અમે તો ખાઈ-પીને વજન ઉતાર્યું

16 June, 2020 06:14 PM IST  |  Mumbai | Bhakti D Desai

અમે તો ખાઈ-પીને વજન ઉતાર્યું

પ્રતીકાત્મક તસવીર

જે લોકો પોતાના જીવનને નિયમિત કરવાની તીવ્ર ઇચ્છા ધરાવતા હતા, પણ ઑફિસના કામને કારણે એ શક્ય થતું નહોતું તેમના જીવનમાં કોરોનાને કારણે આવેલી ઘરબંધી એક સુવર્ણ અવસર બની ગયું. વેઇટ-લૉસ માટે ડાયટ અને એક્સરસાઇઝની સાથે ડિસિપ્લિન બહુ જરૂરી છે જે નવરાશના સમયમાં મળી. ઘરે બનાવેલી જાતજાતની સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈને પણ જે લોકોએ વજન ઉતાર્યું છે તેઓ પોતાનો અનુભવ અહીં કહે છે

કેટલાય લોકો એવા છે જેઓ નવા વર્ષે ચાલવાનો, વજન ઉતારવાનો, વ્યાયામ કરવાનો નિર્ણય લે છે પણ પોતાના જીવનની વ્યસ્તતાને કારણે અલગ-અલગ બહાનાઓનો વિચાર કરી વજન ઉતારવાનું તો દૂર, પણ વધારી બેસે છે. જે લોકો વાસ્તવમાં પોતાના શરીરને સુડોળ, સ્વાસ્થ્યને તંદુરસ્ત અને વજનને નિયંત્રિત રાખવાના આગ્રહી હતા તેમણે લૉકડાઉન દરમ્યાન બીડું ઝડપ્યું અને વાસ્તવમાં ત્રણ મહિના પહેલાંના અને હમણાંના પોતાના વજનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો. 

ઘણી વાર જે લોકો પાતળા થયા એવું લાગે છે ત્યારે જરૂરી નથી કે માત્ર તેમના વજનમાં જ ફરક પડ્યો હોય. આવા લોકોનું વજન ખાસ ન ઘટ્યું હોય તોયે શરીરનો ઘેરાવો ઓછો થયેલો જણાય છે. આવું બને છે યોગાસન અને અમુક વિશેષ વ્યાયામ પદ્ધતિથી. શરીરને ઇંચિઝમાં ઘટાડીને તેઓ પાતળા થાય છે. અહીં એવા લોકો પણ છે જેમણે વજન ઓછું કરવા કરતાં શરીરના ઘેરાવાને ઘટાડવા પર વધારે ધ્યાન આપ્યું છે. લૉકડાઉનમાં એક વાત સમજાઈ ગઈ કે જો આપણે ખાવાપીવા પર ધ્યાન આપીને એને નિયમિત કરીએ અને સાથે જ થોડો વ્યાયામ કરીએ તો તન અને મન બન્ને તંદુરસ્ત રહી શકે છે.‍

જ્યારે ભૂખ લાગે છે ત્યારે ખાઈએ છીએ અને છતાં વજન ઊતર્યું

મુલુંડના એક યુવાન યુગલ રુબિન શાહ અને તેમનાં પત્ની હિમાનીએ લૉકડાઉનના દસ દિવસ વિવિધ વાનગીઓ બનાવીને પોતાના ટેસ્ટબડ્સને આનંદ આપ્યો, પણ પછી બન્નેને થયું કે આવું જ ચાલશે તો વજન વધશે અને સ્વાસ્થ્ય બગડશે. રુબિન શાહ હસતાં-હસતાં કહે છે, ‘લૉકડાઉનના પહેલા દસ દિવસમાં અમારી અવનવી વાનગીઓ ખાવાપીવાની ઉત્સુકતા પૂરી થઈ અને વજન વધી ગયું. આ જોઈને કંઈક તો કરવું પડશે એવું લાગતાં એક નવી જીવનશૈલીમાં પોતાને ઢાળવા માટે મેં ડાયટિશ્યનનો ઑનલાઇન સંપર્ક કર્યો. તેમને કહ્યું કે અમે બન્ને ફૂડી છીએ. મારાથી ભૂખ્યા રહીને વજન નહીં ઘટાડી શકાય તો તમે એવો રસ્તો બતાવો કે જેમાં મારે પોતાના પર અત્યાચાર ન કરવો પડે. આ ડાયટિશ્યનનો દૃષ્ટિકોણ અલગ જ છે. તેમણે એપ્રિલ ૨૦થી અમને પોતાના માર્ગદર્શન હેઠળ  ચાલવાની સલાહ આપી. મેં આજ સુધીમાં આશરે ૮ કિલો વજન ઘટાડ્યું છે. તેમણે હિમાનીને પણ તેના સ્વાસ્થ્યને અનુરૂપ ડાયટ બનાવી આપી. હિમાનીનું આશરે ૯ કિલો વજન ઘટ્યું છે. મજાની વાત એ છે કે મને જ્યારે ભૂખ લાગે ત્યારે હું ખાઉં છું, કદાચ પહેલાં કરતાં પણ વધારે. આ આખી વાતમાં મારા અનુભવથી હું એક વાત કહી શકું કે શું ક્યારે ખાવું-પીવું જોઈએ અને કેટલી માત્રામાં એના પર શરીરના વજનનું ગણિત નિર્ભર છે. આમાં ચાલવાથી પણ એક મોટો લાભ થયો છે. દિવસમાં કુલ બે કલાક ચાલવાની સલાહ તેમણે અમને આપી છે, જે પહેલા લૉકડાઉન દરમ્યાન અમે ઘરમાં જ ચાલતાં અને હવે બિલ્ડિંગમાં ચાલીએ

છીએ. મારો એલઈડી લાઇટનો વેપાર છે અને હવે ઑફિસ જવાનું શરૂ કર્યું છે. વજનને નિયંત્રિત

રાખવાની અમારી માનસિકતાને કારણે ઑફિસમાં પણ હું મારા નાના-નાના ડબ્બા લઈ જાઉં છું અને સમય-સમય પર ડાયટ અનુસરું છું અને મને સાચે જ ખૂબ સારું લાગી રહ્યું છે કે લૉકડાઉનમાં એક સકારાત્મક અનુભવ લઈને અમે બન્ને બહાર આવ્યાં છીએ.’ 

સ્ટ્રીટ-ફૂડ છૂટી જતાં પાંચ કિલો વજન ઘટ્યું

બોરીવલીમાં રહેતા નયેશ શેઠે લૉકડાઉનથી હમણાં સુધીમાં આશરે પાંચેક કિલો જેટલું વજન ઓછું કર્યું છે. તેઓ કહે છે, ‘હું પૅકેજિંગના કામમાં છું અને લૉકડાઉન પહેલાં સ્ટ્રીટ ફૂડ મારા આહારનો ખાસ હિસ્સો હતું. ઑફિસ જવાનું હોય તો બહારનું ખાવાનું ટાળવું મુશ્કેલ થઈ જાય. લૉકડાઉન દરમ્યાન હું સવારે એક કલાક અને સાંજે ૪૦ મિનિટ નિયમિતતાથી ચાલું છું. અમુક વ્યાયામ કરું છું. હું જૈન છું તેથી મેં થોડા સમયથી કાંદા, બટાટા અને લસણ ખાવાનું બંધ કર્યું છે. હવે સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ જ મારા આહારમાં લેવાનું હું પસંદ કરું છું. પહેલાં કરતાં મને ખૂબ સારું લાગે છે.’

મારી ભાવતી સૅન્ડવિચ છૂટી જતાં શરીર સુડોળ બની શક્યું

હાલમાં જ ગ્રૅજ્યુએટ થયેલી બોરીવલીમાં રહેતી આરુષી શાહે બે વર્ષ પહેલાં પોતાનું વજન ઓછું કરવાનો નિર્ણય લીધો. પોતાના શરીરને ઇન્ચિઝમાં ઘટાડી સુડોળ કેવી રીતે કર્યું એ વિશે તેઓ કહે છે, ‘હું ઘણા સમયથી મારા વજન પ્રત્યે જાગૃત થઈ ગઈ હતી. પહેલાં બહાર જવાનું થતું અને મને સૅન્ડવિચ બહુ ભાવતી તેથી ભૂખ લાગે ત્યારે સૅન્ડવિચ ખાવાની આદત હતી. લૉકડાઉન દરમ્યાન સૌથી પહેલાં જે ફરક પડ્યો એ મારે હિસાબે બ્રેડ બંધ કરવાને કારણે જ પડ્યો. અમે દોઢ મહિનો બ્રેડ લાવ્યા નહોતાં તેથી એની સાથે બટર, ચીઝ આ બધો ચરબીયુક્ત આહાર પણ બંધ થઈ ગયો. હું ઘરમાં સ્ટ્રીટ ફૂડ બનાવીને ખાઉં છું છતાંય એ નુકસાન નથી કરતું. લૉકડાઉનમાં હું ઘરમાં સાંજે ભારે વ્યાયામ કરું છું.  હું સવારે વહેલી નથી ઊઠતી તેથી નાસ્તો નથી કરતી અને બપોરે જમી લઉં છું. મને ખબર છે કે ડાયટિશ્યનના દૃષ્ટિકોણથી આ એક સારી આદત નથી, પણ મને આ રૂટીન ફાવી ગયું છે. રાતનું ભોજન ટાળી હું સાંજે ૬.૩૦થી ૭ વાગ્યાની વચ્ચે ભરપેટ જમી લઉં છું, જે પહેલાં શક્ય નહોતું. જો રાત્રે ભૂખ લાગે જ તો એકદમ હલકો સૂકો નાસ્તો ખાઉં છું. વજન ઉતારવું અથવા શરીરને એક સારો ઘાટ આપવો એ મારો પ્રયત્ન હતો જ, પણ લૉકડાઉનનો મોટો ફાયદો મને ખાવાપીવાની આદતોને નિયમિત કરવામાં થયો.’

સ્કૂલમાં શીખેલી કસરતો કમર ઘટાડવામાં કામ લાગી

બોરીવલીમાં રહેતા શૈલેશ ગાલાની ગિફ્ટ આર્ટિકલની દુકાન છે. તેમણે લૉકડાઉન શરૂ થયું ત્યારથી જ પોતાના રાત્રે સૂવા અને સવારે ઊઠવાના સમયમાં નિયમિતતા લાવવાનો નિર્ણય કર્યો. તેઓ કહે છે, ‘હું સવારે વહેલો ઊઠવા લાગ્યો અને મને એમ થયું કે આ નવરાશનો ફાયદો સ્વાસ્થ્યને આપવો જોઈએ. દરરોજ સવારે હું બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ચાલવા નીચે ઊતરવા લાગ્યો અને વર્ષો પહેલાં સ્કૂલમાં પીટી વિષયમાં શીખેલી સાદી અને સરળ કસરત કરવા લાગ્યો. લૉકડાઉન પહેલાં હું બાળકો સાથે બહાર પીત્ઝા અને અન્ય ચીઝવાળી આઇટમ્સ, સ્ટ્રીટ ફૂડ વગેરે ખાવા જતો જે લૉકડાઉન પછી બંધ થઈ ગયું અને આનાથી પણ ફરક પડ્યો. મારા વજનમાં આશરે ત્રણેક કિલો જેટલો ફરક પડ્યો છે, પણ શરીરના ઘેરાવામાં વધારે ફરક જણાય છે. મેં ઇન્ચિઝમાં શરીરનો ઘેરાવો કસરતના માધ્યમથી ઓછો કર્યો છે.’

lockdown columnists bhakti desai health tips