આ શો એક વાર જોઈને કોઈ ખુશ નહીં થાય, તેમણે બીજી વાર શો જોવા આવવું જ પડશે

21 May, 2023 01:45 PM IST  |  Mumbai | Samir & Arsh Tanna

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ પ્રેઝન્ટેશન જોયા પછી અમને ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાને સજેશન પૂછ્યાં ત્યારે જ અમે તેમને આ વાત કહી દીધી અને રિયલમાં પણ એવું જ બન્યું

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ જોવા એનએમએસીસી પહોંચેલા સમીર અને અર્શ તન્ના

આપણે વાત કરીએ છીએ ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ના મેકિંગની. ગયા રવિવારે તમને કહ્યું એમ, નીતાબહેન અંબાણીની ઑફિસમાંથી અમને પ્રોડ્યુસર લિડિયા બુથેલોનો ફોન આવ્યો અને તેમણે વાત કરી કે અમે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર માટે એક શો પ્રોડ્યુસ કરીએ છીએ, જેને માટે નીતાબહેને સ્પેશ્યલી તમારું નામ આપ્યું છે. એ શો ડિરેક્ટર ફિરોઝ અબ્બાસ ખાન કરે છે. શું થીમ છે અને કઈ રીતે એ આખો શો ડિઝાઇન થવાનો છે એ બધું તમને ફિરોઝભાઈ સમજાવશે. ફિરોઝભાઈને અમે પહેલેથી જ ઓળખીએ. તેમને માટે અમે ‘ગાંધી માય ફાધર’ માટે એક ગીત કોરિયોગ્રાફ કર્યું હતું, પણ એ પછી અમારે કોઈ ખાસ એવો સંપર્ક રહ્યો નહોતો. આ શો માટે ફરીથી ફિરોઝભાઈને મળવાનું થયું અને આ વખતે અમે મળ્યા ત્યારે પૂરા મનથી મળ્યા. ખાસ્સી એવી લાંબી વાતો થઈ અને એ વાતો દરમ્યાન જ અમને ખબર પડી કે તેઓ પણ નરસી મોણજી કૉલેજના જ સ્ટુડન્ટ અને અમારા સિનિયર, પછી તો અલકમલકની ખૂબ વાતો થઈ. નાટક ‘ખેલૈયા’નાં ગીતો ગાયાં અને મહેન્દ્ર જોષીની પણ ખૂબબધી વાતો થઈ. એ પછી અમે આવ્યા અમારી કામની વાતો પર.

તેમણે આખી થીમ નરેટ કરતાં કહ્યું કે હું આ પ્રકારે આખો પ્લાન વિચારું છું અને એ પછી તેમણે સ્ટાર્ટ-ટુ-એન્ડ શો શું છે એનું જે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું એ ઑડિયો-વિડિયો પ્રેઝન્ટેશન દેખાડ્યું. એ પ્રેઝન્ટેશન જોઈને જ અમે સમજી ગયા કે આખી વાત ઇન્ડિયન કલ્ચરને કયા સ્તરે લઈ જવાની છે. ફિરોઝભાઈ આ આખા શો માટે પહેલેથી જ એકદમ ક્લિયર હતા. તેમને ખબર હતી કે તેઓ શું કરવા માગે છે, તો સાથોસાથ તેઓ એ બાબતમાં પણ એકદમ સ્પષ્ટ હતા કે તેમણે શું નથી કરવું. અમે હંમેશાં કહીએ છીએ કે તમને શું જોઈએ છે એની સ્પષ્ટતાની સાથોસાથ એ વાતની ક્લૅરિટી પણ હોવી જ જોઈએ કે તમારે શું નથી કરવું. અમે તમને અગાઉ કહ્યું હતું એમ, ફિલ્મ ‘ગાંધી માય ફાધર’ સમયે અમારે ફિરોઝભાઈ સાથે બહુ વાતો નહોતી થઈ, પણ એ દિવસે ઘણી એટલે ઘણી નિરાંતે વાત થઈ. અમે લગભગ અઢી-ત્રણ કલાક સાથે બેઠા હોઈશું. આખું પ્રેઝન્ટેશન દેખાડીને તેમણે અમને પણ પૂછ્યું કે તમને આ કેવું લાગ્યું? આમાં કોઈ સજેશન હોય તો એ પણ આપવા માટે અમને કહ્યું, પણ એવું હતું જ નહીં. નાનામાં નાની અને ઝીણામાં ઝીણી વાતનું તેમણે ધ્યાન રાખ્યું હતું. ડિરેક્ટર તરીકે ફિરોઝ અબ્બાસ ખાન ફ્લોર પર જતાં પહેલાં જ એટલા ક્લિયર હોય છે કે તમે વિચારી પણ ન શકો. અમારો અનુભવ રહ્યો છે કે જ્યારે ડિરેક્ટર પોતાના વિઝન અને કામમાં ક્લિયર હોય છે ત્યારે કોઈ દિવસ કામ નાહકનું ખેંચાતું નથી. એવા કામમાં થાક પણ નથી લાગતો, કારણ કે તમને ખબર છે કે તમારે જે ટનલમાં દાખલ થવાનું છે એમાં ક્યાં અને કેટલા ટર્ન આવે છે.

ડિરેક્ટરનું વિઝન ક્લિયર હોવાનો સીધો અર્થ એટલો કે તમને અંધારી ટનલમાં દાખલ કરવામાં નથી આવતા, તમારે લાઇટવાળી ટનલમાં દાખલ થવાનું છે.

‘તમારાં કોઈ સજેશન હોય તો તમે વિનાસંકોચ કહી શકો છો.’

ફિરોઝભાઈએ અમને આ જ શબ્દોમાં પૂછ્યું હતું. હા, પ્યૉર ગુજરાતીમાં. તેઓ બહુ સરસ ગુજરાતી બોલે છે. તેમનું ગુજરાતી સાંભળીને તમને એમ જ થાય કે આટલું ઑથેન્ટિક ગુજરાતી તમે અગાઉ ક્યારેય સાંભળ્યું નથી. ઍક્ચ્યુઅલી ફિરોઝભાઈનાં વાઇફ ગુજરાતી છે, જેને કારણે ફિરોઝભાઈનું ગુજરાતી બહુ સરસ છે, તો બીજી વાત એ છે કે ફિરોઝભાઈના ગ્રુપમાં એટલા બધા ગુજરાતી મિત્રો છે કે એને લીધે પણ તેમનું ગુજરાતી બહુ સરસ છે. તમને અગાઉ કહ્યું એમ, તેમણે ગુજરાતી નાટકો પણ કર્યાં છે.

‘તમારો આ શો જોઈને લોકો એક વખતમાં ખુશ નહીં થાય. તેમને એવું જ લાગશે કે તેમણે હજી કંઈક મિસ કર્યું છે.’ અમે કૉન્ફિડન્સ સાથે કહ્યું હતું, ‘જોજો તમે, લોકો બીજી વાર શો જોવા આવશે અને બીજી વખત જોયા પછી જ તેઓ રીઍક્શન આપી શકશે. આ શો એટલો સરસ તમે ડિઝાઇન કર્યો છે.’

અને એવું જ બન્યું.

લોકો પહેલી વાર શો જોયા પછી હતપ્રભ થઈને બહાર નીકળતા. તેમને પોતાની જ આંખો પર વિશ્વાસ નહોતો કે તેઓ શું જોઈને બહાર નીકળ્યા છે. મોટા ભાગના લોકોએ આ શો બીજી વાર જોયો છે તો અઢળક એવા લોકો પણ છે જેમને બીજી વાર શોની ટિકિટ જ ન મળી હોય અને વાયા-મીડિયા અમારો સંપર્ક સાધીને અમને કહ્યું હોય કે પ્લીઝ, ટિકિટનું કરાવી આપો. તમે માનશો નહીં, પણ એ હકીકત છે કે અમારા પણ અઢળક ઓળખીતા એવા છે જે ટિકિટના અભાવે આ શો જોઈ નથી શક્યા.

‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ની બીજી વાતો હવે આપણે કરીશું આવતા રવિવારે.

columnists nita ambani mukesh ambani