20 October, 2025 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
લક્ષ્મી ક્યાં વસે છે એના ઉત્તર અનેક રીતે આપી શકાય. આપણા પ્રાચીન ગ્રંથોમાં તેનાં પ્રિય અને અપ્રિય સ્થાનો જણાવ્યાં છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં લખ્યું છે કે લક્ષ્મીજીની ઉત્પત્તિ બાદ ઋષિમુનિઓએ તેમનું પૂજન કર્યું અને તેમને સંસારમાં રહેવાની પ્રાર્થના કરી. ભક્તોના આગ્રહનો સ્વીકાર કરી લક્ષ્મીજીએ કહ્યું, ‘ભારતવર્ષમાં હું પુણ્યવાન, સદ્ગુણી અને સચ્ચરિત્ર ગૃહસ્થોના ઘરમાં નિવાસ કરીશ. જે વ્યક્તિના ઘરમાં ગુરુ-દેવતા-માતા-પિતા-અતિથિ અને વડીલો રિસાયેલાં રહે છે તેમના ઘરમાં હું જઈશ નહીં. જે સદા ચિંતામાં રહે છે, જે ભયથી પીડાયેલા છે, જે દુરાચારી-કૃપણ છે તેના ઘરમાં હું રહીશ નહીં. જે કન્યાનો વિક્રય કરે છે, જે કલહ પોષનારો છે, કામી છે તેવાને ત્યાં હું જઈશ નહીં...’
સ્કંદપુરાણમાં પણ લક્ષ્મીજીએ પોતાનાં પ્રિય અને અપ્રિય સ્થાનો જણાવ્યાં છે. એમાં લખાયું છે કે જ્યાં હું રહું છું ત્યાં ધર્મ, અર્થ અને સુયશ પણ રહે છે. જે પ્રિયભાષી છે, ધર્મપરાયણ છે, સંયમી છે, અહંકારશૂન્ય છે, પરોપકારી છે તેવાને ત્યાં હું રહું છું. જે માણસમાં ત્યાગ, પવિત્રતા અને સત્ય આ ત્રણ ગુણ છે તેને ત્યાં હું રહું છું. સદ્ગુણી, સુશીલ અને પતિવ્રતા સ્ત્રીઓમાં મારો વાસ હોય છે જ. જેઓ હર્ષ અને ક્રોધનો અવસર સમજતા નથી, ધન મેળવવાનો પ્રયત્ન જેઓ કરતા નથી, થોડામાં જ સંતુષ્ટ થઈ જાય છે એવા લોકોની પાસે હું રહેતી નથી. જેઓ પતિની આજ્ઞાનો લોપ કરે છે, જે પોતાના ઘરમાં રહેવા કરતાં બીજાનાં ઘરોમાં વધુ સમય ગાળે છે, જેનામાં સહનશીલતા નથી, જે અપવિત્ર રહે છે, જે કલહ (ઝઘડા) કરે છે એવી સ્ત્રીઓથી હું દૂર રહું છું.
મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મે આવાં જ લક્ષ્મીનાં કેટલાંક નિવાસસ્થાનો બતાવ્યાં છે. લક્ષ્મી કહે છે કે જેઓ ઉન્નતિની ઇચ્છા કરતાં નથી, જે અલ્પસંતોષી છે તેવાઓને હું પસંદ કરતી નથી. મહાભારતમાં અન્યત્ર કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી સાહસમાં નિવાસ કરે છે સત્પુરુષના ઘરમાં આ દેવી શ્રીમતીના રૂપમાં પ્રકટ થાય છે. મહર્ષિ ગર્ગનો મત છે કે જે ઘરમાં સદ્ગુણ સંપન્ન નારી સુખપૂર્વક રહે છે એ ઘરમાં લક્ષ્મી રહે છે. કવિ ભારવિએ કહ્યું છે, ‘ગુણલુબ્ધા: સ્વયમેવ સમ્પદ: ગુણવાન મનુષ્ય જ સાચો ધનવાન છે, તેના જ ઘરમાં લક્ષ્મી રહે છે. લક્ષ્મીને શુભ સ્થાનોમાં, શુભ કાર્યોમાં અને શુભ વિચારોમાં શોધવી જોઈએ. સદ્ગુણી- સદ્ગૃહસ્થની પાસે જ લક્ષ્મી અટકે છે, રોકાય છે, રહે છે.