કાશ, મારી ઇચ્છા પૂરી થાય

01 December, 2020 04:09 PM IST  |  Mumbai | Bhakti Desai

કાશ, મારી ઇચ્છા પૂરી થાય

ઘર અને પરિવારની સાથે જ પોતાના વ્યક્તિત્વ પર કામ કરવું પણ જરૂરી છે

દરેકના જીવનમાં કંઈક મેળવવા, પામવા, કરવા, ફરવા માટેનું વિશ-લિસ્ટ હોય જ છે, પરંતુ એ ઇચ્છા પૂરી થવી એ દરેકની મહેનત અને ઇચ્છાશક્તિ પર નિર્ભર હોય છે. પહેલાંની ગૃહિણીઓ પોતાની ઇચ્છાઓને ભાગ્યે જ પ્રાધાન્ય આપતી હતી, પણ શું આજની સ્ત્રીઓ પોતાની ઇચ્છાઓ પૂરી કરી શકે છે? આખા ઘર અને પરિવારની ઇચ્છાઓને પૂર્ણ કરનાર ગૃહિણીઓને આજે પૂછીએ કે શું તેમણે કદી પોતાની ઇચ્છાઓની યાદી બનાવી છે? અને જો બનાવી છે તો એમાંથી કેટલી ઇચ્છાઓ પૂર્ણ થઈ છે?,,,

ઇચ્છા એક એવો વિષય અને શબ્દ છે જે પૂર્ણ થઈ જાય તો ખુશી આપે છે અને નથી થતી તો વ્યક્તિ ક્યાંક અસંતોષ અનુભવે છે. નાના બાળકથી લઈને મોટી ઉંમર ધરાવનાર વ્યક્તિનું જીવન નાની-મોટી ઇચ્છાઓના આધારે અને એ પૂર્ણ કરવાની આશાઓમાં જ આગળ વધતું રહે છે. આપણા ભારતીય સમાજ-વ્યવસ્થાના માળખામાં બાળકો, પુરુષો, વડીલો પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરતાં હોય છે; પણ આ બધાને અને આખા ઘરના કારભારને સંભાળનાર ગૃહિણીને શું તેની નાની-મોટી ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે પૂરતો સમય અને અવસર મળી રહે છે? પહેલાંના જમાનામાં ગૃહિણી પોતાના પરિવારજનોનાં સપનાંઓને જ પોતાની ઇચ્છા સમજી, પોતાની મરજી વ્યક્ત પણ કરતી નહોતી, પણ હવે જમાનો બદલાયો છે. હવે સ્ત્રીઓ આ ઇચ્છાઓની યાદી બનાવીને એને જીવનમાં સમય મળશે ત્યારે જરૂર પૂર્ણ કરશે એવા નિર્ધાર સાથે જીવતી હોય છે. જીવનમાં ઘરના કામની વ્યસ્તતા વચ્ચે પણ જો પોતાની મહત્ત્વાકાંક્ષાઓને પ્રાધાન્ય આપવામાં આવે તો એને પૂર્ણ કરવું અઘરું નથી. ઘર અને પરિવારની સાથે જ પોતાના વ્યક્તિત્વ પર કામ કરવું પણ જરૂરી છે. જો પોતાને માટે સમય ફાળવીએ તો જ જીવન વાસ્તવમાં સાર્થક થતું જણાય છે. ‍આજે કેટલીક ગૃહિણીઓ પાસેથી જાણીએ કે તેમને કેવી-કેવી ઇચ્છાઓ થાય છે? એમાંથી કેટલી પૂર્ણ થઈ શકી છે અને કેટલી બાકી રહી ગઈ છે?

આર્ટ અને નવું શીખવાની મારી ઇચ્છાઓને પૂરી કરવાનો સમય હું કોઈક ને કોઈક રીતે ફાળવી જ લઉં છું: પ્રિયા મહેતા

ચેમ્બુર રહેતાં પ્રિયા મહેતા પોતાની ઇચ્છાઓને પૂરી તો કરે છે, પણ તેમની યાદીમાં વધારો પણ કરતાં રહે છે. તેઓ કહે છે, ‘મારી ઇચ્છા પૂર્ણ કરવા હું મારી ઇચ્છાશક્તિ એટલી પ્રબળ રાખું છું કે જીવનમાં ગમે એટલી વ્યસ્તતા હોય, પણ મારે જે પ્રાપ્ત કરવું છે એ હું મેળવી જ લઉં છું. આમાં મહેનત ખૂબ કરવી પડે છે, પણ છેલ્લે એક વાતની ખુશી મળે છે કે મેં મારી ઇચ્છાઓને પ્રાધાન્ય આપીને મારી જાત માટે કાંઈક કર્યું. મને કોઈ ને કોઈ નવી કળા શીખવાની અને જ્ઞાન મેળવવાની ઇચ્છાઓ હોય છે. મને બે દીકરીઓ છે અને લૉકડાઉનમાં બધા ઘરે હતા એથી એક ગૃહિણી તરીકે સ્વાભાવિક છે કે હું પણ ખૂબ વ્યસ્ત હતી, છતાં મને જે થોડો-થોડો સમય મળતો એમાંથી મેં મારી મંડાલા આર્ટ શીખવાની ઇચ્છા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એ શીખી લીધું. આજે હવે હું મંડાલા આર્ટમાં ઘણાં ચિત્રો બનાવું છું. મારે પહેલેથી જ સ્ટૉક એક્સચેન્જનું જ્ઞાન મેળવવું હતું, પણ મોકો મળતો નહોતો. મારી પહેલી દીકરી જન્મી ત્યારે હું જૉબ કરતી હતી અને તેના જન્મ પછી મને જે સમય મળ્યો એમાં મેં સ્ટૉક એક્સચેન્જ વિશે શીખીને એની પરીક્ષા આપી. મારે સ્વિમિંગ શીખવાની ઇચ્છા હતી, જે મેં લગ્ન પછી પૂર્ણ કરી અને આગળ પણ મારા વિશ-લિસ્ટમાં મારે કળા અને જ્ઞાન પ્રાપ્ત કરી વધુ ને વધુ ઉચ્ચ સ્તરે જવું છે અને વ્યક્તિગત રીતે આર્થિક સધ્ધરતા પામવી છે.’

પતિને બે વર્ષ મનાવીને મારું દાર્જીલિંગ જવાનું સપનું પૂરું કર્યું : મીતા કેનિયા

ગોરેગામ રહેતાં મીતાબહેન કહે છે, ‘નાનપણથી જ્યારથી હું અમુક ફિલ્મો અને એમાંય ચાના બગીચાઓનાં શૂટિંગ જોતી તો મને દાર્જીલિંગ જવાનું ખૂબ મન થઈ જતું. લગ્ન પહેલાં એ શક્ય ન બન્યું અને સાસરે આવી વહુ, પત્ની, માતા જેવી બધી ફરજ નિભાવવામાં જ દિવસો નીકળતા રહ્યા. હવે મારાં લગ્નને ૧૯ વર્ષ થયાં અને છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં મને ફરવા જવા જેવી નવરાશ મળી ત્યારે પણ મારા પતિએ રાજસ્થાન જવાનું નક્કી કર્યું. પછી હું બે વર્ષ સતત તેમને મનાવતી રહી અને અમે ગયા વર્ષે દાર્જીલિંગ જવાનું સપનું પૂરું કર્યું. મને ખૂબ ખુશી થઈ કે એ ચાના બગીચાઓ અને દાર્જીલિંગ, જેને હું વર્ષોથી ટીવીમાં જોતી હતી ત્યાં હું પહોંચી શકી. બસ મારી ઇચ્છાઓમાં આનું ખૂબ મહત્ત્વ હતું. એ સિવાય મારે ઘણાં વર્ષોથી મારી વ્યક્તિગત પ્રગતિ માટે મને કમ્પ્યુટર શીખવાનું ખૂબ મન છે, જે બપોરના સમયમાં મને નવરાશ મળે ત્યારે હું જરૂર પૂરું કરીશ.’

લગ્ન પછી પરિવાર અને સંતાનોની જવાબદારીમાં જાત માટે સમય ફાળવી જ નથી શકાતો ઃ મનીષા કાનાબાર

શંકરબારી લેનમાં રહેતાં મનીષા કાનાબાર પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરતાં કહે છે, ‘લગ્ન સમયે હું ઘણી પાતળી હતી અને બાળકોના જન્મ પછી મારું વજન ખૂબ વધી ગયું. મારી એક ઇચ્છા એ છે કે હું મારે માટે એટલો સમય ફાળવી શકું કે મારું વજન ઓછું કરવા તરફ ધ્યાન આપી શકું. જોકે વ્યસ્તતાને કારણે આ થઈ નથી શકતું એથી જ મેં એને મારી ઇચ્છાઓની યાદીમાં જ રાખી છે. જરૂર છે મારે આ નિર્ધાર કરીને એ પૂર્ણ કરવાની જેના તરફ હું હવે જાગ્રત થતી જઉં છું. બીજી વાત એ છે કે અમે હાલમાં જે જગ્યાએ રહીએ છીએ ત્યાં નાનાં-નાનાં ઘર છે. વર્ષોથી મારી એક ઇચ્છા તો છે જ કે અમારું એક મોટું અને સુવિધાઓસભર ઘર હોય. અમારો પરિવાર ઘણો મોટો છે અને પ્રસંગમાં અમે સાથે જ જમીએ છીએ, તો જો મોટું ઘર ખરીદીએ તો સ્વાભાવિક છે કે એમાં સુવિધાઓ પણ વધશે અને મને એક ગૃહિણી તરીકે કામ કરવાની તથા રહેવાની વધારે મજા આવશે.’

સતત એક અવસરની ખોજમાં છું કે મને જીવનમાં કાશ્મીર જવાનો મોકો મળે : હેમા પટેલ
ગોરેગામ રહેતાં હેમા પટેલ કહે છે, ‘હું એવું જરૂર માનું છું કે દરેક ગૃહિણીઓની ઘણી નાની-મોટી ઇચ્છાઓ હોય છે. આની યાદી તેઓ મનમાં બનાવે પણ છે, જેમ કે સમય-સમય પર અને જીવનના અમુક તબક્કાઓ પર મેં પણ બનાવી છે, પણ ક્યારેક સમયના અભાવે એને મુલતવી રાખવી પડે છે. મને ફરવાનો ખૂબ શોખ છે અને મારી વર્ષોથી એક તીવ્ર ઇચ્છા છે કે મારે કાશ્મીર તો ફરવું જ છે. મને એક દીકરી છે અને તેનાં લગ્ન થઈ ગયાં છે એથી હવે મારા માટે મને સમય મળે છે. હું સતત એક અવસરની ખોજમાં છું કે મને જીવનમાં કાશ્મીર જવાનો મોકો મળે અને હું નીકળી જાઉં. મારી વિશ-લિસ્ટની વાતમાં બીજી એક અત્યંત જરૂરી ઇચ્છા એ છે કે મને મારું પોતાનું એક ઘર જોઈએ છે, જ્યાં મારે કંઈ પણ કરવા કે કોઈ પણ નિર્ણય લેવા કોઈની પરવાનગી ન લેવી પડે. સ્ત્રીના જીવનમાં લગ્ન પહેલાં તે માતા-પિતાના ઘરે હોય છે અને નાની હોય છે એથી ત્યાં બધું વડીલોની પરવાનગી લઈને જ કરવું પડે છે અને પછી સાસરે આવીને તેમની ઇચ્છા મુજબ જિંદગી જીવે છે; એથી જ કોઈની રોકટોક વગર થોડા સમય માટે પણ જીવી શકાય એવું એક મારું પોતાનું ઘર હોય એવી મારી ઇચ્છા છે.’

 

bhakti desai columnists