કેમ વરવી વાસ્તવિકતાથી વિમુખ ઉત્સવઘેલા લોકો?

24 November, 2020 04:00 PM IST  |  Mumbai | Taru Kajaria

કેમ વરવી વાસ્તવિકતાથી વિમુખ ઉત્સવઘેલા લોકો?

દિવાળીમાં બેફામ રસ્તાઓ પર શૉપિંગ અને સોશ્યલાઇઝિંગની મજા માણવા ઉમટી પડેલા લોકોને ફરીથી ટૂંકા કરફ્યુનો સામનો કરવો પડ્યો હતો.

દેશનાં અનેક રાજ્યોમાં લોકોએ ઉત્સવના ઉન્માદમાં એ બધી ચેતવણીઓ ભુલાવી દીધી. કોઈ પણ પ્રકારની સાવધાની વગર બજારોમાં ઊમટ્યા અને અંતે જેનો ડર હતો એ જ થયુ

ગયા અઠવાડિયે દેશનાં અનેક રાજ્યોમાં કોવિડે ફરી ફૂંફાડો માર્યો અને ગુજરાત, દિલ્હી ઇત્યાદિ સ્થળોમાં કરફ્યુ કે લૉકડાઉનનો વધુ કડક તબક્કો ફરી થોપવાની શાસકોને ફરજ પડી. દેશના મોટા ભાગના નાગરિકોએ શિસ્ત અને નિયમોનું પાલન કરીને આ મહામારીને નિયંત્રણમાં રાખવાના શાસકોના પ્રયાસોને જે સાથ આપ્યો હતો એ બધા પર આ દિવાળીના દિવસોમાં પાણી ફરી વળ્યું. દિવાળી ભારતનો એક મહત્ત્વનો અને ભારતીયોનો અતિ પ્રિય તહેવાર છે એ આપણે જાણીએ છીએ અને એની ઉજવણી આપણા સૌના જીવનનો એક સૌથી પ્રતિક્ષિત પ્રસંગ છે એની પણ ના નહીં. પરંતુ આ વખતે કોવિડ-19ના કારણે આપણે આ તહેવારની ઉજવણીમાં ઘણાંબધાં નિયંત્રણો પાળવાનાં હતાં. સરકાર, વહીવટી તંત્રો, સામાજિક કાર્યકરો અને તમામ જાગ્રત સમૂહોએ આ બાબતે સૂચનાઓ અને ચેતવણી આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. અલબત્ત, આ સાથે જ દેશના અર્થતંત્ર અને લોકોની આજીવિકા વિશે કન્સર્ન્ડ શાસકોને બજારો કે મંદિરો ખોલવાની ફરજ પણ બજાવવાની હતી. તેમણે એ બજાવી પણ સાથોસાથ તેઓ આમ જનતાને સતત સાવચેત કરતા રહ્યા કે અનિવાર્ય ન હોય તો ઘરની બહાર નીકળશો નહીં. જો નીકળવું જ પડે તો સાવચેતીનાં તમામ પગલાં લેવાનું બિલકુલ ચૂકશો નહીં. આમ છતાં દેશનાં અનેક રાજ્યોમાં લોકોએ ઉત્સવના ઉન્માદમાં એ બધી ચેતવણીઓ ભુલાવી દીધી. કોઈ પણ પ્રકારની સાવધાની વગર બજારોમાં ઊમટ્યા અને અંતે જેનો ડર હતો એ જ થયું. અમદાવાદ-દિલ્હીની હૉસ્પિટલોમાં દરદીઓ ઠલવાવા લાગ્યા. ઑક્સિજન અને વેન્ટિલેટર્સની ખેંચ ઊભી થઈ ગઈ. કેટલાય દરદીઓને હૉસ્પિટલમાં પ્રવેશ ન મળી શક્યો અને ગંભીર રીતે બીમાર દરદીઓને પણ ઘરે જ રાખવા પડ્યા. એવા કેટલાય દરદીઓના મૃતદેહોને સ્મશાન લઈ જવાનું અને અગ્નિદાહ આપવાનું કામ કરતી દિલ્હીની એક સ્વૈચ્છિક સંસ્થાના બે કાર્યકરોનો એક વિડિયો જોયો. ખરેખર ધ્રૂજી જવાયું. એ લોકો હાથ જોડીને, કરગરીને લોકોને ઘરમાં રહેવા અને પોતાની જાતનું વધારે ને વધારે ધ્યાન રાખવા વિનવણી કરી રહ્યા હતા. રોજ કેટકેટલી લાશોને ઘરેથી ઊપાડીને અંતિમ ગંતવ્યસ્થાને પહોંચાડતા એ કાર્યકરોએ કોવિડના શિકાર બનેલાઓના મૃત્યુની ભયાનકતાને સૌથી નિકટથી જોઈ છે અને તેમના જેવા ભડ સેવાકર્મીઓ પણ હલી ગયા છે એની વિકરાળતા અને નિર્દયતા જોઈને, સ્વજનોની પીડા અને લાચારી જોઈને. તેમની વિનંતીમાં હૃદયનું ઊંડાણ હતું. નિઃસ્વાર્થ સચ્ચાઈ હતી. પરંતુ આપણા ઉત્સવપ્રેમીઓ એ અને એવી અનેક સંનિષ્ઠ ચેતવણીઓને અવગણી કાઢી અને પોતાને જે કરવાનું મન હતું એ જ કર્યું. તેમણે પોતાની તો કોઈ ચિંતા ન કરી, પણ દેશવાસીઓનીય નહીં અને દેશની પણ દરકાર ન કરી. દેશના અનેક ભાગોને ફરી લૉકડાઉન ભણી ધકેલ્યા.
શા માટે લોકોએ આવું બેજવાબદાર વર્તન કર્યું? આવું કોઈ પણ માણસ કેવી રીતે કરી શકે? એવા સવાલો થાય એ સહજ છે. પરંતુ ‘‍અરે, ક્યાં સુધી ડરી-ડરીને રહેવાનું? ઘરમાં પુરાઈને ક્યાં સુધી બેઠા રહીશું? જુઓ કેટલા બધા લોકો ફરવા જાય છે! ફલાણા ફ્રેન્ડ ગોવા ગયા છે અને પેલી ફ્રેન્ડ કોડાઇકેનાલ ગઈ છે, આપણા પાડોશી ફૅમિલી સાથે હિમાચલ ગયા છે. ચાલોને આપણે બધાય પ્લાન કરીએ.’ યાદ કરો, તમારી આસપાસ નજર કરો, ‍ઈવન તમારાં પોતાનાં વાણી અને વર્તનને પણ ચકાસો. આ પ્રકારના શબ્દો તમે કેટલી વાર સાંભળ્યા અને ઉચ્ચાર્યા છે? કદાચ મોટા ભાગના લોકો આ મનોસ્થિતિમાંથી પસાર થયા હશે. અને તેમનામાંથી જ કોઈનો શાણપણનો સૂર ઊઠ્યો હશે તેમને ચેતવતો, તેમને વારતો અને કદાચ તેમને ડારતો પણ. એવા શાણપણના સૂરનો જ્યાં આદર કરાયો હશે એ સૌ પેલા ઉત્સવઘેલા ટોળામાં ભળતા અટક્યા હશે. પરંતુ જેમણે એ સમજુ અવાજને ‘ડરપોક’, ‘વેદિયો’, ‘નકારાત્મક‘ કહીને મજાક કરી હશે એ બધાએ દેશને મહામારીના આ નવા હુમલાનો ભોગ બનાવવામાં ભૂમિકા ભજવી છે.
મને એક સ્નેહીએ મોકલેલી નાનકડી છોકરીની વિડિયો ક્લિપ યાદ આવે છે. નવરાત્રિ દરમિયાન પૂજાનો તહેવાર આવે ત્યારે બંગાળીઓ ખૂબ સજીધજીને મા દુર્ગાનાં દર્શન કરવા જાય. એ વિડિયો ક્લિપમાં એક નાનકડી છોકરી એવી જ મજાની તૈયાર થઈ છે. પણ એ ગાય છે કે આ વખતે તો નવાં-નવાં કપડાં પહેરીને ઘરમાં જ રહેવાનું છે. પંડાલમાં માનાં દર્શન કરવા જવાનું નથી. બહાર ક્યાંય જવાનું નથી. આ તો ક્વૉરન્ટીન પૂજા છે. પછી છેલ્લે તે દુર્ગામાને કહે છે કે હે મા, આ વખતે તમે વિદાય થાઓ ત્યારે કોરોનાને પકડીને લઈ જાજો અને એ ક્યારેય પાછો ન આવે એ રીતે એને પધરાવી આવજો. એ બાળકી મને આ દેશના અનેક નાનકડાં છતાં સમજદાર બાળકોની પ્રતિનિધિ લાગી.
આપણે સૌ, જેઓ હજી સુધી આ મહામારીમાં આજ સુધી સલામત રહેલા સૌકોઈએ નિયતિનો આભાર માનવો જોઈએ કે તેઓ બચી ગયા છે આ ભયંકર બીમારીથી. આજે જ એક ડૉક્ટર મિત્રનો ફોન હતો. તેમણે કહ્યું કે આમાંથી સાજા થઈને હૉસ્પિટલથી ઘરે આવી ગયેલા કેટલાક મિત્રોના અનુભવ સાંભળીએ તો પણ રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એટલે આનાથી બચી ગયેલા સૌકોઈ પર કુદરતની કૃપા છે અને તેમણે એ બદલ કુદરત પ્રત્યે અને પોતાની જાત પ્રત્યે પણ કૃતજ્ઞતા અનુભવવી જોઈએ. મિત્રો, વિક્રમના નવા વરસે આપણે પણ પેલી નાનકડી છોકરીની જેમ પ્રાર્થના કરીએ કે નવું વર્ષ આ કોરોનાને બિસ્તરા-પોટલાં બાંધીને આ ધરતીથી દૂર-દૂર પધરાવી દે.
અને છેલ્લે વૉટ્સઍપ પર મળેલી આ ગઝલ:
બેવજહ ઘર સે નિકલને કી ઝરૂરત ક્યા હૈ?
મૌત સે આંખેં મિલાને કી ઝરૂરત ક્યા હૈ?
સબ કો માલૂમ હૈ કિ બાહર કી હવા કાતિલ હૈ,
યૂં હી કાતિલ સે ઉલઝને કી ઝરૂરત ક્યા હૈ?
એક નેમત હૈ ઝિંદગી ઉસે સંભાલ કે રખ
કબ્રસ્તાન કો સજાને કી ઝરૂરત ક્યા હૈ?
દિલ કો બહલાને કો ઘર મેં હી વજહ કાફી હૈ
યૂં હી ગલિયોં મેં ભટકને કી ઝરૂરત ક્યા હૈ?
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો
લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

taru kajaria columnists