મેઘરાજાનું મારક અને મોહક રૂપ – વિરોધાભાસી અને વરવી વાસ્તવિકતા

06 June, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચોમાસાનું આ વરવું રૂપ આલેખું છું ત્યારે બાળપણથી લઈને આજ સુધી વર્ષાઋતુને, એના મોહક અને માદક રૂપને કવિઓ, સર્જકો અને ચિત્રકારોની નજરે માણ્યાં છે

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયે મુંબઈમાં ચોમાસું લગભગ બે અઠવાડિયાં વહેલું આવી પહોંચ્યું. ૨૬ મેના સોમવારે વીસ વર્ષ પહેલાંની ૨૬ જુલાઈની યાદ અપાવી દીધી. વરસાદનું સમય કરતાં વહેલું આગમન અને એય આવું તોફાની! અને એ જ પુરાણી પાણીમાં ડૂબી ગયેલા રસ્તાઓ, ખાડા-ખાબોચિયાં, ટ્રાફિક જૅમ, ખુલ્લી ગટરો, કચરાના ઢગલાઓ જેવી અનેકવિધ સમસ્યાઓ મુંબઈગરાઓ તેમ જ મહારાષ્ટ્રવાસીઓ પર ત્રાટકી. દર વરસે ચોમાસું આવે અને આ બધી મુસીબતો લાવે ત્યારે મુંબઈગરો વિચારે આવતે વર્ષે કદાચ આવું નહીં થાય. પણ વર્ષો વીત્યા છતાં આજ સુધી આપણે એવા વર્ષની રાહમાં છીએ જ્યારે આ બધી તકલીફો વગર  વરસાદને માણી શકીએ.

ચોમાસાનું આ વરવું રૂપ આલેખું છું ત્યારે બાળપણથી લઈને આજ સુધી વર્ષાઋતુને, એના મોહક અને માદક રૂપને કવિઓ, સર્જકો અને ચિત્રકારોની નજરે માણ્યાં છે એ પણ યાદ આવી જાય છે. ઘનઘોર ઘેરાયેલું રાખોડી આકાશ, એના જેવો કૃષ્ણ વર્ણ ધરી ઘૂઘવતો દરિયો, વૃક્ષો-પર્ણો અને તૃણોમાં પથરાયેલા સેંકડો હરિયાળા શેડ્સ અને એ બધાં તથા આંખોની વચ્ચે આડશ રચતી પવનની સાથે ઊડતી વરસાદી જળની પારદર્શકતા! તૃપ્ત ધરતીના બદનની ખુશ્બૂ, મદહોશ કરતી માટીની મહેંક! રાખોડી આકાશના પડદા પર લહેરાતી હરિયાળી વનરાજી જાણે કુદરતનો અપ્રતીમ ગ્રીન-ગ્રે ફૅશન શો! ખરેખર આ રંગ-સુગંધનો વૈભવ અને એનો જલ-સ્થલ, તન-મન પર છવાતો અફલાતૂન કેફ શબ્દાતીત છે. 

આવા મદહોશ કરી દે એવા દિવસોમાં કૅબિનમાં કે ક્લાસરૂમમાં પુરાઈને કામ કરવું પડતું હોય કે કિચનમાં ગોંધાઈ રહેવું પડતું હોય તેમને માટે દિલમાં અનુકંપા જ થાયને! તો સ્વાસ્થ્યની મર્યાદાઓને આધીન આ મૌસમની મજાથી વંચિત રહી જનારા માટે પણ હૃદય સહાનુભૂતિ જ અનુભવે. અલબત્ત, સૌથી વધુ દયા તો બારી બહાર દોડતી પોતાની નજરને પરાણે ખેંચીને બ્લૅકબોર્ડ પર ઠેરવતાં અને છુટ્ટીના બેલની પ્રતીક્ષા કરતાં મનોમન થનગનતાં બાળકોની જ આવે.

એક વિચાર આવે છે : વર્ષોથી સ્કૂલ-કૉલેજિસમાં ઉનાળુ વેકેશન અપાય છે. ફાઇન, ધોમધખતા તાપમાં એ રાહતનું સ્વાગત છે પરંતુ ચોમાસામાંય એક નાનકડા ચોમાસું વેકેશનનો ટ્રેન્ડ શરૂ ન કરી શકાય? જરૂર પડે તો પેલું સમર વેકેશન ટૂંકાવીનેય આવું કંઈક ન ગોઠવી શકાય? જુલાઈ કે ઑગસ્ટના સૌથી વધુ વરસાદની શક્યતા ધરાવતા ગાળાને આ માટે પસંદ કરી શકાય. અને એ એકાદ સપ્તાહ દરમિયાન બચ્ચાંઓને ના ભણવાનું ટેન્શન, મોટાઓને ન કામની કટકટ. બસ, નાનાં-મોટાં સૌ બેફિકર થઈને કુદરતની સૌથી આહલાદક અને મનમોહક ઋતુનો કેફ માણે, નાચે, ગાય ને જલસો કરે. કેટલું એક્સાઇટિંગ?

-તરુ મેઘાણી કજારિયા

columnists gujarati mid-day mumbai mumbai weather monsoon news mumbai monsoon Weather Update Sociology