આવી સ્ત્રી કોને ન ગમે?

08 March, 2021 02:21 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

આવી સ્ત્રી કોને ન ગમે?

આવી સ્ત્રી કોને ન ગમે?

આજની સ્ત્રી સંવેદનશીલ છે તો શક્તિશાળી પણ છે. સુંદર છે તો સશક્ત પણ છે. તેને પોતાના સ્ત્રીત્વનો ઉત્સવ મનાવતાં આવડે છે તો પોતાની સાહસવૃત્તિનો ઉપયોગ કરવાનું પણ ફાવે છે, પણ આવી સ્ત્રી સાથે રહી પણ એ જ શકે જેનામાં તેની સ્વતંત્રતાને પચાવવાની ક્ષમતા હોય

છેલ્લાં કેટલાંય વર્ષોથી આઠમી માર્ચ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડે તરીકે ઊજવવામાં આવે છે. આપણે ત્યાં પણ શાસ્ત્રોક્ત કાળથી નારીને નારાયણી તરીકે પૂજવાની પ્રથા રહી છે, શક્તિની ઉપાસના થતી આવી છે; કારણ કે ભારતીય પરંપરાએ હંમેશાં સ્ત્રીમાં રહેલી પુરુષસમ શક્તિઓને બિરદાવી છે. બલકે ફક્ત સ્ત્રી જ શું કામ, આપણે ત્યાં પુરુષોમાં રહેલી સ્ત્રીસમ લાગણીઓને પણ અપનાવવામાં આવી છે. તેથી જ તો આપણે ત્યાં અર્ધનારીશ્વરની કલ્પના છે, જે કહે છે કે પ્રત્યેક પુરુષમાં એક સ્ત્રી રહેલી છે અને પ્રત્યેક સ્ત્રીમાં એક પુરુષ રહેલો છે અને પ્રત્યેક શરીરમાં રહેલી આ બન્ને વૃત્તિઓનો જ્યારે સમન્વય થાય છે ત્યારે જ પૂર્ણતા પ્રગટે છે. ચાઇનીઝ ફિલસૂફીમાં પણ યિન અને યાંગની અવારનવાર ચર્ચા થાય છે, જેનો અર્થ છે કે કુદરતમાં પરસ્પર તદ્દન વિરોધી દેખાતાં તત્ત્વો ક્યારેક એકમેક સાથે ન ફક્ત જોડાયેલાં હોય છે પરંતુ એકમેકને પૂર્ણ પણ કરતાં હોય છે.
આજની સ્ત્રીઓએ પોતાની અંદર રહેલા આ પૌરુષત્વનો સહર્ષ સ્વીકાર કરી અનેક મુકામો સર કર્યા છે, પરંતુ દુર્ભાગ્યે પુરુષ પોતાની અંદર રહેલી સ્ત્રીસહજ કુમાશનો આજેય સ્વીકાર કરી શકતો નથી અને કદાચ એટલે જ તેને આ આધુનિક સ્ત્રીને સમજવામાં આટલી મુશ્કેલી પડી રહી છે. આ જ કારણ છે કે ડૉ. સ્વાતિ મોહન કપાળે ચાંદલો ચોંટાડીને પણ નાસાના
હેડ ક્વૉર્ટરમાં ગર્વભેર કામ કરી શકે છે કે પછી ઘરે-ઘરે વપરાતા લિજ્જત પાપડ જેવા ગૃહઉદ્યોગનાં પ્રણેતા જસવંતીબહેન જમનાદાસ પોપટ પદ્યશ્રી જેવા દેશના સર્વોત્તમ ખિતાબના વિજેતા પણ હોઈ શકે છે. પણ શું તમે
આજ સુધી કોઈ ખડતલ પુરુષને આટલા જ ગર્વભેર સમાજે સ્ત્રીઓ માટે નક્કી કરેલાં કામ કરતાં જોયો છે? આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે અને જે જોવા મળે છે એ અપવાદરૂપ જ હોય છે.
જ્યાં એક બાજુ આજની સ્ત્રી પોતાની સુડોળ કાયા દર્શાવતી શિફોન સાડી પહેરી લાલ લિપસ્ટિક સાથે ઑફિસની પાર્ટીમાં જતાં અચકાતી નથી ત્યાં જ તે પૅન્ટ અને શર્ટ પહેરી ઘોડેસવારી કરતાં કે પછી ક્રિકેટ રમતાં પણ ખચકાતી નથી. જ્યાં તે શૉર્ટ સ્કર્ટ અને હાઈ હિલ્સ પહેરી ઑફિસના કૉન્ફરન્સ રૂમમાં પ્રેઝન્ટેશન આપતાં ગભરાતી નથી ત્યાં જ તે એટલા જ આત્મવિશ્વાસથી બિકિની પહેરી બીચ પર પૅરાસેઇલિંગ કરતાં પણ શરમાતી નથી. અર્થાત્ આજની સ્ત્રીને જ્યાં
એક બાજુ પોતાના સ્ત્રીત્વનો ઉત્સવ મનાવતાં આવડે છે ત્યાં જ બીજી બાજુ તેને પોતાની સાહસવૃત્તિનો યોગ્ય ઉપયોગ કરવાનું પણ
ફાવે છે.
પરંપરાએ પુરુષને ફક્ત રક્ષક અને પોષક બનતાં શીખવ્યું છે અને આ ભૂમિકા તે બખૂબી નિભાવી જાણે છે. એ જ પરંપરાએ સ્ત્રીને લાલક અને પાલક બનતાં શીખવ્યું હતું, પરંતુ આજે તેણે પોતાની એ ભૂમિકાથી આગળ વધી રક્ષક અને પોષકની ભૂમિકા પણ સહજતાથી આત્મસાત કરી લીધી છે. આ જ કારણ છે કે એક આત્મનિર્ભર સ્ત્રી અત્યંત સહજતાથી પોતે પણ ખુશ રહી શકે છે અને પોતાના પરિવારજનોને પણ ખુશ રાખી શકે છે. આ જ કારણ છે કે આપણી આસપાસ આપણે એવા અનેક કિસ્સા જોઈએ-સાંભળીએ છીએ જેમાં એક માએ પિતાની અવેજીમાં ચાર બાળકોને એકલા હાથે સરસ રીતે મોટાં કર્યાં હોય, પરંતુ પુરુષ ગમેતેટલો આત્મનિર્ભર કેમ ન હોય, પોતાની એકલતા પચાવી શકતો નથી કે ચાર બાળકોનો એકલા હાથે સારો ઉછેર કરી શકતો નથી.
આજની સ્ત્રી બધાની વચ્ચે ખડખડાટ હસી શકે છે તો ચોધાર આંસુએ રડી પણ શકે છે. ગુસ્સામાં તે બૂમાબૂમ કરી શકે છે તો બીજી જ ઘડીએ નિઃસહાય પ્રેમના પ્રવાહમાં વહી પણ શકે છે. તે પોતાના પ્રત્યેક મૂડને એન્જૉય કરી શકે છે, કારણ કે પુરુષની જેમ પ્રત્યેક પરિસ્થિતિમાં મજબૂત હોવાનો ડોળ કરવાની તેને આવશ્યકતા લાગતી નથી. તેને સમજાઈ ગયું છે કે તે સંવેદનશીલ છે તો શક્તિશાળી પણ છે. તે સુંદર છે તો સશક્ત પણ છે. તે શરીર છે તો આત્મા પણ છે. જીવન અને સંબંધો માટેની તેની આંતરિક સમજ, પરિસ્થિતિને અનુરૂપ બની જવાની તેની ક્ષમતા, કોઈ પણ સંજોગોમાં ટકી રહેવાની તેની વૃત્તિ તથા સમગ્ર પરિવારને એક તાંતણે બાંધી રાખવાની તેની આવડત સ્ત્રીના સૌથી મોટા ગુણ છે. આવી સ્ત્રી કોને ન ગમે? બધાને જ ગમે, પરંતુ આવી સ્ત્રી કંઈ રાતોરાત જન્મ લેતી નથી. તેને પણ એક છોડની જેમ રોપવી પડે, ઉછેરવી પડે, સિંચન કરવું પડે, તેની પાંખો વિકસવા દેવી પડે અને પછી તેને ખુલ્લા આકાશમાં વિહરવા પણ દેવી પડે. આવું તે જ કરી શકે જે આ નવી સ્ત્રીની સ્વતંત્રતાને પચાવી શકે. ઢીલા-પોચાનું એ કામ નહીં.
અલબત્ત, આ કહેવાનો અર્થ એવો નથી કે બધા જ પુરુષો નબળા હોય છે કે બધા જ પુરુષો આધુનિક સ્ત્રીઓથી ગભરાતા હોય છે. સમય બદલાઈ રહ્યો છે અને અનેક પુરુષોએ આ નવી સ્ત્રીનો પોતાની સમકક્ષ તરીકે સ્વીકાર પણ કર્યો છે. તેઓ સ્ત્રીઓનો સત્કાર કરે છે, તેમને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેમના વિચારોનો આદર પણ કરે છે, પરંતુ જ્યાં સુધી આ પરિવર્તન સમાજના પ્રત્યેક પુરુષની માનસિકતામાં જોવા મળતું નથી ત્યાં સુધી આપણો વિકાસ પાંગળો જ રહેવાનો.
સાથે જ આ લખવાનો અર્થ એ પણ નથી કે આજની સ્ત્રીઓને પુરુષોની કોઈ આવશ્યકતા જ નથી. જેમ એક સ્ત્રી વિના પુરુષ અધૂરો છે એવી જ રીતે એક પુરુષ વિના સ્ત્રી પણ અધૂરી છે. બધાના સંસારચક્રમાં સમતુલન ત્યારે જ સધાય છે જ્યારે બન્ને સાથે મળીને કામ કરે છે. કોઈ
રક્ષણ કરવા માટે હોય જ નહીં તો પુરુષનું પૌરુષત્વ શું કામનું? એવી જ રીતે કોઈ વખાણ કરવાવાળું હોય જ નહીં તો સ્ત્રીની સુંદરતા શી કામની? આપણને આ સમન્વયનું મહત્ત્વ સમજાય એ માટે જ કુદરતના પ્રત્યેક તત્ત્વમાં નવો જન્મ ત્યારે જ થાય છે જ્યારે પુરુષ અને પ્રકૃતિનું મિલન થાય છે અને તેથી જ ચાઇનીઝ હોય કે ભારતીય, બધે જ અર્ધનારીશ્વરની કલ્પનાનો ઉપયોગ થાય છે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

falguni jadia bhatt columnists