સાધુની સમજાવટ

27 May, 2020 09:51 PM IST  |  Mumbai | Heta Bhushan

સાધુની સમજાવટ

સાધુ નાગાર્જુનને એક ભક્તે મૂલ્યવાન સોનાનું હીરા અને રત્નોથી મઢેલું ભિક્ષાપાત્ર આપ્યું. એક ચોર સાધુનું એ ભિક્ષાપાત્ર ચોરી લેવા પાછળ પડ્યો. સાધુએ સહજતાથી કીમતી પાત્ર ચોરને આપી દીધું. ચોરને નવાઈ લાગી કે આટલું કીમતી પાત્ર કોઈ કઈ રીતે આમ સહજતાથી આપી શકે. ચોરે સાધુને પૂછ્યું, ‘આપ આટલી સહજતાથી આ કીમતી પાત્ર કઈ રીતે ત્યાગી શકો?’ સાધુએ કહ્યું, ‘ભાઈ, કીમતી તારા માટે છે, મારા માટે નહીં.’ 

સાધુની વાત સાંભળી ચોર તેમના પગમાં પડી ગયો. સાધુનો સ્પર્શ થતાં તેને  પહેલી જ વાર દિવ્યતાનો અનુભવ થયો.
ચોરે સાધુને પૂછ્યું, ‘સાધુ મહારાજ, આપ પરમ સિદ્ધ યોગી છો, સાચા સંત છો. મારે આપ જેવા બનવું હોય તો મને કેટલા જન્મ લાગશે?’
નાગાર્જુન સાધુ હસ્યા અને બોલ્યા,
‘શું કામ કેટલા જન્મ લાગે? મારા જેવા બનવું તો સાવ સહેલું છે. તું આજે જ મારા જેવો બની શકે. અરે, અત્યારે જ બની શકે.’
ચોર બોલ્યો, ‘સાધુ મહારાજ, મારી સાથે આવી મજાક શું કામ કરો છો? હું તમારા જેવો અત્યારે જ કઈ રીતે બની શકું. હું એક કુખ્યાત ચોર છું, પાપી છું. કેટલીયે ચોરી કરી છે. રાજાના મહેલમાં પણ ચોરી કરી છે. અનેક પાપ કર્યાં છે. તમે મને મળ્યા અને જીવનમાં સાચો રસ્તો મળ્યો, પણ ઘડીકમાં, એક દિવસમાં હું થોડો તમારા જેવો બની શકું?’
નાગાર્જુન સાધુ બોલ્યા, ‘જો, મારી વાત શાંતિથી સાંભળ. એક ઘર અનેક વર્ષોથી બંધ છે. ત્યાં માત્ર અંધારું જ છે અને તું એક દીવો લઈને એ ઘરમાં દાખલ થાય છે તો ત્યાં રહેલો અંધકાર થોડો એમ કહેશે કે હું અહીં અનેક વર્ષોથી રહું છું એટલે તું એક દીવો લઈને આવીશ એટલે હું અહીંથી ચાલ્યો જઈશ. હું અહીંથી જઈશ નહીં. હું અહીં જ રહીશ. ના, અંધકાર આવું કહી જ ન શકે, કારણ કે તું હાથમાં દીવો લઈને પ્રવેશ કરીશ એવો તરત જ અંધકાર ત્યાં ટકી જ નહીં શકે પછી એ અંધકાર વર્ષોથી હોય કે માત્ર એક દિવસથી. અંધકાર દૂર થશે અને એનું સ્થાન દીવાનો પ્રકાશ લેશે.’
ચોરને સાધુની વાત સમજાઈ ગઈ કે જ્યારે પ્રકાશ ફેલાય છે ત્યારે અંધકાર ટકી જ શકતો નથી. નાગાર્જુન સાધુ બોલ્યા, ‘તું વર્ષોથી ભલે ખોટાં કામ અને પાપના અંધકારમાં હતો. જો તું તારા અંતરમાં સાચો પ્રકાશ ફેલાવતો દીવો પ્રકાશિત કરીશ તો અંધકાર નહીં જ રહે. બસ, આજથી સજાગ બન; સાચા માર્ગે જીવનને લઈ જવા સદા જાગૃત રહેશે તો જીવનમાં અંધકાર નહીં જ રહે.’ સાધુની સમજાવટે એક ચોરનું જીવન બદલી નાખ્યું.

heta bhushan columnists