કેરી ગમે એટલી મીઠી હોય ગોટલો તો ફેંકી જ દેવો પડે

10 March, 2019 10:59 AM IST  |  | રજની મહેતા

કેરી ગમે એટલી મીઠી હોય ગોટલો તો ફેંકી જ દેવો પડે

પ્રતીકાત્મક તસવીર

વો જબ યાદ આએ

‘My father gave me a greatest gift anyone can give, He believed in me’

……Anonymous.

એક પિતા તેના પુત્રને જ્યારે અહેસાસ આપે કે મને તારામાં શ્રદ્ધા છે; ત્યારે આ શ્રદ્ધા; પુત્ર માટે જીવનની અમૂલ્ય સોગાદ બની જાય છે. એટલે જ તો કહેવાય છે કે ‘Children are not things to be molded but are people to be unfolded.’ પોતાની હયાતીમાં, પોતાની નજર સમક્ષ પુત્ર જ્યારે સમોવડિયો બનીને સફળતાનાં શિખર સર કરતો હોય તે ક્ષણ એક પિતા માટે અણમોલ છે. આવી જ કંઈક અનુભૂતિ કલ્યાણજીભાઈને ‘મોહરા’ના સંગીત માટે પ્લેટિનમ ડિસ્ક ટ્રોફી વિજુ શાહને આપતાં થઈ હશે.

ફિલ્મ ‘મોહરા’ (૧૯૯૪)નાં ગીતોએ તે દિવસોમાં ધૂમ મચાવી હતી. ખાસ કરીને ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત.’ કવિતા કૃષ્ણમૂર્તિ અને ઉદિત નારાયણ. આ ગીત ગલીમાં ગુંજતું હતું. આ ગીતને યાદ કરતાં વિજુ શાહ કહે છે, ‘કલ્યાણજી-આણંદજીની એક અધૂરી ફિલ્મ માટે ઇન્દિવરે લખેલાં બે ગીતો; ‘ના કજરે કી ધાર, ના મોતિયોં કા હાર’, (સાધના સરગમ-પંકજ ઉધાસ) અને ‘દિલ હર કોઈ દેતા હૈ’ (અલકા યાજ્ઞિક અને કુમાર સાનુ) ફિલ્મ ‘મોહરા’ માટે રેકૉર્ડ થયેલા હતાં. ફિલ્મની એક સિચુએશન માટે મારે જે ટાઇપનું ગીત જોઈતું હતું એ કદાચ ઇન્દિવર ન આપી શકે એમ લાગતું હતું. એટલે અમે ગીતકાર સમીરનો સંપર્ક કર્યો. તેણે ના પાડી, કારણ કે બે ગીત ઇન્દિવરનાં હતાં. તે દિવસોમાં એક ફિલ્મ માટે એક જ ગીતકાર લખતા. બીજા બે-ત્રણ ગીતકારે પણ ના પાડી. એ દિવસોમાં પ્રોડ્યુસર ગુલશન રાય અને આનંદ બક્ષી એક પાર્ટીમાં ભેગા થયા ત્યાં વાતચીતમાં બક્ષીએ પૂછયું, ‘આજકલ ક્યા હો રહા હૈ?’ જવાબ મળ્યો, ‘નઈ પિક્ચર કે એક ગાને કે લિયે બચ્ચે લીરીક રાઇટર ઢૂંઢ રહે હૈ.’ બક્ષી કહે, ‘મેરે પાસ ભેજ દો.’

અમે આનંદ બક્ષીનો સંપર્ક એટલા માટે નહોતો કર્યો કે અમને ખબર હતી કે બક્ષી એમ જ કહેશે કે બે ગીત ઇન્દિવરે લખ્યાં છે, તે મને નહીં ચાલે. આ ફિલ્મના દરેક ગીત હું જ લખીશ. તે રાજી થયા એની અમને નવાઈ લાગી. હું અને રાજીવ રાય તેમને મળવા ગયા. અડધો કલાક તો લેક્ચર સાંભળવું પડ્યું. ‘વાય ડુ યુ લીવ મી.’ સિનિયર હતા એટલે નીચી મૂંડીએ સાંભળી લીધું. કહે, ‘તમને પસંદ ન હોય તો પાંચ-છ મુખડાં લખીશ, પણ જે હોય તે સામે કહેજો. બીજો ના પાડે પછી મારી પાસે ન આવતા.’ મેં સિચુએશન સંભળાવી. મારા મનમાં ૯૦ના દશકમાં નસરત ફતેહ અલી ખાનના ‘તુ મસ્ત કલન્દર મસ્ત મસ્ત’ની ધૂન રમતી હતી. બક્ષી કહે, ‘મૈં એક ફકીરાના ગાના સુનાતા હૂં, લિખો, તેમણે મુખડું અને અંતરો લખાવ્યો, પણ તેમાં ક્યાય ‘મસ્ત’ શબ્દ નહોતો આવતો. શાયરાના ફિલોસૉફિક્લ મસ્તીની વાત હતી. બક્ષી કહે, ‘ઠીક હૈ, વાપિસ મિલતે હૈ.’

બીજી વાર હું રિધમ બૉક્સ લઈને ગયો. બક્ષીને કહ્યું, ‘આ રિધમ પર ગીત જોઈએ છે. ધૂન વગાડી એટલે બક્ષી કહે, ‘ઠીક હૈ. આજ મૂડ નહીં હૈ. કલ મિલતે હૈ.’ ત્રીજી વાર મુલાકાત થઈ, પણ હજી વાત બનતી નહોતી. અમે બક્ષીને સમજાવ્યું. અમારે સિરિયસ ગીત નહીં, ટપોરી ટાઇપનું ગીત જોઈએ છે. રસ્તા પર કોઈ સુંદર છોકરી જોઈને ટપોરી કહે ને કે ‘ક્યા મસ્ત ચીઝ જા રહી હી,’ એવું, એકદમ ડાયરેક્ટ. બક્ષી બોલ્યા, ‘અચ્છા સમજ ગયા.’ અને ફટાક દઈને લખ્યું, ‘તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત’ અને અમને સૌને આ મુખડું તરત ગમી ગયું.

ચોથી મુલાકાતમાં બક્ષીએ પૂરું ગીત લખી નાખ્યું હતું, પણ મારે અંતરામાં ‘મસ્ત મસ્ત’ શબ્દ બે વાર જોઈતો હતો તે નહોતો આવતો. એટલે ફરી એક વાર મળવું પડ્યું. આમ પાંચ વાર મળ્યા બાદ આ ગીત પૂરું થયું. બક્ષી મને કહે, ‘મારા માટે આ રેકૉર્ડ છે. સામાન્ય રીતે બે સિટિંગમાં અને ક્યારેક ત્રણ સિટિંગમાં ગીત પૂરું થાય. આ ગીતે પાંચ સિટિંગ લીધાં. ભગવાન કરે, ઈસ ગીત કી લંબી ઉમ્ર હો.’ આ ગીતનું ફીમેલ વર્ઝન સાંભળીને જગજિત સિંહ મને કહે, ‘બક્ષીસાબને કમાલ કર દિયા હૈ, ક્યા ગહેરાઇ સે ગાના લિખા હૈ.’

આ ગીતની ક્રૉસ લાઇન ‘તેરી દો તકિયા દી નોકરી, મેરા લાખોકા સાવન જાયે’ (અરે હાય હાય યે મજબૂરી, યે મૌસમ હૈ યે દુરી,’ ફિલ્મ રોટી, કપડા ઔર મકાનની ક્રોસ લાઇન)ને મળતી આવે છે તે અનાયાસ હતું. મેં પપ્પાને પૂછયું, અહીં મારે ચેન્જ કરવું જોઈએ. તે દિવસે મને એક નવો પાઠ શીખવા મળ્યો. તેમણે કહ્યું, એક જ ધૂન પર બનેલા અને, એકસરખી પૅટર્નનાં, અનેક ગીતો લોકપ્રિય થયાં છે. જેમ કે, ‘બહારો ફૂલ બરસાઓ, મેરા મહેબૂબ આયા હૈ’, ‘ઝરા સામને તો આઓ છલિયે, છુપ છુપ છલને મેં ક્યા રાઝ હૈ,’ ‘નૈના હૈ જાદુ ભરે, ઓ ગોરી તેરે નૈના હૈ જાદુ ભરે. અને આવાં બીજાં અનેક ગીતો છે. મહત્વ ધૂનનું નથી, શબ્દોનું છે. અમારા સમયમાં અમે શબ્દોને વધુ મહત્વ આપતા. અત્યારે તમે ધૂનને ઈમ્પોર્ટન્સ આપો છો.’

વિજુભાઈ તેમની સંગીતસફરની યાદોને આગળ વધારતાં કહે છે, ‘મારી છ ફિલ્મો ફિલ્મફેરની બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર કૅટેગરીમાં નોમિનેટ થઈ હતી. એ ફિલ્મો હતી, ‘ત્રિદેવ’, ‘વિશ્વાત્મા’, ‘મોહરા’, ‘તેરે મેરે સપને’, ‘ગુપ્ત’, ‘બડે મિયાં, છોટે મિયાં’. ફિલ્મ ‘ગુપ્ત’ માટે મને બેસ્ટ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સ્કોરનો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો. આ અવૉર્ડની શ્રેણી તે વર્ષથી જ શરૂ થઈ હતી. મારી દરેક ફિલ્મોનું સંગીત લોકપ્રિય થયું, પરંતુ મને સૌથી વધુ સંતોષ મળ્યો હોય તો ફિલ્મ ‘ગુપ્ત’ના સંગીતથી. એનું સંગીત આજે પણ હું સાંભળું છું, ત્યારે એ મને તાજું લાગે છે. It was music before it’s times... રમેશ તૌરાની મને કહે છે, ‘આજ સુધી હું આ ગીતોની રૉયલ્ટી આપું છું,’ ભલે આ ગીતો ચાર્ટ બસ્ટર નહોતાં, પણ કર્ણપ્રિય જરૂર હતાં.’

ફિલ્મ ‘બડે મિયાં, છોટે મિયાં’ માટે ઘણા સંગીતકાર ટ્રાય કરતા હતા, કારણ કે ડેવિડ ધવનની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ગોવિંદા અને માધુરી દીક્ષિત જેવી મોટી સ્ટારકાસ્ટ હતી. હું કદી સામે ચાલીને કામ માગવા ગયો નથી. અમિતાભ બચ્ચન સાથે મેં ઘણા સ્ટેજ શો કર્યા છે. તેમની સાથે મારે સારો રેપો હતો. એક દિવસ અમારા મ્યુઝિક હૉલ પર આવીને કહે, ‘એક ખુશ ખબરી હૈ, આ ફિલ્મ તારે કરવાની છે. મારી ડેવિડ (ધવન) સાથે વાત થઈ ગઈ છે.’ પછી ખબર પડી કે ડેવિડ ધવનની પસંદ બીજું કોઈ હતું, પણ અમિતાભ બચ્ચનના આગ્રહથી મને કામ મળ્યું. આવું જ કંઈક ફિલ્મ ‘ગોપી’ માટે બન્યું હતું. દિલીપકુમારની આ ફિલ્મ માટે દરેક મોટા સંગીતકાર પોતાની રીતે કોશિશ કરતા હતા, એક કલ્યાણજી-આણંદજી સિવાય. પ્રોડ્યુસરને આ વાતની નવાઈ લાગી. દિલીપકુમાર સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું, ‘આ બે ભાઈની વાત જ અલગ છે. ‘અને તેમનો અભિપ્રાય સાંભળી પ્રોડ્યુસરે નક્કી કર્યું કે તો પછી આ ફિલ્મ કલ્યાણજી-આણંદજીને આપીએ.’

વિજુ શાહ સાથે વાતો કરતાં કેટલો સમય નીકળી ગયો તેનો ખ્યાલ ત્યારે આવ્યો જ્યારે તેમનાં પત્ની સુનંદા, નોકર સાથે અમારા માટે ડિનર લઇને મ્યુઝિક રૂમ પર આવ્યાં. મહેમાનોની સરભરા કરવામાં શાહપરિવારનો જોટો ન જડે. વિજુભાઈ માટે ઇન્ડસ્ટ્રીના માણસોએ એમ કહ્યું હતું કે તે સ્વભાવે ‘ઇન્ટ્રોવર્ટ’ છે. મને તો એનાથી વિપરીત અનુભવ થયો. પહેલી વાર જ મળતો હોવા છતાં, તેમણે દિલ ખોલીને, નિખાલસ વાતો મારી સાથે શૅર કરી એનો મને આનંદ છે. જમતાં જમતાં સુનંદાબહેને કલ્યાણજીભાઈ વિશે જે વાતો કરી તે તમારી સાથે કરું છું.

‘મારા પપ્પા અને અધા (કલ્યાણજીભાઈ) નાનપણમાં મિત્રો હતા. પરણીને આવી ત્યારથી હું વહુ કરતાં દીકરીની જેમ વધુ રહી છું. તેમને મારામાં પૂરતો કૉન્ફિડન્સ, અમારી વચ્ચે મૌનની ભાષાનો વહેવાર. તેમની એક નજરથી હું સમજી જાઉં કે તેમને શું જોઈએ છે. અડધી રાતે કાર્યક્રમ પૂરો થાય અને ઘેર આવ્ો ત્યારે સાથે કોઈ ને કોઈ તો હોય જ. આવીને કહે, ‘ભૂખ લાગી છે, આપણે બહારથી કશુંક મગાવી લઈએ.’ અને મારી સામે જુએ, હું કહું, ‘ચિંતા ન કરો.’ ઘરમાં જ બધી સગવડ થઈ રહેશે.’ એમના કાન મારા તરફથી આ જ જવાબ સાંભળવા તરસતા હોય. છેલ્લાં વર્ષોમાં નાદુરસ્ત તબિયતને કારણે તે ઘરમાં જ રહેતા અને સોનાલી (બાજપાઈ), સાધના (સરગમ)ને ટ્રેઇનિંગ આપતા. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. તે કહેતા કે માણસો સાથે તેમની ભૂલ હોય તો પણ કદી ઊંચા અવાજમાં વાત ન કરવી. કેરીની સીઝન હોય અને શરૂઆતમાં મોંઘી હોય તો કેવળ આપણા માટે નહીં લાવવાની, જ્યારે દરેકને આપી શકાય ત્યારે જ લાવવી, ક્યાંય પણ જાય તો બિલ્ડિંગના વૉચમૅનના હાથમાં ૧૦ રૂપિયાની નોટ મૂકે.

એક દિવસ મેં તેમને પૂછયું કે તમારી મહેફિલમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, ગુલામ અલી અને બીજા અનેક દિગ્ગજો બેઠા હોય અને તમને એકચિત્તે સાંભળતા હોય એવો તમારો પ્રભાવ છે એનું શું કારણ? તો કહે, ‘દરેકમાં થોડું પૉઝિટિવ અને થોડું નેગેટિવ હોય. કોઈમાં ૪૦ ટકા પૉઝિટિવ હોય તો કોઈમાં ૬૦ ટકા. આપણે તેનું પૉઝિટિવ શું છે તેની ઉપર જ સતત ધ્યાન આપવું. આ માસ્ટર કી છે.’ વિજુભાઈ આ વાતને પુષ્ટિ આપતાં કહે છે, ‘પપ્પા હંમેશાં કહેતા કેરી ફળમાં રાજા છે. ગમે એટલો મીઠો સ્વાદ હોય તે છતાં ગોટલો ફેંકી દેવો પડે. માણસનું પણ એવું જ છે. તેના નેગેટિવ પૉઇન્ટને બહાર ફંેકી દેવાના.’

કલ્યાણજીભાઈની માંદગીના દિવસોની વાત કરતાં વિજુભાઈ કહે છે, ‘સ્વભાવે તે નાના બાળક જેવા હતા. દવા ખાવી ગમતી નહીં. અડધી દવા ખાય અને કહે પૂરી ખાધી છે. હૉસ્પિટલમાં જવાની ચોખ્ખી ના પડે. અમારે ગુસ્સો કરવો પડે. આમ મેડિકલી ફિટ હતા, પણ પેટમાં ગૅસને કારણે અસહ્ય પીડાતા. કોઈ વાર તો એટલો દુ:ખાવો થતો કે મને કહેતા, ‘જો કોઈ મને ગૅરન્ટી આપીને આ દુ:ખાવો મટાડે તો હું મારું સંગીત છોડવા તૈયાર છું.’ ‘ડૉક્ટર ઉદવાડિયા તેમની ટ્રીટમેન્ટ કરતા. દિવસે દિવસે તેમનો ખોરાક ઓછો થતો હતો. અડધી રોટલી તો માંડ ખાતા. અમે જોર દઈએ તો કહી દે કે હું ખાઈશ તો જ્વાળામુખી બહાર આવશે.’

છેલ્લી વાર હૉસ્પિટલ ગયા તેના આગલા દિવસની રાતને યાદ કરતાં સુનંદાબહેન કહે છે, ‘રાતના અઢી વાગ્યે તે ઊઠ્યા. મને કહે, ‘મને મૂંઝારો થાય છે. પેટમાં દુ:ખે છે.’ મેં યુ. ડી. કોલોન લગાડી આપ્યું. થોડી વારમાં એમને સારું લાગ્યું. સૂતી વખતે પણ, હાર્મોનિયમ તેમની બાજુમાં હોય. ૧૫ મિનિટ વગાડ્યું. આમ કરતાં સવારના પાંચ વાગી ગયા. મને કહે, ‘તમે હવે સૂઈ જાવ.’ બીજે દિવસે બપોરે હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ૧૫ દિવસ ત્યાં જ હતા. ઘેર પાછા આવ્યા જ નહીં.’ તે દિવસે છેલ્લી વાર હાર્મોનિયમ વગાડ્યું તેના સ્વર હજી મારા કાનમાં ગુંજે છે.’

આ પણ વાંચો : છ વર્ષની ઉંમરે ઊંઘમાંથી ઊઠીને વિજુ શાહે સ્ટેજ-શોમાં હાર્મોનિયમ પર નાગિનની ધૂન વગાડીને વાહ-વાહ મેળવી

સુનંદાબહેનની આંખોની ભીનાશ અને વિજુભાઈનું મૌન, કશું કહ્યા વિના પણ, કલ્યાણજીભાઈની સ્મૃતિને જીવંત કરી નાખે છે. મ્યુઝિક રૂમની બહાર પવનના સુસવાટા સંભળાય છે અને અંદર સન્નાટો છવાયો છે. હું ત્યાંથી બહાર નીકળું છું. ગાડીમાં એફ.એમ.માં ગીત વાગે છે ‘ઝિંદગી કા સફર, હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહી.’ જ્યારે મૃત્યુ આવે છે, ત્યારે, રોકડા રૂપિયા જેવી વ્યક્તિને સાથે લઈ જાય છે અને આપણી દયા ખાતું હોય તેમ યાદોનું પરચૂરણ છોડતું જાય છે. એટલે જ મરણ સાથે સ્મરણનો પ્રાસ સારી રીતે બેસે છે.

weekend guide columnists