પ્રિય મમ્મી, જત જણાવવાનું કે...

02 August, 2020 11:44 PM IST  |  Mumbai Desk | Bhavya Gandhi

પ્રિય મમ્મી, જત જણાવવાનું કે...

પ્રતીકાત્મક તસવીર

સેલ્ફિશ એટલે એકદમ મતલબી અને સ્વાર્થી, એક એવ‌ી વ્યક્તિ જે માત્ર ને માત્ર પોતાના માટે વિચારે છે અને પોતાના સિવાય કોઈનો વિચાર નથી કરતી, આવી વ્યક્તિ હંમેશાં પહેલાં પોતાનો ફાયદો જુએ છે, પોતાનો લાભ તેને માટે સર્વોપરી છે. ફાયદો અને લાભ. હા, જે પોતાના ફાયદા અને લાભને પહેલાં જુએ કે પોતાના કામની વાતને પહેલાં વિચારે એ મારા માટે સેલ્ફિશ છે. હવે આવે છે સેલ્ફ-લવ. આ શબ્દ અંગ્રેજીમાં પૉપ્યુલર હતો જ પણ હમણાં-હમણાં એનું ટ્રેન્ડિંગ વધી ગયું છે.
સેલ્ફ-લવમાં માનનાર વ્યક્તિ એટલે એવી વ્યક્તિ જે પોતાના જ પ્રેમમાં છે, એવી વ્યક્તિ જે પ્રેમમાં છે અને પછી પણ પોતાના ફાયદા માટે કે પોતાના સ્વાર્થ માટે વિચાર નથી કરતી, પણ સેલ્ફ-લવમાં રાચતી વ્યક્તિ એવી હોય છે જેને કોઈની જરૂર નથી હોતી, તે પોતાની જાતને જ પ્રાધાન્ય આપ્યા કરે અને એ પ્રાધાન્યને લીધે જો કોઈને દુઃખ થતું હોય કે હર્ટ થતું હોય તો પણ એ એમાંથી બચવાનો રસ્તો શોધી કાઢે અને દલીલ કરી લે જે તમને એકદમ સાચી પણ લાગે. આ પ્રકારની એટલે કે સેલ્ફ-લવમાં માનતી વ્યક્તિ પોતાની એક અલગ જ દુનિયા બનાવે છે અને એ દુનિયામાં તેને કોઈ પરાયા સંબંધો પર નિર્ભર નથી રહેવું પડતું. આ પ્રકારની વ્યક્તિ પોતાની કંપનીને પણ બહુ સારી રીતે મૅનેજ કરી શકે છે અને પોતાની એકલાની કંપની સાથે બહુ સારો, કહોને ક્વૉલિટી ટાઇમ પણ વિતાવી શકે છે.
હવે ત્રીજો પ્રકાર, જે છે સેલ્ફલેસ. સેલ્ફલેસ એવી વ્યક્તિનો પ્રકાર છે જે પેલા સ્વાર્થી લોકો કરતાં સાવ જ ઊલટી છે. તે પોતાનો વિચાર કરતાં પહેલાં બીજાનો વિચાર કરે છે અને બીજાની અનુકૂળતા મુજબ પોતાની પ્રાયોરિટી સેટ કરે છે. આ સેલ્ફલેસ લોકો માટે પોતે ક્યારેય પ્રાયોરિટી પર હોતા જ નથી, એને માટે પોતાની આસપાસના કે પછી પોતે જેને પ્રેમ કરે છે એ જ લોકો મહત્ત્વના હોય છે અને એ જ લોકોને તે મહત્ત્વ આપીને જીવે છે. અરે, પોતે ભૂખ્યા હોય તો પણ તે પોતાની પ્રાયોરિટીના લોકોને પહેલાં જમાડવાનું કામ કરશે. આવી સેલ્ફલેસ વ્યક્તિ બધાની લાઇફમાં કોઈ ને કોઈ હોય જ છે અને એમાં પણ ખાસ કરીને મમ્મી અને બહેન જેવાં કૅરૅક્ટર હોય છે. આ વ્યક્તિ માટે તમે જોશો તો તમને પણ દેખાશે કે ઘરના સભ્યોનો વિચાર જ એ લોકો પહેલાં કરે છે અને એ જ વિચારને એ લોકો પ્રાધાન્ય આપે છે.
ત્રણ પ્રકારની જે વ્યક્તિઓની વાત કરી એમાં સૌથી પહેલાં વાત કરી સેલ્ફિશની, જે પોતાના કામ માટે અને સ્વાર્થ માટે જ જીવે છે. સેલ્ફ-લવ એટલે કે તે જે પોતાને પ્રેમ કરવામાં રત છે, પોતાને સતત સન્માન આપે છે અને અંદરથી પોતાની જાત સાથે ખુશ રહે છે અને ત્રીજી વ્યક્તિ એટલે કે સેલ્ફલેસ, એક એવી વ્યક્તિ જે પોતાના એક માટે નહીં, પણ બીજા બધા માટે જીવે છે.
હવે આગળ વધીએ.
સેલ્ફિસ વ્યક્તિને ક્યારેય કોઈ નડવાનું નથી, કારણ કે તે વ્યક્તિ પોતાની રીતે પોતાનો સ્વાર્થ પૂરો કરી જ લે છે એટલે તેને માટે ક્યારેય કોઈ કામ અટકવાનું નથી અને ધારો કે અટકે તો પણ તે પોતાનો રંગ બદલીને તરત જ નવો રંગ પહેરીને, ધારણ કરીને સ્વાર્થી બનીને તેની પાસે પહોંચી જશે જે તેનું કામ કરી આપવાનું હોય. બને કે લોકો ઓળખતા થાય પછી તેનાથી થોડું ડિસ્ટન્સ રાખે. બધાને ધીમે-ધીમે સમજાઈ જાય કે આ વ્યક્તિ કામ સિવાય કોઈને બોલાવશે નહીં. સેલ્ફ-લવમાં રહેનાર વ્યક્તિ પણ પોતાનામાં જ રત અને મસ્ત રહેતી હોય છે એટલે આવી વ્યક્તિ બીજાથી અંતર રાખીને જ રહેતી હોય છે. આવું કરવાનું પહેલું કારણ એ છે કે તે થોડું ડિસ્ટન્સ રાખે છે એમાં જ એનો સ્વાર્થ છે. તેને પોતાની સાથે જ રહેવું છે. તે એવી જ વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરશે જે તેને પ્રાધાન્ય આપશે, તેની વાતો કરશે, તેનાં વખાણ કર્યા કરશે અને તેને મહત્ત્વ આપીને રાખશે. બીજા બધા લોકોથી તે દૂર જ રહે છે. મિત્રો, યાદ રાખજો એક વાત કે સેલ્ફિશ હોય ત્યાં લોકો અંતર રાખે, જ્યારે સેલ્ફ-લવમાં પોતે જાતથી અંતર રાખે છે અને સેલ્ફલેસ એવા હોય છે જેઓ અંતર રાખવાનું પસંદ કરતા હોવા છતાં એ કરી નથી શકતા, કારણ કે લોકો પણ તેમને ઓળખી ગયા હોય છે, બધાને ખબર પડી ગઈ હોય છે કે આ વ્યક્તિ બધાનાં કામ કરે છે એટલે તેનાથી અંતર રાખવું લોકોને પોસાય એમ નથી. હા, એક વાત જરૂર છે કે સેલ્ફલેસ લોકોએ બધાની મદદ કરી હોય છે, પણ જ્યારે તેમને મદદની જરૂર હોય છે ત્યારે તેમની મદદે ભાગ્યે જ કોઈ આવતું હોય છે અને એટલે જ તેઓ અંતર રાખવા માગતા હોય છે, પણ સ્વભાવને કારણે અંતર રાખી નથી શકતા.
મદદ કરવી બહુ સારી વાત છે, પણ મદદના નામે કોઈ તમને બેવકૂફ બનાવે અને તમે એમ બેવકૂફ બનો તો એ સારી વાત નથી. તમે હંમેશાં કોઈને મદદ કરવા માટે તત્પર હો એ બહુ સારી વાત છે અને સારા-ખરાબ પ્રસંગે તમે ઊભા રહો અને લોકો પણ તમને યાદ કરે એ સારી વાત છે, પણ પછી તમે છો એટલે બીજાને હેરાન થવાની જરૂર નથી અને કામ તો થઈ જ જશે એવા આત્મવિશ્વાસનો ગેરફાયદો જ્યારે લોકો લેવા માંડે ત્યારે સંબંધોનો ગેરલાભ લેવાનું શરૂ થઈ ગયું હોય છે. સેલ્ફલેસ રહો, રહેવું જ જોઈએ, પણ બને ત્યાં સુધી એટલું યાદ રાખો કે કોઈ તમારો ફાયદો તો નથી ઉપાડી રહ્યુંને.
સેલ્ફલેસ રહેવામાં કોઈ વાંધો નથી, પણ સાથે-સાથે સેલ્ફ-લવ પણ હોવો જરૂરી છે. તમે તમારા ઘરમાં જ ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે જેમ કે મમ્મીને. મમ્મી કહેતી હશે કે લગ્ન પહેલાં તો હું આમ રહેતી, આટલા બધા પ્રોગ્રામમાં ભાગ લેતી કે પછી ગરબા રમવા જતી, પણ લગ્ન પછી બધું છૂટી ગયું. હું કહું છું આવું ન થવું જોઈએ. માન્યું કે તમારે પરિવાર હોય અને જવાબદારી હોય ત્યારે તમારે સેલ્ફલેસ બનવું પડે, એમાં કોઈ ખોટી વાત નથી, પણ સાથે-સાથે થોડો જાતને પ્રેમ કરવાનું પણ રાખો. તમને તમારા માટે થોડો પ્રેમ, થોડું માન હોવું જોઈએ. તમે તમારા માટે પણ થોડું જીવવાનું રાખો. સેલ્ફલેસ રહીને તમે જે ઝંડા ઊભા કરી દીધા છે અને જાતને ખુશ કરવાનું કામ કે પછી અભિમાન લેવાનું કામ કરો છો કે તમે બીજાને કેટલા મદદરૂપ થયા પણ એની સાથે જાતને સાચવી લઈને તમારે તમારી જાતને પણ થોડી ખુશ કરવી જોઈએ, તમે એવી અપેક્ષા ન રાખી શકો કે દુનિયા તમને ખુશ રાખે, તમારી ખુશી માટે કામ કરે.
સેલ્ફ-લવની બાબતમાં યંગસ્ટર્સ બહુ આગળ છે. તેઓ પોતાને ગમતી પ્રવૃત્તિ કોઈ પણ ભોગે કરી જ લે છે. એવું કરવામાં તેમને કોઈ રોકી નથી શકતું. જો રોકવામાં આવે તો એ કન્વિન્સ કરવામાં હોશિયાર થઈ ગયા છે એટલે મનાવી પણ લેશે જ. હું કહીશ કે અમારી જનરેશન ખરેખર સેલ્ફ-લવમાં જ માને છે અને જાતને પ્રેમ કરવાની આ જે અમને છૂટ મળી છે એ છૂટ પણ અમને મમ્મીઓ પાસેથી જ મળી હશે, કારણ કે તેણે બિચારીએ આ છૂટ નથી લીધી અને એટલે તેને એ વાતના દુઃખની સાચી રીતે ખબર છે કે પ્રેમ કરવા નહીં મળે તો કેવો અફસોસ થશે. હું કોઈને બદલવા નથી માગતો કે હું કોઈના વિચારો પર મારા વિચારો પણ રોપી દેવા નથી માગતો, પણ એક વાત તો નક્કી છે કે આ બધી મમ્મીઓએ પોતાની જાતને થોડો સમય આપવો જોઈએ, જાત ખુશ રહે એવું કંઈક કરવું જોઈએ. ખુશ રહેશો તો ખુશ રાખી શકશો. જો ખુશ રહેવાનો આ રસ્તો વાપરી શકશો તો અને તો જ ખુશ રહેવાના નવા રસ્તાને પણ તમે શોધી શકશો.

જો તમે તમારી જાતને પ્રેમ નથી કરી શકતા તો તમે દુનિયામાં બીજા કોઈને પ્રેમ નથી કરી શકવાના.

Bhavya Gandhi columnists