સંગીતકાર ખય્યામે પોતાની પહેલી ફિલ્મમાં કયા નામથી સંગીત આપ્યું?

20 October, 2019 03:08 PM IST  |  મુંબઈ | વો જબ યાદ આએ - રજની મહેતા

સંગીતકાર ખય્યામે પોતાની પહેલી ફિલ્મમાં કયા નામથી સંગીત આપ્યું?

ખય્યામ સાથે ચિસ્તી

સંગીતકાર ખય્યામમાં ફિલ્મોમાં કામ કરવાની ઘેલછા એટલી પ્રબળ હતી કે ૧૧ વર્ષની ઉંમરે તે ઘેરથી ભાગીને દિલ્હી પોતાના કાકાને ત્યાં પહોંચી ગયા. આ એક અજબ યોગાનુયોગ  છે કે સંગીતકાર સી. રામચંદ્ર, ઓ. પી. નૈયર, વસંત દેસાઈ અને જયદેવ, આ દરેકની પહેલી ઇચ્છા ફિલ્મોમાં કામ કરવાની હતી. ભગવાનનો પાડ માનો કે તેમનાં આ અરમાન અધૂરાં રહ્યાં, નહિતર તેમણે બનાવેલાં અમર ગીતો આપણને મળ્યા ન હોત. જોકે ફિલ્મી દુનિયાની ઝાકમઝાળ એવી છે કે મોટા ભાગના લોકો તેનાથી દૂર નથી રહી શકતા. મુકેશ, તલત મહેમૂદ, સુભાષ  ઘઈ, રાઇટર સલીમ ખાન અને બીજી અનેક હસ્તીઓએ ફિલ્મોમાં કામ કરવાનાં સપનાં જોયાં હતાં. એકાદ-બે નિષ્ફળ પ્રયત્નો બાદ આ દરેકે પોતાની દિશા બદલી અને પોતપોતાના અસલી ફીલ્ડમાં પાછા આવીને સફળતા મેળવી.

કાકાના મિત્ર પંડિત હુસ્નલાલની તાલીમને કારણે તે સમયના મશહૂર સંગીતકાર ચિસ્તી બાબાના આસિસ્ટન્ટ બનવાનો પોતાને મોકો મળ્યો તે વાતનું અનુસંધાન કરતાં ખય્યામ આગળ કહે છે, ‘આને કારણે મને ફિલ્મ સંગીતની અનેક બારીકીઓ જાણવા મળી. મને પોતાને પણ અંદરથી નવી નવી પ્રેરણાઓ મળતી. એક કલાકાર તરીકે મારા જ્ઞાનમાં વૃદ્ધિ થતી હતી પરંતુ નક્કી થયા મુજબ આ માટે મને એક પણ પૈસો પગાર તરીકે નહોતો મળતો. મારે માટે આ મુશ્કેલીનો સમય હતો. ત્યાં મને સમાચાર મળ્યા કે લુધિયાણામાં મારા મોટાભાઈને ટ્રાન્સપોર્ટનો એક મોટો ઑર્ડર મળ્યો છે. મને થયું કે કદાચ તે મને થોડી મદદ કરશે. એટલે હું થોડા દિવસની રજા લઈને તેમને ત્યાં ગયો.’

મને જોઈને તે ખુશ થયા. મારું કામકાજ કેમ ચાલે છે અને બીજી કોઈ તકલીફ નથી ને, એ સવાલ પૂછતાં જ મેં મારી મુશ્કેલીઓની વાત કરી. હું કોઈ પણ જાતનો પગાર લીધા વિના આ કામ કરું છું એ સાંભળીને તેમણે ગુસ્સામાં એક તમાચો મારી દીધો. મને ખખડાવતાં કહે, ‘ભણતર છોડીને આવાં કામ કરીશ તો જિંદગી આખી પસ્તાવું પડશે. તારાં સાત વર્ષ તો પાણીમાં ગયાં. હવે ફિલ્મોના ધખારા છોડી દે. કૈંક એવું કામ કર કે તું તારા પગભર થઈ શકે, અને અમારી જેમ બે પૈસા કમાઈ શકે.’ તેમનો આક્રોશ વ્યાજબી હતો. મને પહેલી વાર તેમની વાત સાચી લાગી. મનમાં થયું કે આટલાં વર્ષોની મહેનત પછી પણ મારી આ હાલત હોય તો મારે મારી જીદ છોડવી જોઈએ. મૃગજળ જેવા સપનાની પાછળ દોડીને સમય બરબાદ કરવો, એ ડહાપણનું કામ નથી.’

સફળતાની સીડી ચડવા માટેનું પહેલું પગથિયું એ છે કે પરિસ્થિતિનો સ્વીકાર કરવો અને તેનો પડકાર ઝીલવો. પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના સમયે ભાગેડુ વૃત્તિ કામ ન આવે. એક સંતનું વાક્ય યાદ આવે છે, ‘ઈશ્વરની કઠોર કૃપા પણ હોય છે.’ આ વાત સમજવા જેવી છે. ભલે કઠિણ હોય છેવટે તો એ પ્રભુની કૃપા જ છે. દુખના ગાઢ જંગલોમાંથી પસાર થયા બાદ જ સુખનો રાજમાર્ગ મળતો હોય છે. દરેક પરિસ્થિતિ ઈશ્વરની કૃપા સમજીને, પ્રસાદ માનીને માથે ચડાવીએ, તો જરૂર કોઈ રસ્તો નીકળતો હોય છે. સંગીતકાર ખય્યામને આ વાતનો અહેસાસ થઈ ગયો હતો. એટલે તેમણે ફિલ્મોથી ધ્યાન હટાવીને, અલગ દિશામાં આગળ શું કરવું તેનો વિચાર કરતાં એક નિર્ણય કર્યો. એ વિષે વાત કરતાં તે કહે છે, ‘તે દિવસો બીજા વિશ્વયુદ્ધના હતા. અંગ્રેજો તેમાં જોડાયેલા હતા અને તેમની ઇચ્છા હતી કે ભારતીય સેના પણ એમાં ભાગ લે. એ માટે તેઓ ભારતીય નાગરિકોને સેનામાં ભરતી કરવા માટે પ્રયત્નો કરતા. એમાં તેમને ઝાઝી  સફળતા મળતી નહોતી. તે લોકોએ એક વિચાર કર્યો કે દેશદાઝથી પ્રેરિત થયેલાં નાટકો લોકોની સામે ભજવવાં જોઈએ. સેના સાથે નાટકના કલાકારો એક ગામથી બીજે ગામ જાય અને લોકોને મનોરંજન સાથે એક મેસેજ મળે. આ કામ માટે કલાકારોને સારા પગારની ઑફર કરવામાં આવતી. મેં આ મોકો ઝડપી લીધો. એ દિવસોમાં સ્ત્રીઓ ભાગ્યે જ નાટકોમાં કામ કરતી. મને નાનાં-મોટાં સ્ત્રીપાત્રોના રોલ મળતા. ડાઇરેકટર મને ઠુમકા મારવાની એક્ટિંગ શીખડાવતો. મારી એન્ટ્રી થતાં જ પ્રેક્ષકો જોશમાં આવીને તાળીઓ પાડતા. આમ પૈસાની તકલીફ તો દૂર થઈ પરંતુ હું રાજી નહોતો.’

મેં પહેલાં જ કહ્યું તેમ શહીદ ભગતસિંગના બલિદાનની મારા ઉપર ઊંડી અસર હતી. મને મનમાં થતું કે દેશ માટે કૈંક કરવું જોઈએ. એ માટે આનાથી વધારે સારો મોકો નહિ મળે; એમ માનીને ૧૯૪૩માં હું આર્મીમાં જોડાયો. મારી ટ્રેનિંગ દરમ્યાન મને ક્વેટા, કોહટ, પેશાવર, પૂના, દેવલાલી જવાનો મોકો મળ્યો. આ દરમ્યાન સ્ટ્રિક્ટ ડિસિપ્લીન અને સમયસર કામ કરવાના જે પાઠ શીખવા મળ્યા એ આજીવન મને કામ આવ્યાં; ખાસ કરીને મારા મુશ્કેલ સમયમાં. ૧૯૪૫માં અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર એટમ બૉમ્બ ફેંક્યા અને અચાનક યુદ્ધ સમાપ્ત થયું. એ સમયે જાપાનના લોકોની હાલત જોઈને હું માનસિક રીતે અત્યંત ડિસ્ટર્બ હતો. યુદ્ધ આટલું ભીષણ હોઈ શકે તેની કલ્પના જ નહોતી. તે સમયે બ્રિટિશ ગવર્નમેન્ટે અમને વૉલન્ટરી રિટાયરમેન્ટની ઓફર આપી જે મેં તરત સ્વીકારી લીધી.’                                                                           

ખય્યામ જીવનના એ વળાંક પર ઊભા હતા જ્યાં ભવિષ્ય ધૂંધળું લાગતું હતું. એ સમયે ‘જીવન સે લંબે હૈ બંધુ, ઇસ જીવન કે રસ્તે’ જેવી અનુભૂતિ તેમને થતી હશે એમાં કોઈ શક નહોતો. યુદ્ધના સમયની યાદો આજની તારીખમાં પણ તેમને વિચલિત કરી દેતી હતી; તો તે દિવસોમાં તેમની મનોદશા કેવી હશે તે સમજી શકાય. અધૂરામાં પૂરું હોય તેમ આગળ શું થશે, તેની ચિંતા પણ તેમના માથા પર સવાર હતી.

હતા ત્યાં ને ત્યાં’ જેવી મારી હાલત હતી. હવે કરવું શું?  ફરી પાછો ત્રણ વર્ષ બાદ હું લાહોર આવ્યો. આ વખતે મેં નિર્ણય કર્યો કે જે ક્ષેત્રમાં હું કાબેલ છું એમાં જ આગળ વધીશ. ફિલ્મોમાં કામ કરવા કરતાં સંગીતમાં આગળ વધવું મારા માટે બહેતર રહેશે, એ વાત મને બરાબર સમજાઈ ગઈ હતી. હું ચિસ્તી બાબા પાસે પહોંચ્યો. ખબર નહોતી કે તે કેવો રિસ્પોન્સ આપશે. જોકે તેમણે ઉમળકાથી આવકાર આપ્યો. કહ્યું, ‘આસિસ્ટન્ટ તરીકે કામ કરવું હોય તો આવી  જા. પરંતુ એ જ શરતે કે રહેવા, ખાવા, પીવા સિવાય બીજું કંઈ નહીં મળે.’ મારી પાસે હા પાડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.’

તે દિવસોમાં ચિસ્તી બાબા બી. આર. ચોપરા, એસ. ડી. નારંગ, આર. સી. તલવાર જેવા પ્રોડ્યુસર્સ સાથે કામ કરતા. આ લોકો ત્યારે નવા હતા પણ  તેમની પાસે અલગ વિચારો હતા. ચિસ્તી બાબા પાસે ત્રણ-ચાર આસિસ્ટન્ટ હતા. એ દરેકને અલગ અલગ કામગીરી સોંપતા. મારું કામ સિંગર્સને રીહર્સલ કરાવવાનું અને રેકોર્ડિંગ માટે તૈયાર કરવાનું હતું. ચિસ્તી બાબા તો રેકોર્ડિંગ સમયે જ આવતા. મોટા ભાગનું કામ આસિસ્ટન્ટ કરતા પરંતુ વાહ વાહ કેવળ ચિસ્તી  બાબાની થતી. ગમે તે હોય, પણ હું તેમનો જીવનભર ઋણી છું કે તેમની પાસે રહીને મને જે શીખવા મળ્યું, તે અણમોલ હતું. મારી સફળતામાં તેમના આશીર્વાદ અને મહેનતનો મોટો ફાળો છે તે હકીકતનો ઇન્કાર થાય

તેમ નથી.’

બી.આર. ચોપરાની ફિલ્મ ‘ચાંદની ચૌક’ માટે ચિસ્તી  બાબાને કામ મળ્યું હતું. સવારમાં નવ વાગે અમારું કામ શરૂ થઈ જતું. બીજા બધા વહેલાંમોડા આવે પરંતુ હું સમયસર પહોંચી જાઉં. ચોપરા સા’બ તેમના માણસો સાથે આવતા. કામ બાબતમાં હું ખૂબ જ સ્ટ્રિક્ટ હતો, આર્મીમાં શીખેલી ડિસિપ્લીનને કારણે મને સમય બરબાદ કરવો ગમતો નહીં. હું પરફેક્શનનો આગ્રહી હતો. ચોપરાસા’બ આ બધું નોટિસ કરતા. તે દિવસોમાં પગાર પ્રોડ્યુસર આપતા. મહિનાને અંતે મારા સિવાય દરેકને પગાર મળ્યો. આ બાબતે ચોપરાસા’બે ચિસ્તી બાબાને પૂછ્યું તો તેમણે સાચી હકીકત જણાવી. આ સાંભળી ચોપરાસા’બ કહે, ‘જે છોકરો સૌથી વધારે મહેનત અને દિલ લગાવીને કામ કરે છે તેને જ પગાર ન મળે, એ તો અન્યાય કહેવાય.’ તરત તેમના આસિસ્ટન્ટ બોલાવી કહ્યું કે એક કોન્ટ્રેક્ટ બનાવો. આ છોકરાને દર મહીને ૧૨૫ રૂપિયાનો પગાર મળવો જોઈએ.’ સંગીતના ફિલ્ડમાં મારો આ પહેલો પગાર અને ચોપરાસા’બની ઉદારતા. એ હું પૂરી જિંદગી ભૂલ્યો નથી.’

૧૯૪૭માં હું ચિસ્તી બાબા સાથે કલકત્તા ગયો. એસ. ડી. નારંગની બે ફિલ્મો ‘ઝૂઠી કસ્મે’ અને ‘યે હી હૈ ઝિંદગી’ કલકત્તામાં બનતી હતી, જેમાં તે સંગીત આપતા હતા. ‘યે હી હૈ ઝિંદગી’માં મેં એક નાનો રોલ ભજવ્યો હતો. આમ એક રીતે જોઈએ તો ફિલ્મોમાં કામ કરવાની મારી ઇચ્છા હતી, તે પણ પૂરી થઈ. ત્યાનું કામ પૂરું થયું એટલે ચિસ્તી બાબા લાહોર પાછા ફર્યા. એ દિવસોમાં ચિસ્તી બાબાના એક આસિસ્ટન્ટ રહેમાન વર્મા સાથે મારે સારી દોસ્તી થઈ ગઈ હતી. અમે બન્ને વિચાર કરતા હતા કે આપણે સ્વતંત્રપણે કામ શરૂ કરવું જોઈએ. એટલે લાહોર જવાને બદલે અમે બંને મુંબઈ તરફ રવાના થયા. આજે મને લાગે છે કે ઈશ્વરે મારા માટે જે રસ્તો નિર્ધારિત કર્યો હતો; તે દિશામાં આ મારું પ્રથમ પગલું હતું...

વીતેલાં વર્ષો દરમ્યાન પંડિત હુસ્નલાલ અને તેમના ભાઈ પંડિત ભગતરામની જોડી એક સફળ સંગીતકાર તરીકે મુંબઈમાં નામ કમાઈ રહી હતી. સંગીતકાર હુસ્નલાલ ભગતરામની જોડીનાં આ ગીતો ડાઈ હાર્ડ સંગીતપ્રેમીઓને  યાદ હશે જ. ‘તેરે નૈનોને ચોરી કિયા, મેરા છોટાસા જીયા’ સુરૈયા, ફિલ્મ બડી બહેન,’ મહોબ્બત કે ધોખે મેં કોઈ ન આયે’ મોહમ્મદ રફી, ફિલ્મ આંસૂ, ‘અભી તો મેં જવાન હું’ લતા મંગેશકર, ફિલ્મ અફસાના, ‘વો પાસ રહે યા દુર રહે,  નજરો મેં સમાયે રહેતે હૈ સુરૈયા, ફિલ્મ બડી બહેન અને બીજા અનેક લોકપ્રિય ગીતો. તે સમય પાર્ટીશનનો હતો. મુંબઈમાં વાતાવરણ તંગ રહેતું. પંડિત હુસ્નલાલને મારા માટે ખૂબ પ્રેમ હતો. મને કહે, ચિંતા ન કરતો. હું તારું ધ્યાન રાખીશ. તેમણે મને સલાહ આપી કે રહેમાન વર્મા સાથે મળીને તમે એક ટીમ બનાવો અને જ્યાં સુધી આ તંગદિલી દૂર ન થાય ત્યાં સુધી તારી અટક શર્મા  રાખ. તેમની સલાહ માનીને અમે ‘શર્માજી વર્માજી’ નામની જોડી બનાવીને  કામ  શરૂ કરવાનું નક્કી કર્યું.

પંડિત હુસ્નલાલનો ઉપકાર જીવનભર ભૂલાય તેમ નથી. મારા મુશ્કેલ સમયમાં તેમણે સતત મને સહારો અને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે ‘રોમીઓ  એન્ડ જુલિયેટ’માં ઝોહરાબાઈ અંબાલાવાલી સાથે એક ડ્યુએટ ગાવાનો મને મોકો  આપ્યો, જેના શબ્દો હતા, ‘દોનો જહાં તેરી મહોબ્બત મેં હાર કે’ યુ ટ્યુબ પર આ ગીત સાંભળવા મળશે, જેમાં ખય્યામના અવાજમાં કે. એલ. સાયગલનો પ્રભાવ જોવા મળે છે ત્યાર બાદ મને તેમના સંગીતનિર્દેશનમાં ગીતા રૉય, મીના કપૂર અને મોહનતારા સૈગલ સાથે ગાવાનો મોકો મળ્યો. તે દિવસોમાં રેકોર્ડ પર સિંગરનું નહીં પણ ફિલ્મમાં કલાકાર જે પાત્ર ભજવતા હોય, તે નામ આવતું. ફિલ્મ મહલનું અત્યંત લોકપ્રિય ગીત ‘આયેગા આનેવાલા’ લતા મંગેશકરના  સ્વરમાં ગવાયું છે પરંતુ રેકોર્ડ પર નામ ‘કામિની’ છે. કારણ કે ફિલ્મમાં મધુબાલાનું  નામ કામિની છે.

૧૯૪૭માં હું મુંબઈ આવ્યો ત્યારે રહેવા માટે મારી પાસે કોઈ ઘર નહોતું. આવા કપરા સમયે મારા કવિ મિત્રો પ્રેમ ધવન અને મજરૂહ સુલતાનપુરી  મારી મદદે આવ્યા. તેમના બંગલાના આઉટ હાઉસમાં મને રહેવાની સગવડ કરી આપી જેના કારણે જ હું મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મારું સ્થાન બનાવી શક્યો. મિત્રોની આવી દરિયાદિલી મારી સફળતાના પાયામાં છે એ હકીકત કેમ ભૂલાય.’

લાહોરમાં ‌ચિસ્તી બાબા સાથે કામ કરતો હતો તે દિવસોમાં તે સમયની ટોચની અભિનેત્રી મુમતાઝ શાંતિ અને તેના પતિ વલીસા’બ સાથે મારી દોસ્તી થઈ હતી. મુંબઈ આવીને હું તેમને મળ્યો. તે સમયે તેઓ ‘હીર રાંઝા’ નામની ફિલ્મ બનાવતા હતા, જેના સંગીતકાર હતા, અઝીઝ ખાન. તે ફિલ્મના થોડાં ગીતો રેકોર્ડ થઈ ગયાં હતાં. જોકે તે પંજાબના નહોતા એટલે વલીસા’બને તેમના સંગીતમાં પંજાબની જે ખુશ્બૂ જોઈએ, તેનો અભાવ લાગતો હતો. તેમણે મને આ ફિલ્મ એક શરત પર ઑફર કરી કે જો હું આ વિષયને પૂરતો ન્યાય આપી શકું તો તે સંગીતકાર બદલવા તૈયાર છે. મેં કહ્યું, ‘તમે ભૂલી જાવ છો કે હું ચિસ્તી બાબાનો આસિસ્ટન્ટ હતો. હું ખાતરી આપું છું કે તમે નિરાશ નહીં થાવ.’ તરત તે રાજી થઈ ગયા.

જોકે વલીસા’બના નાના ભાઈ ગીતકાર નઝીમ પાણીપતીએ કહ્યું કે તેમનું લખેલું એક પંજાબી ગીત ‘ઊડ પુડ જાનીયા’ મારે કમ્પોઝ કરવું અને જો તે પસંદ આવે તો જ વાત આગળ વધે. અમે તે ગીત અસલી પંજાબી ફ્લેવરમાં  કમ્પોઝ કર્યું જે બંને ભાઈઓને એટલું ગમ્યું કે તરત ગીતા રૉયના અવાજમાં એને રેકોર્ડ કર્યું. ‘હીર રાંઝા’ માટે અમે બાકી રહેલાં છ ગીતો કમ્પોઝ કર્યાં. આ ફિલ્મનાં કુલ દસ ગીતો હતાં. ટાઇટલમાં આ બન્ને સંગીતકારોને ક્રેડિટ આપવામાં આવી છે. શર્માજી વર્માજી સંગીતકાર જોડીની આ પહેલી ફિલ્મ અને છેલ્લી ફિલ્મ  હતી. એનું કારણ એ કે આ ફિલ્મ પૂરી થતાં રહેમાન વર્મા પાકિસ્તાન ચાલ્યા ગયા. આમ સંગીતકાર તરીકે કેવળ શર્માજી બાકી રહી ગયાં.’

આ પણ વાંચો : બેધડક પૂછ કોઈ પ્રશ્ન મને

આ સમયે ખુદ ખય્યામને કદાચ ખબર નહોતી કે ફરી એક વાર એવો સંયોગ ઊભો થયો છે, જે તેમના માટે ‘Blessings in disguise’ સાબિત થવાનો છે.

weekend guide columnists