જૈન ધર્મમાં અહિંસાનો જે મહિમા ગવાયો છે તે અન્ય કોઈ જગ્યાએ જોવા નહીં મળે

16 February, 2020 02:52 PM IST  |  Mumbai | Chimanlal Kaladhar

જૈન ધર્મમાં અહિંસાનો જે મહિમા ગવાયો છે તે અન્ય કોઈ જગ્યાએ જોવા નહીં મળે

જૈન ધર્મમાં અહિંસાનો ભારે મહિમા ગવાયો છે. જૈન ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા આપવી હોય તો એક નાનકડા વાક્યમાં જ કહી શકાય કે જૈન ધર્મનું મૂળ, જૈન ધર્મનો પાયો માત્રને માત્ર અહિંસા છે. અહિંસા એ તો ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. આપણી સંસ્કૃતિ તો પરાપૂર્વથી કહેતી આવી છે કે કોઈ પણ પ્રાણીને જાનથી મારવું નહીં, તેના અંગોપાંગ છેદવા નહીં, તેને પીડા ઉપજાવવી નહીં. અહીં પીડાનો અર્થ શારીરિક અને માનસિક એમ બન્ને પ્રકારની પીડા સમજવાની છે. શસ્ત્રનો પ્રહાર કરતા પ્રાણીઓને ભયંકર શારીરિક પીડા થાય છે, તેમ કઠોર વચનો કહેતા, કઠોર વાણી-વ્યવહાર કરતા કોઈ પણ ને ન સહેવાય તેવી માનસિક પીડા  ઊપજે તે સહજ વાત છે.

આ સંસારમાં મનુષ્યે હિંસાથી શા માટે દૂર રહેવું જોઇએ તે માટે જૈન શાસ્ત્રકારો સ્પષ્ટ કહે છે કે -

‘જીવવહો અપ્પવહો,

જીવદયા અપ્પણો હોઈ દયા,

તો સવ્વજીવ હિંસા,

પરિયત્તા અત્તકામેહિં’

અર્થાત્ જીવ હિંસા તે આત્મ હિંસા છે, અને જીવદયા તે આત્મદયા છે. તેથી આત્માનું ભલું ઇચ્છનારે સર્વ પ્રકારની જીવ હિંસાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. એ તો સ્પષ્ટ જ છે કે જીવોની એક યા બીજા પ્રકારે હિંસા કરવાથી અશુભ કર્મોનો બંધ થાય છે. આવા અશુભ કર્મોનાં પરિણામે આત્માને નરકગતિ કે તિર્થંચ ગતિમાં ઉત્પન્ન થઈ ત્યાં અનેક પ્રકારનાં દુ:ખો, યાતનાઓ ભોગવવી પડે છે. જીવદયા એ આત્મદયા છે એમ કહેવાનો અર્થ એ જ છે કે જીવદયાનું પાલન કરવાથી સંયમનું પાલન થઈ શકે છે. સંયમનું પાલન થતાં નવાં કર્મ-બંધ અટકી જાય છે અને જૂનાં કર્મોનો ક્ષય થાય છે. આથી ચારે ગતિ અને ૮૪ લાખ જીવયોનિરૂપ સંસારનું પરિભ્રમણ અટકી શકે છે. આત્મા એ પછી જન્મ-જરા-રોગ-મરણના દુ:ખોથી બચી જાય છે. તેથી જ જીવદયાને આત્મદયા તરીકે આપણા જ્યોર્તિધરોએ ઓળખાવી છે.

ભગવાન મહાવીરને થયા આજે ૨૫૦૦થી અધિક વર્ષ વીતી ગયા છે. તેઓ અહિંસાના મહાન ઉપદેશક હતા. અહિંસા પાલનમાં તેમણે અનેક વિક્રમો સ્થાપ્યા હતા. તેમણે ‘આચારાંગ સૂત્ર’માં અહિંસાનો મહિમા દર્શાવતા કહ્યું છે કે ‘સવ્વે પાણા સવ્વે જીવા સવ્વે સત્તા, સવ્વે ભૂઆ ન હંતવ્યા ન પરિતેવિયવ્વા, સવ્વે પાણા પિયાઉઆ સુહ આયા, દુહપડિકલા, અપ્પિયવહા, પિયજીવિણો, જીવિઉકામા, સવ્વેસિં જીવિચં પિયં.’  સર્વ પ્રાણીઓને આયુષ્ય પ્રિય છે, સુખની અભિલાષા છે, દુ:ખ ગમતું નથી, વધ ગમતો નથી, જીવવું ગમે છે, જીવવાની ઇચ્છા છે, બધાને જીવન પ્રિય છે.

હિંસાનો ત્યાગ એ જ મનુષ્યજીવનની સાર્થકતા છે. એથી જ આપણા ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે -

‘સયં તિવાયએ પાણે,

અદુવડન્ને હિં ઘાયએ;

હણન્તં વાડણુજાણાઈ,

વેરં વટ્ટઈ અપ્પણો.’

જે મનુષ્ય પ્રાણીઓની હિંસા કરે છે, બીજાની પાસે હિંસા કરાવે છે અને હિંસા કરનારને અનુમોદન આપે છે તે સંસારમાં પોતાના માટે વૈર વૃદ્ધિ કરે છે. વળી કહેવાયું છે કે -

‘ધમ્મો મંગલ મુકિકઠ્ઠં,

અહિંસા સંજમા તવો;

દેવાવિ તં નમસંતિ,

જસ્સ ધમ્મે સયા મણો.’

ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. તે અહિંસા, સંયમ અને તપરૂપ છે. આવો ધર્મ જેના મનમાં વસે છે, તેને દેવો પણ નમે છે.

આપણા જૈન મહર્ષિઓનાં વચનો પણ યાદ રાખવા કહે છે. આ અનુભવી મહાત્માઓ કહે છે કે યુદ્ધમાં વિજયી થાય તે શૂરવીર નથી, વિદ્યાવાળો હોય તે પંડિત નથી, વાકપટુતાવા‍ળો હોય તે વકતા નથી અને દાન આપવાવાળો દાતા નથી, પરંતુ ઇન્દ્રિયોને જય કરે તે જ શૂરવીર, ધર્મનું આચરણ કરે તે જ પંડિત, સત્ય બોલે તે જ વકતા અને જે જીવોને અભયદાન આપે, જીવોની દયા પાળે તે જ ખરો, તે જ સાચો દાતા છે, દાતાર છે.

અહિંસા વિશે મહાભારતમાં એક સરસ શ્લોક છે :

‘સર્વે વેદ્રા ન નત્કુર્યું : સર્વે યજ્ઞાશ્વભારત !

સર્વે તીર્થાભિષેકાશ્ચ, યત્કુર્યાત પ્રાણિના દયા.’

શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે ભન્તે! સર્વ વેદોનું અધ્યયન, સર્વ યજ્ઞો અને સર્વ તીર્થોનો અભિષેક તે ફળ આપતા નથી. જે ફળ પ્રાણીઓની દયા આપે છે. વળી આગળ કહે છે કે -

‘વો દદ્યાત કાંચનં મેરું,

કૃત્સ્નાં ચૈવ વસુધરાં;

એકસ્ય જીવિતં દદ્યાદ્,

ન ચ તુલ્યં યુધિષ્ઠિર.’

હે યુધિષ્ઠિર ! એક માણસ સોનાના મેરુ પર્વતનું કે આખી પૃથ્વીનું દાન કરે અને બીજો એક પ્રાણીના જિવિતવ્યની રક્ષા કરે તે બન્ને કદી સરખા નથી. તાત્પર્ય કે જિવિતવ્યની રક્ષા કરનારું, દયા પાળનારું, અહિંસાનું પાલન કરવાનું ફળ અનેકગણું વધી જાય છે.

શ્રીમદ્ ભાગવતના નવમા સ્કંધમાં અહિંસાનો મહિમા કરતા કહેવાયું છે કે

‘ન કામયેડહં ગતિમીશ્વરાત પરામષ્ટર્ધિયુક્તામ પુનર્ભંવં વા;

અર્તિં, પ્રપદ્યેડખીલ દેહભાજામન્ત : સ્થિતો યેન ભવન્ત્ય દુખા:’

રાજ રતિદેવ કહે છે કે હું ઈશ્વર પાસે અષ્ટ ઋદ્ધિયુક્ત ઉચ્ચ ગતિ માગતો નથી, તેમ મુક્તિને પણ ચાહતો નથી, પરંતુ મારી તો એ જ ઇચ્છા છે કે સમસ્ત પ્રાણીઓમાં જે દુ:ખ-પીડા છે તે મારામાં આવી જાઓ, જેથી તે બધા દુ:ખરહિત બને, અર્થાત્ તે બધા સુખી થાય એમાં જ મને સુખ છે.

ભગવદ ગીતામાં પણ કહેવાયું છે કે ‘આત્મવત્ સર્વભૂતેષુ, ય: પશ્યતિ સ પંડિત:’ અર્થાત્ જેઓ પ્રાણીઓમાં આત્મવન દૃષ્ટિ રાખે છે તે પંડિત છે.

સંત તુલસીદાસે પણ અહિંસાનો મહિમા કરતાં ગાયું છે કે

‘દયા ધર્મ કા મૂલ હૈ, પાપમૂલ અભિમાન:

તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટ મેં પ્રાણ.’

બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધે કહ્યું છે કે -

‘પાણે ન હાને ન ચ ધાતયેય,

ન ચાનુમન્યા દ્વનંત પરેસ્ત્રં;

સવ્વેસુ ભૂતેસુ નિધાય દંડ યે થાવરાયે ચ તસંતિ લોકે.’

આ લોકમાં ત્રસ અને સ્થાવર સર્વ જીવોને કોઈ પણ શસ્ત્ર વાપરી મારવા નહીં, મરાવવા નહીં કે કોઈ મારતું હોય તો તેને અનુમતિ આપવી નહીં.

ખ્રિસ્તી ધર્મની દશ આજ્ઞામાં કહ્યું છે કે તારે કોઈની હિંસા કરવી નહીં. ઇસ્લામ ધર્મના મુખ્ય ગ્રંથ ‘કુરાને શરીફ’માં જણાવ્યું છે કે જે કોઈ અન્ય પ્રાણીઓ સાથે દયાનો વ્યવહાર કરે છે, તેના પર અલ્લાહ દયા કરે છે. આ ભૂમંડળ પર કોઈ પશુ-પક્ષી એવું નથી કે જે તમારી માફક પોતાના પ્રાણને ચાહતું ન હોય.

તમને સૌને ખ્યાલ જ છે કે ભારતની આઝાદી માત્રને માત્ર અહિંસા દ્વારા જ પ્રાપ્ત થઈ છે. પરંતુ આઝાદી મેળવી આપનારી એ અહિંસા ખરાં અર્થમાં રાજદ્વારીઓના ગળે ઊતરી જ નથી! તેથી દેશ આઝાદ થયા પછી અહિંસાના એ મુખવટાને એ રાજકીય શાસકોએ દૂર ફગાવી દીધો છે. પરિણામે અહિંસાની સર્વપ્રથમ ઉદ્ઘોષણા કરનાર આપણા આ મહાન દેશ ભારતમાં હિંસાનું પ્રમાણ ભયંકર રીતે વધવા પામ્યું છે. આજે સમગ્ર ભારતમાં હજારો કતલખાનાઓ ચાલી રહ્યાં છે. જ્યાં લાખો મૂંગા, અબોલ, નિર્દોષ, પ્રાણીઓની બેરહમ હત્યા થઈ રહી છે, પરંતુ કહેવાતા આપણા આ દંભી,  સ્વાર્થી, ભ્રષ્ટ અને અસત્યવાદી નેતાઓને તેની કોઈ પરવા નથી. મુસ્લિમ  શાસનવેળાએ કે અંગ્રેજ સલ્તનત વખતે ભારતમાં માંસાહારનો જે પ્રચાર થતો હતો તેનાથી પણ અનેક ગણો અધિક પ્રચાર આજે આપણી આ કહેવાતી હિન્દુસ્તાનની સરકાર કરી રહી છે. આ ખરેખર આપણા સૌ માટે અત્યંત શરમજનક વાત છે.

weekend guide chimanlal kaladhar columnists