અનિશ્ચિતતાઓથી ભરેલા આ કપરા સમયમાં ટીચર્સ બન્યા સ્ટુડન્ટ્સ

04 September, 2020 04:04 PM IST  |  Mumbai | Bhakti Desai

અનિશ્ચિતતાઓથી ભરેલા આ કપરા સમયમાં ટીચર્સ બન્યા સ્ટુડન્ટ્સ

પચાસથી મોટી વયના ટીચર્સ પોતે ટેક્નૉલૉજી શીખ્યા

અચોક્કસ મુદત માટે જ્યારે સ્કૂલો બંધ કરવી પડી ત્યારે વર્ક ફ્રૉમ હોમની સાથે-સાથે ‘સ્કૂલ ફ્રૉમ હોમ’ના કન્સેપ્ટનો પણ આવિષ્કાર થઈ ગયો. શિક્ષણ અને કેળવણીના સંદર્ભે આ કન્સેપ્ટ કેટલો વાજબી છે અને એનાં ફળો કેવાં હશે એ તો સમય જ કહેશે, પણ ઑનલાઇન શિક્ષણપદ્ધતિએ અનેક મોટી વયના ટીચર્સને ટેક્નૉલૉજી શીખવા મજબૂર કરી દીધા. પોતાના વિદ્યાર્થીઓને ભણાવી શકાય એ માટે પચાસથી મોટી વયના ટીચર્સ પોતે ટેક્નૉલૉજી શીખ્યા અને એક શિક્ષક પણ હંમેશાં વિદ્યાર્થી બનીને શીખતો રહે છે એ વાતનો સાક્ષાત્કાર થયો..

પાંચ મહિના પહેલાં શિક્ષકોએ કદી તેમને જીવનમાં ક્યારેય ‘વર્ક ફ્રૉમ હોમ’ કરવા મળશે એવી કલ્પના કરી નહોતી. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના ધ્યેય સાથે પોતાનું જીવન વિતાવનાર શિક્ષકોએ લૉકડાઉનમાં પોતપોતાના ઘરેથી ક્લાસ લેવાનું શરૂ કર્યું. સ્ટુડન્ટ્સનું ઍકૅડેમિક યર ન બગડે એ માટે ઘેરબેઠાં તેમને ભણાવવા માટે કેટલાય શિક્ષકોને પોતે વિદ્યાર્થી બનવું પડ્યું. શિક્ષકોનું કામ ખૂબ સન્માનને પાત્ર છે તેથી જ તેમને માસ્તર તરીકે પણ સંબોધાય છે. માસ્તર એટલે જીવનમાં માતા સમાન સ્તર ધરાવનાર એક વ્યક્તિત્વ. અહીં આવા જ જ્ઞાન આપવા તત્પર પચાસ વર્ષ અથવા તેથી વધુ ઉંમર ધરાવતા મહેનતુ શિક્ષકો સાથે વાત કરીને જાણ્યું કે શિક્ષકોનો ટેક્નૉલૉજી શીખવાનો એક વિદ્યાર્થી તરીકેનો અનુભવ કેવો રહ્યો અને તેમાં શું પડકારો આવ્યા.

આ છ મહિનામાં ગૂગલબાબા પાસેથી હું ઘણું શીખ્યો ઃ બાબુભાઈ ચૌધરી
શેઠ ગોપાલજી હેમરાજ હાઈ સ્કૂલ & જુનિયર કૉલેજમાં શાળાના વિદ્યાર્થીઓને સંસ્કૃત અને ફિઝિકલ ટ્રેઇનિંગ (પીટી) આ બે વિષય ભણાવતા પચાસ વર્ષનાં બાબુભાઈ ચૌધરી કહે છે, ‘હું કમ્પ્યુટર વિશે થોડુંક કામચલાઉ જ્ઞાન ધરાવતો હતો, પણ સાચું કહું તો આજે જેટલું ઊંડાણમાં કામ કરી રહ્યો છું એ મેં ક્યારેય કર્યું નહોતું. શરૂઆતમાં વૉટ્સઍપ પર નોટ્સ બનાવવી, હોમવર્ક આપવું આ બધું મેં કર્યું. એપ્રિલ મહિનામાં મારી પાસે સમય હતો તેથી મેં સવિસ્તર ગૂગલ પર માહિતી શોધવાનું શરૂ કર્યું અને ઑનલાઇન ક્લાસ કેવી રીતે ચલાવાય, બાળકોની સામે બેસીને તેમના ચહેરા દેખાય એ માટે કયાં ફીચર્સ વાપરવાં, કઈ-કઈ ઍપ્લિકેશન્સની સહાયતાથી ભણાવી શકાય આમ હું વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વધારે સંપર્કમાં રહી શકું એના પર મેં અભ્યાસ કરવાની શરૂઆત કરી. બધી જ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે, પણ એને કાઢવા ખૂબ મહેનત કરવી પડે છે. બીજો એક પડકાર એ હતો કે શરૂઆતમાં બાળકોને લાગતું કે ઘરેથી ભણવામાં તો શું મોટી વાત છે અને તેમનામાં અનુશાસનનો પણ અભાવ રહેતો. ઘણી વાર બાળકોના અભ્યાસની ગંભીરતા તેમનાં માતા-પિતાને નથી હોતી. હવે આટલા મહિનાઓ પછી બાળકો વ્યવસ્થિત ભણે છે. હવે હું સ્ટુડન્ટ્સને વિડિયો બનાવીને મોકલું છું અને યોગ દિવસ માટે બાળકોને ઑનલાઇન આસન શીખવ્યાં હતાં અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. મને પણ વધતી ઉંમરે મારા શિક્ષક તરીકેના જીવનમાં આ છ મહિનામાં ઘણું શીખવા મળ્યું અને જાણે આખો એક નવો વિષય જ ઉજાગર થઈ ગયો.’

મને ખુશી છે કે હું ટેક્નૉલૉજીથી બાળકો સુધી પહોંચી શકું છું : રશ્મિ ગાલા
ચિંચપોકલીની માતુશ્રી કુંવરબાઈ વેલજી વિદ્યામંદિરના પ્રાથમિક વિભાગનાં શિક્ષિકા રશ્મિ ગાલા પચાસ વર્ષનાં છે અને તેમને તેમના નાના વિદ્યાર્થીઓને ઑનલાઇન ભણાવવા માટે કઈ નવી પદ્ધતિ શિખવી પડી એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘મને કમ્પ્યુટરનું જ્ઞાન હતું, પણ શાળાનું અને ઘરનું કામ એટલું રહેતું કે મેં વૉટ્સઍપમાં પણ ક્યારેય ખૂબ ધ્યાનથી બધાં ફીચર્સ વાપર્યાં નહોતાં. લૉકડાઉન દરમ્યાન મારાં સંતાનો પાસેથી મારે ઑનલાઇન ક્લાસ, ભણાવવાની રીત, મીટિંગ કેવી રીતે લેવી એ શીખી. હું એનો ઉપયોગ મારી સ્કૂલની મીટિંગ માટે કરું છું. અમારી સ્કૂલમાં આવનાર બાળકો શ્રમિક વર્ગનાં છે. તેમને માટે ઑનલાઇન ક્લાસરૂમ તો દૂર પણ સારા સ્માર્ટફોન અને ઇન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધાઓ ઘરમાં ઉપલબ્ધ હોવી એ પણ મોટી વાત છે. છતાં તેમનાં માતા-પિતા બાળકો ભણે એ માટે આ બધું કરી રહ્યાં છે. અમુક બાળકો પાસે સ્માર્ટફોન નથી. એવામાં ગૂગલ ક્લાસરૂમના માધ્યમથી ભણાવવું શક્ય નથી હોતું. હું સ્ટુડન્ટ્સને ભણાવવા માટે હવે વૉટ્સઍપનો ખૂબ સારો ઉપયોગ કરું છું. યુટ્યુબ પર પણ ભણાવું છું. બાળકોને વિડિયો મોકલું અને જ્યારે તેમની પાસે ઇન્ટરનેટ કે નેટવર્ક મળે ત્યારે તેઓ આ વિડિયો જુએ છે. ઘણાં બાળકોને ફોન પરથી ભણાવું છું. તેમને હોમવર્ક આપવું, દરરોજ ભણવાની ફરજ પાડવી અને તેમના મનમાં જે પ્રશ્નો હોય એ મુક્ત મને ઑનલાઇન પૂછી શકે એવું મોકળું વાતાવરણ આપવાની જવાબદારી ટેક્નૉલૉજી વિના સંભવ નહોતી. હું ખુશ છું કે મને ટેક્નૉલૉજી શીખવાનો અવસર મળ્યો છે.’

ઑનલાઇન પ્રેઝન્ટેશન, વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરીને ઍપ્સ દ્વારા ભણાવવાની મજા આવી રહી છે : રીટા વ્યાસ
શેઠ ગોપાલજી હેમરાજ હાઈ સ્કૂલ & કૉલેજમાં વિજ્ઞાન અને ગણિત જેવા ગંભીર વિષયોને રસપ્રદ રીતે ઑનલાઇન ભણાવવા ૫૪ વર્ષનાં રીટા વ્યાસે ઑનલાઇન ક્લાસની ટેક્નૉલૉજીની બારાખડી વાસ્તવમાં શીખવી પડી હતી. પોતાનો અનુભવ વર્ણવતાં તેઓ કહે છે, ‘જીવનમાં ક્યારેય આવી રીતે ભણાવ્યું નહોતું અને વિચાર પણ નહોતો કર્યો કે અમારે ઘરેથી આમ કામ કરવું પડશે. આજે જેટલી ટેક્નૉલૉજીનો ઉપયોગ હું કરું છું તેટલો મેં પહેલાં ક્યારેય કર્યો નથી. હું એમ માનું છું કે જે પણ પરિસ્થિતિ હોય, જો બાળકોને લાભ થતો હોય તો એક શિક્ષક તરીકે જે થતું હોય એ કરવું જ જોઈએ. ઑનલાઇન ભણાવવું શરૂઆતમાં મને ખૂબ અઘરું લાગ્યું. ઘણી બધી વસ્તુઓ મને ફાવતી નહોતી. હું ઇન્ટરનેટના માધ્યમથી શીખવા લાગી અને જ્યાં અટકતી ત્યાં મારાં બાળકોને પણ પૂછતી હતી અને તેમની પાસેથી હું ઘણી વાતો શીખી. હમણાં પણ હું રોજ ભણાવતી વખતે કંઈ નવું શીખું છું. વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડે એ માટે પ્રેઝન્ટેશન્સ, ગણિતના દાખલા કરીને બતાવવા માટે બોર્ડ પર ભણાવતા હોય તેમ વિવિધ બોર્ડવાળી ઍપ્સને શીખી એને બાળકો સામે કેવી રીતે દેખાડવું એની પર અભ્યાસ કર્યો, દરેક વિદ્યાર્થી સાથે સંવાદ કરવા શું કરવું, ઑનલાઇન વિઝ્યુઅલ્સ દેખાડવાની રીત આમ વિવિધ પાસાઓ શીખ્યા. જોકે બાળકોને રૂબરૂમાં ભણાવવાં અને ઑનલાઇન શીખવવું આમાં ઘણો ફરક છે અને ક્યાંક એક અડચણ પણ અનુભવાય છે તોય બાળકો સાથે જોડાઈ રહેવા માટેનો રસ્તો તો આ જ છે. વધતી ઉંમર સાથે આ એક પડકાર મ ને ખૂબ જ ગમ્યો અને હવે તો હું ટેક્નૉલૉજીનો ગહન અભ્યાસ કરતી રહું છું અને મારે માટે પણ એ રસપ્રદ વિષય બની ગયો છે.’

સ્ટુડન્ટ્સના ફોનની મેમરીને ધ્યાનમાં રાખીને ફ્લિપ બુક
બનાવી જે એક લિન્કના ક્લિક પર અવેલેબલ હોય : સ્મિતા ગાંધી
બોરીવલીની એકસર તળેપાખાડી એમપીએસએમસીજીએમ ઇંગ્લિશ સ્કૂલનાં ૫૩ વર્ષનાં શિક્ષિકા સ્મિતા ગાંધી અનેક વર્ષોથી પોતાનાં બાળકોને બાળપણનાં સુંદર સંસ્મરણો આપવા માટે તેમની પ્રવૃત્તિઓના વિડિયો બનાવીને યુટ્યુબ પર મૂકે છે. તેઓ કહે છે, ‘બીએમસીની સ્કૂલના વિદ્યાર્થીઓ હોશિયાર અને પ્રતિભાશાળી હોય છે, પણ પરિસ્થિતિ સાથ ન આપતી હોવાથી તેમને પ્રોત્સાહનની ખૂબ જરૂર હોય છે. હું થોડી ટેક્નૉલૉજી જાણતી હતી, પણ લૉકડાઉનમાં અમારા વિદ્યાર્થીઓના અત્યંત ઓછી મેમરીવાળા સામાન્ય સ્માર્ટફોન માટે ઈબુક્સ જેવી ફ્લિપ બુક બનાવવાનો અભ્યાસ કરવાનું મેં શરૂ કર્યું. આનો લાભ એ હોય છે કે બાળકો એક લિન્ક પર ક્લિક કરે કે આપમેળે પુસ્તક પર પહોંચી જાય અને પાનાં ફરી શકે. આની સાથે તેઓને વધુ મજા આવે અને ઉત્સાહ જળવાઈ રહે એ માટે મેં સંગીતનો ઉપયોગ કરવાની પણ શરૂઆત કરી. જેમ પાનાં ખૂલે કે પાછળથી કોઈ ધૂન સંભળાય. મારો વિષય ગણિત અને વિજ્ઞાન છે. મેં વિવિધ વેબસાઇટ્સ પણ શોધી જેનાથી સિલેબસ પર આધારિત ક્વિઝ બાળકોને આપી. સ્ટુડન્ટ્સના ફોનની મેમરીને ધ્યાનમાં રાખી ટેલિગ્રામ પર અલગ-અલગ ગ્રુપ બનાવ્યાં. આમાં મેં એક તુલનાત્મક અભ્યાસ કર્યો અને મને સમજાયું કે ટેલિગ્રામમાં કલાઉડ પર બધું સેવ થતું હોય છે અને ફોનની મેમરી પર એની અસર નથી પડતી. રોજ રાત્રે હું હોમવર્ક બનાવવા નવું કંઈક શીખું અને પછી એ રચનાત્મક રીતે રજૂ કરું અને વિદ્યાર્થીઓને એટલી મજા આવે કે થોડું પણ મોડું થાય તો તેઓ સામેથી મને હોમવર્ક આપવા કહે. બાળકો સાથે વિવિધ તહેવારોની ચર્ચા ઝૂમ પર કરું. હવે મને સમજાય છે કે ઑનલાઇનમાં તો ખજાનો છે, જેની મને આજ સુધી ખબર જ નહોતી. હું વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ માટે તૈયાર કરી તેમને મેરિટમાં લાવવા વિવિધ પદ્ધતિઓથી આખા ભણતરને રસપ્રદ બનાવું છું.’

લૉકડાઉન થયું ત્યારે અમારી પાસે બધા વિદ્યાર્થીઓના
ફોનનંબર પણ નહોતા : અપર્ણા દેસાઈ
જેમ એક માને મુશ્કેલીમાં પોતાના બાળક પહેલાં યાદ આવે છે એવી જ રીતે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરનાર અપર્ણા દેસાઈએ ક લૉકડાઉન જાહેર થતાંની સાથે જ પોતાના વર્ગનાં એકેએક બાળકોના નંબર શોધવાનું ચાલુ કર્યું. તેમની સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમના પેરન્ટ્સ દૈનિક વેતન પર નિર્ભર હોય છે. અપર્ણાબહેન કહે છે, ‘ટેક્નૉલૉજીની ટ્રેઇનિંગ મેં મારાં સંતાનો પાસેથી લીધી અને ધીરે-ધીરે વિવિધ માધ્યમ અને ઍપ્સથી હું આમાં ઊંડી ઊતરતી ગઈ. મારા પતિ એન્જિનિયર છે તેથી તેઓ પણ મને મદદ કરે છે. ટેક્નૉલૉજી તો રોજ બદલાય છે તેથી અદ્યતન જ્ઞાન મેળવવા પહેલાં હું એક વિદ્યાર્થિની બની અને મારાં બાળકો અને પરિવારે મને લૉકડાઉનમાં ઘરેથી ક્લાસ ચલાવવા જેટલું જ્ઞાન આપ્યું. લૉકડાઉન શરૂ થયું ત્યારે અમારાં બાળકોનો બધો રેકૉર્ડ સ્કૂલમાં હતો અને અન્ય સ્કૂલોની જેમ અમારું વૉટ્સઍપ ગ્રુપ નથી હોતું. અમારું કામ આજ પહેલાં ક્યારેય આટલું બધું ટેક્નૉલૉજી પર નિર્ભર નહોતું. મારી પાસે ગયા ઍકૅડેમિક વર્ષમાં ૮મું ધોરણ હતું અને બે વિદ્યાર્થીઓના નંબરમાંથી અમારા હેડની મદદથી અને બીજા વિદ્યાર્થીઓની સહાયતાથી હું ૩૬ વિદ્યાર્થીઓના સંપર્ક સુધી પહોંચી. ત્યાર બાદ અમે એક વૉટ્સઍપ ગ્રુપ બનાવ્યું. મારા વિદ્યાર્થીઓ ભણવા માટે ખૂબ ઉત્સાહી હોય છે. આ વખતે નવું વર્ષ શરૂ થયા પછી ઘણા લોકો કામ અને આવકના અભાવને કારણે તેમના વતન પાછા ચાલ્યા ગયા છે, પણ ત્યાંથી પણ તેઓ ઑનલાઇન સ્કૂલનો લાભ લે છે. શિક્ષક તરીકે ખૂબ ગર્વની વાત છે કે આવા વિદ્યાર્થીઓ આટલી મુશ્કેલ સ્થિતિમાં પણ પોતાના વતનથી શિક્ષણ લઈ શકે છે.’

bhakti desai columnists