કોરોના-વેકેશનમાં શું કરશો તમે?

04 April, 2020 07:42 PM IST  |  Mumbai Desk | Sanjay Raval

કોરોના-વેકેશનમાં શું કરશો તમે?

આપણે અત્યારે કોરોનાની વાત નથી કરવાના, આપણે બધા ન્યુઝ અને સોશ્યલ મીડિયા પરથી આ બાબતની નવી-નવી માહિતી, ફૅક્ટ્સ અને ફિગર્સ મેળવી જ લઈએ છીએ એટલે એનો અતિરેક કરવાની જરૂર નથી કે પછી એની એ જ વાતનું પુનરાવર્તન કરવાની પણ મને આવશ્યકતા લાગતી નથી. આજે આપણે વાત કરવાની છે લૉકડાઉનના બાકી રહેલા દિવસોમાં હવે તમે શું-શું કરી શકો છો. લૉકડાઉનમાં આપણે બધા ઘરમાં જ છીએ અને આ સમયમાં બહાર નીકળીને નાહકની આપણી, આપણા સ્વજનોની અને સરકારની મુશ્કેલીમાં વધારો ન કરતાં આપણે લૉકડાઉનને સ્વીકારવું જ જોઈએ એવું તો કોઈ અભણ પણ સમજાવી શકે. મને એક વાત ખાસ કહેવી છે કે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ બહાર લેવા જવાનું થાય ત્યારે પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ સમયે પણ ઇન્ફેક્શન લઈને ઘરમાં આવવાનું ન બને.

લૉકડાઉનના આ પિરિયડમાં આપણને બધાને ઘરે કંટાળો આવે એવું બની શકે. મનમાં થાય પણ ખરું કે ટીવી પણ કેટલી વાર જોવું? અને પરિવારના સભ્યો સાથે વાત પણ તમે કેટલી કરી શકો? વાતો કરવા માટે પણ ટૉપિકની જરૂરિયાત ઊભી થતી હોય છે અને ટૉપિક માટે પણ બહાર નીકળવું જરૂરી હોય છે. સમજી શકાય કે નૉર્મલ વ્યક્તિ કોઈ પણ એક જગ્યાએ વધારે સમય રહી શકે નહીં અને એ વધારે સમય રહી નથી શકતો એટલે જ તેને નૉર્મલ માનવામાં આવે છે. વાત નૉર્મલની છે આ, હાઇપર ઍક્ટિવની વાત તો હજી જુદી છે. અત્યારના સમયમાં મોટા ભાગના લોકો હાઇપર ઍક્ટિવ છે, જેમને સતત કોઈ પ્રવૃત્તિ કરવાની ઇચ્છા થયા કરે છે અને માત્ર ઇચ્છા જ નહીં, તેઓ સતત કામ પણ કરતા રહે છે. હાઇપર ઍક્ટિવની નબળાઈ એ છે કે તેની પાસે જ્યારે કામ હોતું નથી ત્યારે તેની હાલત સૌથી વધારે કફોડી બને છે. વર્ક ફ્રૉમ હોમ અત્યારે છે જ, પણ ઑફિસના માહોલમાં કામ કરવું અને ઘરે બેસીને કામ કરવું એ બન્ને વચ્ચે ફરક છે અને આ ફરકને ખાસ કરીને ફૅમિલી-મેમ્બરે સમજવાની જરૂર છે. તમે કાયમ ઘરમાં હો છો એટલે તમને આ વાતાવરણમાં કોઈ નવાઈ નહીં લાગે, પણ જે ઘરમાં જૂજ રહેતો હોય તેને ઘરનું વાતાવરણ અનુકૂળ આવે એવું વાતાવરણ ઊભું કરવાની જવાબદારી તમારી પણ છે.
બહુ વાતો કરી લીધી અને બહુ ટાઇમપાસ કરી લીધો. સમયનો સદુપયોગ કરવાના અનેક રસ્તા અને સલાહ તમને મળતી હશે, પણ તમને મારે માત્ર એટલું કહેવું છે કે આ જેકોઈ સમય મળ્યો છે એ દરમ્યાન તમે તમારી સાથે પણ સમય પસાર કરો. એક નિયમ બનાવો કે બધા સાથે સતત રહેવા કરતાં થોડો સમય એકલા રહેવું છે. એકલા રહેવાથી અંદર રહેલા કે પછી અંદર ધરબાઈ ગયેલા વિચારો બહાર આવશે અને આ બહાર આવેલા વિચારોને ટપકાવી લેજો. જે વિચારો અંદર હતા એ બધાને બહાર લાવો અને એના પર મનોમંથન કરો. યાદ રાખજો કે જે વર્ષોથી અંદર દબાયેલું છે એ બહાર આવશે ત્યારે એમાં સારી વાત પણ હશે અને ખરાબ વાત પણ હશે. લિસ્ટ બનાવશો તો વધારે ક્લિયર સમજાશે કે સારું શું છે અને શું ખરાબ છે. જેટલું સારું છે એ બધું સમય મુજબ કેમ અમલમાં મૂકવું એનું પ્લાનિંગ કરવાનું છે અને પછી પ્લાન મુજબ એ અમલમાં મૂકતા જવાનું છે. માનવમન કેટલા બધા વિચારો દિવસભર કરતું રહે છે એના વિશે કોઈ જાણકારને પૂછશો તો સમજાશે કે અગણિત વિચારો માનવમન ધરાવે છે. હવે આજે જ્યારે સમય મળ્યો છે ત્યારે એ વિચારોને બહાર લાવવાનું કામ તમારે કરવાનું છે.
ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એ બધાનો સમન્વય કરીને એક પ્લાન બનાવો. તમારે જો ભૂતકાળની ભૂલનું પુનરાવર્તન ભવિષ્યમાં ન કરવું હોય તો આ કામ કરવું ખૂબ જરૂરી છે. જૂના સંબંધોથી લઈને જૂનાં કમિટમેન્ટ પર ફરીથી કામ કરવાનો આ સમય છે. યાદ કરો કે કઈ વાતથી વર્ષોથી દૂર ભાગતા હતા, શેનો ડર હતો, શું કરવું હતું અને શું ન કરી શક્યા, કયા સંબંધોને સમય નથી આપ્યો કે પછી કયા સંબંધોમાં તમે અપેક્ષા મુજબ કંઈ આપી નથી શક્યા કે કંઈ લઈ નથી શક્યા. અપેક્ષા જ માનવજગતને જોડી રાખે છે અને આ અપેક્ષા જ કદાચ તમને ભવિષ્યમાં બહુ કામ લાગે એવું પણ બને. તમારો પ્લાન એ રીતે બનાવો જેથી તમને આવનારા સમયમાં એ બધું અપ્લાય કરવાનો સમય પણ મળી રહે.
આપણી પાસે બધું કરવાની શક્તિ છે, કદાચ નથી કરી શક્યા તો એની પાછળનાં કારણો શોધો અને એ કારણો દૂર કરો. આ સમયમાં જે વિચારો આવે છે એનાં કારણ શોધો અને એ કારણોના, એ પ્રશ્નોના જવાબ કેમ શોધવા એની પણ તમને ચાવી આપું છું. ઑનલાઇન કેટલી બધી બુક્સ અવેલેબલ છે, તમે વાંચવાનું શરૂ કરો. જેવા પ્રશ્નો એવી બુક શોધો અને પછી એના જવાબ શોધો જે તમારા પ્રશ્નો મુજબ તમને એવું લાગે કે બુકમાંથી કે વાંચીને કે પછી મનોમંથન કર્યા પછી પણ જોઈતા જવાબ નથી મળતા તો પછી હજી પણ એક બેસ્ટ ઑપ્શન આપણી પાસે છે. રોજ ગીતાજી વાંચવાનું શરૂ કરો. ગીતાજીમાં આજના સમયમાં પણ પ્રૅક્ટિકલ થાય એવા બધા જ જવાબ હાજર છે. માત્ર તમે એને વાંચશો એટલે દિશા આપોઆપ ખૂલવા માંડશે. ગીતાજીમાં તમારા દરેક પ્રશ્નોનાં, દરેક મથામણનાં સમાધાન છે. જરૂર છે માત્ર ને માત્ર વિચારવાની, વિચારોને અલગ કરવાની, ફરી પાછું વિચારવાની, વાંચવાની અને એના જવાબો શોધવાની. જે સમય અત્યારે મળ્યો છે એ અમૂલ્ય છે અને જેમ આગળ કહ્યું એમ થોડો સમય એકલા ગાળો, તમારા રૂમમાં કે પછી ઘરની કોઈ એક જગ્યાને સ્ટડી-પ્લેસ તરીકે વિકસાવો. જ્યાં માત્ર તમે અને તમારા વિચારો જ હોય.
સતત ન્યુઝ જોઈને કે પછી કોરોના કેવડો મોટો છે એ જ વિચાર કરીને આ થવાની સંભાવના નથી એટલે ઘરે જ રહીને આ બધાં કામ હાથમાં લઈ લો. અત્યાર સુધી સતત કામ કર્યું છે, અત્યાર સુધી સતત લોકોની વચ્ચે રહીને વિચારવાની અને કામ કરવાની પ્રવૃત્તિ તમે કરી છે, પણ આજે પહેલી વાર એકલા રહીને, જાતને સમય આપીને પછી એના પર અમલ કરવાની જરૂર છે અને એના માટેનો પુષ્કળ સમય અત્યારે તમારી પાસે છે. હું જે કહું છું એ કદાચ શરૂઆતમાં તમને ફની લાગે, જ્યારે એકલા બેસો ત્યારે મન વિચારે ચડે અને બીજું નકામું પણ કેટલું બધું બહાર આવે એવું બ,ને પણ એ બધું બહાર આવવા દેજો. જેમ-જેમ કચરો બહાર આવશે એમ નીચે પડેલા અમૂલ્ય અને કીમતી વિચારો પણ સપાટી પર આવશે અને એ બધું બહાર આવે એ નકામું નહીં હોય. મારા અને તમારા અને બધા કરતાં આપણા મગજની તાકાત ખૂબ જ વધારે છે, એ વિચારોની તાકાતને કામે લગાડો અને આ સમયમાં શું કરી શકો, શું-શું થઈ શકે એ બધાં કામની યાદી બનાવો.
મને નથી લાગતું કે શરૂઆતના બે-ત્રણ દિવસને બાદ કરતાં આ કામ આગળ જતાં અઘરું હોય, અઘરું હોય તો એ છે જાત સાથે રહેવું. એક વાર તમે જાત સાથે રહેવાની આદત પાડી દેશો પછી કદાચ એવું પણ બને કે આ લૉકડાઉન પૂરું થાય પછી પણ તમે આ આદતને છોડો નહીં, જે અલ્ટિમેટલી તો તમારા માટે સારું જ છે. જાતને સમય આપો અને જાતને જ કામ આપો તમારા માટે બેસ્ટ કરવાનું. તમારે માટે તમારી જાત કરતાં મોટું કોઈ વકીલ નથી, કોઈ મોટું જજ નથી અને કોઈ મોટી કોર્ટ નથી. આટલું કરશો તો કદાચ ઑટોમૅટિક નાહકની આદતો છૂટી જાય અને કઈ રીતે વધારે ઍક્ટિવ થવું એની દિશા મળી જાય. દરેક સમય કદાચ એ ખરાબ હોય કે સારો હોય, એ સતત એવો જ નથી રહેતો. સારો સમય જેમ આગળ વધે છે એમ ખરાબ સમય પણ આગળ વધે છે એટલે આ કટોકટીનો સમય પણ પસાર થઈ જશે. જરૂર છે ત્યાં સુધી આત્મમંથન કરવાની જે કરવું ખૂબ જરૂરી છે.

Sanjay Raval columnists weekend guide