આ ભાઈ રસોડામાં જાય ત્યારે પત્નીને પણ છે નો એન્ટ્રી

30 April, 2020 05:26 PM IST  |  Mumbai | Alpa Nirmal

આ ભાઈ રસોડામાં જાય ત્યારે પત્નીને પણ છે નો એન્ટ્રી

મુલુંડ-વેસ્ટમાં રહેતા ભાવેશ દેઢિયા વેલકમ ડ્રિન્કથી લઈને ડીઝર્ટ સુધીનું બધું જ બનાવી જાણે છે

પોતાનો બિઝનેસ ધરાવતા ભાવેશ દેઢિયા કોઈ પણ ચીજ ટેસ્ટ કરે એ કોઈ પણ તાલીમ વિના એવી જ બનાવી શકે છે. અવનવું ક્વિઝીન ખાવાના શોખીન ભાવેશભાઈ કહે છે, ‘નાનપણથી મને જેટલું ખાવાનું ગમે એટલું જ વાનગીઓ બનાવવાનું પણ ગમે. બહુ પહેલાંથી હું કુકિંગ કરું છું. હા, મારી પહેલી શરત એ છે કે જ્યારે હું કુક કરું ત્યારે રસોડામાં કોઈ ન હોવું જોઈએ. લગ્ન થયા પછી પણ હું રસોઈ કરતો. જોકે મારાં વાઇફ મને બહુ  કિચનમાં આવવા ન દે, પણ તે ન હોય ત્યારે કિચનનો કમાન્ડ મારા હાથમાં લઈ લઉં. અરે, મારા મિત્રો કે મારી દીકરીના મિત્રોને ખબર પડે કે આન્ટી નથી તો ખાસ ડિમાન્ડ કરે કે અંકલ તમે કુક કરો, અમે તમારા ઘરે આવીએ છીએ.’
એક વખત કોઈ પણ ડિશ ટેસ્ટ કરે એ કોઈ પણ જાતની ટ્રેઇનિંગ વગર બનાવી શકનારા બાવન વર્ષના ભાવેશભાઈ કહે છે, ‘નક્કી થાય કે આ ક્વિઝીન બનાવવું છે તો એનું રો મટીરિયલ, શાકભાજી વગેરે લેવા પણ હું જાતે જ માર્કેટમાં જાઉં. લઈ આવ્યા પછી એને વૉશ  પણ હું જ કરું અને સમારું પણ હું જ. એવું પણ નહીં કે રસોઈ કરતાં-કરતાં પથારો કરું. જે હોય એ બધું તેમ જ પ્લૅટફૉર્મ અને કિચન સાફ કરીને પછી જ હું બહાર નીકળું.’
છતાં ભાવેશભાઈનાં લાઇફ-પાર્ટનર કેતનાબહેન તેમને કિચનમાં પેસવા જ ન દે. એનું કારણ આપતાં ભાવેશભાઈ કહે છે, ‘ઍક્ચ્યુઅલી એ મારા કરતાં પણ વધુ સરસ કુક છે. આમ તો સમય ન મળે, પણ લૉકડાઉનમાં સરસ સમય મળ્યો છે એટલે પાછું કુકિંગ શરૂ કર્યું છે. હમણાં મેં ખડા  પાંઉભાજી ફોન્ડ્યુ બનાવ્યું હતું અને હજી ઘણી આઇટમ્સ લિસ્ટમાં છે.’       
  તેમના ફ્રેન્ડ્સ અને ફૅમિલી ભાવેશભાઈના સિઝલર, બિરિયાની, ફોન્ડયુ બટાટા વડાં, સ્ટફ છોલે-ભટુરે, કૂલફી ફાલૂદા જેવી ડિશની સાથે કાઠિયાવાડી ને કચ્છી આઇટમનાં દીવાના છે. ભાવેશભાઈ કહે છે, ‘આમ તો દરેક વસ્તુઓ બનાવવાની રીત એકસરખી હોય, પણ મારા હાથે સારું બનવાનું સીક્રેટ એ છે કે હું કોઈ પણ ડિશમાં રેડી મસાલા નથી વાપરતો. એમાં જે પ્રકારના મસાલા જરૂર પડે એ મારી જાતે જ પ્રિપેર કરું છું. દાખલા તરીકે છોલે બનાવું તો હળદર-મરચું, ધાણાજીરું લઉં. એમાં લવિંગ, એલચી વગેરે તેજાના જાતે જ ખાંડીને મારા પ્રમાણસર જ નાખું. એટલે મેં બનાવેલી વાનગી બીજા કરતાં અલગ હોય છે. મારા મતે ફૂડ બનાવ્યા પછી એનું પ્રેઝન્ટેશન પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેવી આઇટમ હોય એ પ્રમાણે એને સર્વ કરવાથી વાનગીનો આસ્વાદ વધુ ટેસ્ટી લાગે છે.’

alpa nirmal Gujarati food columnists