16 February, 2026 02:15 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
એક બાળકના જીવનમાં ઘણા જુદા-જુદા તબક્કા આવે. આજે એક એવા તબક્કા વિશે વાત કરવી છે જેના વિશે ભાગ્યે જ કોઈ વાત કરે છે અને જે મારા મતે બાળકના જીવનનો સૌથી અઘરો તબક્કો છે. એમાં શું કરવું, કેવી રીતે કરવું, આ બધું શું થઈ રહ્યું છે એ પ્રશ્નો કોઈ પણ બાળકને મૂંઝવી નાખે છે. ના, બોર્ડ એક્ઝામ જેવી ક્ષુલ્લક તકલીફની આ વાત નથી. અહીં જીવનની પરીક્ષાઓની વાત ચાલી રહી છે. આ તબક્કો એટલે કોઈ પણ બાળકના જીવનમાં ૨૫-૩૫ વર્ષની ઉંમરે આવતો તબક્કો. તમે કહેશો કે ૨૫-૩૫ વર્ષે કોઈ પણ વ્યક્તિ બાળક કેવી રીતે હોઈ શકે? માતા-પિતાના સંદર્ભમાં દરેક વ્યક્તિ કોઈ પણ ઉંમરે બાળક જ હોવાનું. ચાલો, બાળક છોડી આપણે સંતાન શબ્દ પકડીએ.
જીવનની જેટલી પણ કઠણાઈ ભગવાને લખી છે એ માતા-પિતાના ચોપડે લખાઈ છે. બાળકની આગળ ઢાલ બનીને ઊભેલાં માતા-પિતા સંતાન પર કોઈ કઠણાઈ આવવા નથી દેતાં. તેને દરેક પ્રૉબ્લેમથી બચાવે છે અને જો તે પ્રૉબ્લેમમાં પડે તો તેને ઉગારવાનું કામ પણ કરે છે. નાનું ૬ મહિનાનું બાળક દડાથી રમતું હોય ત્યારે તેનો દડો નીચે પડી ગયો હોય તો તે તરત તેની માને તેની ઇશારાવાળી ભાષાથી સમજાવશે કે પ્રૉબ્લેમ આવ્યો છે, દડો નીચે પડી ગયો, હવે શું કરું? મમ્મી ઉપાડીને આપે એટલે તે ખુશ થઈ જાય અને તેને સમજાય છે કે કંઈ પણ તકલીફ હશે તો આ બેન છે જે તેની તકલીફ દૂર કરશે. ભૂખ લાગે તો મમ્મી, ઊંઘ આવે તો મમ્મી, સુસુ-પૉટી થાય તો મમ્મી, પોતે પડી જાય તો મમ્મી, પેટ દુખે તો મમ્મી, કંઈ સારું ખાવું હોય તો મમ્મી, ટીચરની વઢ પડે તો મમ્મી, પપ્પાની પરમિશન જોઈએ તો મમ્મી, કંઈ પણ થાય તો મમ્મી. એવું જ પપ્પાઓનું હોય છે. બહાર જવું છે તો પપ્પા, કશી મોંઘી વસ્તુ ખરીદવી છે તો પપ્પા, સાઇકલ શીખવી છે તો પપ્પા, કોઈએ સ્કૂલમાં માર માર્યો તો પપ્પા, ગણિતનો કોઈ દાખલો જીવ ખાય છે તો પપ્પા, કોઈ કૉલેજમાં ઍડ્મિશનની તકલીફ છે તો પપ્પા, બિઝનેસ સ્ટાર્ટ કરવો છે તો પપ્પા, બૅન્કમાંથી લોન જોઈએ છે તો પપ્પા. દરેક પ્રૉબ્લેમનું સૉલ્યુશન એટલે મમ્મી અને પપ્પા, કારણ કે સ્પાઇડરમૅન અને બૅટમૅન તો પછી આવ્યા પણ જીવનમાં જે જન્મથી લઈને બાળકની દરેક મુસીબતને દૂર કરનારાં છે એ સુપર હીરો એટલે મમ્મી-પપ્પા. એવું ભાગ્યે જ કંઈ હોય જે એ લોકો સૉલ્વ ન કરી શકે.
જોકે સંતાન મોટું થાય ત્યારે તેના જીવનમાં એક બદલાવ આવે છે. ખાસ કરીને જે સંતાનો બહાર ભણવા કે કમાવા જતાં રહે અને ૫-૭ વર્ષ પછી ફરી મમ્મી-પપ્પા સાથે રહેવા આવે કે પછી મમ્મી-પપ્પાને પોતાના ઘરે લઈ જાય ત્યારે તેમને આ ધક્કો ચોક્કસ લાગે છે. કેટલાંય આશ્ચર્યચિહ્નો અને અઢળક પ્રશ્નોથી તેમનું મન ભરાઈ આવે છે. નાનપણથી જ જે મમ્મીની રસોઈના પર્ફેક્શનનાં વખાણ કરતાં તે થાકતાં નહોતાં એ મમ્મીની રસોઈમાં આજકાલ ક્યારેક મીઠું ઓછું-વત્તું કેવી રીતે થવા લાગ્યું? જે મમ્મી હોંશે-હોંશે ૫૦ માણસોનું રસોડું એકલું પતાવી શકતી હતી તેને હવે પાંચ જણની રસોઈ કરતાં પણ આટલી વાર લાગે છે? જે હંમેશાંથી આખા ઘરનાં કપડાં નક્કી કરતી હતી તે આજે ખુદ નક્કી નથી કરી શકતી કે તેણે લગ્નમાં કઈ સાડી પહેરવી? જે પપ્પાએ હંમેશાં રિસ્ક લઈને બિઝનેસની ગાડી ફુલ સ્પીડમાં ભગાવી હતી તેઓ આજે નૉર્મલ કાર ડ્રાઇવ કરવાનું રિસ્ક પણ લેવા કેમ નથી માગતા? ઘરમાં લાઇટ જતી રહેતી તો જે વીજળીવિભાગમાં દસ કૉલ કરીને તેમની ખબર લઈ લેતા તેઓ આજે જ્યારે લાઇટ જાય ત્યારે હશે, ગઈ હશે, આવી જશે હમણાં એમ કહીને કશું કરતા કેમ નથી? સંતાનને આ સમયે લાગતું હોય છે કે આ ખરેખર મારાં માતા-પિતા જ છેને?
નાનપણથી જોયું હોય છે બાળકે કે ઘરનાં અને બહારનાં કામ, પ્રોફેશનલ કારકિર્દી, સંતાનોનો ઉછેર, પારિવારિક જરૂરિયાતો, સામાજિક જવાબદારીઓ, આર્થિક ઉચાપતો બધું જ સંભાળવા માટે મમ્મી-પપ્પા બન્ને રોબોટની જેમ ઘડિયાળના કાંટે કામ કરતાં હતાં. તો મુખ્ય પ્રશ્ન એ જન્મે છે કે આ રોબોટ્સને થાક ક્યારથી લાગવા માંડ્યો? જે લોકોને નાનપણથી ૨૦-૨૦ કલાક કામ કરતાં જોયાં છે તેમને એકસાથે ચાર કામ જો સોંપ્યાં હોય તો બે કામ માંડ થાય અને બીજાં બે કામ પાછળના દિવસોમાં ઠેલવાઈ જાય છે. સમજાતું નથી કે બિલ ભરવા જેવું સામાન્ય કામ બીજા દિવસે તેઓ કેમ શિફ્ટ કરી રહ્યાં છે? આ તો એ લોકો છે જેમના હાથમાં કામ આવે અને ક્યારે થઈ ગયું હોય એની ખબર પણ ન પડે. જેમને એક સમયે દુનિયાના બધા દેશોનાં નામ આવડતાં હતાં તેઓ અત્યારે પોતાના જ બાળકની ઇન્ટરનૅશનલ કંપનીનું નામ યાદ કેમ યાદ નથી રાખી શકતાં?
આ પ્રશ્નો અને પરિસ્થિતિને કારણે બાળકો ચિડાય છે, ધૂંધવાય છે. સંતાનની અંદર નાનપણથી માતા-પિતાના સતત સ્ટ્રૉન્ગ સપોર્ટને કારણે જે બધું સ્થિર હોય છે એ સ્થિરતા એ સમયે ડગમગી જાય છે, જેને કારણે ક્યારેક માતા-પિતા સામે તે બરાડી ઊઠે છે અને ક્યારેક ન ઇચ્છવા છતાં કોઈ અસભ્ય કે અવિવેકી વર્તન તેનાથી થઈ જતું હોય છે. મમ્મી, આ શાકના ભારા તારાથી ઊંચકાતા નથી તો ન લાવ આટલું શાક, ઓછું લાવ અથવા ઑનલાઇન મગાવી લે, કેમ આટલી હેરાન થાય છે અને કરે પણ છે? પપ્પા, તમને કાર ચલાવવી નથી, ઈ-ટૅક્સી તમે જાતે કરી શકતા નથી તો હવે હું શું કરું? બધે તો તમને હું કારમાં ડ્રૉપ કરવા ન આવી શકુંને? આ સાંભળીને માતા-પિતા ખૂબ દુખી થાય છે. તેમને લાગે છે કે સંતાનો સમજતાં નથી.
કદાચ સમજાય તો છે પણ સંતાનોથી સ્વીકારાતું નથી. તેમનાથી સ્વીકારાતું નથી કે તેમના સુપર હીરો ઘરડા થઈ રહ્યાં છે. મારા મતે સંતાનના જીવનની આ સૌથી મોટી કટોકટી છે. તેના જીવનનો અતિ અઘરો સમય અહીંથી શરૂ થાય છે અને અહીંથી શરૂ થાય છે જીવનમાં રોલ-રિવર્સલ. જેમણે આખી જિંદગી તમારું ધ્યાન રાખ્યું છે તેમને હવે કાળજીની જરૂર છે. જેઓ આખી જિંદગી તમારી મુસીબતોનું વન પૉઇન્ટ સૉલ્યુશન હતાં તેમની મુસીબતોનું સૉલ્યુશન હવે તમારે આપવાનું છે. તે થાકી રહ્યાં છે તો તમારી ફરજ છે સતત વગર થાકયે કામ કરવાની. તે કશે અટવાઈ રહ્યાં છે તો તમારી ફરજ છે તેમની મૂંઝવણ દૂર કરવાની. દરેક સંતાને સમય આવ્યે સ્વીકારવું પડે છે કે સુપર હીરો પણ ઘરડા થઈ શકે છે અને એ સ્વીકૃતિની સાથે જન્મે છે જવાબદારીનું ભાન કે હવે સુપરહીરો બનવાનો વારો તેનો ખુદનો છે.