લાભાર્થી સુધી સરકારી યોજનાઓ પહોંચશે કે કાગળમાં જ અટવાઈ જશે?

08 April, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાડકી બહિણ જેવી યોજનાઓમાં મોબાઇલ OTP અને આધાર લિન્કિંગ ફરજિયાત છે; પણ જે બહેનો અનાથ છે, વિધવા છે અથવા જેમના દસ્તાવેજો અપડેટ નથી તેમને આ ડિજિટલ દીવાલ નડે છે

વડાલામાં રહેતા સંદીપ ગાલા શ્રી કચ્છી વીસા ઓસવાળ સ્થાનકવાસી જૈન મહાજનના નેજા હેઠળ કાર્યરત સરકારી યોજના સમિતિના કન્વીનર છે

કેન્દ્ર અને રાજ્ય સરકારો દર વર્ષે અબજો રૂપિયાના બજેટ સાથે અગણિત યોજનાઓની લહાણી કરે છે. શિક્ષણ, આરોગ્ય અને આર્થિક ઉત્થાનનાં મોટાં-મોટાં બોર્ડ લાગે છે, પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે આ યોજનાઓ એમના સાચા હકદાર સુધી પહોંચતાં પહેલાં જ સડેલા નિયમો અને વહીવટી ગૂંચવણોના ચકરાવામાં દમ તોડી દે છે.

રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવાનું સપનું બતાવવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા શરૂ થતાં જ વાલીઓની અગ્નિપરીક્ષા શરૂ થાય છે. ઑનલાઇન અરજીની જટિલતા તથા આવકના દાખલા અને ડૉમિસાઇલ સર્ટિફિકેટ માટે સરકારી કચેરીઓના ધક્કા વાલીઓને પાયમાલ કરી દે છે. આ તકનો લાભ લઈને કેટલીક શાળાઓ ક્વોટા ફુલ હોવાના બહાના હેઠળ પાછલા બારણે ડોનેશનનો વેપાર ચલાવે છે. બીજી તરફ તલાટી કે મામલતદાર કચેરીઓમાં ભ્રષ્ટાચારનો રાક્ષસ મોઢું ફાડીને બેઠો છે.

અમારી સમિતિના ઊંડાણપૂર્વકના અભ્યાસમાં એવી આઘાતજનક વિસંગતતાઓ સામે આવી છે જે સાબિત કરે છે કે સરકારી નિયમો આજના વાસ્તવિક સમય સાથે જરાય સુસંગત નથી. ઘણી યોજનાઓમાં વાર્ષિક આવક મર્યાદા હજી પણ ૫૦,૦૦૦થી એક લાખ રૂપિયાની આસપાસ જડાઈ ગઈ છે. સરકારના જ નવા લઘુતમ વેતન મુજબ ગણીએ તો એક સામાન્ય શ્રમિકની આવક પણ વર્ષે એક લાખ રૂપિયાથી વધી જાય છે. હવે સવાલ એ છે કે સરકાર એક તરફ વેતન વધારે છે અને બીજી તરફ જૂના નિયમોને પકડી રાખે છે તો જરૂરિયાતમંદ નાગરિક જાય ક્યાં? ઇકૉનૉમિકલી વીકર સેક્શન (EWS)નું પ્રમાણપત્ર મેળવવા માટે ૧૯૬૭ના દસ્તાવેજો માગવામાં આવે છે. આજનો ૨૦ વર્ષનો યુવાન અડધી સદી જૂના પુરાવા ક્યાંથી લાવે? કેન્દ્ર અને રાજ્યના અલગ-અલગ નિયમોએ વિદ્યાર્થીઓના ભવિષ્યને ગૂંચવી નાખ્યું છે.

લાડકી બહિણ જેવી યોજનાઓમાં મોબાઇલ OTP અને આધાર લિન્કિંગ ફરજિયાત છે; પણ જે બહેનો અનાથ છે, વિધવા છે અથવા જેમના દસ્તાવેજો અપડેટ નથી તેમને આ ડિજિટલ દીવાલ નડે છે. શું ડિજિટલ ઇન્ડિયા માત્ર સુવિધાસંપન્ન લોકો માટે જ છે? આરોગ્યની સુરક્ષા માટે રૅશનકાર્ડ અનિવાર્ય છે, પણ રૅશનિંગ વિભાગમાં અનેક કાર્ડ નિષ્ક્રિય પડ્યાં છે એને સક્રિય કરાવવા માટે અરજી કરવામાં આવે ત્યારે તંત્ર સિસ્ટમ બંધ છે એવું કહીને કુંભકર્ણની નિદ્રામાં પોઢી જાય છે. અમારો સીધો સવાલ સત્તાધીશોને છે : યોજનાઓ જાહેર કરવી પૂરતી નથી. શું તમે ક્યારેય તપાસ્યું છે કે ગ્રાઉન્ડ લેવલ પર બેઠેલા બાબુઓ આ યોજનાઓનો અમલ કેવી રીતે કરે છે? વ્યાવહારિકતા વગરના નિયમો કરોડોની યોજનાઓને રદ્દી બનાવી રહ્યા છે. અમે અનેક રજૂઆતો કરી છે, પણ તંત્રની ગતિ ગોકળગાય જેવી છે. 

columnists exclusive gujarati mid day