તમારા કામનો સંતોષ તમને ક્યારે મળે?

11 May, 2023 04:53 PM IST  |  Mumbai | JD Majethia

ત્યારે જ્યારે લોકો એ કામને એ જ રીતે જુએ જે રીતે તમે એને પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય. ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડ્‍સની રાતે મને એ જ વાતનો અનુભવ થયો અને સાચું કહું તો મને એ ક્ષણ યાદ આવે છે તો અત્યારે પણ ગૂઝબમ્પ્સ આવે છે

પાંચ ઓવરમાં સો રનનો અનબિલીવેબલ ટાસ્ક હૅટ્સ ઑફની ટીમે પૂરો કર્યો હોય એવું એ રાતે લાગ્યું હતું.

હું કાન ખોલી, આંખો ફાડીને નામ સાંભળવા માટે સ્ટેજ સામે તાકતો હતો. મને એમ થાય કે હમણાં નામ બોલે, હમણાં નામ બોલે અને જ્યારે આવો સમય આવે ત્યારે ટાઇમ પણ છેને સાવ ધીમો પડી જાય. એ સમયે પણ એવું જ લાગતું હતું કે આ એકેક સેકન્ડ કેમ આટલી ધીમી ચાલે છે?

આપણે વાત કરીએ છીએ ઇન્ડિયન ટેલિવિઝન અવૉર્ડ્‍સની. તમને કહ્યું એમ આપણી બે સિરિયલનાં અલગ-અલગ કુલ ૩૮ નૉમિનેશન હતાં. ટીમનો આગ્રહ હતો તો લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ જેમને મળવાનો હતો એ સરિતાબહેનનો પણ આગ્રહ કે તું આવજે. બા કહે એટલે નૅચરલી આપણે જવાનું જ હોય. હું તો ગયો. અવૉર્ડ્‍સ શરૂ થયા અને અમુક અવૉર્ડ્‍સમાં નૉમિનેશન ફેલ ગયું અને એ પછી સમય આવ્યો સરિતાબહેનના અવૉર્ડનો. તેમનું સન્માન થયું, અવૉર્ડ અપાયો એટલે મને થયું કે હું હવે નીકળું, પણ ત્યાં ‘પુષ્પા ઇમ્પૉસિબલ’માં રાશિનું કૅરૅક્ટર કરતી દેશનાએ મને રોક્યો. દેશના કહે કે અમારી કૅટેગરી હજી આવવાની બાકી છે તો અમારા માટે તો રોકાવ. મને થયું કે ચાલો, બચ્ચાંઓ માટે થોડી વધારે વાર રોકાઈ લઈએ. ત્યાં જ ઇવેન્ટ ઑર્ગેનાઇઝરે પણ આવીને મને કહ્યું કે તમારે એક અવૉર્ડ આપવા માટે જવાનું છે તો પ્લીઝ, નીકળી નહીં જાઓ.

હું હંમેશાં માનું કે ઇન્ડસ્ટ્રીમાં જે ઇવેન્ટ થતી હોય એને બધાએ સાથે મળીને સપોર્ટ કરવો જોઈએ. બહુ અર્જન્ટ કામ હોય અને કોઈના જીવનમરણનો સવાલ હોય તો સમજ્યા, પણ બાકી સમયનો થોડો ભોગ આપીને પણ તમારે આ કામમાં સપોર્ટ કરવો જોઈએ. તમારી આ જ ભાવના ઇન્ડસ્ટ્રીની એકતાને અકબંધ રાખતી હોય છે.

મને કહેવામાં આવ્યું એટલે હું રોકાઈ ગયો. આ સમય દરમ્યાન ઘણા કલાકારોને મળવાનું બન્યું. મજા આવી. ઘણા નવા કલાકારોને પહેલી વાર મળવાનું પણ બન્યું. વચ્ચે-વચ્ચે અવૉર્ડ્‍સ ચાલુ જ હતા. અમારાં નૉમિનેશન આવ્યે રાખતાં હતાં. ઘણા ઓળખીતા મિત્રો હતા તેમને અવૉર્ડ મળતા હતા એટલે એ વાતની ખુશી પણ હતી. રૂપાલી ગાંગુલીને ‘અનુપમા’ માટે અવૉર્ડ મળ્યો. રૂપાલી મળી તો બીજા પણ એવા જૂના કલાકારો મળ્યા જેમની સાથે અગાઉ અમે કામ કર્યું હોય. અર્જુન બિજલાની, રવિ દુબે અને એવા બીજા અનેક કલાકારો મળ્યા. લાંબા સમયે તમે બધાને મળતા હો, રૂબરૂ મળતા હો તો એની ખુશી જુદી હોય. ‘અરે, તમે તો આવા લાગો છો...’ અને ‘તું તો આવો થઈ ગયો...’ જેવી વાતો વચ્ચે ઇવેન્ટ આગળ વધતી જતી હતી અને એમ કરતાં-કરતાં વારો આવ્યો અવૉર્ડ પ્રેઝન્ટ કરવાનો. મારી એ જવાબદારી પૂરી કરીને હું બસ નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં જ નામ અનાઉન્સ થયું ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ના પૅકેજિંગનું એટલે કે પ્રોમો બનાવતી ક્રીએટિવ ટીમનું અને એમાં ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ને અવૉર્ડ મળ્યો.

હું લેવા ગયો અને લઈને હજી તો પાછો આવ્યો ત્યાં તો બીજું નામ અનાઉન્સ થયું અને કાસ્ટિંગ ડિરેક્ટરને અવૉર્ડ મળ્યો. એ લઈને આવ્યો અને બધા વાત કરે ત્યાં તો પરિવા પ્રણોતીને ‘વાગલે કી દુનિયા’ માટે અવૉર્ડ મળ્યો. એ પછી અમને એમ કે હવે અમારી પુષ્પાને એટલે કે કરુણા પાંડેને અવૉર્ડ નહીં મળે, પણ ત્યાં તો અચાનક જ એક કૅટેગરી અનાઉન્સ થઈ અને ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ માટે કરુણા પાંડેને અવૉર્ડ મળ્યો. 

આઇપીએલની મૅચ હોય એવું બન્યું હતું. અચાનક જ આખી બાજી બદલાઈ ગઈ હોય એમ અવૉર્ડ પર અવૉર્ડ શરૂ થઈ ગયા હતા. અમે બધા એકદમ ખુશ. જોરદાર તાળીઓ અને ચિચિયારીઓ એકદમ ચાલુ. અમારા બધા માટે સરપ્રાઇઝ હતી કે અરે, શું વાત છે? આ અવૉર્ડ્‍સ? થોડી વાર જાય અને ત્યાં પાછું નવું નામ આવે અને અમારી સરપ્રાઇઝ ફરીથી ઉપર આવે. વાહ, આ અવૉર્ડ માટે પણ... એક પછી એક અવૉર્ડ આવતા જ રહ્યા. બેસ્ટ કાસ્ટ માટે ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ને અવૉર્ડ મળ્યો તો અંજનજીને ‘બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર’ તરીકેનું સન્માન મળ્યું. એક પછી એક અવૉર્ડ ચાલુ જ હતા. કરુણા, અંજનજી, પરિવાર, સુમિત અને એ બધામાં શિરમોર સમાન સરિતાબહેનને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ. 

ઑનેસ્ટ્લી કહું તો મેં એ એક્સ્પેક્ટ કર્યું નહોતું. છેલ્લી પાંચ ઓવર બાકી હોય અને સો રન કરવાના હોય તો તમે કેવી રીતે ધારી શકો કે આ તો ઈઝીલી થઈ જશે? જોકે એવું જ થયું અને છેલ્લી પાંચ ઓવરમાં સો રનની દિશામાં અમે આગળ વધ્યા હતા. બધાના ચહેરા જોવા જેવા હતા. બધાની આંખોમાં તાજુબ હતું. અવૉર્ડનું નામ આવે અને અમારા બે પ્રોજેક્ટમાંથી એકનું નામ બોલાય કે તરત અમે બધા એકબીજાની સામે જોઈએ, મોટી આંખો સાથે. અરે, પછી તો એક સમયે એવું બની ગયું હતું કે ‘પુષ્પા’ને અવૉર્ડ મળે કે ‘વાગલે’ને, અમારા બન્ને પ્રોજેક્ટની આખી ટીમ ઊછળી પડે. 

કેવું કહેવાય કે વધી-વધીને એક કે બે અવૉર્ડ લઈને જવાના હતા એને બદલે દસ અવૉર્ડ્‍સ આવ્યા અને આ બધામાં સૌથી વધારે મજા આવી એક અવૉર્ડના અનાઉન્સમેન્ટ વખતે. એ અવૉર્ડ હતો ટેલિવિઝન શો વિથ સોશ્યલ મેસેજ. 

આ એક એવો અવૉર્ડ છે જે બે શો વચ્ચે શૅર થયો છે.

હું આંખ ફાડીને, કાન હાથી જેવડા કરીને સાંભળતો હતો કે એમાં કયા શોનું નામ બોલાય છે. મને હતું કે ‘વાગલે કી દુનિયા’નું નામ તો હશે જ, પણ એની સાથે બીજા કયા શોનું નામ બોલાય છે એ સાંભળવાની મારી ઉત્સુકતા જબરદસ્ત હતી. ઇન્ડિયન ટેલિવિઝન પર ‘વાગલે કી દુનિયા’માં અમે અનેક એવી સ્ટોરી કરી જે આજના સમયની આવશ્યકતા હતી. ગુડ ટચ-બૅડ ટચ જેવા 
સેન્સિટિવ ટૉપિકને પણ અમે એવી સરસ રીતે ‘વાગલે કી દુનિયા’માં લાવ્યા હતા કે ટ્વિટર પર પહેલી વાર કોઈ ટીવી-સિરિયલ ટ્રેન્ડ પર આવી. આ સિવાયના પણ અનેક એવા સબ્જેક્ટ અમે કવર કર્યા હતા જે આજના સમયની, આજની ફૅમિલીની જરૂરિયાત હતી. ‘વાગલે કી દુનિયા’ને સોશ્યલ મેસેજ માટે અવૉર્ડ મળશે એવું મને મારી શ્રદ્ધાથી લાગતું હતું, પણ એની સાથે એ અવૉર્ડ શૅર કોણ કરે છે એ પણ મારા માટે એટલું જ મહત્ત્વનું હતું.

હું કાન ખોલી, આંખો ફાડીને નામ સાંભળવા માટે સ્ટેજ સામે તાકતો હતો. મને એમ થાય કે હમણાં નામ બોલે, હમણાં નામ બોલે અને જ્યારે આવો સમય આવે ત્યારે ટાઇમ પણ છેને સાવ ધીમો પડી જાય. એ સમયે પણ એવું જ લાગતું હતું કે આ એકેક સેકન્ડ કેમ આટલી ધીમી ચાલે છે? ધીમો ચાલતો એ સમય અને લંબાતી જતી મારી ઉત્સુકતા. મારી ઉત્સુકતા એવી જ હતી જેવી તમને અત્યારે એ શોનું નામ વાંચવાની ઉત્સુકતા ઊભી થઈ છે કે એ શો કયો હતો?

એ શો હતો ‘પુષ્પા ઇમ્પૉસિબલ’.

હા, સોસાયટીને ટીવી-શો દ્વારા આપવાના સોશ્યલ મેસેજમાં જે બે શો વચ્ચે એ અવૉર્ડ શૅર કરવામાં આવ્યો એ બે શોમાંથી એક શો હતો ‘વાગલે કી દુનિયા’ અને બીજો શો હતો ‘પુષ્પા ઇમ્પૉસિબલ’. તમે વિચાર કરો કે બન્ને અમારા શો, તમારા શો. બન્ને શો આપણા હૅટ્સ ઑફ પ્રોડક્શન્સના. 

સાવ સાચું કહું, મારી આખ રાત એ અવૉર્ડને કારણે આખી બદલાઈ ગઈ. મને થયું કે આપણે જે કામ કરીએ છીએ એ કામને એ જ રીતે જોવાનું કામ પણ થઈ રહ્યું છે અને જ્યારે આવું બને ત્યારે તમને મનમાં સંતોષ જાગે. એ સમયે હું સ્ટેજ પરથી અવૉર્ડ લેતી વખતે બોલ્યો પણ ખરો કે... શું બોલ્યો એની વાત હવે આવતા વીકમાં કરીશું, કારણ કે અવૉર્ડ્‍સ અને અવૉર્ડ્‍સ નાઇટની ઘણીબધી એવી વાતો તમારી સાથે શૅર કરવાની છે જે જાણવાની તમને બહુ મજા આવશે. મળીએ આવતા ગુરુવારે...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists JD Majethia