સંગીત, ભક્તિ, નૃત્યના ત્રિવેણીસંગમમાં ડૂબકી મારીને તમે ઉત્સવ ઊજવી શકો

23 June, 2019 12:04 PM IST  |  મુંબઈ | રજની મહેતા - વો જબ યાદ આએ

સંગીત, ભક્તિ, નૃત્યના ત્રિવેણીસંગમમાં ડૂબકી મારીને તમે ઉત્સવ ઊજવી શકો

કલ્યાણજી આનંદજી

વો જબ યાદ આએ

કલ્યાણજી-આણંદજીની જોડીએ સમાજોપયોગી કાર્યો માટે અનેક ચૅરિટી શો કર્યા છે. ગમે એટલી વ્યસ્તતા હોય, આ કામ માટે તેઓ હંમેશાં તત્પર રહેતા. દિલીપ કુમારની સેન્સ ઑફ હ્યુમર ગજબની છે. આ પહેલાં આ બન્ને ભાઈઓ સાથેના તેમના રમૂજી કિસ્સાઓનો ઉલ્લેખ કરી ચૂક્યો છું. દિલીપ કુમારે એક વખત મજાકમાં કહ્યું હતું, ‘આજકાલ આ જોડી ચિંતામાં હોય એમ લાગે છે. તેમના મનમાં થતું હશે, ઘણા સમયથી કોઈ ચૅરિટી શો કર્યો નથી. લાગે છે કે દેશમાં બધું ઠીકઠાક ચાલતું હશે.’ દુકાળ હોય કે અતિવૃષ્ટિ, હૉસ્પિટલ માટે હોય કે કે ફૌજી જવાનો માટે, ધર્મ માટે હોય કે પછી શિક્ષણ માટે, ચૅરિટી માટે લોકોને, સૌથી પહેલાં, તેમની યાદ આવે. સ્વામિનારાયણ પંથે, ધર્મની સંકુચિત વ્યાખ્યાથી ઉપર જઈને અનેક સમાજોપયોગી કામ કર્યાં છે, તેમના આ કામ માટે આ જોડીએ અનેક ચૅરિટી શો કર્યા છે. એ અને આવી બીજી વાતોને યાદ કરતા આણંદજીભાઈ કહે છે.

‘સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ્રમુખસ્વામીના હસ્તે અમને અવૉર્ડ મળ્યો છે. તેમનું ઍન્યુઅલ ફંક્શન હતું ત્યારે દેશવિદેશના અનેક ભક્તો માટે ભજનના એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સવારથી સાંજ સુધી આ કાર્યક્રમ ચાલવાનો હતો. બાપા થાકી ગયા હતા. કાર્યક્રમ પણ થોડો ઢીલો જતો હતો. મહેન્દ્ર કપૂર ભજન ગાતા હતા. મેં કૅમેરામૅનને કહ્યું, ‘કૅમેરો સ્ટેજ પરથી ફેરવી નીચે ઑડિયન્સ તરફ ફોકસ કર.’ આમ કહી, હું સ્ટેજ પરથી નીચે ઊતર્યો. બાપા પાસે ગયો અને પૂછ્યું, ‘ભક્તિરસમાં મીરાં તલ્લીન હોય ત્યારે ભજન ગાતાં ગાતાં તે શું કરે?’

બાપાએ જવાબ આપ્યો. ‘ભક્તિરસમાં તલ્લીન થયેલી મીરાં આવા સમયે ચોક્કસ નાચવા લાગે.’

‘તો પછી તમને કોણ રોકે છે?’ મેં બાપાને કહ્યું. આ સમયે કમરદર્દ હોવાને કારણે તેમણે કમર પર પટ્ટો બાંધ્યો હતો. તે છતાં તે ઊભા થયા અને નાચવા લાગ્યા. આ જોઈ હાજર હતા તે દરેક સંતો નાચવા લાગ્યા. પછી તો આખું ઑડિયન્સ મસ્તીમાં આવીને ઝૂમવા લાગ્યું. આ દૃશ્ય અવિસ્મરણીય હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં આજ સુધી આવું બન્યું નહોતું. આ કાર્યક્રમના વિડિયોની દેશ-પરદેશમાંથી એટલી ડિમાન્ડ આવી કે વાત ન પૂછો.

માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારી પ્રજાપિતાની શિબિરમાં અનુપ જલોટા સાથે અમારો ભજનનો કાર્યક્રમ હતો. ત્યાંના સર્વેસર્વા મા (નામ ભૂલી ગયો છું) વ્હીલચૅરમાં બેસીને ભજનનો ભરપૂર આનંદ માણતાં હતાં. મારો દીકરો દીપક મને ઘણી વાર ચૅલેન્જ આપે કે ફલાણાને સ્ટેજ પર બોલાવો, અને નચાવો. તે દિવસે તેણે મને ચૅલેન્જ આપી કે વ્હીલચૅર પર બેઠેલા માને નચાવો તો જાણું. હું મા પાસે જઈને બેઠો. તે સિંધી હતા એટલે તેમની સાથે સિંધી ભાષામાં વાતચીત શરૂ કરી. તે ભક્તિરસમાં એટલાં તરબોળ હતાં એટલે લાગ જોઈને વાત છેડતાં મેં તેમને કહ્યું, ‘આપકો યે સબ દેખ કર; સુનકર; નાચનો કો મન નહીં કરતા?’

‘સચ પૂછો તો મેરા ભી મન કહ રહા હૈ કે મૈં નાચું.’ નિખાલસતાથી તેમણે જવાબ આપ્યો.

‘તો ફિર દેર કિસ બાત કી હૈ? આપ ખડે હો જાઈયે ઔર શુરૂ હો જાઈયે.’ મારી વાત સાંભળી તે ઊભાં થઈ ગયાં અને નાચવા માંડ્યાં. ભક્તિસંગીતનો પ્રભાવ એટલો જબરજસ્ત હોય છે કે ભલભલી વ્યક્તિ તેના પ્રવાહમાં પોતાની જાતને ભૂલી, પ્રભુસ્મરણમાં લીન થઈ જાય છે. આમાં અમારો કોઈ કમાલ નથી હોતો. સંગીતમાં એટલી તાકત છે કે તેની અસરને તમે અવગણી ન શકો.’

આણંદજીભાઈની વાત સાથે સંગીતપ્રેમીઓ સંમત થશે જ, સંગીત, ભક્તિ અને નૃત્ય, આ ત્રિકોણમાં કોનું મહત્વ વધુ છે તે કહેવું મુશ્કેલ છે. આ એક એવો ત્રિવેણી સંગમ છે, જેમાં ડૂબકી લગાવનાર ભક્ત સિવાય બહારની દુનિયાને તેની જરાસરખી પણ અનુભૂતિ થતી નથી. એટલે તો રજનીશજી કહે છે, ‘આઇ સિન્ગ માયસેલ્ફ, આઇ ડાન્સ માયસેલ્ફ, આઇ સેલિબ્રેટ માઈસેલ્ફ.’ અસ્તિત્વનો ઉત્સવ માણવો હોય ત્યારે આના સિવાય બીજી કોઈ ચીજનો ખપ નથી પડતો.

આણંદજીભાઈને વ્યાપારજગતની અનેક જાણીતી હસ્તીઓ સાથે ઘરોબો છે. વીઆઇપી ઇન્ડસ્ટ્રીના અજય પીરામલના ભાઈ દિલીપ પીરામલ તેમની પાસે ગીતો શીખવા આવતા. તેમને સંગીતનો એટલો શોખ છે કે દર બે-ત્રણ મહિને મોટી પાર્ટી રાખે, જેમાં મુંબઈના જાહેર જીવનના અગ્રણીઓની હાજરી હોય, જેમાં ગીત-સંગીતની મહેફિલ જામે. ભાવનગરમાં કાયમ ચૂર્ણવાળા અશોકભાઈ સંગીતના ઘાયલ છે. દર શુક્રવારે તેમને ત્યાં સંગીતસભા હોય જ. આણંદજીભાઈ અનેક વાર ત્યાં મહેમાનરૂપે ગયા છે. દિલ્હીના મોટા બિલ્ડર સુરેશ રાહેજા આણંદજીભાઈને ગુરુ માને છે. દર વર્ષે સંગીતનો મોટો જલસો કરે. એ માટે આણંદજીભાઈ ત્યાં જરૂરથી જાય. સમય નક્કી ન હોય. ક્યારે સંગીતનો જલસો કરો છો એમ કોઈ પ્રશ્ન કરે તો જવાબ આપે, ‘જબ મેરે ગુરુજી આયેંગે તબ કરુંગા.’ તેમની પાસે અઢળક પૈસો છે, શરાબ કે જુગારની કોઈ લત નથી. બાળકો સેટલ થઈ ગયાં છે એટલે સંગીતનો શોખ પૂરો કરે છે. મુંબઈમાં તેમનો ફ્લૅટ છે. અહીં બે ગાડી રાખી છે. આણંદજીભાઈને હંમેશાં કહે, ‘જબ ચાહો તબ ગાડી લે જા સકતો હો.’ પરંતુ આણંદજીભાઈ કહે કે આવી આદત નથી પાડવી.

આણંદજીભાઈ સાથે વાતો થાય ત્યારે ખબર પડે કે કેવળ મોટા નહીં, સામાન્ય કામ કરતા નાના માણસોની વાતોમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે. આવો જ એક કિસ્સો તેમના શબ્દોમાં પ્રસ્તુત છે:

‘ફિલ્મ સેન્ટરમાં અમે ઘણાં ગીતો રેકૉર્ડ કર્યાં છે. ત્યાં શંકર (ભીખો) નામનો એક હરિજન દારૂ પીને પડ્યો હોય. તેનું મુખ્ય કામ ગટર સાફ કરવાનું હતું. અમને જોઈને સલામ મારે અને કહે, ‘સાહેબ, તમારું પિક્ચર સુપરહિટ છે. થોડા પૈસા આપોને?’ તેનો પરિવાર મોટો હતો. તેની ગરીબી જોઈને હંમેશાં થોડા પૈસા તેના હાથમાં મૂકું. અમે રિહર્સલ માટે ગયા હોઈએ કે ટેઇક માટે, સામે મળે એટલે તેનો ડાયલૉગ ફિક્સ હોય. ‘સુપરહિટ છે.’ મોટા ભાગે તે નશામાં જ હોય. એક દિવસ મને ગુસ્સો આવ્યો. તેણે પૈસા માગ્યા એટલે મેં કહ્યું, ‘તું આખો દિવસ દારૂ પીને પૈસા બરબાદ કરે છે. ઘેર છોકરાને ભણવાના પૈસા પણ નથી આપતો. તારી બૈરીને કંઈ આપતો નથી. તને પૈસા નહીં આપું, જા તારા છોકરાને મોકલ. હવેથી તેના હાથમાં જ પૈસા મૂકીશ.’

મારી વાત સાંભળી તે બોલ્યો, ‘શેઠ, તું બહુ મોટો માણસ છે (તે દરેકને તુંકારે બોલાવતો). નાનો તો નાનો; હું પણ એક માણસ છું. તમે લોકો ---- ધોઈને ત્રણ વખત સાબુથી હાથ ધુઓ છો. હું ગામ આખાની ગંદકી સાફ કરું છું. જો દારૂ ન પીઉં તો એ કામ ન થઈ શકે. એક માણસ જેવા માણસ થઈને આવાં કામ કરવાં પડે છે ત્યારે મારા પર શું વીતે છે એ તને ખબર નહીં પડે.’

તે દિવસે તેની આ વાત સાંભળી મને પહેલી વાર તેની પીડાનો અહેસાસ થયો. તેના પર ગુસ્સો કર્યો તેનો પસ્તાવો થયો. કોઈ દિવસ નહોતા આપ્યા તેનાથી વધારે રૂપિયા તેના હાથમાં આપતાં હું એ વિચાર કરતો હતો કે કોઈની મજબૂરીને સમજવાની કોશિશ કરીએ ત્યારે જ હકીકતની કડવી સચ્ચાઈ નજર સમક્ષ આવે છે.

આ કિસ્સો સાંભળી મને કવિમિત્ર સુરેશ દલાલની પંક્તિઓ યાદ આવે છે.

ના, ના, નહીં ધિક્કારવા જેવો
માણસ, અંતે ચાહવા જેવો
ખૂણા --ખાંચા હોય તે છતાંયે
માણસ એ તો મન મૂકીને
ગીત ગઝલમાં ગાવા જેવો
માણસ અંતે ચાહવા જેવો.

આણંદજીભાઈની ખાસ ખૂબી એ છે કે તેમની પાસે વાતોનો દરિયો છે. દરેક કિસ્સાઓ એટલા રસપ્રદ હોય કે એમાંથી તમને કંઈક ને કંઈક પ્રેરણા મળે. આવો જ એક કિસ્સો તેમના શબ્દોમાં પ્રસ્તુત છે:

‘નાના માણસો આપણને ઘણું શીખવાડી જાય છે. મારાં લગ્ન બાદ કચ્છમાં ખેતીકામ કરતો એક છોકરો અમારે ઘેર કામકાજ માટે આવ્યો હતો. તેનું નામ હતું મૂળચંદ. ખાસ ભણ્યો નહોતો. ઘરનું નાનુંમોટું કામ કરે અને મારા દીકરા સાથે રમ્યા કરે. સમય જતાં તે ફૅમિલી મેમ્બર જેવો થઈ ગયો. પછી તો તે અમારા મ્યુઝિક રૂમ પર સેટ થઈ ગયો. ત્યાં આવતા દરેકની ખાસિયત તેને ખબર હતી. કોને કેવી ચા જોઈએ, કોને શું ભાવે, કોણ પાન ખાય, કેવું ખાય, દરેકની પસંદ-નાપસંદની રજેરજ જાણકારી તેની પાસે હોય. દિલીપ કુમાર તો કહેતા, ‘મુલચંદ, કહાની તો તેરે સે લિખવાયેંગે. કિતને આદમી યહાંસે આયે, કૈસે બડે હુએ, તુજે સબ પતા હૈ.’ બિપિનભાઈએ તેને કહ્યું હતું, ‘તું મોટો માણસ થવાનો છે.’

સ્વભાવનો ખૂબ દયાળુ અને ભાવુક. એક દિવસ વરસાદમાં રસ્તા પર એક ભૂખ્યા માણસને જોયો તો તેના હાથમાં ૫૦ રૂપિયા આપ્યા. એક સાંજે હું મ્યુઝિક રૂમથી પાછો આવતો હતો તો જોયું કે ખાલી થાળી હાથમાં લઈને આવતો હતો. મેં પૂછ્યું, ‘ક્યાં ગયો હતો?’ તો કહે, ‘એક ભૂખ્યો માણસ જોયો એટલે ખાવાનું આપવા ગયો હતો. એક દિવસ આપણે નહીં ખાઈએ તો કંઈ ફરક નથી પડવાનો.’ અમે તેનો અમેરિકાનો વિઝા કઢાવ્યો હતો. તે પહેલાં લંડન મારી દીકરી રીટાને ત્યાં અમે ગયા હતા ત્યાં તેના દીકરા સાથે ખૂબ હળીમળી ગયો. અમેરિકા જવાનો સમય આવ્યો ત્યારે રીટાના દીકરાએ કહ્યું, ‘કાકા, તમે ન જાવ ને?’ તેનું પડેલું મોઢું જોઈને તેણે તો નક્કી કરી નાખ્યું કે મારે અમેરિકા નથી આવવું. અમે સમજાવ્યું કે આવો મોકો કદાચ ફરી ન મળે, પરંતુ તે કહે, હું અહીંયાં જ રહીશ.

આ પણ વાંચો : શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ પર મને રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ

મારો દીકરો ભરત અને મૂળચંદ લગભગ સરખી ઉંમરના છે. એક દિવસ ભરત કહે કે મારે મૂળચંદ માટે કંઈક કરવું છે. મેં કહ્યું, ‘તેને એક ઘર અપાવી દે.’ આમ તે ડોમ્બિવલી ગયો. દેશમાંથી તેની ફૅમિલી બોલાવી લીધી. તેના છોકરા ભણવામાં હોશિયાર હતા. કમ્પ્યુટરનું શિક્ષણ લેતા તે સાથે ફૉરેન પણ જતા. મૂળચંદ સ્વામિનારાયણનો ચુસ્ત ભક્ત છે. સ્વામીજીની ખૂબ સેવા કરે. સ્વામીજીના કહેવાથી અમેરિકાના એક ભક્તની છોકરી સાથે તેના દીકરાનાં લગ્ન નક્કી થયાં. અમદાવાદમાં ધામધૂમથી લગ્ન થયાં. બન્ને છોકરાઓ પોતાનો બિઝનેસ કરે છે. મૂળચંદ કન્સ્ટ્રકશન લાઇનમાં ખૂબ આગળ વધ્યો. હાલમાં ડોમ્બિવલીમાં સ્વામિનારાયણ સિટી બને છે એનું કામકાજ સંભાળે છે. મોટી ગાડીમાંમાં ફરે છે, પરંતુ હજી પણ એ જ ‘ડાઉન ટુ અથ’ માણસ છે. ભણતર નહીં, પણ ગણતરના સહારે માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય એનો આ જીવતોજાગતો કિસ્સો છે. સાથે એ પણ શીખવા મળે કે સમૃદ્ધિ મળ્યા પછી તમારે સરળતા ગુમાવવાની નથી.

weekend guide columnists