...અને ફેસિયલ પૉલ્ઝીને લીધે મારું મોઢું વાંકું થઈ ગયું

15 September, 2020 01:54 PM IST  |  Mumbai | Sanjay Goradia

...અને ફેસિયલ પૉલ્ઝીને લીધે મારું મોઢું વાંકું થઈ ગયું

નાટક ‘કરો કંકુના’ સમયે જ મને ફેસિયલ પૉલ્ઝી થઈ અને એ જ નાટકમાં હું લીડ ઍક્ટર હતો. ફેસિયલ પૉલ્ઝીને લીધે ચહેરા પર ડાબી બાજુએ થયેલી અસર આ ફોટોમાં તમને સ્પષ્ટ દેખાશે.

‘સંજય, તારી બે આંખમાંથી એક જ આંખ કેમ બ્લિન્ક થઈ, બીજી આંખ કેમ ફરકતી નથી?’
હું શરદ સ્માર્તને મળવા ગયો ત્યારે તેમણે આ વાત નોટિસ કરી. મને પણ સવારથી ઍબ્નૉર્મલ લાગ્યું. મેં તેમને કહ્યું પણ ખરું કે આજે સવારથી એવું થાય છે. સવારે હું કોગળા કરતો હતો ત્યારે પાણી મોઢાની એક બાજુએથી એની મેળે નીકળી ગયું.
શરદભાઈએ વાત સાંભળીને મને કહ્યું, ‘સંજય મારું માન, તું તાત્કાલિક ડૉક્ટરને દેખાડ...’
સવારે તો મેં આ વાત તરફ આંખ આડા કાન કરી લીધા હતા, પણ શરદભાઈએ કહ્યું એટલે મારું ટેન્શન વધવા માંડ્યું. એ સમયે જે. અબ્બાસ ત્યાં જ હતાં. તેમના કોઈ નાટકનો ચૅરિટી શો ચાલતો હતો. અબ્બાસભાઈએ મને કહ્યું કે ‘ડૉક્ટર અહીં હાજર જ છે, તું મળી લે.’ તેમના એ ડૉક્ટર-મિત્રનું નામ તો મને અત્યારે યાદ નથી, પણ તેમની અટક સાવલા હતી. એ ડૉક્ટર સાવલાની મલાડમાં બહુ મોટી હૉસ્પિટલ. અબ્બાસભાઈએ તાત્કાલિક તેમને બોલાવ્યા. તેમણે મને જોઈને એક જ સેકન્ડમાં કહી દીધું કે તને ફેસિયલ પૉલ્ઝી છે, મટી જશે, ચિંતા કરવાની જરૂર નથી; પણ મિત્રો, ફેસિયલ પૉલ્ઝી વિશે તમે જાણશો તો તમને સમજાશે કે એ કેવી ચિંતા કરાવે એવી બીમારી છે. અનુપમ ખેરને પણ ફેસિયલ પૉલ્ઝી થઈ હતી. આ બીમારીમાં તમારા ડાબા કાનની નીચેથી સેવન્થ નર્વ પસાર થાય છે, માટે એને સેવન્થ નર્વ પૉલ્ઝી પણ કહે છે. તમને સૂવા ફેર થાય કે સ્કૂટર પર જતા હો અને કાનમાં પવન લાગે તો આ નર્વ પર અસર થાય અને તમારો ડાબી બાજુનો ચહેરો ખોટો પડી જાય. બાકી આખું શરીર બરાબર ચાલતું હોય, પણ તમારા ચહેરાનો ડાબો ભાગ ખોટો પડી જાય. આંખ પટપટતી બંધ થાય, મોઢું વાંકું થઈ જાય કે પછી એ બાજુએ કોઈ સેન્સેશન ન આવે. આ બીમારીનું લંડનમાં હુલામણું નામ છે ‘સેટરડે નાઇટ પૉલ્ઝી.’ બ્રિટિશરો શનિવારે મોડી રાત સુધી પાર્ટી કરે અને પછી છેક વહેલી સવારે ઘરે જઈને સૂઈ જાય. લગભગ બેહોશીની હાલતમાં, હોશ ન હોવાને કારણે પડખું પણ ન ફરે એટલે બને એવું કે તેમની આ સાતમી નસ દબાઈ જાય, જેને લીધે પૉલ્ઝી થાય માટે ત્યાંના ડૉક્ટરોએ આનું હુલામણું નામ પાડ્યું ‘સેટરડે નાઇટ પૉલ્ઝી.’
‘તને ફેસિયલ પૉલ્ઝી છે...’
એ દિવસે હું લગભગ રડી પડ્યો હતો. મહિના પછી મારું નાટક છે ત્યારે આવી ઉપાધિ? મારી કરીઅરનું, બૅનરનું મેજર પ્રોડક્શન જ્યારે મંજિલ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવડી મોટી તકલીફ? અધૂરામાં પૂરું, નાટકમાં હું મેઇન રોલ કરું છું અને એવા સમયે આવી વિટંબણા?
મને ઢીલો પડેલો જોઈને ડૉક્ટર સાવલાએ મને સધિયારો આપ્યો, કહ્યું કે જરા પણ ડરવાની જરૂર નથી. હજારો લોકોને આ બીમારી થઈ છે અને એ હજારોએહજારો લોકો સાજા થઈ ગયા છે. જોકે મારા માટે આ બીમારી તદ્દન નવી હતી, મારા માટે જ શું કામ, આ પ્રકારની બીમારી મોટા ભાગના લોકો માટે નવી જ હોય, નવી પણ અને બીક લાગે એવી પણ. હું ખૂબ ડરી ગયો હતો. મેં મારી મૂંઝવણ ડૉક્ટરને પણ કહી. આટલું મોટું પ્રોડક્શન મારે સંભાળવાનું અને સાથોસાથે મુખ્ય ભૂમિકા પણ કરવાની એટલે એના પ્રીપરેશનમાં પણ ધ્યાન આપવાનું અને એમાં આ ફેસિયલ પૉલ્ઝી! મારે હવે કરવાનું શું?
ડૉક્ટર સાવલાએ કહ્યું કે ૮થી ૧૦ દિવસમાં ઠીક થઈ જશે, બસ મેડિસિન ચાલુ કરી દે. તેમણે મને સ્ટેરૉઇડ આપી અને સાથે બી-૧૨ની ગોળી પણ લખી આપી. મને કહ્યું કે તું આ દવા ચાલુ કરી દે, બધું સારું થઈ જશે. એ સમયે મને સ્ટેરૉઇડ શું છે એની પણ ખબર નહોતી. સ્ટેરૉઇડનો મારો ટેપરિંગ ડોઝ હતો. ટેપરિંગ ડોઝ એટલે શું એ તમને કહું. પહેલાં એક કે બે દિવસ દરરોજ ત્રણ ડોઝ લેવાના અને એ પછી બે ડોઝ અને એ પછી એકેક ગોળી પર આવી જવાનું. આમ ઊતરતા ક્રમે જે ગોળી લેવાની હોય એને ટેપરિંગ ડોઝ કહેવામાં આવે. મને જે સ્ટેરૉઇડની ગોળીઓ આપી હતી એ મેં આંખ બંધ કરીને દિવસમાં ત્રણ-ત્રણ વાર લેવાની ચાલુ જ રાખી. ૧૦-૧૨ દિવસ સતત ત્રણ-ત્રણ સ્ટેરૉઇડની ગોળી લીધા પછી પણ મોઢું વાંકું ને વાંકું જ રહ્યું. હું ડૉક્ટર સાવલા પાસે પાછો ગયો એટલે તેમણે મને ન્યુરોલૉજિસ્ટને દેખાડવાની ઍડ્વાઇઝ આપી. બધું ચેક કરીને ન્યુરોલૉજિસ્ટે કહ્યું કે મને ડાયાબિટીઝ છે કે નહીં એ મારે તાત્કાલિક ચેક કરાવવું.
હા મિત્રો, મને ડાયાબિટીઝ આવી ગયું હતું. ઘણા ડૉક્ટરોનું માનવું હતું કે મેં લાંબો સમય સ્ટેરૉઇડ લીધી એને લીધે ડાયાબિટીઝ આવ્યું તો સામા પક્ષે ઘણા ડૉક્ટરોનું એવું પણ માનવું હતું કે મને ડાયાબિટીઝ હતું, પણ એની મને ખબર નહોતી એટલે મને ડાયાબિટિક ન્યુરોપથીને લીધે ફેસિયલ પૉલ્ઝી થઈ ગઈ. સાચું-ખોટું રામ જાણે, પણ મારું મોઢું પહેલાં શો સુધી એકદમ સીધું થયું જ નહીં. નાટકના પહેલા શો પછી મને ફિઝિયોથેરપીનું કહેવામાં આવ્યું. ફિઝિયોથેરપી શરૂ થયા પછી મારું મોઢું ધીમે-ધીમે સીધું થવાનું શરૂ થયું, પણ મને તો એની જાણ બહુ પછીથી થઈ હતી. આજના આર્ટિકલની સાથે મારો જે ફોટો છે એ જોશો તો તમને ખ્યાલ આવશે કે મારું મોઢું વાંકું છે.
પહેલો શો થયો અને ઠીક-ઠીક ગયો. મને ખબર પડતી નહોતી, પણ લોકોને ખબર પડતી હતી કે હું હસતો હોઉં તો પણ વિચિત્ર લાગતો અને ગુસ્સો કરું તો પણ વિચિત્ર લાગતો, કારણ મોઢું આખું વાંકું થઈ ગયું હતું. એ સમયે ઑડિયન્સને કદાચ એ ઍક્ટિંગ લાગતી હશે. ‘કરો કંકુના’ રિલીઝ થયું ત્યારે પબ્લિક શોની સાથોસાથ ચૅરિટી શોનો પણ સમય શરૂ થઈ ગયો હતો, પણ અમને ચૅરિટી શો બહુ મળતા નહોતા. કૉમેડી નાટક હતું એટલે અમે એની પબ્લિસિટીમાં હું, નારાયણ રાજગોર, દિનુ ત્રિવેદી, તુષાર ત્રિવેદી એમ બધાના હસતા મોઢાવાળા ફોટો જાહેરખબરમાં વાપર્યા જે આઇડિયા કામ કરી ગયો અને અમને ટિકિટબારીએ બહુ સારો રિસ્પૉન્સ મળવા માંડ્યો. અમારો આ આઇડિયા ચાલ્યો એટલે નાટકને વધારે જોર સાથે ચલાવવા અમે જાહેરખબરમાં ખૂબ ગતકડાં કર્યાં, જે પૈકીનાં અમુક ગતકડાં આજે યાદ આવે છે ત્યારે મને શરમ આવે છે કે અમારે એવું કરવું જોઈતું નહોતું, પણ મિત્રો, એ વખતે એટલી સમજણ નહોતી કે સાચું-ખોટું અને યોગ્ય-અયોગ્યની ખબર પડે.
નાટકનાં રિહર્સલ્સ વખતે જ મને બીમારી આવી એટલે હું ભારોભાર ટેન્શનમાં હતો. એક તો બીમારીમાંથી ક્યારે બધું પાર પડશે એ વાતનું ટેન્શન અને સાથોસાથ મારા પર આવડા મોટા પ્રોડક્શનની જવાબદારી, ઍક્ટિંગની પણ ચિંતા અને બધાં કામ સરખાં પાર પડે એનું પણ ટેન્શન. બીજી તરફ રિહર્સલ્સમાં રોજ એક કલાકાર આવીને ના પાડે કે મારે આ નાટક નથી કરવું. મારે કબૂલવું જોઈએ કે એ નકારમાં ક્યાંય કલાકારનો વાંક નહોતો. એ વખતે કદાચ મારી સમજણ ઓછી હતી. જો તમે બદલાઓ તો આજુબાજુવાળા એની મેળે બદલાશે, પણ જો તમે જડ રહ્યા તો આજુબાજુનું ક્યારેય કશું જ નહીં બદલાય. એ સમયે હું નવો, કૌસ્તુભ પણ નવો, આમ અમે બન્ને નવા નિર્માતા એટલે કોઈને પણ અમારા પર બહુ ભરોસો નહીં. દિનુ ત્રિવેદી, તુષાર ત્રિવેદી અને નારાયણ રાજગોર એ ત્રણ સિનિયર કલાકારોનો મત ક્યારેય બદલાયો નહીં. આજે, આ સમયે હું તેમનો આભાર માનું છું કે તેમણે ક્યારેય અમારા પર અવિશ્વાસ દેખાડ્યો નહીં અને નાટક પૂરું કર્યું. વી થૅન્ક્સ અવર સિનિયર ઍક્ટર્સ, પણ સામા પક્ષે નવા કલાકારોને એવું લાગતું હતું કે અમે નાટક બરાબર ચલાવી નહીં શકીએ.
ખેર, આવા નનૈયા દરરોજ સાંભળ્યા પછી પણ એક વાત નક્કી હતી કે હામ અમારામાં બહુ, હિંમત ભારોભાર એટલે દરરોજ નવાં-નવાં સંકટ આવે તો અમે લોકો એને પહોંચી વળતા. મારે એ પણ ખાસ કહેવું છે કે ડિરેક્ટર રાજુ જોષી અને રાઇટર પ્રકાશ કાપડિયાનું ટ્યુનિંગ બહુ સરસ હતું. પ્રકાશ બહુ સારો લેખક છે એ કહેવાની જરૂર નથી. આજે તેનું કામ આખી દુનિયાએ જોઈ લીધું છે. પ્રકાશે ‘દેવદાસ’, ‘પદ્‍માવત’, ‘બાજીરાવ મસ્તાની’, ‘તાનાજી - ધી અનસંગ વૉરિયર’ જેવી ફિલ્મો લખીને પોતાનું કૌવત દેખાડ્યું છે તો રાજુ જોષીએ પણ પોતાની જાત પુરવાર કરી બતાવી છે. રાજુનો ઇમેજિનેશન પાવર બહુ સારો. બહુ સરસ દિગ્દર્શક. હું તેને એ વખતે પણ કહેતો હતો કે તું આ ચાર્ટર્ડ અકાઉન્ટસી ફર્મની જૉબ છોડીને ફુલ ટાઇમ નાટકલાઇનમાં આવી જા, પણ એ વખતે તેની હિંમત નહોતી થતી, પણ ફાઇનલી એક દિવસ તેણે એ નોકરી છોડી દીધી અને એ પછી રાજુ ટીવી-ઇન્ડસ્ટ્રીનો ટૉપનો રાઇટર બન્યો. રાજુ આજે ટીવી-ઇન્ડસ્ટ્રીના ટોચના પાંચ હાઇએસ્ટ પેઇડ રાઇટરમાંનો એક છે. સુશાંતસિંહ રાજપૂત જે સિરિયલથી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો એ એકતા કપૂરની ‘પવિત્ર રિશ્તા’ રાજુએ લખી હતી.
નાટક ‘કરો કંકુના’ અને મારા પર આવી પડેલી આપત્તિની વાતો કરીશું આવતા મંગળવારે...

જોકસમ્રાટ
પપ્પુએ ડૉક્ટરને પૂછ્યુંઃ ‘હેં ડૉક્ટર, તમારી પાછળ MD કેમ લખેલું છે?’
ડૉક્ટર ઃ ‘જો દરદીને સારું થઈ જાય તો ઠીક છે, નહીંતર... મિચ્છામિ દુક્કડં’

Sanjay Goradia columnists