દિલ્હી ઍરપોર્ટ પર રાજ કપૂર શા માટે શમ્મી કપૂર પર ગુસ્સે થઈ ગયા?

25 February, 2023 05:07 PM IST  |  Mumbai | Rajani Mehta

૧૮ ડિસેમ્બર, ૧૯૮૨ના ‘સિને બ્લિટ્ઝ’માં હરમીત કથુરિયાને આપેલા ઇન્ટરવ્યુમાં આ બાબત વાત કરતાં તે કહે છે,  ‘કલકત્તામાં મારા બાળપણના દિવસો મને બરાબર યાદ છે

શમી કપૂર અને રાજ કપૂર

એક પિતા તરીકે રાજ કપૂર એક વાતે એકદમ ક્લિયર હતા કે તેમના પુત્રો ‘રિફલેક્ટેડ ગ્લોરી’માં ન જીવે. પિતાની સિદ્ધિઓના સહારે તેઓ પોતાની કારકિર્દીને આગળ ધપાવે એ વાત તેમને મંજૂર નહોતી એટલું જ નહીં, એક પિતા તરીકે તેમણે કદી પુત્રોની ગેરવાજબી તરફેણ નહોતી કરી. ૧૮ ડિસેમ્બર, ૧૯૮૨ના ‘સિને બ્લિટ્ઝ’માં હરમીત કથુરિયાને આપેલા ઇન્ટરવ્યુમાં આ બાબત વાત કરતાં તે કહે છે,  ‘કલકત્તામાં મારા બાળપણના દિવસો મને બરાબર યાદ છે. પાપાજી સ્વિમિંગના શોખીન હતા. એક દિવસ અમે એ તળાવ પાસે ગયા જ્યાં તે ઘણી વખત સ્વિમિંગ કરવા જતા હતા. મને ઊંચકીને તે પાણીમાં પડ્યા અને થોડે દૂર તેમની કમર ડૂબી જાય એટલું પાણી આવ્યું કે તેમણે મને એકલો છોડી દીધો. 

કિનારે ઊભી મારી માતા બૂમાબૂમ કરવા લાગી અને પાપાજીને ગુસ્સો કરતાં કહે, ‘એક દિવસ દીકરાને ડુબાડીને જ તમને શાંતિ મળશે.’ પણ પાપાજી જરા પણ વિચલિત થયા વિના શાંતિથી ઊભા-ઊભા મને જીવ બચાવવા માટે હાથપગ મારતો જોતા હતા. ચાર-પાંચ દિવસમાં તો હું મારી મેળે તરતાં શીખી ગયો.

આ હતો પાપાજીનો અભિગમ. દરેક સંતાન સાથે તેમનો આવો જ વર્તાવ હતો. અને મેં પણ મારાં સંતાનો માટે આ જ ઍટિટ્યુડ રાખ્યો છે. જ્યારે તે પગભર થવાની ઉંમરે આવ્યા ત્યારે મેં કોઈને મારા અસિસ્ટન્ટ બનવા નહોતું કહ્યું. તે આ લાઇનમાં આવ્યા તો પોતાની મરજીથી આવ્યા છે, નહીં કે મારા કહેવાથી. મેં તેમને એક જ વાતની  છૂટ આપી છે. જો તેઓ કોઈ ફિલ્મ બનાવવા માગે તો તે આરકેના કૉન્ટૅક્ટ્સ અને રિસોર્સિસ વાપરી શકે છે. અંતે તો જે કંઈ મારું છે એ તેમનું પણ છે.

આજ સુધી મેં તેમને ‘લૉન્ચ’ કરવા એક પણ ફિલ્મ બનાવી નથી. તમે માર્ક કરજો, હું જે કાંઈ કહું છું એ હકીકત છે. હું સૌપ્રથમ અને આખરી દમ સુધી, એક ફિલ્મમેકર છું. રાજ કપૂર એક પતિ, બાપ, ભાઈ, પ્રેમી તરીકે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ક્રમ પર છે. હું એક નિષ્ફળ પિતા તરીકે ઓળખાઉં એનો મને વાંધો નથી પરંતુ એક ફિલ્મમેકર તરીકે ‘પ્રોડ્યુસ્ડ ઍન્ડ ડાયરેક્ટેડ બાય રાજ કપૂર’ના ટાઇટલની ગરિમાને ધબ્બો લાગે એ બાબતે બાંધછોડ કરવી પડે એવું કોઈ કામ ન કરું. 

જ્યારે ‘બૉબી’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે એક ફિલ્મમેકર તરીકે મારી શાખ દાવ પર લાગી હતી. ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા બાદ દુનિયાને મારી કાબેલિયત પર શંકા જાગી હતી. મારે એક નવી યુવાન જોડી જોઈતી હતી, જે સાવ અણઘડ હોય. મને લાગ્યું કે રિશી આ ભૂમિકામાં બંધબેસતો છે એટલે મેં તેને પૂછ્યું કે શું તું એક નિષ્ફળ પરંતુ ખૂબ જ ‘ડિમાન્ડિંગ’ ડિરેરેક્ટર સાથે કામ કરવા રાજી છે? મેં ‘બૉબી’ રિશી કે ડિમ્પલને લૉન્ચ કરવા નહોતી બનાવી. ‘બૉબી’ શૈલેન્દ્ર સિંહ (ગાયક), જૈનેન્દ્ર જૈન (સંવાદલેખક), નરેન્દ્ર ચંચલ (ગાયક) કે પછી વિઠ્ઠલભાઈ પટેલ (ગીતકાર)ને મોકો આપવા નહોતી બનાવી. 

ભલે આ દરેકને મેં ‘બ્રેક’ આપ્યો પણ એમ કરવા હું બંધાયેલો નહોતો. એ લોકોએ મારો આભાર માનવાની જરૂર નથી. હું એક સ્વાર્થી ફિલ્મમેકર છું. કોઈનું ઋણ ઉતારવા હું ફિલ્મ બનાવું એ વાતમાં દમ નથી. ઊલટાનું મારા મનમાં સતત એ જ વાતનો ભય હતો કે રિશી મારો પુત્ર છે એ હકીકત મારા ફિલ્મમેકિંગ પર ‘હાવી’ ન થઈ જાય. જેમ ‘રૉકી’માં સંજય દત્તનો રોલ જરૂર કરતાં લાંબો હતો એવું કંઈ ઋષિ સાથે ન થાય એ વાતનું મારે સતત ધ્યાન રાખવું પડતું. ‘લવ સ્ટોરી’ની પબ્લિસિટીમાં જેમ કુમાર ગૌરવને વધારે મહત્ત્વ અપાયું તેવું રિશી સાથે ન થાય એ બાબત મારે ખૂબ સજાગ રહેવું પડ્યું. ‘બૉબી’ અને ‘પ્રેમરોગ’માં ડિમ્પલ અને પદ્મિની કોલ્હાપુરેને ફિલ્મમાં અને પબ્લિસિટીમાં હિરોઇન તરીકે વધારે અગ્રિમતા મળી એ દર્શાવે છે કે હું એક ફિલ્મમેકર તરીકે કેટલો નિષ્પક્ષ છું.

આ પણ વાંચો: ફિલ્મમેકર તરીકે રાજ કપૂર અને તેમના પુત્રો વચ્ચે ‘પ્રોફેશનલ રિલેશન’ કેવા હતા?

બીજા અભિનેતાઓ જે રીતે પોતાના પુત્રોને હીરો બનાવવા માટે ફિલ્મો પ્લાન કરે છે એ હું નથી કરતો. હું એમ વિચારીને ફિલ્મ નથી બનાવતો કે મારો દીકરો મોટો હીરો બનશે એટલે સ્ક્રિપ્ટ આ રીતે લખવી જોઈએ. કદાપિ આવું બન્યું નથી. હું એમ વિચારીને ફિલ્મ નથી પ્લાન કરતો કે આટલા પૈસામાં ફિલ્મ બનાવીશ, આટલા પૈસામાં વેચીશ એટલે મને આટલો નફો મળશે. ઘણા લોકો આ રીતે કામ કરતા હોય છે પરંતુ હું એમાંનો નથી. 

મારા માટે ફિલ્મ બનાવવાનું એકમાત્ર કારણ એ છે કે મને એ વિષય ગમી જાય, જેની  કલ્પના મને ઉત્તેજિત કરે, મારા દિલોદિમાગને એ રોમાંચિત કરે અને મારી ચેતનાને ઝંકૃત કરે. બસ, આવો વિષય મને મળી જાય તો જ હું ફિલ્મ બનાવું. ત્યાર બાદ મારી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થાય. એ પછી જ હું નક્કી કરું કે એમાં કોણ કામ કરશે. બીજા લોકોની જેમ હું કામ નથી કરતો, જે પહેલાં હીરો-હિરોઇન નક્કી કરે અને પછી તેમને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ બનાવે.

જો કોઈ પણ કલાકારને સાઇન કરીને ફિલ્મ બનાવવી હોય તો પછી ‘બૉબી’માં પ્રેમનાથ કે પ્રાણનો રોલ મેં જ ન કર્યો હોત? મારા પૈસા પણ બચી જાત. ‘પ્રેમ રોગ’માં શમ્મી કપૂરનો રોલ હું કરી શકત. પણ ના, જો કલાકાર રાજ કપૂર એ રોલ માટે લાયક ન હોય તો હું તેને સાઇન ન જ કરું. ‘સંગમ’માં મારા મિત્રના રોલમાં હું કોઈ કપૂરને લઈ શક્યો હોત, પરંતુ એ માટે મેં રાજેન્દ્રકુમારને લીધા, કારણ કે એ ભૂમિકા માટે તે સૌથી વધુ લાયક હતા. 

શમ્મી કપૂર મારો લાડકો છે. પરંતુ વર્ષો સુધી મારી ફિલ્મોમાં તેણે કામ નથી કર્યું. ‘પ્રેમ રોગ’માં મારે એક જાજરમાન, વૈભવશાળી ઠાકુરનું પાત્ર ભજવવા અનુભવી કલાકારની જરૂર હતી. શમ્મી કપૂરનું વ્યક્તિત્વ એ માટે એકદમ ફિટ હતું એટલે એ રોલ તેને ઑફર કર્યો. મારી ફિલ્મોમાં શમ્મી કપૂરની ‘યાહુ’ ઇમેજ જેવા કલાકારનું કદી કામ નહોતું. ‘પ્રેમ રોગ’માં જ્યારે શમ્મી કપૂર પડદા પર આવે છે ત્યારે તેનો રુઆબ અને ઠસ્સો જોવા જેવા હોય છે. 

એટલે જ રિશી કપૂરે મારી ફિલ્મોમાં કામ કર્યું એનું કારણ એટલું જ એક પુત્ર તરીકે નહીં પરંતુ એક કલાકાર તરીકે મારે તેની જરૂર હતી.’ 

 શમ્મી કપૂરની વાત નીકળી છે ત્યારે તેમના પુત્ર આદિત્ય રાજ કપૂરે મારી સાથે શૅર કરેલો એક કિસ્સો યાદ આવે છે. આ વાત એ સમયની છે જ્યારે હીરો તરીકેની શમ્મી કપૂરની કારકિર્દી પૂરી થઈ હતી. ત્રણે કપૂર ભાઈઓ પરિવાર સહિત ઉત્તર ભારત યાત્રા માટે નીકળ્યા હતા. દિલ્હી ઍરપોર્ટ પર શમ્મી કપૂરને જોઈ લોકો ‘પાન પરાગ, પાન પરાગ’ની બૂમો મારવા લાગ્યા. શમ્મી કપૂરે વિજયી મુદ્રામાં સૌનું અભિવાદન કર્યું. (એ દિવસોમાં શમ્મી કપૂર અને અશોકકુમારની પાન પરાગની જાહેરાત ખૂબ જાણીતી હતી.’

આ જોઈ રાજ કપૂરના ચહેરા પર અણગમો છવાઈ ગયો. પ્લેનમાં ગુસ્સાના સ્વરમાં રાજ કપૂરે શમ્મી કપૂરને કહ્યું, ‘તારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ.’

મોટા ભાઈની ગુસ્સો ભરેલી મુખમુદ્રા જોઈ શમ્મી કપૂરે ધીમેથી કહ્યું, ‘મેં એવું શું કર્યું છે?’

આક્રોશથી રાજ કપૂરે કહ્યું, ‘પૂરી જિંદગી દુનિયાભરમાં તું ‘યાહુ’ ઇમેજથી ઓળખાય છે. આજે એ ભૂલીને લોકો તને ‘પાન પરાગ’ જેવી જાહેરાતથી યાદ કરે છે એમાં તું કેટલો ખુશ થઈ ગયો? મારા માટે તો તારી દુર્દશા ગણાય એવી આ ઘટના ઘણી પીડાદાયક છે.’ 

નિરાંતનો શ્વાસ લેતાં શમ્મી કપૂર બોલ્યા, ‘ઓહ, એમ વાત છે. મારા હિસાબે એમાં કોઈ નીચાજોણું નથી. જીવનભર હું દાદામુનિ સાથે કામ કરવાની તક શોધતો હતો પણ એ મોકો આવ્યો જ નહીં. જ્યારે તેમની સાથે જાહેરાતમાં કામ કરવાની ઑફર આવી ત્યારે મેં તરત હા પાડી. તેમની સાથે કામ કરવું એ મારા માટે એક અવસર હતો. લોકો ભલે મને ‘પાન પરાગ’થી ઓળખે એનો મને કોઈ વાંધો નથી.’

columnists raj kapoor shammi kapoor delhi airport rajani mehta