ભરશિયાળે બહુચર માતાજીને રસ-રોટલીનો થાળ કેમ ધરાવાય છે?

20 December, 2020 03:18 PM IST  |  Mumbai | Shailesh Nayak

ભરશિયાળે બહુચર માતાજીને રસ-રોટલીનો થાળ કેમ ધરાવાય છે?

અમદાવાદમાં આવેલા નવાપુરાના જૂના બહુચરાજી માતાજીના મંદિરમાં બહુચર માતાજીને માગસર સુદ બીજના દિવસે રસ-રોટલીની સાથે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

અમદાવાદના નવાપુરાના જૂના બહુચરાજી માતાનું મંદિર હોય કે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી હોય, જ્યાં પણ બહુચરાજી માતાનાં મંદિરો આવેલાં છે ત્યાં માતાજીને રસ-રોટલીનો થાળ ધરાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. લગભગ ૧૭૩૨ની સાલથી માગસર સુદ બીજના દિવસે આ પરંપરા જળવાય છે અને એની પાછળ એક સત્યઘટના હોવાની લોકવાયકા છે : એક ભક્તની લાજ રાખવા બહુચર માતાજીએ સ્વયં ભક્તનું રૂપ લઈ આખી નાતને રસ-રોટલીનો જમણવાર કરાવ્યો હતો અને એ પછી આ દિવસે તેમને ભોગ ધરાવવાનું ખાસ મહાત્મ્ય થઈ ગયું છે

શિયાળામાં કોઈ વ્યક્તિ કેરીનો રસ માગે તો આપણને સ્વભાવિક એમ થાય કે શિયાળામાં કેરીનો રસ ક્યાંથી મળે, એ તો ઉનાળાની સીઝનમાં મળે, પણ જ્યાં બિરદાળી બહુચર માતાજી હાજરાહજૂર છે એવા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી અને અમદાવાદમાં આવેલા નવાપુરાના જૂના બહુચરાજી માતાના મંદિરમાં તેમ જ જ્યાં પણ બહુચર માતાજીનાં મંદિરો છે ત્યાં દર વર્ષે માગસર સુદ બીજે બહુચર માતાજીને ભાવપૂર્વક કેરીનો રસ અને રોટલીનો થાળ સદીઓથી ધરાવવામાં આવી રહ્યો છે. નવાઈની વાત એ છે કે કોરોનાકાળમાં પણ આ પરંપરા તૂટી નથી. હા, એનું સ્વરૂપ થોડું બદલાયું છે, પણ માતાજીને રસ-રોટલીનો ભોગ અને ભક્તોનો એનો પ્રસાદ અચૂક મળ્યો છે ખરો.
ઠંડીમાં તો જાતજાતની મીઠાઈ અને પકવાન બની શકે તો પછી ભરશિયાળે બહુચર માતાજીને રસ-રોટલીનો થાળ કેમ ધરાવાય છે? અને એ પણ ખાસ માગસર સુદ બીજે જ કેમ? માતાજીના ભોગની આ અનોખી પરંપરા અને એના રસપ્રદ ઇતિહાસ વિશેની લગભગ સદીઓ જૂની લોકવાયકાની વાત કરતાં અમદાવાદસ્થિત નવાપુરાના જૂના બહુચરાજી માતાના મંદિરના પૂજારી અલ્કેશ ત્રિવેદી ‘મિડ-ડે’ને કહે છે, ‘બહુચર માતાજીના પરમભક્ત વલ્લભ ભટ્ટ અમદાવાદમાં રહેતા હતા. તેઓ મેવાડા બ્રાહ્મણ હતા. નાતના જમણવારમાં તેઓ પણ જતા હતા. એક વખત નાતના અમુક માણસોએ વલ્લભભાઈને કહ્યું કે તમે નાત જમાડોને. વલ્લભભાઈને પણ જમાડવાનો ભાવ હતો એટલે તેમણે હા પાડી, પણ કેટલાક ટીખળી લોકોએ ખાસ ડિમાન્ડ મૂકી. એ માણસોએ કહ્યું કે અમારે તો રસ-રોટલી ખાવાં છે. વલ્લભ ભટ્ટને થયું કે માગસર મહિનામાં કેરીનો રસ લાવવો ક્યાંથી? ભગત મૂંઝવણમાં મુકાઈ ગયા. ના પાડી શકાય એમ નહોતું અને રસ-રોટલી ક્યાંથી લાવવાં એ સમજાતું નહોતું. જે દિવસે નાત જમાડવાનું નક્કી કર્યું હતું એ દિવસે સવારે વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાભાઈ વહેલી સવારે ઘરેથી નીકળી ગયા અને દૂધેશ્વર સાબરમતી નદીના કિનારે જતા રહ્યા. ત્યાં બેસીને બહુચર માતાજીનું સ્મરણ કરવા લાગ્યા. બીજી તરફ જમણ માટે લોકો ભેગા થવા લાગ્યા. એ સમયે બહુચર માતાજી પોતાના ભક્તની લાજ રાખવા માટે પોતે વલ્લભ ભટ્ટનું રૂપ ધારણ કરીને અને નારસંગ વીર ધોળાભાઈનું રૂપ ધારણ કરીને નવાપુરા આવ્યાં અને કેરીનો રસ તેમ જ રોટલીનું જમણ કરાવ્યું. બધાએ ધરાઈને પ્રસાદ આરોગ્યો. બહુચરાજી માતાએ પોતાના ભક્તની લાજ રાખીન એ દિવસ હતો ૧૭૩૨ની માગસર સુદ બીજ ને સોમવાર. એ દિવસથી આજ સુધી માગસર સુદ બીજના દિવસે શિયાળામાં બહુચરાજી માતાને રસ-રોટલીનો થાળ ધરાવાય છે અને મંદિરમાં અન્નકૂટ ભરાય છે. ભાવિકોને રસ-રોટલીનો પ્રસાદ વહેંચવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે.’
કેરીનો રસ ક્યાંથી આવે છે?
શિયાળાની સીઝનમાં કેરીનો રસ કેવી રીતે મૅનેજ કરવામાં આવે છે એની વાત કરતાં અલ્કેશ ત્રિવેદી કહે છે, ‘ગયા વર્ષે માગસર સુદ બીજના દિવસે અહીં મંદિરમાં ૧૪૦૦ લિટર કેરીના રસનો પ્રસાદ ભાવિકોમાં વહેંચાયો હતો. આ વખતે કોરોના છે એટલે ગાઇડલાઇનનું ધ્યાન રાખીને આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં ૫૫૦ લિટર કેરીના રસનો પ્રસાદ ભાવિકોમાં વહેંચાયો હતો. અમે કેરીના વેપારીને અગાઉથી કહી દેતા હોવાથી વેપારી ઉનાળામાં કેરી સ્ટોર કરી રાખે છે. એટલે શિયાળામાં કેરીના રસનો પ્રસાદ કરી શકીએ છીએ. અમે આ દિવસે માતાજીની થાળીમાં કેરી પણ મૂકીએ છીએ. રસ-રોટલી ઉપરાંત અન્નકૂટમાં બરફી, પેંડા, ગલેફા, જલેબી, મોહનથાળ સહિતની મીઠાઈઓ, જાતજાતનાં ફરસાણ, શાકભાજી, કઠોળ પણ બહુચર માતાજીને ધરાવીએ છીએ. આ બધી વાનગીઓ ઘરે જ બનાવીએ છીએ. દર વર્ષે માગસર સુદ બીજના દિવસે ભાવિકો માતાજીનાં દર્શન કરવા આવે છે અને આ દિવસે અંદાજે ૭થી ૮ હજાર ભાવિકોનો જમણવાર થાય છે. જોકે આ વખતે કોરોનાને કારણે એ શક્ય બન્યું નથી.’
રસ-રોટલીના થાળ વિશે વાત કરતાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બિરાજમાન બહુચર માતાજીના મંદિરના પૂજારી તેજસ રાવલ ‘મિડ-ડે’ને કહે છે, ‘બહુચર માતાજી ભક્તની ચિંતા કરીને તેની વહારે આવ્યાં હતાં અને નાત જમાડી હતી એ દિવસ બાદ વર્ષોથી આ દિવસે રસ-રોટલીની પરંપરા આજે પણ અહીં મંદિરમાં જાળવી રાખી છે. ગયા વર્ષે અહીં મંદિરમાં ૧૮૦૦ લિટર કેરીના રસનો પ્રસાદ કર્યો હતો. આ વખતે કોરોનને કારણે પરંપરા જળવાઈ રહે એ માટે શુકનનો ૧૧ લિટર કેરીનો રસ માતાજીને ધરાવ્યો હતો. દર વર્ષે ભાવિકો માતાજીના મંદિરે દર્શન માટે આવે છે અને રસ-રોટલીનો પ્રસાદ આરોગે છે.’
ભક્તની લાજ રાખવા બહુચર માતાજીએ સ્વયં વલ્લભ ભટ્ટનુ રૂપ લઈને રસ-રોટલીનું જમણ કરાવ્યાની આ લોકવાયકા છે. માતાજીના પરચા અપરંપાર હોવાની વાતો આપણા સાહિત્યમાં, ઇતિહાસના ઉલ્લેખોમાં જોવા મળે છે ત્યારે લોકવાયકામાં માનવું કે ન માનવું એ સૌકોઈ પોતાની રીતે સમજી-વિચારી શકે છે. કહેવાય છેને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની ક્યાં જરૂર પડે છે. શ્રદ્ધાથી આજે પણ બહુચરાજી માતાના મંદિરે કરોડો ભાવિકો શીશ નમાવે છે એ હકીકત છે ત્યારે ભક્તોની ભીડ દૂર કરતા માતાજીનું સ્મરણ કરીએ કે...
‘ભાગે ભય ભીડ ભૂખ, દુઃખ, તું સંકટમાં આવી સહાય કરે,
ભાવિક ભોળા ભક્તજનોના ભંડારો ભરપૂર કરે મા,
ભંડારો ભરપૂર કરે...’

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં આવેલા બહુચર માતાના મંદિરે માગસર સુદ બીજના દિને રસ-રોટલીનો થાળ ધરાવવામાં આવ્યો હતો.

weekend guide columnists gujarat shailesh nayak