કેમ બ્રિટિશ સરકારે કવિ પ્રદીપની ધરપકડનું વૉરન્ટ કાઢ્યું હતું?

24 May, 2020 11:51 PM IST  |  Mumbai | Rajani Mehta

કેમ બ્રિટિશ સરકારે કવિ પ્રદીપની ધરપકડનું વૉરન્ટ કાઢ્યું હતું?

પોસ્ટર

જેનાં પાંચ-છ સંતાનો હોય એવી માને જ્યારે એ પ્રશ્ન પૂછવામાં આવે કે આ સંતાનોમાંથી તને સૌથી વધુ વહાલું કોણ ત્યારે તેનો ડિપ્લોમૅટિક જવાબ એક જ હોય કે માને કોઈ સંતાન વહાલું કે દવલું હોતું નથી. તે દરેકને એકસરખો પ્રેમ કરે છે. મનોમન તે જાણતી હોય છે કે આ શક્ય નથી. પ્રેમ ત્રાજવામાં તોળાઈને નથી કરાતો. એક સંતાન એવું હોય છે જેની પર, જાણેઅજાણે, તેને પક્ષપાત હોય છે. મોટે ભાગે તે એ બાળક હોય છે જેને દુનિયાનો પ્રેમ ઓછો મળ્યો હોય છે. કોઈ ને કોઈ કારણે, દુનિયા અને ઘરના બીજા સભ્યો તેની ઉપેક્ષા કરતા હોય છે એ બાળક તેને થોડું વધુ વહાલું હોય છે.
ફિલ્મના મહાન સર્જકોની અવસ્થા આવી મા જેવી હોય છે. બિમલ રૉય, ગુરુ દત્ત કે પછી રાજ કપૂર, આ દરેકને પોતાની ફિલ્મો માટે માન-અભિમાન હતું, પરંતુ તેમના દિલની સૌથી વધુ નજીક ફિલ્મ કઈ? એ પ્રશ્નનો જવાબ સાંભળીએ ત્યારે એક વસ્તુ એમાં કૉમન નીકળે. બિમલ રૉય ‘‍ઉસને કહા થા’, ગુરુ દત્ત ‘કાગઝ કે ફૂલ’ અને રાજ કપૂર ‘મેરા નામ જોકર’ને પોતાની મનપસંદ ફિલ્મ ગણાવે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં આવે કે આ ફિલ્મોને જોઈતી લોકપ્રિયતા મળી નહોતી. આ ફિલ્મો તેમના સર્જકે દિલોજાનથી બનાવી, પોતાનું સર્વસ્વ એમાં રેડી દીધું, પરંતુ દર્શકોની નજરમાં એ ખરી ન ઊતરી, તેમનો પ્રેમ ન મળ્યો અને એ સુપર ફ્લૉપ ગણાઈ એટલે જ આ ફિલ્મો તેમના દિલની વધુ નજીક હતી.
‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા બાદ રાજ કપૂર હતાશ થઈ ગયા હતા. ઇમોશનલી અને ફાઇનૅન્શિયલી તેમની હાલત એટલી ખરાબ થઈ હતી કે તે ડિપ્રેશનમાં આવી ગયા. પોતાની કાબેલિયત પર તેમને શંકા થવા લાગી. એ હાલતમાં તે એકાંતવાસમાં સંગીત અને શરાબના સહારે સમય પસાર કરવા લાગ્યા. એ દરમ્યાન એક દિવસ તેમણે આ ગીત સાંભળ્યું...
કોઈ લાખ કરે ચતુરાઈ,
કરમ કા લેખ મિટે ના રે ભાઈ
જરા સમજો ઇસકી સચ્ચાઈ રે, કરમ કા લેખ મિટે ના રે ભાઈ
ઇસ દુનિયા મેં ભાગ્ય કે આગે,
ચલે ના કિસી કા ઉપાય
કાગઝ હો તો હર કોઈ બાંચે,
કરમ ન બાંચ્યા જાય
એક દિન ઇસી કિસ્મત કે કારન, બન મેં ગયે રઘુ રાઈ રે
કરમ કા લેખ મિટે ના રે ભાઈ
કાહે મનવા ધીરજ ખોતા,
કાહે તુ નાહક રોય
અપના સોચા કભી નહીં હોતા, ભાગ્ય કરે સો હોય
ચાહે હો રાજા ચાહે ભિખારી,
ઠોકર સભીને યહાં ખાઈ રે
કરમ કા લેખ મિટે ના રે ભાઈ
(૧૯૫૭ - ચંડીદાસ - અજિત મર્ચન્ટ - ગીતકાર અને ગાયક કવિ પ્રદીપ)
વર્ષો પહેલાં એક મુલાકાતમાં કવિ પ્રદીપના પુત્રી મિતુલ આ કિસ્સો મારી સાથે શેર કરતાં કહે છે, ‘આ ગીતની રાજ કપૂર પર એટલી અસર થઈ કે વારંવાર તે આ ગીત સાંભળ્યા કરતા. આ ગીતના શબ્દોએ તેમના મનોબળ પર પૉઝિટિવ ઇફેક્ટ કરી. ધીમે-ધીમે પોતાની જાતને સંભાળીને તેમણે રૂટિન જીવન શરૂ કર્યું અને થોડા સમય બાદ ‘બોબી’ની તૈયારી શરૂ કરી.’
તમારું અનુમાન સાચું છે. આજે આવાં અનેક પ્રેરણાદાયક અમર ગીતોના સર્જક કવિ પ્રદીપ વિશે વાત કરવી છે. રામચંદ્ર નારાયણ દ્વિવેદી (કવિ પ્રદીપ)નો જન્મ ૧૯૧૫ની ૬ ફેબ્રુઆરીએ ઉજ્જૈનના એક મધ્યમ વર્ગના ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારમાં થયો. નાનપણથી તેમને કવિતામાં રુચિ. સ્કૂલ અને કૉલેજના કવિ સંમલેનમાં તેમની કવિતાની વાહ-વાહ થતી. લખનઉ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કરીને શિક્ષક બનવાની તૈયારી કરતા હતા ત્યાં જ તેમને મુંબઈ એક કવિ સંમેલનમાં આવવાનું નિમંત્રણ મળ્યું. આ તેમના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ હતો.
આ કવિ સંમેલનમાં એક કવિતાપ્રેમી તેમની કવિતા અને રજૂઆતની છટાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે આ વાત પોતાના મિત્ર બૉમ્બે ટૉકીઝના હિમાંશુ રૉયને કરી. એટલે તેમણે રામચંદ્ર દ્વિવેદીને મળવા બોલાવ્યા. તેમની કવિતાથી હિમાંશુ રૉય પણ પ્રભાવિત થયા અને ત્યાં ને ત્યાં તેમણે ૨૦૦ રૂપિયાના પગારે કંપનીમાં નોકરીની ઑફર આપી. લક્ષ્મી કપાળે ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય એટલી સમજ નવયુવાન રામચંદ્રમાં હતી. તેમણે સહર્ષ નોકરીનો સ્વીકાર કર્યો.
હિમાંશુ રૉયને પોતાની ફિલ્મના ગીતકાર તરીકે રામચંદ્ર દ્વિવેદી જેવું ચીલાચાલુ નામ નહોતું જોઈતું એટલે તેમણે ‘પ્રદીપ’ નામ પસંદ કર્યું. જોકે એ દિવસોમાં અભિનેતા પ્રદીપકુમાર બૉમ્બે ટૉકીઝમાં નોકરી કરતા હતા. આને કારણે પોસ્ટમૅન આ બે પ્રદીપની ટપાલમાં ગડબડ કરતા. છેવટે ‘પ્રદીપ’ની આગળ ‘કવિ’ ઉમેરવામાં આવ્યું. આમ રામચંદ્ર નારાયણ દ્વિવેદી ‘કવિ પ્રદીપ’ બન્યા અને આ જ નામે તે મશહૂર બન્યા.
કવિ પ્રદીપની ફિલ્મ-કારકિર્દીની શરૂઆત ૧૯૪૦માં ફિલ્મ ‘બંધન’થી થઈ. ત્યાર બાદ તેમણે બૉમ્બે ટૉકીઝના ‘પુનર્મિલન’, ‘ઝુલા’, ‘નયા સંસાર’, ‘અનજાન’ અને ‘કિસ્મત’નાં ગીતો લખ્યાં. આજની તારીખમાં આ ગીતોને સંગીતપ્રેમીઓ ભૂલ્યા નથી. યાદ કરીએ એ ગીતોને...
‘ઉપર ગગન વિશાલ, નીચે ગહેરા પાતાલ, બીચ મેં ધરતી વાહ મેરે માલિક તુને કિયા કમાલ’ (૧૯૫૦-મશાલ, સચિન દેવ બર્મન - મન્ના ડે)
‘ચલ ચલ રે નૌજવાન, દૂર તેરા ગાંવ ઔર થકે તેરે પાંવ’ (૧૯૪૦ – બંધન - રામચંદ્ર પાલ -- અશોક કુમાર, સુરેશ)
‘ન જાને કીધર આજ મેરી નાવ ચલી રે’ (૧૯૪૦ - ઝુલા – સરસ્વતી દેવી – અશોક કુમાર)
‘રાધા રાધા પ્યારી રાધા, રાધા પ્રેમ અગાધા, કિસને હમ આઝાદ પરિન્દો કો બંધન મેં બાંધા’ (૧૯૪૧ - કંગન – રામચંદ્ર પાલ -- લીલા ચિટનિસ, અશોક કુમાર)
‘કબ તક બોલો છૂપી રહેંગી મેરી આશા, મૈંને પઢ લી આજ તુમ્હારે નૈનો કી ભાષા’ (૧૯૪૧ – નયા સંસાર – સરસ્વતી દેવી, રામચંદ્ર પાલ – રેણુકા દેવી, અશોક કુમાર)
‘અબ તેરે સિવા કૌન મેરા કૃષ્ણ કનૈયા, ભગવાન કિનારે સે લગા દે મેરી નૈયા’ (૧૯૪૩ - કિસ્મત – અનિલ બિસ્વાસ – અમીરબાઈ કર્ણાટકી)
કવિ પ્રદીપ સ્વભાવે પાક્કા દેશપ્રેમી હતા. એ સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આઝાદીની લડાઈ ચાલતી હતી. ચંદ્રશેખર આઝાદ અને બીજા યુવાન શહીદોના બલિદાનથી વાતાવરણમાં ઉત્તેજના હતી. ફિલ્મ ‘કિસ્મત’નાં ગીતોએ એ દિવસોમાં ધૂમ મચાવી હતી. (આ ફિલ્મ કલકત્તાના મેટ્રો થિયેટરમાં સળંગ અઢી વર્ષ ચાલી અને અશોક કુમાર હિન્દી ફિલ્મોના પહેલા સુપર સ્ટાર બન્યા. આ ફિલ્મ બાદ મહિનાના ૫૦૦ રૂપિયાના પગારમાં કામ કરતા અશોક કુમારનો પગાર ૫૦૦૦ થયો હતો.) ફિલ્મ ‘કિસ્મત’માં દેશભક્તિથી છલકાતું એક ગીત તેમણે લખ્યું જેના કારણે તેમની ધરપકડનું વૉરન્ટ નીકળ્યું હતું એ ગીત હતું...
‘આજ હિમાલય કી ચોટી સે ફીર હમને લલકારા હૈ
દૂર હટો ઐ દુનિયાવાલો હિંદુસ્તાં હમારા હૈં’
અંગ્રેજોને આ ગીતમાં બગાવતની બૂ આવતી હતી. ધરપકડથી બચવા કવિ પ્રદીપ અન્ડ‍ર ગ્રાઉન્ડ થઈ ગયા. એક મિત્રે સલાહ આપી કે અંગ્રેજોને સમજાવો કે આ ગીત તમારી વિરુદ્ધ નથી. કવિ પ્રદીપે પોતાના બચાવમાં સરકારને કહ્યું કે હકીકતમાં આ ગીતના શરૂઆતના શબ્દો આ પ્રમાણે છે...
‘શુરુ હુઆ હૈ જંગ હમારા,
જાગો ઉઠો હિંદુસ્તાની
તુમ ન કિસી કે આગે ઝૂકના,
જર્મન હો યા જાપાની’
તેમણે સરકારને એવો તર્ક આપ્યો કે બીજા વિશ્વયુદ્ધમાં હિંદુસ્તાન પર જર્મનીના સાથી જાપાનના આક્રમણની શક્યતા છે એટલે હકીકતમાં આ ગીત અંગ્રેજો નહીં, પણ જાપાન વિરુદ્ધ લખાયું છે. અંગ્રેજોને આ તર્ક સાચો લાગ્યો અને આમ તેઓ ધરપકડથી બચી ગયા.
બાળપણથી આઝાદીની ચળવળથી રંગાયેલા કવિ પ્રદીપનાં ગીતોમાં આપણને ડગલે અને પગલે દેશપ્રેમ દેખાયા કરે. એ ઉપરાંત તેમની કલમમાંથી સમકાલીન સામાજિક સમસ્યાઓ પર આધારિત ગીતો, ભજનો અને ઉત્તમ સંવેદનશીલ પ્રણય ગીતો આપણને મળ્યાં છે. ૫૦ અને ૬૦ના દશકમાં કવિ પ્રદીપ તેમની સર્જનાત્મક ઊંચાઈએ હતા. તે પોતે એક ઉત્તમ ગાયક કલાકાર હતા અને અનેક ગીતોમાં તેમનો પ્રભાવશાળી સ્વર એક અનોખું ભાવવિશ્વ ઊભું કરતો. તેમનાં આ ગીતો કેમ ભુલાય?
‘દે દી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’ (૧૯૫૪ - જાગૃતિ – હેમંત કુમાર - આશા ભોસલે)
‘આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાંકી હિંદુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વંદે માતરમ, વંદે માતરમ’ (૧૯૫૪ - જાગૃતિ - હેમંત કુમાર – કવિ પ્રદીપ)
‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન’ (૧૯૫૪ - નાસ્તિક – સી. રામચંદ્ર – કવિ પ્રદીપ)
‘ગગન ઝનઝના રહા, પવન સનસના રહા, લહર લહર પે આજ હૈ તુફાન, ઓ નૈયાવાલે હો સાવધાન’ (૧૯૫૪ - નાસ્તિક - સી. રામચંદ્ર -- હેમંત કુમાર, લતા મંગેશકર)
‘તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે ઝોલી’ (૧૯૫૪ - વામન અવતાર – અવિનાશ વ્યાસ — કવિ પ્રદીપ)
‘દૂસરોં કા દુખડા દૂર કરને વાલે, તેરા દુખ દૂર કરેંગે રામ (૧૯૫૬ – દસેરા - એન. દત્તા – કવિ પ્રદીપ)
‘પિંજરે કે પંછી રે, તેરા દરદ ન જાને કોઈ’ (૧૯૫૭ - નાગમણી – અવિનાશ વ્યાસ – કવિ પ્રદીપ)
‘મેરે જીવન મેં કિરન બન કે બિખરને વાલે, બોલો તુમ કૌન હો’ (૧૯૫૮ - તલાક – સી. રામચંદ્ર – મન્ના ડે, આશા ભોસલે)
‘ઓ દિલદાર, બોલો એક બાર, ક્યા મેરા પ્યાર પસંદ હૈ તુમે’ (૧૯૫૯ – સ્કૂલ માસ્ટર – વસંત દેસાઈ – તલત મહેમૂદ, લતા મંગેશકર)
‘ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઈચારા, યે હી પૈગામ હમારા’ (૧૯૫૯ - પૈગામ – સી. રામચંદ્ર – મન્ના ડે)
‘ગા રહી હૈ ઝિંદગી, હર તરફ બહાર હૈ કિસ લિયે, ચાર ચાંદ લગ ગયે હૈ તેરે મેરે પ્યાર મેં, ઇસ લિયે’ (૧૯૬૦ - આંચલ - સી. રામચંદ્ર -- મહેન્દ્ર કપૂર, આશા ભોસલે)
‘ના જાને કહાં તુમ થે, ન જાને કહાં હમ થે, જાદુ યે દેખો હમ તુમ મિલે હૈ’ (૧૯૬૧ - ઝિંદગી ઔર ખ્વાબ - દત્તા રામ – મન્ના ડે, સુમન કલ્યાણપુરકર)
‘જગત ભર કી રોશની કે લિયે, કરોડો કી ઝિંદગી કે લિયે, સુરજ દેવ જલતે રહેના’ (૧૯૬૩ - હરિશ્ચંદ્ર તારામતી - લક્ષ્મીકાંત પ્યારેલાલ -- હેમંત કુમાર)
‘ચલ અકેલા (૩), તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા’ (૧૯૬૯ - સંબંધ -- ઓ.પી. નય્યર -- મુકેશ)
‘અંધેરે મેં જો બૈઠે હૈ, નઝર ઉન પર ભી તુમ ડાલો, અરે ઓ રોશનીવાલો’ (૧૯૬૯ -સંબંધ - ઓ. પી. નય્યર – મહેન્દ્ર કપૂર)
‘મૈં તો આરતી ઉતારું રે, સંતોષી માતા કી’ (૧૯૭૫ - જય સંતોષી મા -- સી. અર્જુન - ઉષા મંગેશકર)
આ ગીતો ગણગણતાં હું અતિતની યાદોમાં એવો ખોવાઈ જાઉં છું કે અનેક વાતો યાદ આવે છે. સ્મરણોના સરોવરમાં એક કાંકરો ફેંકીએ એની સાથે યાદોનાં અનેક કુંડાળાં ઉત્પન્ન થાય છે. મને સંગીતકાર ઓ. પી. નય્યર સાથેની મારી મુલાકાતો યાદ આવે છે. ફિલ્મ ‘સંબંધ’નો ઉલ્લેખ કરતાં મેં તેમને પ્રશ્ન કર્યો હતો કે ‘તમારું અને કવિ પ્રદીપનું કૉમ્બિનેશન એકદમ ઑડ કહેવાય. જ્યારે આ ફિલ્મ માટેની જાહેરાત થઈ ત્યારે લોકો એમ કહેતા હતા કે એસ. મુખરજી (પ્રોડ્યુસર)એ આ કજોડાને સાથે લાવીને પોતાના પગ પર જ કુહાડો માર્યો છે, પરંતુ ‘સંબંધ’નાં ગીતો અદ્ભુત હતાં. કવિ પ્રદીપ સાથે કામ કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો?’
વાત સાંભળી પોતાના મસ્તીભર્યા ચહેરે તેમણે એક મજેદાર કિસ્સો કહ્યો. ‘મહેતા સાબ, યે સોલા આના સચ બાત હૈં. સભી કહેતે થે કિ મુખરજી ક્યા કર રહે હૈં? તેમણે મને પૂછ્યું કે હું પ્રદીપને સાઇન કરું તો તમને કોઈ વાંધો નથી ને? દરેકને ખબર હતી કે તે ધાર્મિક ગીતો વધુ લખતાં અને હું રોમૅન્ટિક અને થ્રીલર ફિલ્મોનો સંગીતકાર. મારા માટે આ સોશ્યલ ફિલ્મ એક ચૅલેન્જ હતી. ઉપરથી કવિ પ્રદીપ સાથે પહેલી જ વાર મારી જોડી બનતી હતી. મેં કહ્યું, ‘મને કોઈ વાંધો નથી.’
અને આમ એક ‘ઑડ કપલ’ જેવા ગીતકાર કવિ પ્રદીપ અને સંગીતકાર ઓ. પી. નય્યરની જોડી ફિલ્મ ‘સંબધ’ માટે એસ. મુખરજીએ સાઇન કરી. જાણકાર લોકોએ ભવિષ્યવાણી કરી કે આ જોડી લાંબું ચાલવાની નથી અને બન્યું પણ એવું જ. બન્ને મહારથી વચ્ચે પહેલી સીટિંગમાં એવું શું બન્યું કે પ્રોડ્યુસર એસ. મુખરજી દોડતા ઓ. પી. નય્યરને મળવા તેમના ઘરે આવ્યા?
એ રોચક બનાવ અને કવિ પ્રદીપના જીવન અને કવન વિશેની બીજી વાતો આવતા રવિવારે.

rajani mehta columnists weekend guide