહીં હોય અને આ દેશ પાસે ખેતી માટે જમીન પણ નહીં હોય. આજના યંગસ્ટર્સમાં ઘણા એવા છે જેઓ પોતાના ફાધરનો બિઝનેસ જૉઇન નથી કરતા, કંઈક અલગ જ કામ કરે છે. મારી જ વાત કરું તો, મારા પપ્પા બિલ્ડર છે, પણ હું એક એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં અને મારો ભાઈ એન્જિનિયર બનીને પપ્પા સાથે જોડાયો છે. આજની તારીખે પણ મારા ઘરમાં કોઈ બિઝનેસની વાતો ચાલતી હોય તો મને એમાં બિલકુલ ગતાગમ પડતી નથી અને મને એ કબૂલ કરવામાં કોઈ સંકોચ પણ નથી, કારણ કે હું માનું છું કે આપણે ડેવલપ થવાનું છે, પણ ડેવલપ થવા માટે, વિકાસ કરવા માટે મૂળને છોડવાનું નથી.

Bhavya Gandhi columnists weekend guide