જ્યારે યશ ચોપરા મહેન્દ્ર કપૂરના અવાજને ઓળખવામાં થાપ ખાઈ ગયા

29 March, 2020 05:31 PM IST  |  Mumbai Desk | Rajani Mehta

જ્યારે યશ ચોપરા મહેન્દ્ર કપૂરના અવાજને ઓળખવામાં થાપ ખાઈ ગયા

પ્રોડ્યુસર-ડિરેક્ટર બી. આર. ચોપરાની ફિલ્મોમાં મોટે ભાગે પ્લેબૅક સિંગર તરીકે મહેન્દ્ર કપૂરને પસંદ કરવામાં આવતા. ચોપરા પરિવાર અને કપૂર પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતા. મહેન્દ્ર કપૂર એ સંબંધના સરોવરની પાર્શ્વભૂમિકા પર પ્રકાશ પાડતાં કહે છે, ‘યશ ચોપરાની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ હતી ‘ધૂલ કા ફૂલ’. એનાં ગીતોના રેકૉર્ડિંગ માટે તે મેહબૂબ સ્ટુડિયો બુક કરવા ગયા હતા. ત્યાં રેકૉર્ડિસ્ટ કૌશિક તેમને કહે, ‘યશ, બૈઠ, તેરે કો એક ગાના સુનાતા હૂં. આજ હી નૌશાદસા’બને રેકૉર્ડ કિયા હૈ. ક્યા ગાના હૈ.’

યશ ચોપરાએ ગીત સાંભળ્યું અને બોલ્યા ‘નૌશાદસા’બને કમાલ કા ગાના બનાયા હૈ.’
આ સાંભળી કૌશિક બોલ્યા, ‘કિસને ગાયા હૈ પતા હૈં?’
‘લગતા હૈ રફીસા’બને ગાયા હૈ.’ યશ ચોપરાનો આ જવાબ સાંભળી કૌશિક બોલ્યા, ‘પાગલ હો ગયે હો ક્યા? યે રફીસા’બને નહીં ગાયા હૈ. ધ્યાનસે સુનો.’
યશ ચોપરાએ ફરી એક વાર ગીત સાંભળ્યું અને બોલ્યા, ‘મુઝે તો રફીસા’બ હી લગ રહે હૈ.’ કૌશિક કહે, ‘નહીં, રફીસા’બ નહીં હૈ, એક નયા પંજાબી લડકા આયા હૈ, મહેન્દ્ર કપૂર. આજ સુબહ હી ગાના ગાકે ગયા હૈ.’
યશ ચોપરાના મનમાં આ અવાજ છવાઈ ગયો. તેમણે મોટા ભાઈ બી. આર. ચોપરાને (પ્રોડ્યુસર) વાત કરી. ‘મેરા દિલ કરતા હૈ કી યે જો પહેલા ગાના હૈ (તેરે પ્યાર કા આસરા ચાહતા હૂં, વફા કર રહાં હૂં, વફા ચાહતા હૂં વો લતાજી કે સાથ ઉસ કો ગવાએંગે.’
બી. આર. ચોપરા એકદમ સીધા અને સરળ વ્યક્તિ હતા. ‘તુઝે જો ઠીક લગે’ એમ કહીને તેમણે યશ ચોપરા પર નિર્ણય છોડ્યો. એક વાત કહેવાની રહી ગઈ. તેમનાં પત્ની અને મારી માતાજી એકમેકને ઓળખતાં હતાં. બીજા અઠવાડિયે યશજીએ મને રાજકમલ સ્ટુડિયોની બાજુમાં બી. આર. ફિલ્મ્સની ઑફિસમાં બોલાવ્યો. ચોપરાસા’બ સાથે ઓળખાણ કરાવી. મેં તેમને પ્રણામ કર્યા. તે કહે, ‘યશ તુમ્હારી બહુત તારીફ કરતા હૈ.’ યશજીએ મારી મુલાકાત સંગીતકાર એન. દત્તા સાથે કરાવતાં કહ્યું, ‘દત્તા, યે નયા લડકા હૈ મહેન્દ્ર. તુ ઉસે સૂન લે. અગર ‘તેરે પ્યાર કા આસરા’ ગા સકતા હૈ તો ઉસસે ગવાએંગે.’
એન. દત્તા કહે, ‘ના, ના, સૂનના ક્યા હૈ? ઉસકા બહુત ચર્ચા હો રહા હૈ.’ (ઇન્ડસ્ટ્રીમાં આ દરમ્યાન સોહની મહિવાલના ગીત ‘ચાંદ છુપા ઔર તારે ડૂબે’ની વાત ફેલાઈ ગઈ હતી) યે અચ્છા હી ગાએંગા. મૈં ઉસકો રિહર્સલ કરાઉંગા.’
કેવળ એક ગીત માટે પસંદ થયેલા મહેન્દ્ર કપૂરે ફિલ્મ ‘ધૂલ કા ફૂલ’ માટે ચાર ગીતો ગાયાં. ‘ધડકને લગી દિલ કે તારોંકી દુનિયા, જો તુમ મુસ્કુરા દો’ (આશા ભોસલે સાથે), ‘ઝૂકતી ઘટા ગાતી હવા સપને જગાયે’ (લતા મંગેશકર સાથે), ‘અપની ખાતિર જીના હૈ, અપની ખાતિર મરના હૈ’ (સુધા મલ્હોત્રા સાથે) અને ‘તેરે પ્યાર કા આસરા ચાહતા હૂં’ (લતા મંગેશકર સાથે. આ ફિલ્મ માટે મોહમ્મદ રફીના સ્વરમાં બે ગીત રેકૉર્ડ થયાં હતાં. ‘તુ હિન્દુ બનેંગા ન મુસલમાન બનેંગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેંગા’ અને ‘દામન મેં દાગ લાગા બૈઠે, હમ પ્યારમેં ધોકા ખા બૈઠે’.
એ દિવસોની યાદોને તાજી કરતાં મહેન્દ્ર કપૂર આગળ કહે છે, ‘આમ મને ચોપરા કૅમ્પમાં કામ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મ અને એનાં ગીતો લોકપ્રિય થયાં. આ ઇન્ડસ્ટ્રીનો એક નિયમ છે. ફિલ્મ હિટ જાય તો પૂરી ટીમ રિપીટ થાય. એ પછી ‘ધર્મપુત્ર’માં આજ ટીમ રિપીટ થઈ. ત્યાર બાદ ગુમરાહ, ધૂંધ, હમરાઝ, નિકાહ અને બી. આર. ચોપરાની બીજી ફિલ્મોમાં મેં ગીતો ગાયાં.’
ફિલ્મ ‘હમરાઝ’નું ગીત ‘ન મૂંહ છુપા કે જીઓ, ઔર ન સર ઝુકા કે જીઓ’નું રિહર્સલ થતું હતું. એમાં એક પંક્તિ છે; ‘ઘટા મેં છૂપ કે સિતારે ફના નહીં હોતે, અંધેરી રાત કે દિલ મેં દિએં જલા કે જીઓ’ અહીં પહેલાં સીધેસીધું ગાવાનું હતું. સ્વરને લંબાવવાનો નહોતો. કોણ જાણે કેમ, ‘અંધેરી રાત કે’ બાદ મેં સ્વરને થોડા લંબાવ્યા. આ સાંભળી સંગીતકાર રવિ બોલ્યા, ‘મહિન્દર, સીધા સીધા ગાના હૈં.’ પરંતુ બી. આર. ચોપરા બોલ્યા, ‘અચ્છા લગતા હૈ. રવિ, એક સજેશન હૈ, યે ગાના એક ફૌજી ગા રહા હૈ, વો તો જોશ મેં હી ગાએંગા. ઐસા હી રખ્ખોં.’ રવિસા’બ હંમેશાં સજેશન માનતા. તેમને પણ આ વાત સાચી લાગી.
આ જ ગીતની આગળની પંક્તિઓ છે, ‘યે ઝિંદગી કિસી મંઝિલ પે રુક નહીં સકતી, હરેક મકામ સે આગે કદમ બઢા કે જીઓ’. ફરી વાર હું ‘હરેક મુકામ સે’ ગાઈને પહેલાં કરતાં પણ થોડો વધુ સમય સ્વર લંબાવીને ઊભો રહ્યો. રેકૉર્ડિંગ પૂરું થયા બાદ દરેકે આ ગીત માટે મારાં વખાણ કર્યાં.
‘જ્યારે આ ફિલ્મનું પ્રીમિયર હતું અને પરદા પર આ ગીત આવ્યું ત્યારે લોકોએ ખૂબ તાળીઓ પાડી. સુનિલ દત્ત મને કહે, ‘પાપાજી, યે કૈસે ગા દિયા યાર, મૈં સોચું યે ‘હરેક મુકામ સે’ પર અપના મૂંહ કિતની દેર તક ઐસે હી ખુલ્લા રખ્ખું. તુમને બડી મુશ્કિલ ખડી કર દી. પર કોઈ બાત નહીં. બહુત અચ્છા લગા.’
ગીતકાર સાહિર લુધિયાનવી એક એવા શાયર હતા જેણે ફિલ્મોની સિચ્યુએશન પર અદ્ભુત ગીતો લખ્યાં. એ ઉપરાંત તેમની અમુક રચનાઓ લખાયાં બાદ ફિલ્મોમાં લેવાઈ. તેમની કલમની આ તાકાત હતી કે એ રચનાઓનો ફિલ્મોમાં ઉપયોગ કરવા માટે સિચ્યુએશન ઊભી કરવામાં આવી. આવા શાયરને યાદ કરતાં મહેન્દ્ર કપૂર કહે છે...
‘સાહિરસા’બ બહુ ઓછું બોલે. હા, નાની-મોટી મજાક કરે. તેમનાં ગીતોમાં ભારોભાર શાયરી છલકે. સિંગર અને કમ્પોઝરને તેમની સાથે કામ કરવામાં ખૂબ સંતોષ મળે. તેમના જેવો બીજો રાઇટર કદાચ પેદા નહીં થાય. તે જે પણ લખે એ ઉત્તમ લખે. ખૂબ મજા લઈને લખે. ફિલ્મ ‘ધર્મપુત્ર’નું એક ગીત ‘ભૂલ સકતા હૈ ભલા કૌન યે પ્યારી આંખે’ માટે હું અને એન. દત્તા રિહર્સલ કરતા હતા. એટલામાં દિલીપ કુમાર ત્યાં આવી પહોંચ્યા. તે શેરો-શાયરીના શોખીન છે. અમે રિહર્સલ કરતા હતા અને તે ચટાઈ પર સૂતા-સૂતા સંગીતની મજા લેતા હતા.
આ ગીતના અંતરામાં પંક્તિઓ છે, ‘તુમ જો નઝરોં કો ઉઠાઓ તો સિતારેં ઝૂક જાય, તુમ જો પલકોં કો ઝુકાઓ તો ઝમાને રુક જાય, ક્યું ન બન જાયે ઉન આંખો કી પૂજારી આંખે’ આ સાંભળતાં દિલીપ કુમાર બેઠા થઈ ગયા અને કહે, ‘ઓ હો..., ક્યા લીખા હૈ? દત્તા, સાહિર કો ફોન લગાઓ.’ ફોન પર કહે, ‘સાહિરસા’બ, આપને કમાલ કા થોટ લીખા હૈ. આપકા કોઈ મુકાબલા નહીં કર સકતા.’ સાહિરસા’બ એક્દમ શાંત માણસ. ચૂપચાપ કૉમ્પ્લીમેન્ટ્સ સ્વીકારતા. એટલું જ બોલ્યા, ‘દિલીપસા’બ, આપકી મહેરબાની હૈ.’
આ સાંભળીને દિલીપસા’બ બોલ્યા, ‘નહીં, ઐસી બાત નહીં. દિલ કરતા હૈ અભી આપકો ગલે લગાઉં. આપસે બડા કોઈ રાઇટર ઇસ ઇન્ડસ્ટ્રી મેં નહીં હૈં.’
જેમ દિલીપ કુમાર સાથે અભિનય કરવો એ દરેક કલાકારનું સપનું હોય છે એમ દિલીપ કુમાર માટે પ્લેબૅક આપવું એ દરેક સિંગર માટે એક-એક અલ્ટિમેટ ડ્રીમ હોય છે. ચાલતી કલમે મહેન્દ્ર કપૂરે દિલીપ કુમાર માટે ગાયેલાં ગીતો યાદ આવે છે. ફિલ્મ ‘ગોપી’ (રામચંદ્ર કહ ગયે સિયાસે’, ‘જેન્ટલમેન જેન્ટલમેન’ અને ‘એક પડોસન પીછે પડ ગઈ.) ફિલ્મ ‘બૈરાગ’ (ઓ શંકર મેરે કબ હોંગે દર્શન તેરે’). દિલીપ કુમાર સાથેનાં સંસ્મરણો યાદ કરતાં તે કહે છે...
દિલીપ કુમારના નાના ભાઈ અસલમ અને અહેસાન મારી સાથે સ્કૂલમાં હતા. હું ઘણી વાર તેમના ઘરે જતો. એ દિવસોમાં દિલીપસા’બની પહેલી ફિલ્મ ‘જવારભાટા’નું શૂટિંગ ચાલતું હતું. તે લોકો કહે, હમારે દો બડે ભાઈ હૈં. એક હૈં નાસિરખાન ઔર દૂસરે યુસુફખાન. આજકલ ઉનકી શૂટિંગ ચલ રહી હૈ ઔર ઉનકા નામ રખ્ખા ગયા હૈ દિલીપ કુમાર. દેખના બહોત બડે સ્ટાર બનનેવાલે હૈં. મિલના હૈ ઉનકો?’ એટલે હું તેમને મળવા ગયો. એ દિવસોમાં તે ક્રૉફર્ડ માર્કેટ પાસે રહેતા હતા. ત્યારથી મારી તેમની સાથેની ઓળખાણ છે. તે મને નાના ભાઈની જેમ ગણતા. તેમના જેવા મહાન કલાકાર અને ઉમદા વ્યક્તિ મળવા મુશ્કેલ છે.’
‘ગીતના રિહર્સલ વખતે તે સાથે બેઠા હોય એટલે ઘણું સહેલું પડે. એ પોતે એક સારા ગાયક છે. તેમને સંગીતની સાચી સમજ છે. (ઋષિકેશ મુખરજીની પહેલી ફિલ્મ ‘મુસાફિર’માં શૈલેન્દ્ર લિખિત, સલિલ ચૌધરીના સંગીતમાં દિલીપ કુમાર અને લતા મંગેશકરનું ‘લાગી નાહી છૂટે રામા ચાહે જીયા જાય’ સાંભળવા જેવું છે). જોકે આપણા મોટા ભાગના હીરોને માટે આ વાત સાચી છે. રિહર્સલ વખતે મને સૂચન કરે, ‘ઐસે નહીં, ઐસે ગાઓ. મુજે ઐસા ચાહીએ. યહાં મૈં ઐસા કરુંગા.’ પોતે ગાઈને સંભળાવે. મનોજ કુમાર અને સુનિલ દત્ત પણ આવું કરતા. ‘જેન્ટલમેન જેન્ટલમેન’ ગીત માટે તેમણે ઘણાં સજેશન આપ્યાં. ‘અહીં હું ટોપી પહેરીને આવીશ. હવે હું હેટ પહેરીને આવીશ. આવો ડ્રેસ પહેરીને હિરોઇનની સાથે છેડછાડ કરીશ. આ પંક્તિમાં હું અવાજમાં ધ્રુજારી સાથે ગાઈશ. અહીં હું એકદમ લાપરવાહ બનીને ગાઈશ.’ આમ તેમની સાથે નાનામાં નાની વાતનું ડિસક્શન થાય. એટલે ગીતમાં જે અસર ઊભી થવી જોઈએ એ સરસ રીતે રજૂ કરવામાં ખૂબ મદદ મળે.’

rajani mehta weekend guide columnists