24 October, 2025 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
દિવાળી આવી અને ગઈ. બેશુમાર રોશનીનો ઝગમગાટ, ફટાકડાનો નૉનસ્ટૉપ ધમધમાટ, ઝાકઝમાળ દિવાળીની પાર્ટીઓ અને જાહેરખબરોથી તગડાં બનેલાં અખબારો, મીઠાઈઓથી લઈને મોંઘીદાટ ગાડીઓ અને સોના-ચાંદીના ઉપહારોની આપલેથી પર્વ ઊજવતાં સુંદર વસ્ત્રો અને આભૂષણોથી શોભતા ચહેરાઓ ચમકાવતાં મીડિયા...
આ બધું હોવા છતાં દિવાળીમાં પહેલાં જેવી મજા કેમ ન આવી? કંઈક અંશે એનું કારણ દર્શાવતી એક સરસ રીલ આ દિવાળીમાં ફરતી થયેલી. એક દાદા અને બહારથી આવેલો પૌત્ર ગાડીમાં દિવાળીની ખરીદી કરવા નીકળ્યા છે. શરૂઆતમાં જ પૌત્ર અને દાદાજીની વાતચીતમાંથી સ્પષ્ટ થઈ જાય છે કે યુવાને વૃદ્ધને બધું ઑનલાઇન મગાવી સમય અને શક્તિ બન્ને બચાવવાનું સૂચન કર્યું છે. પરંતુ દાદાજીનું કહેવું છે કે તેમને જે જોઈએ છે એ ઑનલાઇન નહીં મળે. અને બન્ને જણ ગાડી લઈને ભરચક વિસ્તારમાં ખરીદી કરવા નીકળ્યા છે. મીઠાઈની દુકાને પહોંચે છે. તેમને જોતાં જ દુકાનદારની આંખો અને ચહેરો હસી ઊઠે છે. પ્રેમથી તે દાદાજીનું અભિવાદન કરે છે અને એ ઝીલતાં દાદાજીના ચહેરા પર જે આનંદ પથરાઈ જાય છે એ પૌત્ર આશ્ચર્યથી જોઈ રહે છે. મીઠાઈઓ ખરીદી તેઓ નીકળતા હોય છે ત્યાં દુકાનદાર એક છાબડી ભરીને મીઠાઈ દાદાજીના હાથમાં થમાવી દે છે. દાદાજીના સ્વાસ્થ્ય વિશે સજાગ પૌત્ર આંખોથી જ દાદાજીને ડૉક્ટરની સૂચનાનું રિમાઇન્ડર આપવા જાય છે ત્યાં જ દુકાનદારના શબ્દો સંભળાય છે ‘યે ખાસ આપકે લિએ, શુગર-ફ્રી.’ અને ત્રણેય હસતાં-હસતાં છૂટા પડે છે.
ફૂલો ખરીદી લીધા પછી ફૂલવાળી એક નાનકડો ગજરો તેમના હાથમાં પકડાવે છે. દાદીમા માટે ખાસ તેમનાં પ્રિય ફૂલોનો! ફરી એક વાર દાદાજીનું સ્મિત અને પૌત્રની દંગ રહી ગયેલી આંખો! છેલ્લે દીવડા અને કોડિયાંવાળાની રેંકડી જેવી દુકાન પાસે જાય છે તો ત્યાં પણ દાદાજીનું એ આત્મીયતા અને હૂંફભર્યું અભિવાદન. અને પૌત્ર પર નજર પડતાં જ દુકાનદારના કરચલિયા ચહેરા પર છવાઈ જતો પરિચિતપણાનો આનંદ! યુવાન પૌત્રને અત્યાર સુધીમાં ‘મુઝે જો ચાહિએ વો ઑનલાઇન નહીં મિલેગા’વાળું દાદાજીનું વાક્ય બરાબર સમજાઈ ગયું છે.
હા, આ પર્વોમાં ઘણુંબધું છે પણ જે નથી એ ઉપરની કથામાં દર્શાવાયું છે એવું જ કંઈક છે.
- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)