કોઈ કહેશે આવું શું કામ? : ઇન્શ્યૉરન્સમાં સર્જરી કરાવવી હોય તો બિલ જુદું બનશે!

01 August, 2023 12:04 PM IST  |  Mumbai | Manoj Joshi

ટૅક્સનો ઍડ્વાન્ટેજ પણ સમજાવવામાં આવ્યો છે તો સાથોસાથ ઇન્શ્યૉરન્સ કંપની પેમેન્ટ કરતી નથી એવી આર્ગ્યુમેન્ટ પણ સાંભળી છે, પણ ખરું કહું તો એ વાત પણ જસ્ટિફાઇ થતી નથી અને વાત જસ્ટિફાઇ નથી થતી એ

પ્રતીકાત્મક તસવીર

કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ટાંકીને અહીં આ વાત કહેવામાં નથી આવતી. આ વાત ઑલમોસ્ટ બધેબધી હૉસ્પિટલોને લાગુ પડે છે. કોઈ પણ બીમારીની વાત આવે એટલે હૉસ્પિટલ પાસેથી એક વાત અચૂક આવે કે જો પેમેન્ટ કૅશમાં કરવાનું હોય તો એક્સ અમાઉન્ટનું બિલ બનશે અને જો તમારે ઇન્શ્યૉરન્સમાં બિલ વાળવાનું હોય તો એક્સ-પ્લસ અમાઉન્ટ થશે. આવું શું કામ હોય એ સમજવાની અનેક વખત કોશિશ કરી છે, પણ વાત ગળે ઊતરતી નથી. ટૅક્સનો ઍડ્વાન્ટેજ પણ સમજાવવામાં આવ્યો છે તો સાથોસાથ ઇન્શ્યૉરન્સ કંપની પેમેન્ટ કરતી નથી એવી આર્ગ્યુમેન્ટ પણ સાંભળી છે, પણ ખરું કહું તો એ વાત પણ જસ્ટિફાઇ થતી નથી અને વાત જસ્ટિફાઇ નથી થતી એટલે જ મનમાં શંકાઓ જન્મે છે કે આવું કરવા પાછળનું કારણ બીજું કોઈ હોઈ શકે છે.
જગતનાં તમામ ફીલ્ડમાં જો સૌથી પવિત્ર કોઈ ફીલ્ડ હોય તો એ મેડિકલ ક્ષેત્ર છે. જગતનો એકેએક માણસ ડૉક્ટરને એટલે જ સાહેબનું સંબોધન કરતો હોય છે; ભલે પછી તે ઉંમરમાં નાનો હોય, કોઈ પણ જ્ઞાતિ કે ધર્મનો હોય; પણ તેના દ્વારા થતું આ સાહેબનું સંબોધન આદર સાથે હોય છે અને એ આદરને લીધે જ તે હંમેશાં ડૉક્ટરને આદરણીય સ્થાન પર રાખે છે. અગાઉ જ્યારે પેશન્ટનાં અમુક અળવીતરાં સગાંઓ ડૉક્ટરો સાથે ઉદ્ધતાઈ કરતાં હતાં ત્યારે પણ એ વિષય પર વાત કરી હતી અને કહ્યું હતું કે ભગવાન પછી એકમાત્ર આ વ્યક્તિ એવી છે જે તમારા સ્વજનોની પીડા હણવાનું કામ કરી શકે છે. તેની સાથે ઉદ્ધતાઈ મતલબ ભગવાન સાથે દુર્વ્યવહાર. લખેલી એ વાત પછી અનેક ડૉક્ટરમિત્રો અને વાચકોના ફોન પણ આવ્યા હતા અને કહ્યું હતું કે આ ક્ષેત્ર વિશે સૌથી ઓછું લખાતું હોય છે. એ દિવસ પછી આજે ફરી વખત લખવાનું બન્યું છે, પણ મનમાં શંકા સાથે કે આવું શું કામ કરવાનું? જો બિલ ચૂકવનારી વ્યક્તિ પોતે જ પૈસા ચૂકવી દેતી હોય તો ઓછું બિલ કે ઓછો ખર્ચ અને એની સામે ઇન્શ્યૉરન્સ કંપની પાસેથી પેમેન્ટ લેવાનું હોય તો ઑલમોસ્ટ દોઢું કે ડબલ બિલ કે ખર્ચ!

શંકા નથી કરવી અને મનમાં સંદેહ પણ નથી રાખવો, પણ આ વ્યવહાર સંદેહયુક્ત છે એ પણ સૌકોઈએ સ્વીકારવું જ રહ્યું. આજે ઘણી શૉપ્સ એવી છે જેઓ તેમને ત્યાં ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરો તો તેઓ તરત જ કહી દે છે કે જે બિલ હશે એના પર બે ટકા ચાર્જ લાગશે. એ ચાર્જ હકીકતમાં કસ્ટમરે ભરવાનો જ નથી, એ જે-તે વેપારીએ જ ચૂકવવાનો હોય છે અને બૅન્ક પણ એ શરત સાથે કાર્ડ માટેની સુવિધા જે-તે દુકાનદારને આપતી હોય છે, પણ દુકાનદાર એ જે ચાર્જ છે એ કસ્ટમર પર લગાડે છે અને મોટા ભાગના કસ્ટમર એનાથી અજાણ હોય છે એટલે તેઓ આ શરત કાં તો સ્વીકારી લે છે અને કાં તો કાર્ડ-પેમેન્ટ કરવાનું ટાળી દે છે. અહીં પણ જો એવી કોઈ વાત હોય, ઇન્શ્યૉરન્સ કંપની ડાયરેક્ટ પેમેન્ટ કરવામાં એવો કોઈ ચાર્જ લે છે કે નહીં એની જાણકારી નથી; પણ મોટા ભાગની કંપનીઓનું કહેવું છે કે એવો કોઈ ચાર્જ હોતો નથી. જો એવું જ હોય તો પછી શું કામ પર્સનલ પેમેન્ટ અને ઇન્શ્યૉરન્સ પેમેન્ટ વચ્ચે ફરક આવે?

આ તથ્ય સુધી સૌકોઈએ પહોંચવું જોઈએ અને જે કોઈ જગ્યાએથી ભેદભાવ રહેતો હોય એ દૂર થવો જોઈએ.

તમે શું માનો છો? 

columnists manoj joshi