દેશની આર્થિક રાજધાની એવા આપણા આ શહેરના પ્રથમ નાગરિકનો ઠાઠ ભોગવતા મુંબઈના નેક્સ્ટ મેયર કોણ બનશે એ વિશે ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે મુંબઈમાં મેયરપદના ઇતિહાસ સાથે તેમના કાર્યક્ષેત્ર, અધિકારો અને મળતી ફૅસિલિટી પર ચર્ચા કરી લઈએ
મુંબઈના મેયરને પદ સાથે થોડા અધિકાર પણ આપોને
રાજકીય નિષ્ણાતોથી લઈને ભૂતપૂર્વ મેયરોની પણ આ ડિમાન્ડ છે. દેશની આર્થિક રાજધાની એવા આપણા આ શહેરના પ્રથમ નાગરિકનો ઠાઠ ભોગવતા મુંબઈના નેક્સ્ટ મેયર કોણ બનશે એ વિશે ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે મુંબઈમાં મેયરપદના ઇતિહાસ સાથે તેમના કાર્યક્ષેત્ર, અધિકારો અને મળતી ફૅસિલિટી પર ચર્ચા કરી લઈએ
આ વર્ષનું મુંબઈ મહાનગરપાલિકાનું ઇલેક્શન દરેક વ્યક્તિ માટે ખાસ રહ્યું કારણ કે વર્ષોથી રાજ કરતી સત્તાને ઊથલાવીને ઐતિહાસિક આંકડાઓ સાથે BJP અને શિંદે જૂથની શિવસેનાની મહાયુતિનો વિજય થયો. મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સહિતની કુલ ૨૯ મહાનગરપાલિકાની ચૂંટણીના હિસ્ટોરિકલ પરિણામ પછી છેલ્લા થોડાક સમયથી મુંબઈનો મેયર કોણ બનશે એની ચર્ચા ચાલુ છે. કઈ કૅટેગરીમાંથી મેયરની નિમણૂક થશે એ માટે યોજાતી લૉટરીનું પણ પરિણામ આવી ગયું અને ઓપન કૅટેગરીમાં મહિલા ઉમેદવારને BMCના મેયરનું પદ સોંપવામાં આવશે એ પણ ફિક્સ થઈ ગયું. જોકે જે પદ આ સ્તર પર ચર્ચામાં છે એનું મહત્ત્વ ખરેખર એક આમ આદમીના જીવનમાં શું છે અને તેમના અધિકારો, તેમની વિશેષતાઓ અને તેમને મળતી સુવિધાઓ વિશે મુંબઈના ભૂતપૂર્વ મેયર અને પૉલિટિકલ નિષ્ણાતો પાસેથી મળેલી માહિતી જાણવા જેવી છે અને એ પણ સરળમાં સરળ શબ્દો સાથે.
લાખો વખત આ મેયર શબ્દ સાંભળ્યો તો છે અને એ પણ સાંભળ્યું છે કે એ શહેરના પહેલા નાગરિક કહેવાય પણ આ મેયરપદની શરૂઆત ક્યાંથી અને ક્યારથી થઈ એ વિશે બહુ ઓછા લોકોને ખબર છે.
સિટીના પ્રથમ મેયર
BMCના પ્રમુખપદની સ્થાપના ૧૮૭૩માં કરવામાં આવી. હા, છેક ૧૯૩૧ સુધી મુંબઈના મેયરને પ્રેસિડન્ટ તરીકે જોવામાં આવતા હતા પણ ૧૯૩૧માં એ પદને મેયર નામ આપવામાં આવ્યું. ઈસવી સન ૧૯૩૧માં મુંબઈના પ્રથમ મેયર તરીકે જોસેફ બૅપ્ટિસ્ટા ચૂંટાયા, જે લોકમાન્ય ટિળકના અનન્ય મિત્ર અને સાથી હતા. એ વાત પણ એટલી જ સાચી કે ભારતની આઝાદી પહેલાં અને એ પછી ઘણા દિગ્ગજો મેયરપદે રહ્યા અને એ પછી તેમણે નૅશનલ પૉલિટિક્સમાં પોતાનું સ્થાન બનાવ્યું. તમને જાણીને નવાઈ લાગશે પણ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ પણ મુંબઈ મહાનગરપાલિકાના ૧૯૨૪-’૨પના વર્ષ માટે પ્રમુખ રહી ચૂક્યા હતા અને એ સમયે વલ્લભભાઈ ઑલરેડી સરદાર તરીકે દેશભરમાં પ્રખ્યાત થવા માંડ્યા હતા. લાંબો સમય સુધી કૉર્પોરેશનમાં પ્રેસિડન્ટ રહેનારાનું જો નામ જોવામાં આવે તો એમાં ફિરોઝશાહ મહેતાનું નામ લેવું પડે. ચાર વખત પ્રેસિડન્ટ રહેનારા ફિરોઝશાહ મહેતાને ઇતિહાસકારો Lion of Bombay પણ કહે છે, તેમના કાર્યકાળ દરમ્યાન જ કૉર્પોરેશનના બંધારણમાં અનેક સુધારા અને અનેક વધારા પણ કરવામાં આવ્યા. આ જ કારણે તેઓ મુંબઈ મહાનગરપાલિકાના બંધારણના ઘડવૈયા પણ ગણાય છે.
આઝાદી પછીના બૉમ્બે શહેરના પ્રથમ મેયરની વાત કરીએ તો મેયરપદ ગુજરાતી એવા ચતુર્ભુજ ધારસીને સોંપવામાં આવ્યું હતું. ચતુર્ભુજ ધારસી ૧૯૪૮માં બૉમ્બેના પ્રથમ મેયર બન્યા હતા. મેયરપદે આવનારી વ્યક્તિ માટે ખાસ બંગલો પણ બનાવવામાં આવ્યો છે. મુંબઈના મેયરનું સત્તાવાર નિવાસસ્થાન દાદરના શિવાજી પાર્ક પાસે આવ્યું છે જે ૧૯૬૧થી મેયરના નિવાસસ્થાન તરીકે વપરાતું. અલબત્ત, ૨૦૧૮-’૧૯માં આ બંગલાને શિવસેના-સુપ્રીમો બાળ ઠાકરેના સ્મારકમાં ફેરવવાનો નિર્ણય કરવામાં આવતાં હવે મેયરનું નિવાસસ્થાન ભાયખલા વિસ્તારમાં આવેલા રાણીબાગના બંગલામાં ફેરવવામાં આવ્યું છે.
શહેરના પ્રથમ નાગરિક હોવાના નાતે શહેરમાં આવનારી કોઈ પણ રાજદ્વારી કે પૉલિટિકલ પર્સનાલિટીનું સ્વાગત કરવાની જવાબદારી મેયરને મળે છે તો એવી જ રીતે શહેરના સામૂહિક કાર્યક્રમોના ઇન્વિટેશન કાર્ડ્સમાં પણ મેયરનું નામ આમંત્રિતની યાદીમાં મૂકવું એ પ્રોટોકૉલ ગણાય છે. આપણે જેમ પહેલું આમંત્રણ ભગવાનને ધરીએ એવી રીતે શહેરના નૉન-પૉલિટિકલ કાર્યક્રમનું આમંત્રણ સૌથી પહેલાં મેયરને આપવું એવો એક વણલખ્યો રિવાજ પણ બની ગયો છે. મજાની વાત એ છે કે દરેક તબક્કે મેયર નામના ગણપતિથી કાર્યક્રમની શરૂઆત થાય છે અને એમ છતાં પણ મુંબઈના મેયરનું પદ ઔપચારિક એટલે કે દેખાવનું વધારે છે. કેટલાક રાજકીય વિશ્લેષ્કો તો મજાકમાં કહે પણ છે કે મુંબઈનું મેયરપદ ધાર વિનાની તલવાર જેવું છે.
આ જે મેયરપદ છે એ અઢી વર્ષની મુદત ધરાવે છે. મતલબ કે દર અઢી વર્ષે નવા મેયર માટે ઇલેક્શન થાય છે જેમાં માત્ર ઇલેક્શનમાં ચૂંટાયેલા BMCના કૉર્પોરેટર્સ જ ભાગ લઈ શકે છે. મેયર નગરપાલિકાની તમામ સભાઓનું અધ્યક્ષસ્થાન સંભાળે છે પણ તેની પાસે સીધી નાણાકીય સત્તા ઓછી છે. બજેટ અને અન્ય ફાઇનૅન્શિયલ નિર્ણયો લેવાના તમામ પાવર સ્ટૅન્ડિંગ કમિટી અને એના ચૅરમૅન તથા મ્યુનિસિપલ કમિશનર પાસે હોય છે. ખેદ સાથે કહેવું પડે કે મેયર એમાં હસ્તક્ષેપ પણ કરી શકતા નથી.
કરવું શું જોઈએ?
મુંબઈના મેયરની અત્યારની સ્થિતિ વિશે વાત કરતાં પૉલિટિકલ નિષ્ણાત, સિનિયર જર્નલિસ્ટ અને ‘મિડ-ડે’ના પૉલિટિકલ એડિટર સંજીવ શિવડેકર કહે છે, ‘જેમ પ્રાઇમ મિનિસ્ટર પાસે પાવર છે પરંતુ પ્રેસિડન્ટ પાસે હોદ્દો છે એમ આપણે ત્યાં પણ મુંબઈ મહાનગરપાલિકાના જેટલા પણ નિર્ણયો છે એ નિર્ણયો લેવાનો પાવર BMCની જુદી-જુદી ચાર-પાંચ કમિટીઓ પાસે છે જેમ કે સ્ટૅન્ડિંગ કમિટી, સુધાર સમિતિ વગેરે-વગેરે... અરે, કમિશનર પાસે મેયર કરતાં વધારે પાવર છે. અફકોર્સ, મેયરના પદની ગરિમા મોટી છે. એટલે કમિશનર મેયરને મળવા આવે, મેયર કમિશનરને મળવા ન જાય. કોઈ પણ રાજ્યના પ્રોગ્રામ હોય તો ચીફ મિનિસ્ટરની બાજુમાં મેયરનું સ્થાન હોય જ હોય. તમે એમ કહી શકો કે મેયર પાસે તામઝામ ખૂબ છે પરંતુ એક્ઝિક્યુટિવ પાવર જરાય નથી.’
આ જ વાતને આગળ વધારતાં મંત્રાલયમાં ચીફ મિનિસ્ટર સાથે નજીકથી કામ કરી ચૂકેલા સિનિયર જર્નલિસ્ટ અને અત્યારે ‘ફ્રી પ્રેસ જર્નલ’ના પૉલિટિકલ એડિટર રવિકિરણ દેશમુખ કહે છે, ‘જો તમને યાદ હોય અમેરિકામાં જ્યારે 9/11નો અટૅક થયો ત્યારે આખું રેસ્ક્યુ ઑપરેશન ત્યાંના મેયરે લીડ કર્યું હતું. આજે મુંબઈ જેવા મેટ્રો સિટીમાં જેને તમે ફર્સ્ટ સિટિઝનનો દરજ્જો આપો છો તેની પાસે જો કોઈ અધિકાર જ ન હોય તો એ ફર્સ્ટ સિટિઝન હોવાનો, એ માનનો મતલબ શું? એ વાત સાવ સાચી છે કે મેયર અત્યારના સંજોગોમાં પણ લોકજાગૃતિનું કાર્ય અને વિવિધ સરકારી ઑથોરિટીને સજેશન આપવાનું કાર્ય કરીને બદલાવ લાવી શકે છે, પરંતુ પ્રત્યક્ષ રીતે તેની પાસે એના કોઈ જ અધિકાર નથી. હકીકતમાં હવે સમય આવી ગયો છે કે મેયરના પદની ગરિમા જેટલી મહત્ત્વની છે એટલું જ મહત્ત્વનું છે કે તેમને અમુક અધિકારો અપાય. થોડાંક વર્ષો પહેલાં રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક પ્રપોઝલ મૂકવામાં આવી હતી કે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં મેયરનો કન્ટ્રોલ વધવો જોઈએ. અત્યારે ફાઇનૅન્સને લગતો સંપૂર્ણ કન્ટ્રોલ સ્ટૅન્ડિંગ કમિટી પાસે છે જેમાં મુંબઈ મહાનગરપાલિકાના વડા તરીકે મેયરની પણ ડિસિઝન-મેકિંગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવી જોઈએ. જો એમ થાય તો સિસ્ટમમાં રહેલા કરપ્શનને દૂર કરવામાં પણ મદદ મળી શકે. આ જ કારણથી સ્ટેટ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ ૧૯૮૮માં અમેન્ડમેન્ટ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે સાચા અર્થમાં સમય આવી ગયો છે કે મેયરનું પદ માત્ર નામનું ન રહે પણ સાથે કામ કરી શકે એવું પણ બને.’
વ્યથા મુંબઈના મેયરની
સંસદસભ્યથી લઈને કૉર્પોરેટર સુધીનાને લાખો રૂપિયાનો માસિક પગાર મળે છે પણ મુંબઈના મેયરપદ માટે કોઈ સૅલેરી નથી હોતી. હા, કૉર્પોરેટરને મળે એમ તેમને ઑનરેરિયમ મળે. અત્યારે મેયરને લગભગ ૨૫,૦૦૦ રૂપિયા ઑનરેરિયમ મળે છે એમ જણાવીને ભૂતપૂર્વ મેયર શુભા રાઉળ કહે છે, ‘મેયરને મળનારી સુવિધા જોવી હોય તો એમાં ફોનની સુવિધા છે તો સાથોસાથ પર્સનલ અસિસ્ટન્ટ મળે છે. મેયર હાઉસમાં સર્વન્ટ હોય છે અને ગાડી અને ડ્રાઇવર મળે છે અને સિક્યૉરિટી મળે છે, પણ એ પબ્લિક-ઇલેક્ટેડ મેયર નથી એટલે તેના હાથમાં સત્તાના નામે કશું નથી. લોકો દ્વારા ચૂંટાયેલા મેયર પાસે પાવર હોય છે, જે કલકત્તાના મેયર પાસે છે; પણ શબ્દો ચોર્યા વિના કહેવું હોય તો કહી શકાય કે મહારાષ્ટ્રના કોઈ પણ ગામડાના સરપંચ પાસે હોય છે એટલા પાવર પણ મુંબઈના મેયર પાસે નથી હોતા. મેયરનું પદ હાથી પર બેઠેલા એક માણસ જેવું છે. એક મહાવત હોય, ઉપર છત્ર હોય પણ હાથી કઈ દિશામાં જશે એ મહાવત એટલે કે કમિશનર નક્કી કરતા હોય. બસ, પેલા માણસે તો ઉપર બેસીને જોયા કરવાનું કે હાથી કઈ બાજુએ જાય છે. અરે, હાથી પરથી ઊતરવા માટે પણ બીજા માણસોની હેલ્પ લેવાની અને પછી હાથી પરથી ઊતરવાનું.’
આ પણ યાદ રાખો...
૧. BMC દેશની સૌથી શ્રીમંત પાલિકા છે.
૨. કોઈ દરખાસ્તમાં સમાન મત થાય તો એવા સમયે મેયરનો વોટ નિર્ણાયક બને છે.
૩. મરાઠી ઉપરાંત ગુજરાતી, મુસ્લિમ, પારસી પણ મુંબઈના મેયર રહી ચૂક્યા છે.
૪. સુલોચના મોદી મુંબઈનાં પ્રથમ મહિલા મેયર હતાં. તેમને ૧૯પ૬માં આ પદ સોંપાયું.
પ. ૨૦૨૨થી ૨૦૨પ સુધી મુંબઈમાં મેયર નહીં પણ ઍડ્મિનિસ્ટ્રેટર હતા જે મેયર વગરનો અત્યાર સુધીનો સૌથી લાંબો પિરિયડ છે.
મેયર આવા પણ હોય
મિનિમમ એક્ઝિક્યુટિવ પાવર સાથે પણ જો મેયર ધારે તો કામ કરી શકે. એનો દાખલો શુભા રાઉળ બની શકે. ૨૦૦૭થી ૨૦૦૯ના પોતાના મેયરપદના કાર્યકાળમાં શિવસેનાનાં સિનિયર નેતા શુભા રાઉળે ગજબનાક કામગીરી કરી હતી. પ્રોફેશનલી આયુર્વેદિક ડૉક્ટર એવાં શુભા રાઉળે લીધેલા હેલ્થ અને પર્યાવરણલક્ષી નિર્ણયો આજે પણ મુંબઈકરોને યાદ છે. ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ માટે તેમણે રીતસરની ઝુંબેશ ઉપાડી હતી તો ગણેશ-વિસર્જન સમયે પર્યાવરણને નુકસાન ન થાય એ માટે તેમણે આર્ટિફિશ્યલ પૉન્ડ્સ એટલે કે કૃત્રિમ તળાવો બનાવવાનો આગ્રહ રાખ્યો હતો તો મુંબઈમાં નુકસાનકર્તા પ્લાસ્ટિકની બૅગનો ઉપયોગ બંધ થાય એ માટે તેમણે સક્રિય પ્રયાસો કર્યા હતા. આ એ સમયની વાત છે જે સમયે હુક્કા પાર્લરની મુંબઈમાં બોલબાલા હતી. શુભા રાઉળે આ હુક્કા પાર્લર સામે પણ રીતસરની ઝુંબેશ ઉપાડી હતી. શુભા રાઉળ ‘મિડ-ડે’ સાથે પોતાનો અનુભવ શૅર કરતાં કહે છે, ‘મને બહારથી ખબર પડી કે હુક્કા પાર્લરમાં નિકોટીન સાથે હુક્કો સર્વ થાય છે. અમે તપાસ કરી, સૅમ્પલ લીધાં અને એમાં નિકોટીન આવ્યું. આપણા દેશમાં કાયદો છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરનાને તમાકુ વેચી ન શકાય તો પછી આ હુક્કા પાર્લરમાં કેવી રીતે ૧૩ અને ૧૪ વર્ષના ટીનેજર્સને એન્ટ્રી મળવી જોઈએ? અને બસ, વાત લાગતીવળગતી ઑથોરિટી સુધી પહોંચાડી. તેમણે ઠરાવ પસાર કરી નિર્ણય લીધો કે હુક્કા પાર્લરમાં પણ ૧૮ વર્ષથી નાની ઉંમરનું બાળક જઈ નહીં શકે. આજે હુક્કા પાર્લરમાં ૧૮ વર્ષથી નાની ઉંમરનાને એન્ટ્રી નથી.’
દેશમાં ક્યાંય હેપેટાઇટિસ-Bની વૅક્સિન ફ્રીમાં નહોતી આપવામાં આવતી એ સમયે શુભા રાઉળે BMCમાં હેપેટાઇટિસ-Bની વૅક્સિન ફ્રી કરાવી હતી. શુભા રાઉળ કહે છે, ‘જેને જે લાગવું હોય એ લાગે પણ હું કહીશ કે સેન્સિટિવ મેયર હોય તો તે ધારે એવું પરિણામ લાવી શકે. કરવા માટે ઘણું છે. હેલ્થથી લઈને એન્વાયર્નમેન્ટ સુધીનાં કામ કરવાં જોઈએ. હું તો કહીશ કે અવેરનેસ લાવવાનું કામ પણ મેયર જો સંભાળી લે તો પણ મુંબઈને બહુ મોટો લાભ મળે. ગાર્ડનમાં પંદર ટકા રિઝર્વ સ્પેસ રાખો અને એમાં હર્બલ પ્લાન્ટેશન કરાવો. કૉસ્મેટિક ટ્રીથી માત્ર લુક આવશે પણ હર્બલ પ્લાન્ટેશનથી લોકોને ફાયદો થશે. અજમો, તુલસી, અશ્વગંધા જેવા છોડ સરળતાથી મળે છે તો પછી ગાર્ડનમાં એનો ઉપયોગ શું કામ ન કરવો? હું મેયર હતી ત્યારે મેં બુકે અપાવવાનું બંધ કર્યું હતું. બુકે આપવાને બદલે હું પ્લાન્ટ આપતી, જેને ક્યાંક વાવી શકાય અને એન્વાયર્નમેન્ટ સુધારવામાં એક સ્ટેપ આગળ વધી શકાય. અરે, મેં તો શાલ ઓઢાડવાની પ્રક્રિયા પણ બંધ કરાવી હતી. આપણે ત્યાં શું હોય છે, સન્માન માટે શાલ ઓઢાડે. મેં કહ્યું કે લેડીનું સન્માન કરતા હો તો સાડી આપો, ઓઢણી આપો. આર્ટને પ્રમોટ કરો, પણ કરો એવું કે જેનાથી સોસાયટીને લાભ થાય.’
આ જ રીતે ૨૦૧૨થી ૨૦૧૪ના પિરિયડમાં મુંબઈના મેયર રહેલા સુનીલ પ્રભુએ અંગત રીતે આગેવાની લઈને અનેક કામ કર્યાં હતાં. પાલિકાની હૉસ્પિટલોમાં સુવિધા યોગ્ય રીતે મળે છે કે નહીં એ જોવા અને ત્યાં સ્વચ્છતા જળવાયેલી છે કે નહીં એ ચેક કરવા સુનીલ પ્રભુ સરપ્રાઇઝ ચેકિંગ કરતા. મુંબઈને ‘ક્લીન મુંબઈ’ બનાવવા માટે જો કોઈએ ઍક્ટિવ રોલ પ્લે કર્યો હોય તો એમાં સુનીલ પ્રભુનું નામ ચોક્કસ લેવું પડે. પોતાના કાર્યકાળ દરમ્યાન તેમણે વીસ વર્ષ પછીના મુંબઈને ધ્યાનમાં રાખીને ડેવલપમેન્ટ પ્લાન બનાવ્યો અને મુંબઈના રસ્તા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જુદી જ દિશામાં લઈ જવાનું કામ કર્યું. મેયરપદ પર તેમની કામગીરીની એટલી સરાહના થઈ કે તેમને ૨૦૧૪માં વિધાનસભાની ટિકિટ આપવામાં આવી અને તે વિધાનસભ્ય બન્યા. સુનીલ પ્રભુ કહે છે, ‘આ એક એવું પદ છે જેના થકી તમારું શહેર ઓળખાય છે. આ પદ પર આવ્યા પછી તમારે આગળના સમયને જોવો પડે. મારા કાર્યકાળમાં સિવેજ લાઇન નાની હતી, એને ટનલ કરીને મોટી કરાવવાનું કામ કર્યું જેથી વૉટર-વેસ્ટ બહાર ન આવે. આ જ પિરિયડમાં અમે કોસ્ટલ રોડનું પ્લાનિંગ પણ કર્યું અને આ જ પિરિયડમાં અમે મેડિકલ હેલ્થ સેન્ટર અપગ્રેડ કરાવ્યાં અને વર્ચ્યુઅલ ક્લાસરૂમ શરૂ કર્યા જેમાં BMCની સ્કૂલોને જોડી. આજે પણ કરવા માટે ઘણાં કામ છે. મને લાગે છે કે એ કામોમાં સૌથી અગત્યનું જો કોઈ કામ હોય તો એ છે દરિયાના પાણીને ખારામાંથી મીઠું કરવાની દિશામાં કામ કરવું અને મુંબઈ માટે નવાં તળાવો બનાવવાં. જો આ દિશામાં કામ ન થયું તો ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન મોટો બનશે.’