આ પતિઓ પર તેમની પત્નીઓ શા માટે ફિદા છે?

22 February, 2021 02:00 PM IST  |  Mumbai | Bhakti D. Desai

આ પતિઓ પર તેમની પત્નીઓ શા માટે ફિદા છે?

આ પતિઓ પર તેમની પત્નીઓ શા માટે ફિદા છે?

કેમ કે આ પતિઓ ખૂબ સ્વચ્છતાપ્રિય છે. ઘર તો સાફસૂથરું જ રહેવું જોઈએ એવો આગ્રહ રાખતા પુરુષો ઘણા હશે, પણ આવું માનનારા પુરુષો જાતે ઘરની સફાઈમાં ભાગ્યે જ સાથ આપતા હશે. આજે મળીએ એવા પુરુષોને જેઓ માને છે કે ઘર ચોખ્ખુંચણક રહેવું જોઈએ અને એ માટે પત્ની સાથે ખભેખભા મિલાવીને મદદ કરે છે

ઘરમાં ચીજો વેરણછેરણ પડી હોય, ફૂલદાની પર ધૂળ દેખાય કે બેડશીટ બરાબર ન હોય તો પુરુષોને એ ખટકતું જ હોય છે અને આ બાબતે પત્ની સાથે કહાસૂની પણ થઈ જાય. અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે શું પુરુષોનો આ સ્વચ્છતાનો આગ્રહ પત્ની પર નારાજગી દર્શાવી તેને કામ કરાવવા પૂરતો જ છે કે પછી પોતાના સ્વચ્છ ઘરના આગ્રહને તેઓ જીવનનો એક અભિગમ બનાવી પોતે પણ ઘર સાફ કરવાની આદત ધરાવે છે? યસ, હવે જમાનો બદલાયો છે. આજના જમાનામાં ઘણા પુરુષો ઑફિસ-ધંધાથી થાકીને આવે તોયે ઘરની સફાઈ કરવામાં આળસ નથી કરતા એટલે તેમની આ આદતથી તેમની પત્નીઓ ખૂબ ખુશ છે.

મને ઘરની સફાઈનું કામ મારા હાથે થયું હોય તો જ આનંદ મળે છે : સતીશ પટેલ

ગોરેગામમાં રહેતા સતીશ પટેલ અને તેમનાં પત્ની ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ તરીકે એક જ ક્ષેત્રમાં કામ કરે છે અને ઘરનાં કામ પણ બન્ને હળીમળીને કરી લે છે. સતીશભાઈ ઘરની સફાઈમાં પોતાના યોગદાન વિશે કહે છે, ‘દુનિયાના કોઈ પણ ખૂણામાંથી એક વ્યક્તિ અંતે તો ઘરે જ આવે છે અને આ ઘર જો ચોખ્ખું હોય તો જ એમાં રહેવાની મજા આવી શકે. મને ઘરની ચોખ્ખાઈનું કામ મારા હાથે થયું હોય તો જ આનંદ મળે છે. એ કોઈ બીજાના હાથે થાય તો સંતોષ ન મળે, કારણ કે આપણે આપણી અપેક્ષા મુજબ કામ કરીએ શકીએ છીએ. હું મારા કુટુંબમાં સૌથી નાનો દીકરો રહ્યો છું અને મમ્મીને મદદ કરતાં-કરતાં મને ઘર સાફ કરવાની સારી ફાવટ આવી ગઈ હતી. મેં મારાં લગ્ન થયા પછી પણ ઘરની સફાઈનું કામ તો મારા જ માથે લીધું. હું મારો કબાટ દરરોજ વ્યવસ્થિત ગોઠવું. પલંગ પર ચાદર બદલવી, એને ગરમ પાણીમાં નાખીને ધોવી આ બધાં કામ હું સંભાળું. સ્ત્રીઓ માટે ટેબલ પર ચડવું અને સફાઈ કરવી એ થોડું મુશ્કેલીભર્યું કામ થઈ જાય છે તેથી હું સમજું છું કે આ કામ પુરુષોએ જ કરવાં જોઈએ. જો સ્ત્રીઓને કોઈ ઈજા થાય કે તે પડે-આખડે તો આખું ઘર અટકી જાય છે. ઘરની સ્ત્રીને સંભાળવા ટેબલ પર ચડવાનું, ભીંત સાફ કરવી, બાથરૂમ સાફ કરવું, ટાઇલ્સ ધોવી આવાં જોખમભર્યાં કામ તેમની પાસે કરવાની અપેક્ષા પુરુષોએ ન રાખવી જોઈએ અને પોતે જ ઘરની સફાઈનું કામ કરવું જોઈએ. મારે માટે આ એક આનંદનો વિષય છે.’

માએ શીખવ્યું છે કે ઘરમાં સ્વચ્છતા હશે તો જ શ્રીજીબાવા પધારશે : નવનીત શાહ

બોરીવલીમાં રહેતા સેલ્સ-ટૅક્સ અને જીએસટી પ્રૅક્ટિશનર નવનીત શાહ પોતાનું ઘર અને આંગણું બન્ને ચોખ્ખું રાખવાના આગ્રહી છે. આ વિશે તેઓ કહે છે, ‘મને ઘર સાફ રાખવાની આદત નાનપણથી જ છે અને આની પાછળ એક અત્યંત પવિત્ર ઠાકોરજીનો સેવાનો ભાવ રહેલો છે. મારી મમ્મીએ નાનપણથી અમને એક વાત કહેતી હતી કે ‘ઘરમાં સ્વચ્છતા હશે તો જ શ્રીજીબાવા પધારશે.’ તેથી અમે ઘર ખૂબ સુંદર રાખતા. ખેડા જિલ્લામાં આવેલા અમારા ગામમાં ચોખ્ખાઈની બાબતમાં અમારું ઘર આખા ગામમાં વખણાતું. હાલમાં અમારું ઘર ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને તેથી ધૂળ ખૂબ આવે છે. બે દિવસ પહેલાંનું જ ઉદાહરણ આપું તો રાત્રે અચાનક વાવાઝોડા સાથે અહીં વરસાદ આવ્યો અને સવારે વહેલા ઊઠીને જોયું તો આંગણામાં ધૂળ અને સુકાયેલાં પાંદડાં ખૂબ હતાં. સફાઈ કર્મચારી આવ્યા ત્યારે તેઓ અચરજ પામી ગયા અને મને પૂછ્યું કે અંકલ આંગણું આટલું ચોખ્ખું કેવી રીતે? મેં હસતાં-હસતાં કહ્યું કે ઘરની ચોખ્ખાઈ તો આંગણાથી જ શરૂ થાય છેને? મેં સવારે ઝાડુ કાઢી લીધું હતું. જો અઠવાડિયે આખું ઘર સાફ ન થાય તો મને ન ગમે. મારી આદત છે કે ઘરના પંખાથી લઈને દરેકેદરેક ખૂણા, મારા પુસ્તકના કબાટ આ બધું ચમકવું જોઈએ. ટેબલ પર ચડી હું ઘરના પંખા સાફ કરી લઉં અને મારાં પત્ની મને ઝાડુ અને કપડું જે જોઈતું હોય એ હાથમાં આપવામાં મદદ કરે. દર અઠવાડિયે ઘરના દરેક શોપીસ અને વૉલ-યુનિટ, ટીવી આ બધું લૂછી લઉં. બીજાં બધાં કામ એક તરફ અને ઘરની સફાઈનું કામ બીજી તરફ એવો અભિગમ હું રાખું છું જેથી ઘરની સાફસફાઈની જવાબદારીમાં મારો ફાળો હું આપી શકું.’

દર પખવાડિયે એક વાર તો હું પંખા સાફ કરી જ લઉં : નિર્મલ કાપડિયા

કાંદિવલીના ચારકોપમાં રહેતા વેપારી નિર્મલ કાપડિયાની વાત થોડીક આશ્ચર્યજનક છે કેમ કે તેમણે અને તેમનાં પત્નીએ કદી કોઈ જ ડોમેસ્ટિક હેલ્પ નથી રાખી અને પહેલેથી જ તેઓ બધાં કામ હાથેથી કરે છે અને એમ છતાં ઘરનો દરેક ખૂણો ચકચકિત હોય છે. આનું રહસ્ય જણાવતાં તેઓ કહે છે, ‘ઘરની બધી સાફસફાઈ હું કરી લઉં છું. અમારે ત્યાં ઘરનાં બધાં કામ અમારો પરિવાર સાંભળી લે. પત્ની ઝાડુ મારે તો હું પોતું મારી લઉં. મહિને એક વાર પડદા ધોવા માટે એ કાઢીને મશીનમાં હું ધોવા આપી દઉં, પણ જો કોઈક વાર કંઈક ઢોળાઈ જાય અને પડદો કે ચાદર ખરાબ થઈ જાય તો હું મારા હાથે પણ એને ધોઈ નાખું. દર પખવાડિયે એક વાર તો હું પંખા સાફ કરી જ લઉં. બાળકો પણ આમાં હવે મદદ કરે છે. જે જોઈએ એ હાથમાં આપે છે. અમારા ઘરમાં મોટી બાલ્કની પણ છે, જેની ચોખ્ખાઈની જવાબદારી હું સંભાળું છું. હું દૃઢતાપૂર્વક માનું છું કે જ્યારે હું એમ કહું કે આ મારું ઘર છે અને આ મારો પરિવાર છે તો એને બનાવવામાં મારો ફાળો હોવો ખૂબ જરૂરી છે. ચાર દીવાલ તો બૅન્કની લોન લઈને ઊભી થઈ જાય છે પણ એને ઘરમાં પરિવર્તિત કરવું, એ ઘરને સજાવવું, એની ચોખ્ખાઈ રાખવી આ બધામાં ફક્ત મારી પત્નીનો જ નહીં; મારી સાથે મારા આખા પરિવારનો ફાળો હોય તો જ એમાં દરેકનું અસ્તિત્વ મહેસૂસ કરી શકાય છે. મને ગર્વ છે કે મારાં મમ્મીએ નાનપણથી આ સંસ્કાર એક દીકરા તરીકે મને પણ આપ્યા છે.’

મહિનાનો એક રવિવાર ઘરની સફાઈને નામ : આશિષ બારાઈ

શંકરબારી લેનમાં રહેતા આશિષ બારાઈ કુરતીના વેપારી છે. તેમની જીવનશૈલી ઘણી વ્યસ્ત હોય છે, પણ ઘરની સફાઈનો સમય આવે તો તેમની વ્યસ્તતાને આશિષભાઈ સફાઈ પર હાવી નથી થવા દેતા. અમારા ઘરમાં સફાઈનો આગ્રહ મેં નાનપણથી જ જોયો છે એમ જણાવતાં તેઓ કહે છે, ‘નાતો હતો ત્યારે અમે મમ્મીને કાયમ મદદ કરતા. મારાં મમ્મીએ જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા. તેઓ પાપડ વણતાં, પણ ગમેતેવા કામની વચ્ચેથી સમય કાઢીને ઘરનો ખૂણેખૂણો સાફ રાખે. બસ, મને પણ આ જોઈને ઘર ચોખ્ખુંચણક જોવાની આદત થઈ ગઈ. મારી પત્નીને બાળકોમાંથી અને ઘરનાં અને બહારનાં કામમાંથી સફાઈ માટે દરરોજ ફુરસદ મળે જ એવું નથી હોતું તેથી મેં નક્કી કર્યું કે મહિનામાં એક રવિવાર મારે આખા ઘરની  સફાઈ કરી લેવાની. આમાં હું દર મહિને માળિયાની સફાઈ પણ કરું અને ન જોઈતી વસ્તુઓ ફેંકી દઉં. પંખા સાફ કરવા, ડસ્ટિંગ કરવું, બાથરૂમ સાફ કરવું, બધી ટાઇલ્સ ધોવી આ બધું જ હું જાતે કરી લઉં. દરરોજ મને સમય ન હોય તો ઘરે જઈને કોઈ વસ્તુઓ આડીઅવળી પડી હોય તો એ ઠેકાણે મૂકી દઉં. ચાદરની બાબતમાં તો હું ખૂબ ચોક્કસ છું. જો રાત્રે ચાદર ન બદલી હોય તો હું ચાદર વગર સૂઈ જાઉં પણ એ જૂની પાથરેલી ચાદર પર તો સૂવાનું તો ન જ પસંદ કરું.’

bhakti desai columnists